ગ્લેમર નહીં સ્પોર્ટસ મને પસંદ છે- કવિતા પંડ્યા 11-9-12

02:18

લાંબી ,પાતળી અને સુંદર દેખાતી  બત્રીસ વરસીય કવિતા પંડ્યાને જોઇને થાય કે આ છોકરી મોડલિંગ કરતી હશે. પણ નવાઈ લાગે કે આ છોકરીને ગ્લેમર વર્લ્ડમાં કોઇ રસ નથી પણ સ્પોર્ટસ  તેનું જીવન  છે. આશરે પાંચ ફુટ નવ ઇંચની ઊંચાઈ ધરાવતી કવિતા પંડ્યાએ ક્યારેય મિસ ઇન્ડિયા બનવાનું સ્વપ્ન પણ નથી જોયું. કવિતા પંડ્યા મુંબઈમાં જન્મી અને ઉછરી. હાલમાં કવિતા પોતાનો બિઝનેસ પણ સંભાળે છે અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમને સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગની તાલીમ પણ આપે છે. છેલ્લા ત્રણ વરસથી તે મહિલા ક્રિકેટ ટીમ સાથે સંકળાયેલી છે. હાલમાં તે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સાથે ટી 20 વર્લ્ડ કપ માટે શ્રીલંકા જવાની તૈયારી કરી રહી છે. તેને આશા છે કે આ વખતે મહિલા ક્રિકેટ ટીમ ચોક્કસ જ વર્લ્ડ કપ લઈ આવશે. ગયા વરસે પુરુષ ક્રિકેટ ટીમ ટી 20માં સેમી ફાઇનલ સુધી ય નહોતી પહોચી શકી જ્યારે ભારતીય મહિલા ટીમ સેમીફાઇનલમાં પહોંચી હતી. કવિતા પંડ્યાના પિતા અલખનિરંજન પંડ્યા ફુટબોલ રમતા હતા તો માતાને પણ રમતગમતમાં રસ હતો એટલે કવિતાને તેમણે પ્રોત્સાહિત કરી હતી. 1999 થી 2005 સુધી તે 100 મીટર દોડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી હતી. એશિયન ગ્રાન્ડ પ્રિક્સ એથ્લેટિક્સ રમતોત્સવમાં ફિલિપાઈન્સ, બેંગકોક અને ભારતમાં તેણે ભાગ લીધો હતો. એથ્લેટ તરીકે તે એશિયામાં પાંચમાં ક્રમે હતી. પણ પછી તેણે સ્પોર્ટસ ટ્રેઇનિંગ લીધી અને નેશનલ ક્રિકેટ એકડમીની લેવલ ઝીરો અને વન ક્લિયર કર્યુ. ગયા વરસે તેની મમ્મી માંદી ન હોત તો હાલમાં જે અંડર 19 બોયઝ ટીમ વર્લ્ડ કપ જીતીને આવી તેમની સ્ટ્રેન્થનિંગ કોચ તરીકે જોડાયેલ હોત. કવિતાને જ્યારે પૂછ્યું કે તને ક્યારેય એવું લાગે કે પુરુષ ક્રિકેટ ટીમને જેટલું મહત્ત્વ આપવામાં આવે છે તેટલું મહિલા ક્રિકેટ ટીમને મહત્ત્વ નથી અપાતું. જવાબમાં કવિતાએ ખૂબ સરસ વાત કરી, મને લાગે છે કે કોઇ તમને મહત્ત્વ આપે કે નહીં, તેનાથી ફરક ન પડવો જોઇએ. દુનિયા તમને ઓળખે,નામ આપે તે માટે કોઇ મહિલા સ્પોર્ટસની દુનિયામાં પ્રવેશતી નથી. સ્પોર્ટસ તેમને માટે પેશન હોય છે. મેરી કોમ કે સાઇના નેહવાલને આજે લોકો ઓળખે છે તે એમના એચિવમેન્ટને લીધે. તમને જે ગમે તે કરો તો સફળતા જરુર જ મળે છે. મારા મતે આજ વધુ મહત્ત્વનું છે.  અને હવે તો દુનિયા બદલાઈ રહી છે. પહેલાં કરતાં અનેક છોકરીઓ ગ્લેમરની દુનિયા કરતાં રમત ગમતમાં કારર્કિદી બનાવવા માટે વધારે ગંભીરતાપૂર્વક વિચારી રહી છે. તમને નવાઈ લાગશે પણ જેમના ઘરમાં પૌષ્ટિક ખાણું મળવાની શક્યતા ન હોય તેવા ઘરની છોકરીઓ પણ રમતગમતમના ક્ષેત્રમાં  પ્રવેશી રહી છે. ક્રિકેટ કોચિંગમાં તો હું તે જોઇ રહી છું. કારણ કે તેમને અહીં સારી તક દેખાઈ રહી છે. સાથે સ્ટિરીયો ટાઈપ ન હોય તેવી  પોતાની જુદી કારર્કિદી માટેના સ્વપના પણ જોઇ શકે છે. મને પણ અનેક લોકોએ કહ્યું હતું કે તમે કેમ ગ્લેમર વર્લ્ડમાં જવાનો પ્રયત્ન નથી કરતા પણ મને સ્પોર્ટસમાં જે આનંદ આવે છે, જીવનનું જે સાફલ્ય લાગે છે તે ફક્ત ગુડી ગુડી બનવામાં નહી લાગે. એવું નથી કે મને મારા દેખાવમાં રસ નથી. હું સારી દેખાઉં તે મને ગમે છે તે માટે હું મારી કાળજી પણ લઉં છું.
કવિતાનું હાલનું શિડ્યુલ ખૂબ જ વ્યસ્ત છે. એક તો વર્લ્ડ કપ અને તેનું કેડ બીનું આઉટલેટ જ્યાં ચોકલેટ પ્રોડકટસ વેચાય છે તેની દેખરેખ. તે છતાંય તે દરરોજ બે કલાક પોતાના વર્કઆઉટ માટે સમય કાઢે છે. રોજ પોતાના ડાયેટનું ખ્યાલ રાખે છે, પરંતુ, અઠવાડિયામાં એક દિવસ તે પેટભરીને ચોકલેટ,આઇસ્ક્રિમ કે મનભાવતું ખાય જ છે. કવિતાનું  કહેવું  છે કે સ્ત્રી તરીકે વિચારો નહીં વ્યક્તિ તરીકે જીવો. ફક્ત બીજાને માટે જ નહીં પણ પોતાને માટે ય જીવો.કવિતા ટુંક સમયમાં લગ્ન પણ કરવાની છે. ઓલ ધ બેસ્ટ કવિતા.

You Might Also Like

0 comments