આનંદ છલકાવો જોઈએ...

22:41

આનંદ છલકાવો જોઈએ...     બિરજુ મહારાજનૃત્ય માટે ઊભા હોઇએ અને અંદરથી આનંદ ન ઊભરાય તો તેની છાલક પ્રેક્ષકોનેય  કઈ રીતે ભીંજવે?... પગના ઠેકા કે નૃત્યની ભંગિમા માત્રથી ક્યારેય નૃત્ય નથી બનતું. નૃત્ય શરીરથી ત્યારે જ થઈ શકે જ્યારે મન સુંદરતાના ભાવથી રંગાયેલું  હોય... સુંદરતાના દર્શન માત્રથી તમારા મનમાં આનંદ ઉદભવે. કોઇ ખરાબ કે કંટાળાજનક ચીજ જોઈને આનંદની અનૂભુતિ નથી થતી. સુંદરતાની અનૂભુતિ તમને આનંદનો અહેસાસ કરાવે છે. હું તો સૌંદર્યને કહું છું કે  તુમ સુંદર હો...આવું કહેતા જ સુંદરતાની ઝલક મળી જાય છે.  ખરેખર સૌંદર્ય સામે આવીને ઊભું રહી જાય તો શું એને જોઇ શકવા આપણે સમર્થ છીએ ?  મારા માટે પરમ સૌંદર્યરૂપ, આનંદરૂપ કૃષ્ણ છે. મારા પરમ આરાધ્ય છે.
જીત દેખું તિથ શ્યામ... નૃત્ય કરતી સમયે તેઓ સતત મારી નજર સમક્ષ હોય છે. ખરું કહું તો હું તેમના માટે નૃત્ય કરું છું. તેમને જોતાં જ આંખોમાં આનંદનો ભાવ જન્મે છે. તેમનું લાલિત્ય મારા અંગમાંથી ઝલકે છે. હાથ ઉપર કરું તો ત્યાં ઉપર ઝાડ પર બેઠાં હોય.નીચે કરું તો ત્યાં પોતાની આગવી અદામાં બિરાજેલા હોય ,હાથ સામે કરું તો ત્યાં ઊભેલા જોઉઁ, પાછળ હાથ કરું તો ત્યાં ય એ જ મંદ હાસ્ય વેરતા હોય... ચક્કર લઉં તો ચારે દિશામાં એ જ બસ એજ.. ..ખરું કહું છું સતત મારી સાથે સુંદરતાની મૂરતી આનંદસ્વરૂપે ઊભી હોય. 
મારા પર કૃષ્ણની પરમ કૃપા છે. પણ હું મારા શિષ્યોને સતત કહું છું કે બહારના મેકઅપ કરતાં પહેલાં મનનો મેકઅપ કરો તેમાં સૌંદર્યના રંગો ભરો તો જ નૃત્ય સુંદર કરી શકાશે. કૃષ્ણ સુંદર પણ છે અને પ્રેમસ્વરુપ પણ છે. શ્યામસુંદરના પ્રેમથી જે અનૂભુતિ થાય તે જ ખરો સાત્વિક આનંદ આપી શકે. કથ્થકમાં કમરના લટકા મટકા નથી. તેમાં ફુટવર્ક અને હાથોની ભંગિમાઓ છે. પણ માત્ર એટલું જ કરવાથી તે મિકેનલ બની જાય છે. તેમાં ભાવ, લાગણીનો રસ ઊમેરાય તો તે કરનારને તો આનંદ આપે જ છે પણ દર્શકને પણ આનંદની છાલકથી ભીંજવી દે છે.
મને ઘણીવાર પત્રકારો પ્રશ્ન પૂછે છે કે મહારાજજી આપકો સુંદર ગઠિલા બદન બનાનેકી કભી ઇચ્છા હુઇ? ત્યારે મારો એક જ જવાબ હોય છે કે સુંદરમાં સુંદર શરીરમાં જો પ્રેમભાવ કે આનંદ રસ નહીં હોય તો તે નિર્જીવ પુતળું બની રહે છે. મારું શરીરતો હજી ય ઠીક છે મારા પિતાજીનું પેટ જાણે રેતીની ગુણ... મોટું, મોઢાપર મોટો મસો....અને મોંઢામાં પાન હોય... તેમાંથી રસ રેલાય તો ખિસ્સામાં રુમાલ હોવા છતાં ઝભ્ભાની બાંહથી લુછે... એકવાર રાયગઢ મહારાજ  રામપુર નવાબના  મહેમાન બન્યા હતા. તે સમયે નવાબે બધા દરબારીઓની સમક્ષ અચ્ચન મહારાજની ઓળખાણ કરાવી. અચ્ચન મહારાજના આવા દિદાર જોઈને તેમણે મોં બગાડીને પુછ્યું કે આ નર્તક છે..?  રામપુર નવાબે તેમને ખાસ આગ્રહ કર્યો કે એકવાર જરા તેમનું નૃત્ય જોઇ લો પછી કહેજો. મારા પિતાજી ખેસને પીનથી બાંધતા નહીં. એટલે સાંજે જ્યારે મહેફિલ સજી ત્યારે  નૃત્ય કરતાં પહેલાં તેઓ  રાયગઢ મહારાજને સલામ કરવા ઝુક્યા કે ખેસ પડ્યો... તેમણે જે અદાથી ખેસ ખભે સરખો કરતાં પ્રણામ કર્યા તે જોઇને રાયગઢ મહારાજ વાહ પોકારતાં બોલી ઊઠ્યા, જો ખેસ સરખો કરવાની આ અદા હોય તો નૃત્ય કેવું હશે ?...તાત્પર્ય એ જ કે નૃત્યમાં પહેલાં સુંદર મન અને અભિનયની જરુર છે... બીજું બધું આનંદના પ્રકાશમાં ઓગળી જશે.
 હું નસીબદાર છું કે  બિંદાદીન મહારાજ , લચ્છુ મહારાજ, શંભુ મહારાજ જેવી વ્યક્તિઓ પાસે  શીખવા મળ્યું . તેમની તાલીમમાં આ જ પ્રેમ,ભાવ અને સૌંદર્યની વાત હતી. ભાગ્યશાળી છુંકે સૂર,તાલ,ભાવ અને શબ્દો જેવી કલાનો મૂલ્યવાન વારસો મને મળ્યો છે. સંગીત, તાલ, ગાન મને પ્રિય છે જ પરંતુ, નૃત્ય મારા  માટે અભિવ્યક્તનું માધ્યમ છે. અન્ય માધ્યમો મને જીવનપ્રવાસ દરમિયાન મળ્યા છે. તમે જ્યારે સંગીતના આંતરિક ભાવને સમજવા લાગો છો ત્યારે એ જુદું સ્વરુપ લે છે. સંગીતવાદ્યો પણ સર્જનાત્મકતાને વ્યક્ત કરવાના અન્ય માધ્યમો છે. મને નૃત્ય ધ્વારા કૃષ્ણને પામવાનો અને લોકોના હ્રદય સુધી પહોંચવાનો રસ્તો મળ્યો છે એટલે નૃત્ય મારા માટે સાક્ષાત આનંદસ્વરુપ છે. કલાને મેં પૂજી છે વેચવાનું સાધન નથી બનાવ્યું એનો મને સંતોષ છે.
(શબ્દાંકન – દિવ્યાશા દોશી) નવનીત સમર્પણ દિવાળી અંક નવેમ્બર 2013
You Might Also Like

0 comments