શું કરું ? કન્ટ્રોલ નથી રહેતો

20:43

વરણાગી રાજા   19-11-13                   

 

આને તે કંઇ શાક કહેવાય.... કહેતાં જ થાળી ઊછળીને પડે. મારું મનગમતું શર્ટ  નથી મળતું... કહેતાં આખોય કબાટ ફેંદાઈ જાય.... પોતાની જ ભૂલ હોય છતાં રીક્ષાવાળાને ગાડી પર પડેલાં ઘસરકાને કારણે માબહેનની ગાળો અપાય જાય.  ગુસ્સો કરવો એ જાણે પુરુષોનો જન્મસિધ્ધ અધિકાર માની લેવામાં આવે છે.  ભારતના કોઇપણ ખૂણે જાઓ અને બે સ્ત્રીઓ વાત કરતી હોય તો તેના વિષયમાં પતિના ગુસ્સાનું વર્ણન ન હોય તેવું ભાગ્યે જ બને. ગુસ્સોતો સ્ત્રીને ય આવે પરંતુ, પુરુષોને ગુસ્સો આવે ત્યારે સ્ત્રીના ગુસ્સાનું ભયમાં રૂપાંતર થઈ જાય. જેમ સ્ત્રીઓ હોર્મોનલ ચેન્જને કારણે ચિડયણ થઈ જાય તેમ એડ્રિનલ ગ્રંથિ અને ટેસ્ટેટોરોન હોર્મોનને કારણે પુરુષો અગ્રેસિવલી બિહેવ કરતાં હોય છે. પુરુષની આ ગ્રંથિઓ જ તેને પુરુષપણું આપતી હોય છે. પરંતુ પુરુષનો અગ્રેસિવ સ્વભાવ જ્યારે તાર સ્વરે પહોંચે એટલે કે ગુસ્સો આવે ત્યારે સૌથી વધુ પીડા તે પોતાની સૌથી નજીકની વ્યક્તિઓને આપતો હોય છે.
પત્નિ અને બાળકો પુરુષના ગુસ્સાનો ભોગ સહજતાથી બની જતી હોય છે. જો કે ગુસ્સો ઊતર્યા બાદ એ જ પુરુષ ગુનાહિત લાગણી પણ અનુભવતો હોય છે. તેને દુખ પણ થાય છે કે કેમ તેણે પોતાના પર કન્ટ્રોલ ન કર્યો. મોટાભાગે તે પોતાના પ્રિયપાત્રની માફી  માગી લે છે, બીજીવાર એવું નહીં થાય તેની બાંહેધરી ય આપે .  તે છતાંય મોટાભાગના પુરુષો વારંવાર ગુસ્સે થતા હોય છે. શું કામ ? આ સવાલ એ પુરુષને પૂછો તો એને પણ ખબર નથી હોતી.  ગુસ્સો આવવો તે પૌરુષિય લક્ષણ હોવાનું માનવામાં આવે છે. મોટાભાગની પત્નિઓને તમે એમ કહેતાં સાંભળી શકશો કે, અમારા એ તો ભૈસાબ બહુ ગુસ્સાવાળા. આ વાતને ક્યારેક  તો ગર્વભેર રજુ કરવામાં આવતી હોય છે.  એક સર્વે પ્રમાણે 31 ટકા સ્ત્રીઓ ગુસ્સો કરતાં પતિની સાથે રહેતી જ હોય છે. કારણ કે એ પુરુષ જ્યારે ગુસ્સામાં નથી હોતો ત્યારે ઘણો સારો હોય છે. તેના ગુસ્સા સિવાય તે સ્ત્રીને પતિ માટે કોઇ ફરિયાદ નથી હોતી.
યાદ રહે અહીં ગુસ્સાની વાત થાય છે નહીં કે ક્રૂરતાની. ક્રૂરતામાં સામી વ્યક્તિને શારિરીક ઇજાઓ પહોંચાડાતી હોય છે. જેને કદીય માન્ય કરવામાં આવે જ નહીં.  જ્યારે ગુસ્સામાં ય  માનસિક પીડાતો અપાય જ છે.  એન્ગ્રી યંગ મેનને ખરાબ ઇમેજ નથી માનવામાં આવતી. એન્ગ્રી યંગ મેન કહેતાં જ આપણને અમિતાભ બચ્ચનનું નામ યાદ આવે . તેને સિત્તેરના દાયકામાં જંઝીર અને દિવાર ફિલ્મ બાદ બાળપણમાં પોતાની સાથે થયેલા ર્દુવ્યવહારને યાદ રાખીને લડત આપતો યુવાન બતાવ્યો છે. ડૉ લીન નામકા સાયકોલોજીસ્ટ,થેરેપીસ્ટે લખે છે કે  સંશોધન ધ્વારા સાબિત થયું છે કે પુરુષો સ્ત્રીઓ કરતાં વધુ ગુસ્સાવાળા હોય છે. સ્ત્રીઓના મગજમાં એવી રચના છે કે તે લાગણીઓ સાથે સંવાદિતા જાળવી શકે છે એટલે ગુસ્સાને તેઓ સહજતાથી અપનાવી શકે છે. જ્યારે પુરુષોના ઊંચા ટેસ્ટેટોરોન લેવલને કારણે આક્રમક વલણને ગુસ્સા ધ્વારા અભિવ્યક્ત કરે છે. જેને પૌરુષિય ગુણ તરીકે સ્વીકારી લેવામાં આવે છે. બાળક હોય ત્યારથી જ તે હિંસાત્મક કોમ્પયુટર ગેમ રમે છે  અને મોટો થયા બાદ હિંસાત્મક ફિલ્મો પણ પુરુષ દર્શકો માટે જ બને છે. 
એવુ માની લેવામાં આવે છે કે સામી વ્યક્તિએ કંઇક ખોટું કર્યું હતું એટલે જ ગુસ્સો આવ્યો. ગુસ્સે થતો પુરુષ પત્નિ કે બાળકોની ભૂલ પર ગસ્સે થતો હોવાની દલીલ કરશે. પણ હકિકતમાં તો ગુસ્સો આવવાના કારણો જુદા હોય છે. ખરો પુરુષ સામી વ્યક્તિની ભૂલ પર ગુસ્સે નહીં થાય પણ શાંત રહીને સ્પષ્ટપણે પોતાની વાત રજૂ કરી શકતો હોય છે.
મોટાભાગે પુરુષો પોતાની લાગણીઓ દર્શાવતા નથી. રડવું, હતાશા, નિરાશા, પીડા વગેરે લાગણીઓ પુરુષને નબળો બનાવે છે તેવી માન્યતા છે. પણ  આ બધી ભીતર ધરબાયેલી લાગણીઓ  જરાક ટ્રીગર થતાં ગુસ્સાના સ્વરૂપે બહાર આવે છે. હકિકતે જે પુરુષ સતત કોઇ ભયમાં જીવતો હોય છે તેને ગુસ્સો  જલ્દી આવતો હોય છે. મેન ડોન્ટ લિશન નામના પુસ્તકમાં લેખક વેયન મિસનર સરસ રીતે આ બાબતની છણાવટ કરે છે જેમકે
1.       ફેઇલ્યોરિટીનો ભય
2.       પ્રેમને લાયક ન હોવાનો ભય
3.       કન્ટ્રોલમાં ન રહી શકવાનો ભય
4.       રિજેકશનનો ભય
5.       અજ્ઞાનનો ભય
6.       પોતે ખરેખર કેવો છે તે જો જાણી લેશે તો છોડી દેવામાં આવશે તેનો ભય
7.       એકલા પડી જવાનો ભય


મોટાભાગે કોઇપણ જાતની ફેઇલ્યોરિટી,  હારી જવાની લાગણી પુરુષ ગુસ્સાથી વ્યક્ત કરતો હોય છે. લિયો મેડોવ એમ.ડી. નું પુસ્તક છે એન્ગર તેમાં લખ્યું છે કે , ગુસ્સે થવાના મુખ્ય બે કારણો હોય છે એક તો  પુરુષોએ પોતાનો એટલો બધો ગુસ્સો દબાવીને રાખ્યો હોય છે કે જરાક અડતાં જ તે ફુગ્ગાની જેમ ફુટી પડે છે. મોટેભાગે આવી વ્યક્તિ  જરૂરી હોય એના કરતાં વધુ ગુસ્સો દર્શાવી ઓવર રિએક્ટ કરતી હોય છે. આવા પુરુષોના જીવનમાં બાળપણથી જ અનેક જાતના અસંતોષનો ધુંધવાટ સંઘરાયેલો હોય છે. બીજું કારણ , આવા પુરુષોએ અનૂભવ્યુ હોય છે કે ગુસ્સો કરવાથી તેમનું કામ થતું હોય છે એટલે ગુસ્સાનો તેઓ કામ કઢાવવાના હથિયાર તરીકે ઉપયોગ કરતાં હોય છે. ગુસ્સો પણ ત્રાગાંનો એક પ્રકાર છે. બાળક હોય ત્યારે ગુસ્સો વ્યક્ત કરતાં જોઇતી વસ્તુ મળી જાય તો એ બાબત અજાગૃત મનમાં સંઘરાઇ જતી હોય છે. ગુસ્સો કરવાથી કોઇપણ નાની હા થઈ જાય તો બીજીવાર એ જ પેટર્નમાં વર્તન કરવાની આદત પડી જતી હોય છે.
એવા વર્તનનો ભય પામ્યા વિના સામી વ્યક્તિઓ જો પ્રતિસાદ ન આપે તો શક્ય છે કે ગુસ્સા પર કાબૂ મેળવી શકાય છે. કારણ કે ગુસ્સાવાળી વ્યક્તિની આસપાસ લોકો સતત ભયમાં રહેતા હોય છે. તેમને એ પુરુષ ક્યારે કેમ વર્તશે તેનો સતત ભય રહેતો હોય છે.  ગુસ્સાને પુરુષાતનની ખોટી માન્યતામાં ન ઢાળી દેતા તેના મૂળમાં જઈને સમજવાની જરૂર હોય છે. કારણ કે ગુસ્સામાં વ્યક્તિ કેવું વર્તન કરશે તેનું ભાન રહેતું નથી. ગુસ્સામાં જ વ્યક્તિ માણસાઈની સીમા ઓળંગી જઇને  ક્યારેક ક્રૂરતા આચરી દેતો હોય છે.  ગુસ્સો ઊતરી જતાં ફક્ત પસ્તાવાનું જ રહે છે. એના કરતાં લાગણીઓને વ્યક્ત કરતાં રહીને  પુરુષ તરીકે જવાબદાર વર્તન કરવામાં આવે તો ગુસ્સાનો ભોગ ન બનવું પડે. બીજા પર ગુસ્સો કરતો પુરુષ સૌ પ્રથમ પોતાની જાત સામે હારી જતો હોય છે. ગુસ્સો માત્ર નપુંસક હોય છે. બાકી દરેક  વિપરીત પરિસ્થિતિમાંથી શાંત ચિત્તે વર્તન કરી યોગ્ય માર્ગ કાઢી જ શકાતો હોય છે. અહીં  જાણીતા હિન્દી સાહિત્યકાર નરેન્દ્ર મહેતાના કાવ્યની એક પંક્તિ યાદ આવે  છે,
સામનેવાલા અગર ક્રોધસે પશુ હો જાએ
તો રાહ દેખો ઉસકે પુન: મનુષ્ય હોને કી. 
પશુ અને પુરુષમાં શું આ જ તફાવત નથી ?
You Might Also Like

0 comments