કોણ કોને છેતરે ? 17-12-13

01:01

જાતીય સતામણીના કિસ્સામાં તરુણ તેજપાલ સજા ભોગવ્યા બાદ ઘરે જશે ત્યારે શું તેની પત્નિ તેની સાથે પહેલાં જેવો વ્યવહાર કરી શકશે... મોટાભાગના કિસ્સાઓમાં એવું થતું જોવા મળ્યું છે કે પતિ અફેર કરે અને પછી પસ્તાઇને ફરી પાછો પત્નિ પાસે જવા માગે છે. 
પુરુષ  હોર્મોનને કારણે  પત્ની કે પ્રેમિકા હોવા છતાં અન્ય સ્ત્રીને જુએ છે તે આપણે આગલા આર્ટિકલોમાં જોઇ જ ગયા છીએ. સ્ત્રીને જોવી અને તેની સાથે લગ્નબાહ્ય સંબંધ  સંમતિથી કે અસંમતિથી બાંધવો તે જુદી બાબત છે.  લગ્નસબંધ તોડીને અન્ય વ્યક્તિ પાસે જવામાં પુરુષોની સંખ્યા સ્ત્રીના પ્રમાણમાં વધુ છે તે રિસર્ચના આંકડા જોયા સિવાય પણ સ્વીકારી શકાય છે. હાલમાં પ્રચલિત લીવઇન રિલેશનશીપ અને થોડા વરસો પહેલાં ગુજરાતમાં પ્રચલિત થયેલા મૈત્રીકરારના સંબંધો જોઇએ તો ખ્યાલ આવે કે મોટાભાગના પુરુષો પરણીત રહી ચુક્યા હશે. લગ્નમાં બંધન લાગતું હોય કે ત્રાસદાયક હોય તો ય બાળકોને માટે લગ્નજીવન નિભાવતી પત્નિઓ જોવા મળશે પરંતુ, પતિ અનેક કારણો આપીને પોતાના લગ્નબાહ્ય સંબંધોને સાચું ઠેરવવાનો પ્રયત્ન કરશે.(કરેક્ટ મી ઇફ આઈ એમ રોન્ગ)
1990ની સાલમાં શેખર કપુર અને ડિમ્પલ કાપડિયા અભિનિત દ્રષ્ટિ નામની ફિલ્મ આવી હતી. તેમાં મધ્યમવર્ગના પ્રોફેશનલ યુગલની વાત છે. લગ્નના આઠ વરસ બાદ પત્નિને એક ક્લાસિકલ ગાયક સાથે અફેર થાય છે. થોડો સમય બાદ તે અફેર તૂટી જાય છે. વરસેક બાદ પતિને પોતાની આસિસ્ટન્ટ સાથે અફેર થાય છે અને તે ડિવોર્સ લે છે. ડિવોર્સના ચાર વરસ પછી પતિને લાગે છે કે તેણે યોગ્ય કર્યું કે નહીં. અને એ અંગે બન્ને વાત કરે છે. પત્નિ પતિને પોતાના અફેર વિશે વાત કરતાં કહે છે મેં તો લગ્નને મહત્વ આપતાં તે અફેરને ત્યાં જ પૂરું કરી દીધું હતું. અર્થ ફિલ્મમાં પણ કુલભુષણ ખરબંદા પત્નિ પાસે પાછો આવવા માગે છે. તો બિલ ક્લિન્ટને ય પોતાના સ્ખલનની કબૂલાત કરીને પત્નિની માફી માગી હતી.
તરુણ તેજપાલના કિસ્સા કરતાં ય રસપ્રદ  ઇન્ફોસિસના ભૂતપૂર્વ સિનિયર અધિકારી અને નાસ્ડાક લિસ્ટેડ આઇગેટ કંપનીના ભૂતપૂર્વ સીઈઓ ફનીશ મૂર્તિનો કિસ્સો છે. તેને જાતિય સતામણીના ગુના માટે ઇન્ફોસિસમાંથી પાણીચું આપવામાં આવ્યું હતું અને ગયા મે મહિનામાં ફરીથી જાતિય સતામણીનો આરોપ તેના પર કરવામાં આવ્યો.  તેણે બીજી કંપનીમાં પોતાની સાથે કામ કરતી સ્ત્રી સાથે સેક્સુઅલ સંબંધ બાંધ્યો. પેલી સ્ત્રીને ગર્ભ રહ્યો તો એને એબોર્શન કરવા માટે મજબૂર કરી રહ્યો હોવાનો તેના પર આરોપ છે.  ત્યારબાદ તેણે જાહેરમાં કબૂલ્યું કે લગ્ન ન જાળવતાં લગ્નબહાર સંબંધો બાંધવાની ભૂલ મેં કરી છે.અને અઘરું છે પણ  હવે હું ફરીથી મારી પત્નિ સાથે સુમેળ જાળવવાના પ્રયત્નો કરી રહ્યો છું.
અહીં પ્રશ્ન એ થાય કે આવું શું કામ થાય છે ? તો કેટલાક તારણો જે મળ્યા છે તેમાં  લગ્નના કેટલાક વરસો બાદ જ્યારે પત્નિ પોતાના સંસારમાં ખૂંપી ગઈ હોય છે ત્યારે પતિને  લાગે છે કે એને ટેઇક ઇટ ફોર ગ્રાન્ટેડ લેવામાં આવી રહ્યો  છે ત્યારે પુરુષને એવી વ્યક્તિની જરૂર જણાય છે જે તેને સાંભળે, તેના ઇગોને બુસ્ટ કરે અને ગંભીરતાથી લે. ખરું કહેજો આ વાંચીને તમને સારું લાગ્યું ને ? સાવ એવું ય નથી હોતું. વરસોથી સાથે રહ્યા બાદ બન્નેને એકવિધતા લાગે કે ક્યારેક કોઇક બાબતે ખાલીપો ય લાગે. પુરુષ પોતાની અસલામતીની લાગણીને કારણે અફેર કરે છે તો સ્ત્રી પોતે હજી ડિઝાયરેબલ છે એ સાબિત કરવા અફેર કરે છે. આ સાબિતીઓ તેમણે પોતાની જાતને જ આપવાની હોય છે. બીજાને નહીં. એટલે કે ખરા અર્થમાં તો તેઓ પોતાની જાતને પહેલાં છેતરે છે અને પછી પોતાના જીવનસાથીને છેતરે છે. કેટલાક પુરુષોને જ્યારે પત્નિથી દૂર ગયા બાદ એ સમજાય છે ત્યારે તે માફી માગીને પોતાની પત્નિ પાસે પહોંચી જાય છે. બાળકો હોય તો પત્નિ મોટેભાગે  માફ કરીને પતિનો સ્વીકાર કરે છે પણ સંબંધોમાં સાંધોતો રહી જ જાય છે.
રોબર્ટ વેઇસ  હ્યુમન બિહેવિયર, ટેકનોલોજી અને સેક્સુઆલિટી વિષયના એક્સપર્ટ છે. તેમણે એ અંગે પુસ્તકો પણ લખ્યા છે.વેઇસ કહે છે કે સંબંધોમાં છેતરપિંડી કરતાં પુરુષો
1.       જુઠ્ઠા હોઇ શકે, તેઓ ક્યારેય કોઇ કાયમી સંબંધોમાં રસ ન ધરાવતા હોય. લગ્ન કર્યા હોય કારણ કે કરવા પડે.
2.       અસલામતીની લાગણી ધરાવવાને કારણે પણ  સેક્સુઅલ રિલેશનશીપ, ફ્લર્ટ કે અફેર કરે કારણ કે તેમને ખાતરી કરવી હોય છે કે  તેમનામાં કોઇ કમી નથી. હજી પણ તેઓ યુવાન છે ડિઝાયરેબલ છે.એટલે જ અફેર કરનાર મોટાભાગના પુરુષો પોતાનાથી ઘણી નાની ઉંમરની સ્ત્રી પસંદ કરે છે.  
3.        પુખ્તતા ઓછી હોય ,  તેઓ એમ ધારીને છેતરપિંડી કરતાં હોય છે કે જ્યાં સુધી પત્નિને ખબર ન પડે ત્યાં સુધી તેઓ કોઇને દુખ નથી પહોંચાડતા. પણ જ્યારે ખબર પડશે ત્યારે તો દુખ થાય જ છે.એવું તેઓ સમજતા નથી કે સમજવા માગતા નથી.
4.       તેમને કોઇ આઘાત પહોંચ્યો હોય જાતીય સતામણી ધ્વારા કે પોતાની અંગત વ્યક્તિઓના એવા સંબંધો જોયા હોય અને તેનાથી ઘવાયા હોય.
5.       પત્નિ પાસેથી વધારે પડતી અપેક્ષા રાખતા હોય. પત્નિએ તેની દરેક મૂર્ખામી કે બડાઈઓ પણ સાંભળવી અને સતત પ્રોત્સાહન આપતા રહેવું જોઇએ એવું માનતા હોય. પત્નિની તકલીફો કે માનસિકતા સમજવાનો પ્રયત્ન ન કરે.
6.       બોરડમ કે વધારે પડતા કામનો બોજો , તાણને કારણે પણ બીજી સ્ત્રી તરફ વળે.
7.       એડિકટેડ હોય એટલે કે આદતનો ગુલામ હોય. સેક્સુઅલ એડિકશન પણ હોય છે.મોટેભાગે પોતાને રોમેન્ટિક માનતા પુરુષો વારંવાર પ્રેમમાં પડવા તૈયાર હોય છે. પણ એક સંબંધ નિભાવવા અસમર્થ હોય છે. 
8.       ખરેખર લગ્નસંબંધમાં ન રહેવુ હોય અને તેમાંથી છુટવા બીજા રસ્તા શોધતો હોય.


રોબર્ટ વેઇસ કહે છે કે મોટેભાગે એકાદવાર આવું બન્યા બાદ જો પતિ પત્નિ બન્ને સમજદારીપૂર્વક લગ્ન સંબંધને બચાવવાનો પ્રયત્ન કરે, કાઉન્સેલિંગ કરે તો હકારાત્મક પરિણામ જોવા મળી શકે છે. પણ જો સતત કોઇ પોતાના સાથીને છેતરે કે વિશ્વાસ ન ઊભો કરાવી શકે તો તૂટેલા સંબંધો જોડી શકાતા નથી. પછી તે સ્ત્રી હોય કે પુરુષ.
ટાઈગર વુડ અને અભિનેતા આર્નોલ્ડના કિસ્સાઓ આપણે જાણીએ છીએ. આર્નોલ્ડે તો પોતાની કામવાળી સાથે અફેર કર્યો , તેનાથી એને બાળક પણ હતું. દશ વરસ સુધી તેની પત્નિથી આ વાત છુપી રહી હતી. શક્ય છે તરુણ તેજપાલના પહેલાંના સેક્સ એન્કાઉન્ટર પણ હોઇ શકે. આસારામે તો પોતાની પત્નિ અને ભક્તો બન્નેને છેતર્યા છે. બિલ ક્લિન્ટનના પણ અનેક સ્ખલનો છે. એકવાર ભૂલ થાય અને પોતાની જાતને સંભાળી લેનાર વ્યક્તિને પત્નિ માફ કરી દેતી હોય છે. પરંતુ, વારંવાર ભૂલ થવી શક્ય નથી હોતી. પુરુષો મોનોગેમસ નથી હોતા એ કહેનાર વ્યક્તિ પોતાને ય છેતરતી હોય છે. અહીં માત્ર પુરુષ માટે જ લખ્યું છે એનો અર્થ એ નથી જ કે  સ્ત્રીઓ અફેર નથી કરતી. અસ્તુ...You Might Also Like

0 comments