રાવણને સમર્પિત ન થઈએ.29-10-13

09:18



ટેલિવિઝન ચેનલ કે અખબાર દરેક સમાચારમાં આસારામ અને નારાયણસાઈની લીલાઓની ચર્ચા છે. દરરોજ નવી પોલ ખુલી રહી છે. નવાઈ તો એ લાગે કે કેટલીબધી  સ્ત્રીઓ અને છોકરીઓ તેમના સંકજામાં ફસાઈ હતી. અને શક્ય છે કે હજી કેટલીય સ્ત્રીઓ ચુપ બેસી હશે.  આ પહેલાં 2010ની સાલમાં નિત્યાનંદ સ્વામીના સેક્સ કૌભાંડોની વાત ચગી હતી. આજે મિડિયા ધ્વારા આટલી વાતો બહાર આવી રહી હોવા છતાં  કહેવાતા સંતોની આસપાસ સૌથી વધુ પ્રમાણમાં સ્ત્રીઓ હોય છે. આસારામના સપોર્ટમાં પણ હજી ઘણી સ્ત્રીઓ બોલી રહી છે. ત્યારે એક પ્રશ્ન જરૂર ઉદભવે કે કેમ આજે પણ સૌથી વધુ સ્ત્રીઓ સંતોમહંતો અને બાપુની વાણીમાં આવી પોતાની જાતને સમર્પિત કરવા તૈયાર હોય છે ?
સાયકોલોજીસ્ટ અને રિલેશીનશીપ કાઉન્સેલર ડો રાજીવ આનંદ આ અંગે કહે છે કે સ્ત્રીઓ ભણેલી હોય કે અભણ આજની સ્ત્રી હોય કે કાલની તેમની માનસિકતા એક જ હોય છે. તેમને પોતાના જીવનમાં મિરેકલ બદલાવ જોઇએ છે. તેમને પોતાને કોઇ સમજે, મહત્ત્વ આપે તે ગમે છે. સ્ત્રીઓ લાગણીથી કામ લેતી હોય છે. અને આવા બાબાઓ, બની બેઠેલા બાપુઓને આ બાબતની જાણ હોય છે. તેઓ સ્ત્રીઓની સાયકોલોજીને જાણતા હોય છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જાણતા હોય છે. અને જે સ્ત્રીઓ આવા બાબાઓની નજીક જાય છે તેઓ પોતાના ઘર,પતિ કે જીવનમાં બદલાવ ઇચ્છતી હોય છે.ખુશ નથી હોતી તેમને થાય છે કે બાબા કોઇ ચમત્કાર કરશે અને તેમનું જીવન બદલાઈ જશે. આવા બાબાઓ કે બાપુઓ બોલવામાં માસ્ટર હોય છે. તેમના શબ્દો આવી સ્ત્રીઓને હિપ્નોટાઈઝ એટલે કે વશીકરણનું કામ કરે છે. ધીમે ધીમે તેઓ તેમના શબ્દો પ્રતિ નહીં પણ તેમના પ્રત્યે આકર્ષણ અનુભવે છે. પોતાના ઘરની કે કુટુંબની સેવા કરતાં આવા બાબાઓની સેવા કરવામાં માટે તેઓ તત્પર રહે છે. અને પોતાની જાતને ધન્ય માને છે. બસ, આવી માન્યતામાં સ્ત્રી ફસાય તેની જ આવા ઢોંગી લોકો રાહ જોતા હોય છે. 
બીજું આ સ્ત્રીઓને આવા કોઇ બાબાના ગ્રુપમાં જોડાઈને પોતાની આગવી ઓળખ હોય તેવો ભ્રમ પેદા થાય છે. તેમનું મહત્ત્વ સાબિત થતાં અહમ પુષ્ટ થાય છે. જેમ જેમ તેઓ પોતાની ઓળખ અને સત્તા ગ્રુપમાં મેળવતાં જાય તેમ તેમનું જીવન સાર્થક થયું અનુભવાય અને પછી બાબાની નજીક હોવાનો ગર્વ પણ ઉમેરાય. ધર્મ પ્રત્યેની આસ્થા અને કાર્યને લોકો શંકાની નજરે નથી જોતા. એટલે તેમને ઘરની બહાર નીકળવાનો પણ વાંધો નથી આવતો. કારણ કે અનેક સ્ત્રીઓ સાથે જતી હોય છે. બાબાના સ્પર્શ માટે પડાપડી કરતી પણ જોવા મળશે. તેમના પગનો , હાથનો સ્પર્શ તે સમયે તેઓ ધન્યતા અનૂભવે છે. આવા બાબાઓ જાણતા હોય છે કે કઈ સ્ત્રી કે છોકરી તેમના સંકજામાં ફસાશે. આ સ્ત્રીઓને સત્તા , પૈસા કે ધાકધમકીથી ચૂપ કરી દેવામાં આવે છે. એટલે આવી વાતો બહાર ભાગ્યે જ આવે છે કારણ કે આ બાપુઓનો અનુયાયી વર્ગ અને ધાક જબરા હોય છે. અને વળી સ્ત્રીઓને પોતાની બદનામીનો ડર હોવાને કારણે પણ તેઓ બોલતી નથી. આસારામબાપુ,નારાયણસાંઈ, નિત્યાનંદસ્વામી, મહેન્દ્રગીરી જેવા લોકો વિશે આપણે જાણીએ છીએ. પરંતુ, ક્યારેય વિચાર્યું છે કે આજે એકવીસમી સદીમાં  આજની નારી પણ આવા સ્વામી,સાધુઓ પર કેમ આંધળો વિશ્વાસ મૂકે છે ?
રાજીવ આનંદ કહે છે કે સ્ત્રીઓને ગમે છે જ્યારે તેમને કોઇ વ્યક્તિ મહત્ત્વ આપે છે. તેમાંય જેનું સમાજમાં સ્થાન હોય, લોકો તેને માનતા હોય તેવી વ્યક્તિની નજીક હોવું જીવનને સાર્થક લાગે છે. કારણ કે તેમને પરિવારમાં કે ઘરમાં એટલું મહત્ત્વ નથી મળતું. તેમની કદર નથી થતી  એટલે જ મંદિરો, આશ્રમોમાં સ્ત્રીઓની સંખ્યા વધુ દેખાશે. ભગવાનમાં શ્રધ્ધા રાખવી ખરાબ નથી પણ કોઇ વ્યક્તિને પોતાની જાતને સમર્પિત કરવા સુધીની કે પોતાનું શોષણ કરવા દેવું તે યોગ્ય નથી.

દિવાળી ત્યારે જ મનાવી શકાય જ્યારે  ઘરમાં કે ઘરની બહાર આવા અનેક માથાં લઈને ફરતાં  રાવણને સમર્પિત ન થઈએ. લાગણીમાં આવીને કોઇ નિર્ણય લેવા કે પોતાની જાતને અસહાય માનવા કરતાં આજની નારીએ પોતાના શક્તિસ્વરૂપને ઓળખતાં શીખવું પડશે.વખત આવે આવા રાવણોને ખુલ્લા પાડતાં અચકાવાની જરૂર નથી. તેમ કરવાથી બીજી અનેક નારીનું શોષણ અટકાવવામાં આપણે મદદરૂપ બનીએ છીએ.

You Might Also Like

0 comments