પતંગ અને પુરુષ 14-1-14

22:30

કાઈપો છે....

          

આજે સંક્રાતિનો તહેવાર પતંગને માંજા વગર અધૂરો લાગે. પતંગ પુરુષવાચક છે. સદીઓથી પતંગ વરણાગી રહ્યો છે એટલે આજે પતંગ સિવાય બીજા કોઇની વાત કરીએ તે યોગ્ય ન કહેવાય.  પતંગ અને પુરુષના  સંબંધનું  અનોખું સાતત્ય રહ્યું છે.  તો જીવનમાં તે આડકતરી રીતે આપણી સાથે જોડાયેલો રહ્યો છે. વેપારમાં કે રોજીંદા વ્યવહારમાં અને રાજકારણમાંય  તમે ક્યારેક તેના પ્રયોગો સાંભળ્યા હશે, બોલ્યા હશો. આકાશમાં ઊડતાં પતંગને કાપીને જે આનંદ મળતો હોય છે તે વ્યવહારમાં ય બીજાને નીચે પાડવામાં મળતો હોય ત્યારે કાઈપો છે,  લપેટ લપેટ જેવા શબ્દો આપણે અનેક પ્રસંગે  વપરાતાં સાંભળીએ છીએ.
વિદેશમાં પણ કાઈટ ફ્લાઈંગ શબ્દ રાજકારણમાં કેટલાક સંદર્ભો સાથે વાપરવામાં આવે છે. લાલુએ એકવાર કોઇ માટે કહ્યું હતું કે અભી તો પતંગ ઊડાને દો હવા થમ ગઈ તો જમીન પર આ ધમકેગા.  બહુ ચઈગો  છેને કાંઇ... શાબ્દિક લડાઈમાં વારંવાર વપરાય છે. તો ભર દોરીએ કાપી નાખ્યો, ગોથું ખાવું, પેચ લાગવો, કિન્નાખોર વગેરે શબ્દો સાથે પતંગબાજી જીવનમાં જોડાયેલી રહે છે. આપણે ત્યાં ત્રણ મહિના બાદ આવનારી લોકસભાની ચૂંટણીના લોકનાયકો આજે પતંગરૂપે ચગશે અને કપાશે. તેનો વ્યંગરૂપે અખબારો, વ્હોટસ એપ અને ફેસબુક જેવા સોશ્યલ નેટવર્ક પર પ્રચાર પણ થશે.
14મી જાન્યુઆરીએ મકરસંક્રાત તે દિવસથી સૂર્ય દક્ષિણથી ઉત્તર તરફ ગતિ કરે અને ઉત્તરાયણ શરૂ થાય. આમેય આપણે ત્યાં સૂર્યને અર્ઘ્ય આપવાનું મહત્ત્વ છે. સૂર્ય દરેક ઋતુઓનો કારક છે. મકરસંક્રાતિએ દરેક ગુજરાતી મુંબઈગરો પોતાના વતનને યાદ કર્યા વિના નહી રહે. મુંબઈમાં હવે પતંગબાજી મલાડ,કાંદિવલી,બોરિવલી,ઘાટકોપર,મુલુંડ જેવા  કેટલાક ગુજરાતી વિસ્તારોમાં જ જોવા મળે છે.  નવરાત્રી બાદ પતંગ ચગાવવાનો આ ઉત્સવ પ્રણયની સાથે જોડાયેલો છે. કારણ કે એક વ્યક્તિ પતંગ ચગાવવાનો આનંદ લઈ શકે નહી. એટલે જ પતંગ ચગાવનારની સાથે ફિરકી પકડનારનું પણ મહત્ત્વ રહેલું છે.
પુરુષનો પતંગ ચગાવવાનો આનંદ બેવડાય જાય જ્યારે તેની ફિરકી તેની પ્રેયસી પકડે. અથવા સામેની અગાસીમાંથી તેની પ્રેયસી  પતંગ ચગાવતાં જોતી હોય.પતંગ, પ્રેયસી અને ખુલ્લા આકાશ સાથે બેકગ્રાઉન્ડમાં વાગતાં રોમેન્ટિક ગીતો પ્રણયની આગને હવા નાખીને ઓર ભડકાવે છે. પતંગ ચગાવવાની કળામાં ય પૌરૂષત્વના પારખા થતા હોય છે. પતંગના પેચ સાથે દિલના પેચ કેટલીય વાર લગ્નોમાં પરિણમતા હોય છે. ત્યારે હસીને કહેવામાં આવે કે ભાઈ તેનો પતંગ કપાઇ ગયો છે.  પતંગ ચગાવતાં પ્રેમમાં પડી પરણી ગયાના  અનેક કિસ્સાઓ આપણને ગુજરાતી સમાજમાંથી મળી શકે. આવા કિસ્સાઓ સંક્રાત સમયે  અખબારોમાં  છપાતાં ય હોય છે. પતંગની પસંદગી, માંજાની ખરીદી બાદ તેને કિન્નો બાંધવો તે એક કળા છે. કેટલાક લોકો તો માંજાને પોતે જ કાચથી પાકો કરતાં હોય છે. સુરત અને લખનૌ ખાસ માંજો લેવા જનારા પતંગ આશિકો પણ હોય છે.  ઓછી હવા કે વધુ હવામાં પતંગને આકાશમાં પહોંચાડવા સાથે પુરુષનો આત્મવિશ્વાસ પણ બેવડાતો જોઇ શકાય છે. પતંગ જો ન ચગે તો હવાના વહેણને, પતંગને કે કિન્નાને દોષ દઇ,  રોષ ઊતારતો પુરુષ પણ દેખાશે અને એવા સમયે શાંત રહીને પરિસ્થિતિને સ્વીકારી રસ્તો કાઢતો કુદરતની કરામતો  માણતો પુરુષ પણ જોવા મળશે
તો વળી પેચ લાગતાં સામેવાળાનો પતંગ કાપીને જેટલો આનંદ થાય તેટલી જ ખેલદિલી પોતાનો પતંગ કપાતાં અનૂભવતાં પુરુષની તાસીર જુદી હોય છે. જો ધ્યાનથી જોઇએ તો પતંગના ચગવા સાથે તમે પુરુષના સ્વભાવનું ય પૃથ્થકરણ કરી શકો. તમે જોયું હશે કેટલાક લોકો પોતાનો પતંગ કપાંતા બે કટકાની ગાળો બોલતાં હશે તેમનું ચાલે તો એની પતંગ કાપનારને તેઓ બે અડબોથ  મારી આવે. તો વળી કોઇક પતંગ કપાતાં હતાશ થઈને માંજો લપેટતાં ખાસ્સીવાર સુધી કપાયેલા પતંગને જોયા કરશે. તેઓ જલ્દી બીજી પતંગ નહીં ઊપાડે. બીજા કોઇપણ પર્વ કરતાં ઉતરાણમાં પતંગ ચગાવવાની રમત અદભૂત રીતે આપણા જીવન સાથે જોડાયેલી છે. આ બધા વિવિધ ભાવોને ઢીલ દે ઢીલ દેદેરે ભૈયા .... ગીતમાં આબેહુબ વણી લેવાયા છે. સંજય ભણસાલીએ બાળપણમાં અને યુવાનીમાં એકકાળમાં ગુજરાતી રહેવાશીઓથી ધમધમતા મુંબઈના સી વોર્ડમાં ઉતરાણની મજા માણી હતી. એ ગીતનું સંગીત આપનાર ઇસ્માઈલ દરબાર આજે ફિલ્મોના આકાશમાંથી ખોવાઈ ગયો છે પણ તે મૂળ સુરતનો અને તેણે બાળપણમાં કપાયેલી પતંગો અને માંજાથી પતંગબાજી કરતો. પતંગબાજીમાં તે માસ્ટર હતો તેને કોઇ પહોંચી ન  શકતું. અમિતાભ બચ્ચનને હાલ એક જાહેરાતમાં પતંગ ચગાવતાં બતાવે છે પણ દશેક વરસ પહેલાં ય  સચીન અને અમિતાભને એક જાહેરાતમાં પેચ લગાવતાં બતાવ્યા હતા. અમિતાભને પતંગ ચગાવવાનો ખરેખર આનંદ આવે છે. સચીન પતંગ ચગાવવામાં  ય માસ્ટર છે તે બહુ ઓછી વ્યક્તિઓ જાણે છે.
પતંગનો ઇતિહાસ પણ રસપ્રદ છે. કહેવાય છે કે પતંગની શોધ ખરેખર ચીનના એક ખેડૂતે કરી છે. ચીનના ઇતિહાસકારોનું એવું ય માનવું છે કે પતંગની શોધ ઇસુના જન્મની બે સદી પહેલાં થઈ હતી. તેમનું કહેવું છે કે કર્નલ હાનસિન નામના ચીનના એક લશ્કરી અધિકારીએ પતંગની મદદથી જુદાં જુદાં સ્થળોએ ગોઠવાયેલા સૈનિકોને ગુપ્ત સંદેશાઓ મોકલ્યા હતા. કર્નલે પોતાના દુશ્મનોના કિલ્લાઓ કેટલે દૂર છે તે જાણવા માટે પણ પતંગનો ઉપયોગ કર્યો હતો.  તો ગ્રીસનું કહેવું છે કે ટોરમેન નામના એક ગ્રીક વિજ્ઞાનીએ ઇ.સ. પૂર્વે ચોથી કે પાંચમી સદીમાં પતંગની શોધ કરી હતી. જ્યારે પશ્ચિમના દેશોમાં આ રમતનો પ્રવેશ  માર્કો પોલોના પ્રવાસે કરાવ્યો હતો.
ભારતમાં પતંગબાજીની રમતનો પ્રચલિત  પ્રવેશ લગભગ મોગલના જમાનામાં એટલેકે 16મી સદીની આસપાસ  થયો હોવાનો અંદાજ છે. તે સમયે નવાબો અને મહારાજાઓ પતંગબાજીની હરિફાઈ રાખતા અને જીતનારને સોનામહોરો આપવામાં આવતી. જયપુરના મહારાજાને ત્યાં નગારખાના, તોપખાનાની જેમ પતંગખાના પણ હતું. કહેવાય છે કે ભારતમાં પતંગને પ્રોત્સાહન આપવામાં શાહ આલમ અને વાજદઅલી શાહની ભૂમિકા મહત્ત્વની રહી છે. મોગલકાળને પતંગનો સુવર્ણકાળ કહી શકાય. એટલે જ કદાચ આજે પતંગના ધંધામાં મુસ્લિમ કારીગરોનું પ્રમાણ વધુ છે.
  કહેવાય છે કે  વાજીદઅલી શાહને કોઇક ગંભીર બીમારી હતી તેથી વૈદ્ય,હકિમોએ તેમને ખુલ્લા આકાશ તરફ જોઇને શ્વાસોચ્છવાસ લેવાનું કહ્યં હતું. એટલે તેમના સલાહકારોએ પતંગ ચગાવવાની સલાહ આપી હતી. ઉપરાંત મોગલકાળમાં પ્રેમીઓ એકબીજાને પતંગનો ઉપયોગ સંદેશાઓ મોકલવા માટે કરતા હતા. 

પતંગ શબ્દનો ઉપયોગ પ્રથમવાર ભારતના સાહિત્યમાં થયો હતો કવિ મંઝન ધ્વારા. અમરકોશ જેવા પ્રાચીનગ્રંથમાં પતંગનો ઉલ્લેખ જોવા મળે છે તો ઇતિહાસકારો હડપ્પન અને મોહેં-જો –દરો કાળના ચિત્રોમાં પતંગ જેવી આકૃતિ જોઈ હોવાનો ઉલ્લેખ કરે છે. પેરાશૂટ, વિમાન, પુલ, વીજળી, હવામાનની જાણકારી મેળવવા જેવી અનેક આધુનિક શોધનો યશ  પતંગને આપવો રહ્યો. તમને થશે પુલ અને પતંગને શું લાગેવળગે. પણ 1847માં નાયગરા નદી પર અમેરિકા અને કેનેડા વચ્ચે બંધાયેલા પુલની પ્રેરણા પતંગને કારણે મળી હોવાનું નોંધાયેલું છે. 1920માં વૈજ્ઞાનિક માર્કોએ વાયરલેસ સંદેશા ઝીલવા પતંગ સાથે એન્ટેના બાંધ્યું હતું. રોમાંચ અને રોમાન્સથી ભરપૂર પતંગની સાથે  આવી અનેક ઐતિહાસિક ઘટનાઓ જોડાયેલી છે. તો સાહિત્ય અને ફિલોસોફી પણ ખરી જ. તે જેટલો ગ્રામ્ય છે તેટલો જ શહેરી ય છે.  પ્રાચીન પતંગ આજે પણ આકાશમાં ઊડે તો વરણાગીપણામાં કોઇને ય પાછળ રાખી દે એમ છે. લવ યુ પતંગ .... જો જો પુરુષો એવું કહેતાં સજાતીય પ્રેમ એ આપણે ત્યાં ગુનો છે !

You Might Also Like

0 comments