આજનો પુરુષ 22-10-13 published in mumbai samachar

02:18

આજનો પુરુષ


કેપ્શન----પુરુષ કહેતાં માત્ર એક છબી આપણી સમક્ષ ઊભરે છે. શબ્દ સાથે રૂપ જોડાય ત્યારે છબી બને છે એટલે જરૂરી છે એ છબીને પહેલાં સમજીએ... દરેક પુરુષને એ જાણવાની ઇચ્છા હોય છે કે સ્ત્રીઓને કેવો પુરુષ ગમે અથવા સ્ત્રીઓ પુરુષમાં શું જોવા ઇચ્છે છે....
એક સંબંધીની દીકરીએ અનેક છોકરા જોયા પણ તેને લગ્ન માટે કોઈ પુરુષ જડતો જ નહોતો. થાકીને તેના માતાપિતાએ કહ્યું કે તમે સમજાવીને પૂછોને કે તેને કેવો પુરુષ પતિ તરીકે જોઇએ છે ? કોમ્પયુટર એન્જિનયરની ડિગ્રી ધરાવતી પેલી 25 વરસિય યુવતી મલ્ટિનેશનલમાં સારા પગાર  સાથે કામ કરી રહી હતી. તેણે મારી સાથે વાત કરતાં કહ્યું કે મમ્મી પપ્પા અમારી જ્ઞાતિમાં જ પરણવાનો આગ્રહ રાખે છે અને જ્ઞાતિમાં જોયેલા મોટાભાગના છોકરાઓ ભણેલા હોવા છતાં તેમની વિચારધારા કે દેખાવ જુનવાણી જેવા હોય છે. હવે તમે જ કહો કે વિચારધારા અને દેખાવ ન ગમે તો લગ્ન કેમ કરું ? પૈસા કે સિક્યુરિટીની  જરુર નથી મને જરૂર છે પુરુષ સાથીદારની જે મારા વ્યક્તિત્વને સ્વીકારી શકે. મારો મિત્ર બનીને વર્તે પતિ બનીને નહીં. 

એક લાઈવ ટોક શો માં કેટલાક જાણીતા શેફ એટલે કે રસોઇયાઓના ઇન્ટરવ્યુ લેવાઈ રહ્યા હતા. ઓડિયન્સમાં નેવું ટકા મહિલાઓ હતી. અને સ્ટેજ પર વિકાસ ખન્નાની સાથે વીર સંઘવીએ વાત શરુ કરતાં પહેલાં તેની ઓળખ કરાવી સેક્સિએટ મેન અલાઈવની યાદીમાં તેનું નામ આવ્યું છે અને હોટેસ્ટ શેફ ઓફ અમેરિકાનું બિરુદ પણ મેળવ્યું છે. આ વાક્યો બોલાય છે ત્યાં ઓડિયન્સમાંથી સીટીઓ વાગી અને હુઉઉઉના ઉદગારો સંભળાયા. સીટીઓ મારનાર  યુવતીઓએ વિકાસ નામની બૂમ પાડી તેનું ધ્યાન પોતાની તરફ દોરવાનો પ્રયત્ન કર્યો. આ બધા દરમિયાન વિકાસ ખન્ના શરમાઈને માથે હાથ દઇને આછું હસતો બેઠો હતો. સમાજમાં બદલાવ આવી રહ્યો છે ગમે કે ન ગમે પણ સ્ત્રીની માનસિકતામાં પણ બદલાવ આવી રહ્યો છે. તે પોતાના ગમા અણગમા સહજતાથી જાહેર કરે છે. આજનો પુરુષ એટલે જ બદલાઈ રહ્યો છે. તે સેન્સિટીવ એટલે કે લાગણીશીલ પણ બની રહ્યો છે. રસોઇ કરતો પુરુષ સ્ત્રીને આકર્ષક લાગી શકે છે. બાકી આપણા ભારતીય સમાજના ઘરોમાં રસોડામાં જાય તે પુરુષમાં નહીં એવા અર્થો પણ કઢાતા. છતાંય તેમાં ય અપવાદો હતા. ગુજરાતી કુટુંબોમાં જોયેલું કે સ્ત્રી રજસ્વલા હોય તો તે રસોડામાં ન જતી. ત્યારે પુરુષો રસોઇ બનાવતા.  
આ કોલમમાં સમકાલીન વિશ્વમાં પુરુષની છબી કેવી છે તેના વિશે અનેક સંદર્ભે વાત કરીશું. અત્યાર સુધી સમાજમાં પુરુષ એટલે વીર, હિંમતવાળો , જાહેરમાં રડે નહીં, સ્ત્રીથી દબાય નહીં. જો કે આ દરેક વિશેષણોના અર્થ આજના સંદર્ભે બદલાયા છે. વીર એટલે લડવા જાય એવું તો રહ્યું નથી. પણ મુંબઈની ટ્રેનમાં ચાલુ ટ્રેને ચઢીને બારીની સીટ રોકી શકે. સહેજ પણ અકળાયા વગર બાઈક કે ગાડી ટ્રાફિકમાંથી સિફતથી કાઢી શકે. સારા પૈસા કમાતો હોય અને વાપરી શકતો હોય અને હા માવડિયો ન હોય. અને જ્યારે સ્ત્રીની કોઇ છેડતી કરે તો તેને માટે હીરોની જેમ લડી શકે. તેની સફળતા નિષ્ફળતામાં તેની પડખે ઊભો રહી શકે.  આ બધું મને આજની કેટલીક યુવતીઓ અને મહિલાઓ પાસેથી જાણવા મળ્યું છે.
ટ્રેનમાં મુસાફરી કરતાં લેડિઝ ડબ્બામાં એકવાર આ અંગે ચર્ચા ચાલી. કેટલીક કોલેજિયન છોકરીઓ પોતાના પ્રોફેસર વિશે વાત કરી રહી હતી... યાર એ ટોલ, ડાર્ક હેન્ડસમ પ્રોફેસરને જોવા માટે જ તેના લેકચર ભરું છું. એવું વાક્ય સાંભળીને સહજ સવાલ પૂછાઈ ગયો કે તો પછી આ ફેરનેસની જાહેરાતોનું શું? તો ખડખડાટ હસતાં છોકરીઓએ કહ્યું કે એ તો જાહેરાતવાળા જાણે પણ ગોરા છોકરા બાફેલા બટાટા જેવા લાગે. પુરુષ તો થોડો રફલુક ધરાવતો હોય, કેરલેસ એટિટ્યુડ છતાં છોકરીઓ સાથે કઈ રીતે વર્તવું તે જાણતો હોય તે જરુરી છે. યુ નો વેલ મેનર્ડ... મલાડમાં રહેતી એક ગુજરાતી યુવતી બોલી... મોંઢામાં માવો કે પાનતો ન જ હોવા જોઈએ.. કપડાં પહેરવાની સેન્સ તો જોઇએ જ.
એકંદરે પુરુષની છબી બદલાઈ છે. તે મેટ્રો મેન કે આલ્ફામેનનું બિરુદ મેળવવામાં શરમ નથી અનુભવતો.જીમમાં જવું કે બ્યુટી સલુનની એપોઇન્ટમેન્ટ લેવી તેને માટે સામાન્ય રુટિન છે. હાલમાં જ અમેરિકામાં અનેક પુરુષો બેકારીનો સામનો કરી રહ્યા છે . તો એની અસરો વિશ્વના અનેક દેશોમાં પણ જોવા મળી છે. એ દિવસો ગયા કે પુરુષો બેકાર હોય તે નામરદ જેવું ગણાતું. કામ વિનાના રખડવું તે નાલેશી લાગતી. પણ આજે તે હોમમેન કહેવડાવવામાં  પુરુષ શરમ નથી અનુભવતો. બાળકના બાળોતિયા બદલાવતા તેને સ્ત્રી જેટલો જ આનંદ થાય છે. બાળકને સ્કુલે લેવા મૂકવા જવાનો તેને કંટાળો નથી આવતો કે શરમે નથી આવતી. રસોડામાં નવી વાનગીઓ બનાવીને પોતાની મનગમતી સ્ત્રીને રિઝવવી તેને ગમે છે.  અક્ષયકુમાર તેના દિકરાઓને સમય હોય તો જાતે જ સ્કુલમાં લેવા મૂકવા જતો. રવિવારના દિવસે મોલમાં શાકભાજી કે ગ્રોસરી(અનાજ) ખરીદવું તેને સ્ટ્રેસબસ્ટર સમું લાગી શકે. જો કે આ બધું શક્ય બન્યું છે તેનું એક કારણ એ પણ છે કે સ્ત્રીઓ બહાર જઈને પોતાની કારર્કિદી બનાવી રહી છે. હવે આજનો પુરુષ ઇચ્છે છે કે તેની પત્નિ કમાતી હોય. પત્નિ ઘરે રહીને છોકરા સંભાળે તે સ્ટિરિયો ટાઈપ વલણ હજી કેટલાક મધ્યમવર્ગીય કુટુંબોમાં જણાય છે. પરંતુ, અર્થશાસ્ત્ર જે ઝડપભેર બદલાઈ રહ્યું છે તે જોતાં રહી સહી પારંપારિકતાઓ ધીમી ગતિએ પણ બદલાઈ રહી છે.
સ્ત્રીઓને કેવો પુરુષ ગમે તે હજી સુધી સ્પષ્ટ પણે શોધી શકાયું નથી.  ઉંમર ગમે તે હોય પણ  પુરુષ દરેક રીતે કપડાં, સ્ટાઈલ અને ગેઝેટસમાં ફેશનેબલ હોય  તે  કરિયરમાં સફળતા જેટલું  જ જરુરી છે. તે શું કરે છે કરતાં તે કેવો દેખાય છે તે વધુ મહત્ત્વનું બનતું જાય  છે. જીમમાં જવું કે બ્યુટી સલુનની એપોઇન્ટમેન્ટ પુરુષો માટે રુટિન બની રહ્યા છે. તે છતાંય   કેટલાક લોકો પૌરુષત્વના બાંધેલા ખ્યાલોને વળગી રહેનારા  છે. ગ્લોબલ વિલેજ બની રહેલા આજના સમાજમાં આવા પુરુષોને પોતાનું સ્થાન નક્કી કરવામાં તકલીફો પડી રહી છે અને તેઓ પોતાની જાતને પાછળ રહી ગયાનું અનુભવી રહ્યા છે પછી ભલે તે કબૂલ ના કરે અને પોતાના નાનકડા વર્તુળમાં ફર્યા કરે . મિનિસ્ટરોથી લઈને સામાન્ય બિઝનેસમેને હવે પર્સનાલિટી ડેવ્હલપ કરવા માટે ગ્રુમિંગ કન્સલટન્ટ પાસે જવું પડે છે. અત્યાર સુધી આપણે ત્યાં પુરુષોના બાહ્ય દેખાવનું એટલું મહત્ત્વ નહોતું. કોઇપણ શર્ટપેન્ટ પહેરીને ચાલવા માંડતા પુરુષે હવે  પ્રસંગ પ્રમાણે યોગ્ય દેખાવ પ્રત્યે ધ્યાન આપવું જરુરી થઈ રહ્યું છે.
કોલેજોમાં પ્રોફેશનલ કોર્સમાં હવે પ્રેઝન્ટેશન સમયે તમે કેવા કપડાં પહેરો છો અને કેવા દેખાવ છો તેની પણ પરિક્ષા લેવાય છે. અને તેના પણ માર્કસ મળે છે. વિદેશમાં તો પુરુષોના ડ્રેસ કોર્ડ મહત્ત્વના છે. ગ્રેમી એવોર્ડ કે ઓસ્કારમાં દરેક પુરુષો ટક્સિડો જ પહેરે.
હકિકતમાં તો  બાહ્ય દેખાવ મહત્ત્વનો નથી કહેનારી વ્યક્તિઓ જ્યારે  હકારાત્મક વાઈબ્રેશન, બુધ્ધિમત્તા અને પ્રામાણિકતા આ ત્રણ બાબતો બીજી વ્યક્તિમાં જોતી હોય છે.પણ નવાઈની વાત એ છે કે આ ગુણો ધરાવતી વ્યક્તિ મોટેભાગે દેખાવમાં પણ  આકર્ષક હોય છે. અમેરિકા અને ઇંગ્લેડમાં થયેલા સંશોધનોમાં પણ આ બાબતને બહાલી આપવામાં આવી છે. સંશોધનમાં એવું જણાયું છે કે ઇન્ટેલિજન્સ અને શારીરીક દેખાવ  બન્ને હોય તેવું સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. સામાન્ય પણે દેખાવમાં આકર્ષક વ્યક્તિઓ બુધ્ધિશાળી હોવાની શક્યતાઓ વધુ જ હોય છે.   હવે તો ઇવોલ્યુશનરી સાઇકોલોજીસ્ટો આવું કેમ બને છે તે સવાલોના જવાબો આપી રહ્યા છે. બાહ્ય આકર્ષક વ્યક્તિત્વ તે સ્વાસ્થ્ય અને ફળદ્રુપતાના ગુણ છે. આ બાબતો જ પૃથ્વી પર પ્રજોત્પાદકતા માટે  અને જીવનને ધબકતું રાખવામાં સહાયરુપ બને છે. સ્ત્રીઓ એકંદરે પોતાનાથી લાંબા, પ્રમાણસર ચહેરો, પૌરુષીય દેખાવ પહોળાખભા અને પાતળી કમરવાળા પુરુષને પસંદ કરે છે.

એક જાણીતા અમેરિકન ગ્રુમિંગ એક્સપર્ટનું કહેવું છે કે બાહ્ય દેખાવતો કુદરતની દેન છે વાત સાચી પણ જો યોગ્ય રીતે કપડાં પહેરવામાં આવે  અને બોડી લેગ્વેજ કેળવવામાં આવે તો વ્યક્તિ આકર્ષક બની શકે છે. બોડી લેગ્વેજ વ્યક્તિની વિચારધારાને વ્યક્ત કરતી હોય છે. મવાલી, માફિયાની બોડી લેગ્વેંજ તમને એની વિચારધારાની પ્રતિતી કરાવી જ દેતી હોય છે. તેમ જ તમારા ઋજુ આંતરિક સ્વભાવની કે આત્મવિશ્વાસની ઝલક પણ તમારા બાહ્ય વર્તનમાં જણાય છે. સ્ત્રીઓની નજરો આ પારખવામાં નિષ્ણાંત હોય છે. તેમને તમારી બદલાતી નજરો અને તેના ઇરાદાઓ પણ કળાઈ જતાં હોય છે. એટલે અંગત કારણોસર કે પ્રોફેશનલ કારણોસર પુરુષ સફળતા ઇચ્છતા હોય તો  તેને પોતાના બાહ્ય દેખાવ માટે સજાગ થવું જરૂરી બની રહ્યું છે. 

You Might Also Like

1 comments

  1. પુરૂષપ્રધાનતાએ બધાં 'વાડાં' કર્યાં, બાકી કુદરતના આ બંને સર્જનને એકસમાન ગણવામાં કોઈ નાનપ અનુભવવી ના જોઈએ.

    ReplyDelete