પરદેશમાં સ્વજનોની હુંફ 8-1-14

05:50

પરદેશમાં સ્વજનોની હુંફ
 રોજ સાંજે કે સવારે બગીચામાં ફરવા જાઉં ત્યારે અનેક સિનિયર સિટિઝન એક ખૂણામાં બેસીને ગપ્પા મારતા હોય. ક્યારેક તેમાં સંભળાય પણ ખરું કે સમય પસાર થતો નથી. જો એક દિવસ બગીચામાં ન આવીએ તો કંટાળી જઈએ, રોજ રાહ જુએ કે ક્યારે સાંજ પડે અને બગીચામાં જઈએ. હા તેમાંથી કેટલાક નિયમિત ચાલે પણ ખરા. ઘણીવાર થતું કે વડિલો ભેગા મળીને કોઇ સેવાની પ્રવૃત્તિ ન કરી શકે ? ફક્ત પોતાના જ વિસ્તારમાં. તેમાંથી અનેક ડોનેશન આપતા  જ હશે પણ કેટલીય સેવાઓ એવી હોય છે કે તેમાં સમયનું મહત્ત્વ હોય છે. કેટલાય એકાકી વ્યક્તિઓને, ગરીબોને, બાળકોને અનેક સ્તરે મદદ થઈ શકે. સમાજને નવો રસ્તો દેખાડી જ શકે. પણ ખેર,  આવું કોઇને કહેવાય થોડું જ. 
એક દિવસ કોલેજકાળના એક મિત્ર પુલકિત સાથે  ફોનથી વાત થઈ. તે કહે કે,  હું બોસ્ટનમાં રહું છું. મારી પત્નિ અને બાળકો સાથે. અમારું બીજું કોઇ જ અહીં નથી. ધારો કે અમારામાંથી એક માંદુ પડે તો ય બીજાએ નોકરીતો ચાલુ રાખવી જ પડે. તો પછી અહીં કોણ મદદરૂપ બને ? પૈસા હોવા છતાં કોઇની માનવીય હુંફ અને કોઇ પડખે હોય તેવી બાંહેધરી કોણ આપે ? પણ હવે અમને કોઇ ચિંતા નથી કારણ કે ગિરિશભાઈ જેવી એક વ્યક્તિએ તે માટે પહેલ કરી ઇન્ડિયન સર્કલ ફોર કેરિંગ નામની સંસ્થા બનાવી. વાત રસપ્રદ લાગી અને ગિરિશભાઈ સાથે વાત કરી.
મૂળ મોરબીના ગિરિશ મહેતા  1988ની સાલમાં એન્જિનયરીંગની ડિગ્રી અને શૈક્ષણિક લોન લઈને અમેરિકા માસ્ટર કરવા આવ્યા. પછી તો  એમબીએ પણ કર્યું. કોમ્પયુટર સિસ્ટમ સપ્લાયનો વ્યવસાય શરૂ કરતાં પહેલાં તેમણે  અનેક ખાનગી કંપનીઓમાં નોકરી કરી. પછી તો વ્યવસાય વિકસતા ગિરિશભાઈએ તેમના કુટુંબની દરેક વ્યક્તિને અમેરિકા બોલાવી લીધી. તેમના માતાપિતા પણ. તેમનો દીકરો મોટો થતાં ગિરિશભાઈએ વ્યવસાયમાંથી ધીમે ધીમે નિવૃત્તિ લેવા માંડી. માતાપિતા માંદા પડ્યા અને લાંબી માંદગી દરમિયાન તેમના કુટુંબે સેવા પણ કરી. ત્યારે એકવાર ગિરિશભાઈને  વિચાર આવ્યો કે અમારું તો બહોળું સધ્ધર  કુટુંબ છે એટલે લાંબી માંદગીના સમયે કોઇને કોઇ હાજર રહી શક્યું હતુ. પણ અમેરિકામાં અનેક લોકો એકલવાયા હોય છે. અને દરેકના બધા જ સગાં કે સ્વજનો ત્યાં હોય તેવું નથી હોતું. એવા લોકોને આવી પડેલા ખરાબ સંજોગોમાં કેટલી તકલીફ થતી હશે. તેમને મદદરૂપ થવું જોઇએ.
સાલ 2007 ગિરિશભાઈ ત્યારે સાઈઠ વરસના થયા હતા.  વ્યવસાયમાંથી લગભગ નિવૃત્તિ લઈ લીધી હતી એટલે તેમની પાસે પુષ્કળ સમય હતો. તેમને થયું કે જીવનમાં બધું જ મેળવ્યું હવે સમાજને પરત આપવાનો પણ સમય થયો છે.સમાજ પણ તો આપણા કુટુંબનો વિસ્તાર જ છેને . તેમણે લોકોને મદદરૂપ થવાની  પોતાની યોજનાની વાત કેટલાક મિત્રોને કહી અને શરૂ થઈ સંસ્થા ઇન્ડિયન સર્કલ ફોર કેરિંગ (આઇસીસી).
ગિરિશભાઈ સંસ્થાની કામગીરી વિશે કહે છે કે , ધારો કે ઘરમાં કોઇ વડિલ માંદા પડ્યા.તેમને વારંવાર ચેકઅપ કે બીજા ટેસ્ટ કરાવવા માટે ડોકટર પાસે જવુ પડે. એક જ દીકરોને વહુ હોય નોકરી કરતાં હોય વારેવારે  રજા ન લઈ શકે તો એ અમને ફોન કરે તો અમે તેમને મદદરૂપ થઈએ. કોઇ એકલું જ રહેતું હોય અને તેને ય અચાનક એક્સિડન્ટ કે કોઇ માંદગી આવી જાય તો કાગળો ભેગા કરવા. દવા લાવવી, ચેકઅપ વગેરે માટે લઈ જવું લાવવું દરેક કામ અમે કોઇપણ ચાર્જ વિના કરીએ છીએ. ફક્ત માનવતાના નાતે. અમને તે માટે વોલિન્ટિયરની જરૂર પડે જ. અમેરિકામાં અનેક ભારતીય સંસ્થાઓ છે જે મેળાવડા, ગરબા, દિવાળી, ક્રિસમસ વગેરે તહેવારો ઊજવે. ત્યાં જઇ અમે અમારી સંસ્થાની વાત કરીએ. લોકો સુધી પેમ્ફલેટ ધ્વારા માહિતી મોકલી. ક્યાં ફોન કરી મદદ માગવી વગેરે. શરૂઆતમાં જે મદદ લે તે મોટેભાગે બીજાને મદદરૂપ થવા થોડો સમય આપે કે તેના ઘરની કોઇ વ્યક્તિ આપે. અને એ સિવાય પણ જેમની પાસે વધારાનો થોડો સમય હોય તે મદદરૂપ થવા સંસ્થામાં જોડાઈ જતું. અમે એક ફોર્મ બનાવ્યું જે વ્યક્તિ વોલિન્ટયર થાય તેણે પોતે ક્યારે અને કેટલો સમય ફાળવી શકે છે તે જણાવવાનું હોય એટલે જ્યારે મદદ માગતો કોઇ ફોન સંસ્થામાં આવે તો એ ચાર્ટ જોઇને અમે જે તે વ્યક્તિને મદદ કરવાની કામગીરી સોંપીએ.
આજે સાત વરસ થવા આવ્યા બોસ્ટન શહેરમાં અત્યાર સુધી 200થી વધુ જણાને મદદરૂપ થયા છીએ. સંસ્થાની પાસે આજે 250થી વધારે  વોલિન્ટિયર રજીસ્ટર્ડ છે અને 3000 મેમ્બર છે. ગિરિશભાઈ કહે છે કે અમે સંસ્થા પાસે મદદ માગનાર કોઇપણ વ્યક્તિને સહાયરૂપ થવા તૈયાર હોઇએ છીએ. નાત, જાત કે ધર્મ કશું જ તેમાં જોવાતું નથી. આ માનવતાનું કામ છે તેમાં કોઇ નિયમ કે વાડાબંધી ન જ હોય. ફક્ત ભારતીય જ નહી બીજા  કોઇ દેશની  વ્યક્તિ મદદ માગે તો અમે માનવતામાં ચૂકતાં નથી. દરેક સેવા નિશુલ્ક હોય છે.  આ સંસ્થાનો પહેલો કેસ હતો એક બહેનનો તેમને બ્રેઇન ટ્યુમર હતું. તેને કેટલાક સમાજીક પ્રશ્નો પણ હતા. હોસ્પિટલાઈજેશન વખતેતો તેમને મદદ કરી જ પણ તેઓ બચી ન શક્યા એટલે પછી તેમના અંતિમક્રિયામાં પણ સંસ્થા મદદરૂપ થઈ.આ સિવાય કેન્સરના પણ અનેક કેસમાં મદદરૂપ થયા છીએ.
પરદેશમાં કોઇ વ્યક્તિ મૃત્યુ પામે અને તેના સગાવ્હાલાં ભારતમાં હોય ત્યારે તેના દેહને ભારત મોકલવા કરવી પડતી કાર્યવાહીમાં પણ સ્વજનોને  સંસ્થાએ મદદ કરી છે. એકવાર તો કેટલાક યુવાનો બાઈક પર ફરવા ગયા હશે અને અકસ્માતમાં એક યુવાન મૃત્યુ પામ્યો તો તે સ્થળે જઇને દરેક પરિસ્થિતિમાં સ્વજનની જેમ આ સંસ્થા પડખે ઊભી રહી. એક ભારતીય વિદ્યાર્થીએ હોસ્ટેલમાં આપઘાત કર્યો. તેના માતાપિતા સિંગાપોરથી બોડી લેવા આવે ત્યાં સુધી સંસ્થાએ દરેક કાગળિયા કરવાની જવાબદારી ઊપાડી એટલું જ નહીં જ્યારે મૃતકના માતાપિતા બોસ્ટન પહોંચ્યા તો તેમની પાસે રહેવાની સગવડ નહોતી તો તેમને પણ માનવતાને નાતે સાચવ્યા.સંસ્થા  સારવારનો ખર્ચો દરેક મદદ માગનાર વ્યક્તિ જાતે જ કરતી હોય છે. પણ લાંબી માંદગી દરમિયાન કોઇક ક્યાંક અટકી પડે કોઇ રીતે તો તે માટે પણ સંસ્થા મદદરૂપ થવા તૈયાર રહે છે અથવા બીજેથી મદદ મેળવી આપે છે.

પરદેશમાં દેશથી લાખો માઈલ દૂર આકસ્મિક સંજોગોમાં કોઇ જાણકાર સહાય માટે મળી રહે ત્યારે ભગવાન મળ્યા જેવું લાગે. અનેક કિસ્સાઓ અને ઘટનાઓની વાતો ગિરિશભાઈ સતત કહી શકે એમ છે. બોસ્ટનમાં આ સંસ્થાની કામગીરી જોઇને અમેરિકા અને અન્ય દેશોના શહેરોની સંસ્થા પણ ભારતીયો માટે આવું કામ કરવાની પ્રેરણા લેવા આઈસીસી પાસે આવે છે. તેમને સંસ્થાની કામગીરીથી લઈને શરૂ કરવા  સુધીની મદદ પણ આઇસીસી કરવા તત્પર રહે છે. હાલમાં જ ટેક્સસ અને હ્યુસ્ટનમાં આવી સંસ્થા શરૂ કરવા માટે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન આપ્યું હતું. સંસ્થાની વેબસાઈટ છે ouricc.org તેના પર જઇને કોઇપણ વ્યક્તિ મેમ્બર બની શકે, વોલિન્ટિયર બની શકે અને મદદ જોઇએ તો તે પણ મેળવી શકે. પરદેશમાં સ્વજનની જેમ પડખે ઊભી રહેતી સંસ્થાની કલ્પના અને તેને સાકાર કરવામાં ગિરિશ મહેતાએ તન,મન અને ધનથી મદદ કરી છે અને હજી 68 વરસની ઉંમરે પણ તેમનો ઉત્સાહ ઓછો થયો નથી. વડિલ તરીકે તેઓ પોતાની સૂઝ અને અનુભવ સમાજને આનંદથી આપી રહ્યા છે.  વ્હાઈટ હાઉસમાં આ સંસ્થાની સામાજીક કામગીરી માટે અભિવાદન કરવામાં આવ્યું હતું.ખરેખર આવા સિનિયર સિટિઝન્સ દરેક શહેરમાં હોવા જોઇએ.    

You Might Also Like

0 comments