બાલ બાલ નહીં બચે ...25-2-14

03:17

મૂંછે હો તો નથુલાલ જૈસી નહીં તો ના હો.. ગયા અઠવાડિયે લખાયેલ મૂંછોના આર્ટિકલ લખતી સમયે પણ આ નથુલાલ સતત દિમાગનું દહીં કરી રહ્યા હતા. પણ તેમનું નામ ન જ લખવું તે નક્કી કર્યું હતું. પરંતુ, આ નથ્થુલાલ દિમાગમાં ફરતા જ રહ્યા કહે કે મારા આ ફેમસ ડાયલોગ સિવાય મૂંછોનો લેખ લખી જ કેમ શકાય. પણ અમને સ્ત્રીઓને કોણ પહોંચી શકે આખાય લેખમાં તેમનો ઉલ્લેખ ના કર્યો તે ના જ કર્યો ભલે ને લોકો ધ્વારા નથ્થુલાલ કહેવડાવે રાખે કે હું રહી ગયો. પુરુષોના ચહેરાના વાળ વિશે વાત થઈ ત્યારબાદ કોફી વીથ કરણનો છેલ્લો એપિસોડ જોતાં અભિષેક બચ્ચનની કોમેન્ટ સાંભળી કે તેની મા જયા બચ્ચને કહ્યું છે કે જે પુરુષના છાતીના વાળ ન હોય તેનો ક્યારેય વિશ્વાસ ન કરવો. અફકોર્સ આ મજાક જ હતી. પણ અભિષેકે બીજું કહ્યું કે છાતીના વાળ કાઢવાનું હું વિચારી શકતો નથી.સિવાય કે ખરેખર રોલની ડિમાન્ડ હોય. છાતીના વાળ પૌરુષિય વ્યક્તિત્વ દર્શાવે છે.
વેલ, યાદ આવ્યો જ્હોન અબ્રાહમ, સલ્લુ, સિક્સપેકવાળો શાહરુખ ખાન, આમિરખાન અને રિતીક રોશન... દરેકને ક્લીન શેવ્ડ બોડી સાથે ફોટા છપાયા છે અને ફિલ્મોમાં ય જોયા જ છે. પુરુષોને મૂંછ,દાઢી, છાતી,પીઠ અને હાથ,પગ પર વધારે વાળ હોય છે તેનું કારણ ટેસ્ટોટરોન હોર્મોન જ જવાબદાર હોય છે. , સો ઇટસ નેચરલ.. શરીર પરના વાળ પણ પૌરુષિય નિશાની ગણાય. પરંતુ, છાતીના કેટલા ભાગમાં વાળ હોય,જાડાં,બરછટ કે સુંવાળા, કે પછી  છાતીથી પેટ સુધી વાળની પેટર્ન હોય તે દરેક બાબત તમને વારસામાં મળેલા જીન્સ – ડિએનએ પર આધારિત હોય છે. કેટલાક પુરુષોને કુદરતી રીતે જ છાતી પર વાળ નહોય તેવું ય બને. એ જોઇને આજનો યુવક કહેશે... હાઉ લક્કી.. એક જમાનો હતો છાતીના વાળ સેક્સી ગણાતા. દેવઆનંદે કાલાપાની ફિલ્મમાં શર્ટના બટન ખુલ્લા રાખીને પોતાના છાતીના વાળનું પ્રદર્શન કર્યું છે. તો જીતેન્દ્ર, ફિરોઝ ખાન, અમિતાભ બચ્ચન પણ શર્ટના બેથી ચાર બટનો બંધ કરતાં નહી. જ્યારે આજના હિરોતો શર્ટલેસ સીન આપવા તત્પર હોય છે. તેમનું સિક્સપેક શરીર ક્લીન શેવ્ડ હોય છે. પૌરુષિય પ્રતિભા દર્શાવતું  જેમ્સ બોન્ડનું પાત્ર કરતાં  સીન કોનેરી, પિઅર્સે બ્રોસનનએ એક જમાનામાં શરીરના વાળ દર્શાવ્યા હતા.એક જમાનો હતો જ્યારે મૂંછો સાથે છાતી પરના વાળ પૌરુષત્વની નિશાની મનાતા હતા. આજે પણ જુનવાણી વિચારધારા ધરાવતા પુરુષો અને સ્ત્રીઓ પુરુષના ચહેરાને કે છાતીને ક્લીન શેવ્ડ જોવું પસંદ નથી કરતા.
  જો કે હવે ચહેરા પર અને શરીર પર ખાસ કરીને છાતીના વાળ હવે પૌરુષિય પ્રમાણ નથી ગણાતું. પૌરુષિય રમતો ફૂટબોલ અને રગ્બીના સ્ટાર ખેલાડીઓ પણ હવે ક્લીન શેવ્ડ શરીર સૌષ્ઠવ દર્શાવી રહ્યા છે. જાહેરાતોમાં શેવ કરતો દર્શાવાતો પુરુષના પીઠ અને છાતી ઉપર પણ વાળ નહીં જ હોય. આ ટ્રેન્ડ શરૂ થયો છે છેલ્લા દશકાથી.
વિશ્વપ્રસિધ્ધ ફૂટબોલ ખેલાડી ડેવિડ બેકહમ પણ ક્લીન શેવ્ડ છાતી ધરાવે છે. આ દરેક સેલિબ્રિટીની અસરને કારણે આજનો વરણાગી રાજા પણ ક્લીન શેવ્ડ છાતી અને પેટ માટે કેટલી તકલીફો વેઠે છે. છાતી અને પેટ પરથી વાળ કાઢવા કેટલા કષ્ટદાયક છે. રોજ રોજ દાઢી કરવી તો સમજ્યા પણ અસ્તરો કે મોંઘુદાટ ઇલેક્ટ્રીક ક્લીન શેવર વસાવવું પડે છે. વળી આખી છાતી અને પેટ પરથી વાળ કાઢવા માટે ખાસ્સો સમય બાથરૂમમાં વિતાવવો પડે છે. અથવા બ્યુટી સલુનમાં વિતાવવો પડે છે. અફકોર્સ સમય સાથે પૈસેટકે પણ મોંઘું પડે જ. પરંતુ, પુરુષો હવે દેખાવ બાબતે સજાગ થઈ ગયા છે કે વધુ અસલામતી અનુભવવા માંડ્યા છે તે સંશોધનનો વિષય છે. જાહેરાતોમાં સુંદર સેક્સી સ્ત્રીઓની બાજુમાં ઊભેલો પુરુષ ક્લીન શેવ્ડ શરીરવાળો જ હશે. ફિલ્મોમાં પણ હીરો ક્લીન શેવ્ડ અને સ્ત્રીઓને આવા પુરુષો ગમે છે તેવું ધારી બેસતાં સામાન્ય વ્યક્તિઓ પણ ક્લીવ શેવ કરાવવા માટે અનેક જહેમતો ઊઠાવવા લાગ્યા છે. સ્મુથ સ્કીન માટે સ્ત્રીઓની જેમ વેક્સ કરાવવું પડે યા તો લેસર પ્રક્રિયાથી કાયમ માટે વાળ દૂર કરો. વેક્સ કરાવતી સમયે અધધધ પીડા સહન કરતાં પુરુષો ય છે. તો લેસર પ્રક્રિયા મોંઘીદાટ છે એ તો સેલિબ્રિટીને જ પરવડે. મેન હેર રિમૂવર ગુગલ પર ટાઇપ કરોને અઢળક ઓપ્શન તમને જોવા મળશે. વેક્સ વીથ સ્ટ્રીપ, જેલ, શેવર સ્પ્રે વગેરે વગેરે ...
પીઠના વાળ કાઢવા માટે પત્નિને કહેતાં પુરુષો અચકાવા માંડ્યા છે કારણ કે સ્ત્રીઓને આખા શરીર પરથી વાળ કાઢતા પુરુષને જોવું ગમતું નથી. હકિકતમાં તો સ્ત્રીઓને છાતીના વાળ ધરાવતો પુરુષ ગમતો હોય છે. પરંતુ, છાતી પર સફેદ વાળ જોઇને પુરુષને ગભરામણ થવા માંડે છે. સફેદ વાળ વૃધ્ધત્વની નિશાની ગણાય છે અને પુરુષાતન ઓછું થયાના માનસિક ભય હેઠળ પણ મધ્યમવયના પુરુષો છાતી પરથી વાળ કાઢવાનું પસંદ કરવા લાગ્યા છે. મોટેભાગે બોડી બિલ્ડર પુરુષો ક્લીન શેવ્ડ હોય છે કારણ કે તેમના ટોન મસલ્સ દેખાઇ શકે તે માટે તેઓ ક્લીન શેવ્ડ રહેવાનું પસંદ કરે છે.
જેટલા પણ સર્વે થયા છે તેના પરથી એવું સાબિત થાય છે કે મોટાભાગે સ્ત્રીઓને છાતી પર વાળ હોય તેવા પુરુષો આકર્ષક લાગે છે. પણ આખી પીઠ અને હાથ પર રીંછ જેવા વાળ હોય તો તેમને નથી ગમતું. છાતી પર થોડાઘણાં સ્મુથ વાળ હોય તો આકર્ષે છે. બહુ વાળ ધરાવનાર પુરુષોમાં જો સ્વચ્છતાનો અભાવ હોય તો પરસેવાની વાસ આવી શકે છે. એટલે જ ઘાટા વાળ ધરાવનાર પુરુષો આકર્ષક નથી લાગતા. એટલે છાતીના અને બગલના વાળ સંપૂર્ણ ન કાઢી નાખતાં તેને ટ્રિમ કરવા સ્વચ્છતા માટે અને ગ્રુમિંગ માટે પણ જરૂરી છે. છાતીના વાળ રેઝરથી કાઢશો તો તમારી નજીક આવતી સ્ત્રીને ક્યારેય નહીં ગમે કારણ કે તે ઇરિટેટિંગ હોઇ શકે છે. એટલે કોઇપણ ટ્રેન્ડ અપનાવતા પહેલાં તેને યોગ્ય રીતે સમજી લેવું જરૂરી છે.
વળી ક્લીન શેવ્ડ પુરુષનું શરીર જો કસરતી ન હોય તો તે ય સારું નથી લાગતું. અત્યાર સુધી સ્ત્રીઓને માટે આકર્ષક દેખાવાને માટે સુંદરતાની ટિપ્સ અપાતી હતી. પણ હવે પુરુષોને માટે ગ્રુમિંગની ટિપ્સમાં ક્લીન શેવ્ડ અને કસરતી શરીર હોવું મસ્ટ બની ગયું છે.
આમ તો દરેક બદલાવ માર્કેટ ડ્રિવન જ હોય છે.બાકી સદીઓથી જે માનસિકતા હોય છે તે સરળતાથી બદલી શકાતી નથી. એટલે જ કસરતી શરીર બનાવવા માટે જરૂરી હોય છે જીમ અને અંગત  ઇન્સ્ટ્રકટર ત્યારબાદ ટોન્ડ  શરીર દર્શાવવા માટે  જરૂર પડે ક્લીન શેવની તેને માટે પણ સાધનો પાછળ પૈસા ખર્ચવા જરૂરી બને છે. દરેક વ્યક્તિ પોતાનું અલગ વ્યક્તિત્વ ધરાવે છે.તેનો સહજ સ્વીકાર જરૂરી હોય છે.  જે વ્યક્તિઓ જાહેરાતો અને સેલિબ્રિટીને નજરમાં રાખીને પોતાનું વ્યક્તિત્વ બદલવાનો પ્રયત્ન કરે છે હકિકતમાં તેઓ અસલામતીના ભયથી પીડાતા હોય છે.

 મેટ્રો સેક્સુઅલ મેલ બનવા માટે બાહ્ય દેખાવ જ નહીં માનસિકતા બદલવાની જરૂર પડે છે. છેવટે તો કોઇપણ સ્ત્રીને બાહ્ય દેખાવ કરતાં હાઈજીનીક , સ્ત્રીની લાગણીઓનો આદર કરનાર,  કાળજીલેનારો પ્રેમાળ પુરુષ જ ગમે છે.

You Might Also Like

0 comments