ત્રણસો બાળકોની માતા થિકમ્મા

05:05

વલસાડથી ધરમપુર 30 કિલોમીટર છે. વલસાડ શહેરની હદ પુરી થાય અને હાઈવે વટાવ્યા બાદ શરુ થાય લાંબી લીસ્સી સડક જે સીધી ધરમપુર પહોંચાડે. સડકની બંન્ને બાજુએ ખેતરો અને આંબાની વાડીઓની હરિયાળી આંખ અને મનને તરબતર કરે. સડકની કોરે હારબંધ ઊભેલા તોંતિગ વૃક્ષોની કમાન તમારું સ્વાગત કરે અને સતત તમારી સાથે ચાલે. વરસેક પહેલાંની વાત છે. ચોમાસાની શરૂઆત પછી  ધરમપુર જતાં હાઈવે વટાવ્યો કે ... મોસમ  બદલાતાં ઘનઘોર ઘટાએ વૃક્ષોની લીલાશને પણ ઘેરી બનાવી દીધી હતી. લીલા રંગનો કેફ ચઢે તેવું વાતાવરણ રચાઈ ગયું હતું. પણ વૃક્ષોની ચેતના કંઈક બદલાયેલી લાગી એટલે તેના તરફ ધ્યાનથી જોવાઈ ગયું. સડકની કિનારેના દરેક વૃક્ષો પર લાલ રંગના ક્રોસનું નિશાન કરેલું નજરે ચઢ્યું. પહેલાં લાગ્યુ ખ્રિસ્તીઓએ કર્યુ હશે. પણ ધ્યાનથી જોતા તેમાં ચોકડી દેખાઈ અને મનમાં ધ્રાસકો પડ્યો... થોડો સમય પહેલાં સાંભળેલી વાત યાદ આવી... ધરમપુર રોડ પર ટ્રાફિક વધી રહ્યો છે એટલે રસ્તો પહોળો થવાનો. ચાર લાઈનનો... રસ્તાની આસપાસની જગ્યાના ભાવ વધી જશે અને ધરમપુરમાં પણ વિકાસ થશે. આ બધા વચ્ચે વૃક્ષો નડતા હતા એટલે દરેક વૃક્ષો પર ક્રોસ મુકાયું છે. ટુંક સમયમાં તેમને કાપી નખાશે. આ રસ્તો વિકસશે પણ રળિયામણો નહીં રહે અને ખરેખર છેલ્લા વરસમાં અનેક વૃક્ષો કપાઈ ગયા.  હું અફસોસ કરવા સિવાય કંઇ જ ન કરી શકી. મને યાદ આવી અભણ થિકમ્મા અને તેનો પતિ  ચિક્કૈયાએ પોતાના ગામનો રસ્તો ત્રણસો જેટલા વૃક્ષો સંતાનોની જેમ ઉછેરી  હરિયાળો બનાવ્યો છે.
આજે પણ ગામડાઓમાં જે સ્ત્રીને  બાળકો ન થાય તેને માટે સમાજના લોકો જીવન અઘરું બનાવી દેતા હોય છે. ત્યાં નિસંતાન  સાલુમરડા થિમક્કા અને ચિક્કાઈએ અફસોસ કર્યા સિવાય ત્રણસો જેટલા વૃક્ષોને એકલે હાથે કોઇની પણ એટલે કે સરકારની ય મદદ વિના સંતાનોની જેમ ઉછેર્યા. કર્ણાટકના અંતરિયાળ ગામ હુલિકલમાં રહેતા  થિમ્મક્કાના લગ્ન આજથી સિત્તેરેક વરસ પહેલાં બાળપણમાં  ચિક્કૈયા સાથે થઈ ગયા હતા. એટલે શાળાનું શિક્ષણ તો મળ્યું જ  નહતું. મજુરી કરીને પેટ ભરતા થિમ્મક્કા અને ચિક્કૈયાને બાળકો ન થયા. ત્યારે લોકોએ ચિક્કૈયાને બીજા લગ્ન કરી લેવા દબાણ પણ કર્યું.પરંતુ ચિક્કૈયાએ બીજા લગ્ન  ના જ કર્યા. બાળકો માટે તરસતા આ દંપતીને શી ખબર કેમ પણ  45 વરસ પહેલાં કંઇક અનોખું કરવાનો વિચાર આવ્યો.
 તેમના ગામ હુલિકલ અને  બાજુના ગામ કુદુર વચ્ચે  ચારેક કિલોમીટરનું અંતર. બન્ને ગામના લોકો અવારનવાર એકબીજાના ગામ આવતા જતા હોય. બે ગામને જોડતો રસ્તો એકદમ સુક્કોભઠ્ઠ છાંય વિનાનો. થિક્કમ્મા અને તેના પતિએ નક્કી કર્યું કે આપણે આ રસ્તાની બાજુમાં બન્ને તરફ વૃક્ષો વાવીને ઊછીરીએ. સાલુમુરડાનો કન્નડમાં અર્થ થાય વૃક્ષોની હારમાળા.. બન્નેએ વડના છોડને ઊછેરવા માંડ્યા. પછી રસ્તાની ધારે જઇને છોડ લગાવ્યા. શરુઆતમાં પંદર વીસ છોડથી કરી. હવે છોડ વાવવા માત્રથી તો ચાલે નહીં. તેના મૂળ લાગે નહીં ત્યાં સુધી તેને રોજ પાણી પાવાનું. પછી એકાંતરે અને પછી અઠવાડિયે એમ કરતાં ઝાડ મોટું થાય એટલે કામ પુરું થાય. વળી છોડને ઢોરઢાંખર ખાઈ ન જાય તે પણ જોવાનું. દરરોજ બન્ને જણા બે બે ઘડામાં પાણી લઈને છોડને પાણી પાવા જાય. પંદર, વીસ કે ક્યારેક તેથી .ય વધારે ધક્કા થાય.
જેમ જેમ વિસ્તાર વધતો ગયો તેમ તેમ ચિક્કૈયાએ મજૂરી મૂકીને આ જ કામ કરવાનું શરુ કર્યું. બન્ને એક ઝુપડાંમાં રહેતા હતા. પાસે મિલકત કંઇ હતી નહી. પણ વૃક્ષને બાળક માનીને ઊછેરવાનું કામ શરુ કર્યું હતું. પૈસાની કે કામની કદર થાય, પ્રસિધ્ધિ માટેની કોઇ અપેક્ષા વગર સમાજને ઉપયોગી કાર્ય શરુ કર્યુ હતું. થિક્કમ્મા કહે છે કે બન્ને ગામના લોકોને આવતા જતા રસ્તે શીળો છાયો મળે તે જ ઇચ્છા હતી. અમારા મર્યા બાદ આ અમારા બાળકો ધ્વારા લોકો અમને યાદ કરશે તેવી ય અપેક્ષા નહોતી. બસ અમને આનંદ આવતો હતો સમાજ માટે કંઇક કરવાનો. બાળકોને ઊછેરવામાં ય તકલીફો તો થાય ને ... એમ વિચારી અમે કામ કર્યું. થિક્કમ્માનો પતિ ચિક્કૈયા વીસેક વરસો પહેલાં ગુજરી ગયો. ત્યારબાદ તેમના કામની કદર લોકોને થઈ. 1995માં રાષ્ટ્રિય નાગરિક એવોર્ડ થિક્કમ્માને ચાર કિલોમિટરનો રસ્તે 300થી વધુ વૃક્ષ ઊગાડીને હરિયાળો બનાવવા માટે મળ્યો. પછી તો ઇંદિરા પ્રિયદર્શિની વૃક્ષમિત્ર એવોર્ડ 1997માં મળતા થિક્કમ્માને લોકો એકલે હાથે જંગલ ઊભું કરવા માટે માન આપવા લાગ્યા. અમેરિકામાં એક પર્યાવરણ સંસ્થાએ થિક્કમાનું નામ સેન્ટર માટે અપનાવ્યું છે. થિક્કમાસ રિસોર્સિસ ફોર એન્વાર્યમેન્ટલ એજ્યુકેશન. આજે તો આ ચાર કિલોમીટરનો રસ્તો વૃક્ષોની ઘટાને લીધે સુંદર, શાંત અને રાહદારીઓ માટે સ્વર્ગ સમાન છે.અને તેની દેખરેખ સરકાર હસ્તક છે.  
થિક્કમ્માને આજે બાળકો પેદા ન કરી શક્યાનો જરાય અફસોસ નથી. વૃક્ષો પર લાગેલાં ફળને પક્ષીઓને ખાતા જોઇ, ઊનાળાની બળબળતી બપોરે લોકોને આ રસ્તે વૃક્ષની છાયાની શીતળતા અનુભવતા જોઇને જીવનમાં ધન્યતા અનુભવાય છે. વૃક્ષોને જોઇને પતિ ચિક્કૈયાની યાદને સહારે તે પ્રસન્નતાથી બાકીની જીંદગી જીવી રહી છે. બેંગ્લોરથી મેગ્લોરના રસ્તે ક્યારેક જવાનું બને તો  મગદી તાલુકાના આ ગામના રસ્તે જરુર જજો. પૈસા વિના કોઇપણ જાતના લાભની આશા વિના સમાજને ઉપયોગી કઇ રીતે થઈ શકાય તે અભણ દંપતીએ વાવેલા આ વૃક્ષોની પાસેથી જાણી શકાશે. બન્નેએ એકલે હાથે આખો રસ્તો હરિયાળો કર્યો છે. 45 વરસની  તેમની મહેનતનું ફળ પશુ પક્ષી અને માનવીને સતત મળી રહ્યું છે. વિકાસના નામે આજે આડેધડ વૃક્ષો કપાઈ રહ્યા હોય ત્યારે વૃક્ષ વાવીને  જંગલ ઊછેરવાનું કામ સામાન્ય વ્યક્તિ પણ કરી શકે છે એવું થિક્કમ્મા અને ચિક્કૈયાએ સાબિત કરી બતાવ્યું. થિક્કમાને જીવનમાં પહેલીવાર પાક્કું ઘર મળ્યું . રાજ્ય સરકારે ગયા વરસે તેને પાક્કું ઘર આપ્યું પર્યાવરણની રક્ષા કરી રસ્તાને હરિયાળો બનાવવા માટે. થિકમ્મા આજે ય વૃક્ષોને માની જેમ વ્હાલ કરી આવે છે.You Might Also Like

0 comments