સોશ્યલ મિડિયા અને મેનહુડ 15-4-14

22:03



હેલ્લો મેમ ... પર્સનલ મેસેજ બોક્સમાં મેસેજ ચમકે... તમારે અંગત રીતે તેમની સાથે વાત ન કરવી હોય તો પણ ફેસબુકમાં પોતાનો ફોટો કે મેરિટલ સ્ટેટસ છુપાવતા હોય છે. ફાયનાન્સ ઓનલોઇન ડોટ કોમ ધ્વારા કરાયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે  17 % પુરુષો ડેટિગ માટે સોશ્યલ મિડિયાનો ઉપયોગ કરે છે જ્યારે માત્ર 7 ટકા સ્ત્રીઓ જ ડેટિંગ માટે સોશ્યલ મિડિયાનો ઉપયોગ કરે છે. પણ જો આ સર્વે આપણે ત્યાં થાય તો ટકાવારી ચોક્કસ વધી જાય. સોશ્યલ મિડિયા ધ્વારા પુરુષત્વને નવો આયામ મળે છે તે તો દરેક સંશોધનકારો સ્વીકારે જ છે. કઇ રીતે તે જોઇએ---

પુરુષોને બહુ સોશ્યલ થવું ગમતુ નથી હોતુ. ભલે કહેવાતું હોય કે પુરુષોની સાયકોલોજીમાં કંઇ કોમ્પલિકેટેડ નથી હોતું. સિમ્પલી મેનમાં સિમ્પલ શબ્દ આવતો હોવા છતાં સોશ્યલમિડિયામાં પુરુષોની આઇડેન્ટિટી કળવી મુશ્કેલ હોય છે. સાયકોલોજીસ્ટ અને માર્કેટિંગવાળા બેઉ જણાઓએ તેનો અભ્યાસ કર્યો છે. માણસો આદતના ગુલામ હોય છે અને સોશ્યલમિડિયા પણ આદત તરીકે હવે આપણા જીવનમાં દખલ દઈ જ રહ્યું છે. ફેસબુકથી લઈને બ્લોગ, ટ્વીટરથી લઈને વોટ્સએપ મોબાઈલ  ધ્વારા જીવનની ઝીણીમાં ઝીણી બાબતોનું અપડેટ સતત થતું રહેતું હોય છે.  અને તેમાં પણ પૌરુષત્વના એવા પાસાં છતાં થાય છે જે જાણીતા છે છતાંય અહીં બદલાયેલા જણાય છે. પુરુષો મોટેભાગે ભાવનાઓને વ્યક્ત કરવાનુ ટાળે છે કે અમારા સ્ત્રીઓની સરખામણીએ વાતો ઓછી કરે છે અને લાગણીઓ વ્યક્ત કરવાની તેમને આદત નથી હોતી. પણ સોશ્યલ મિડિયા પર પુરુષો હવે એવા એવા વિષયો પર સંવાદ કરે છે જે સામાન્ય રીતે તેઓ ટાળતા હોય છે અથવા ક્યારેય એ વિષયો પર ચર્ચા જ નથી કરતા હોતા.
સોશ્યલ મિડિયાએ પુરુષોની ભીતરની છબીને બહાર લાવી દીધી છે. ક્યારેક નવાઈ લાગે કે આ પુરુષની માનસિકતાનો તો ખ્યાલ જ નહોતો. ડેડીસ બ્લોગ અને ડાયપર કેવી રીતે બદલવા, બાળકો સાથે મિત્રતા કેવી રીતે કેળવવી અને અફકોર્સ ડેટિંગ અંગે પણ સલાહ સૂચનોની આપલે કરે છે. પુસ્તકો, રાજકારણ અને સ્પોર્ટસ તો એમના એવરગ્રીન વિષયો છે અને રહેશે જ.પુરુષો ગ્રુપ થેરેપીમાં બોલવા કરતાં તેમના  માટે સોશ્યલ મિડિયા વધારે સરળ છે એવું કહી શકાય.
અમને  સ્ત્રીઓની એક ફરિયાદ હોય છે કે સોશ્યલ મિડિયામાં પુરુષોને સ્ત્રીઓ સાથે અંગત મૈત્રી કરવામાં ખાસ્સો રસ હોય છે. પણ તેમાં બિચારા પુરુષો શું કરે તેમને પૂર્વજો તરફથી એટલે કે મન મળ્યું છે મર્કટ જેવું... પુરુષ માત્રનો રસ એકપત્નિવ્રતમાં નથી ટકી શકતો. તેમને પોતાની પત્નિ અને ગર્લફ્રેન્ડ સિવાય દરેક અન્ય સ્ત્રી માટે ફેન્ટસી કરવી ગમતી હોય છે. સોશ્યલ મિડિયાનો મોટો ફાયદો એ કે તેમને ફેન્ટસી માટે અનેક રસ્તા મળી રહે છે. ખરેખર પોર્ન જોતાં જો પકડાઈ જવાના ડર હોય કે વાયરસથી ડરતાં હોય તો ય સોફ્ટ પોર્ન જોવાનું તેઓ ટાળી નથી શકતા. સોશ્યલ સાઈટના ઉપયોગથી મૈત્રી કરી પોતાની ફેન્ટસી સુધી પહોંચવાના ય પ્રયત્નો  કરશે. પુરુષો સૌથી વધુ યુટ્યુબનો ઉપયોગ કરે છે. તેમને અન્ય વિષયોની સાથે આઇટમ સોન્ગ જોવા પણ ગમતા હોય છે.  આ બાબતે પુરુષની ઉંમરમાં કોઇ બાધ હોતો નથી. લબરમૂછિયાથી લઈને ધોળી મુછવાળા પણ હાલમાં જ વર્લ્ડ કપ ક્રિકેટ 20-20 રમાઈ રહી હતી ત્યારે ટેલિવિઝન પર એક મોબાઈલ ઓપરેટરની એક જાહેરાત આવી રહી હતી તેમાં દાદાને મુન્ની બદનામ હુઇ ગીત સાંભળતા પૌત્રી પકડે છે. જાહેરાતવાળા જાહેરાત બનાવતા પહેલાં દરેકના માનસનો અભ્યાસ કરતાં હોય છે. એની વે મોબાઈલ પર કે કોમ્પયુટર પર  પુરુષો સ્ત્રીઓના ફોટા કે ગીતો જોવામાં વધારે સમય વીતાવે છે. તેનું કારણ ટેસ્ટટોરોન જ છે.
મોબાઈલ , આઈપેડ સાથે તમે કેટલી ય વાર પુરુષોને ડીનર ટેબલ પર, ફંકશનમાં, મિંટિંગમાં, શ્મશાનમાં, ટ્રેનમાં ઊભા ઊભા , ફિલ્મ જોતાં કે પછી તમારી સાથે વાત કરતાં પણ મેસેજીંગ કે ટેક્સ્ટ વાંચતા કે લખતાં જોયા હશે. આ ટેકનોલોજી આપણને ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડર આપે છે. કેટલા પુરુષો તો અડધી રાત્રે બાથરૂમ જવા ઊઠે તો સાથે મોબાઈલ લઈને જાય. અરે દિવસે ય ઓફિસ ટોઇલેટમાં તમે તો એક હાથે મોબાઈલ પર ટેક્સ્ટ કરતાં કે વાંચતા જોયા જ હશે. ઇટ્સ કોમ્પલિકેટેડ રાઈટ ?  વહેલી સવારના આપણે ત્યાં પહેલાં કર મધ્યે તું ગોવિંદ .... શ્લોક બોલીને ખાલી હાથ જોઇને સવાર પડતી પણ હવે ઊઠીને સીધા મોબાઈલ લઈને ટ્વીટર, ફેસબુક, ઇમેઇલ જોતાં પુરુષોમાં તમે તો નથી જ ને? કેમ હસો છો... આદત પડી જતી હોય છે વારે વારે મોબાઈલ જોવાની. અપડેટ રહેવાની અને એમાં ય જો ... ગર્લફ્રેન્ડ હોય તો... પછી કહેવું જ શું. નવા લવ ફોટો, લવક્વોટ શોધવા .... ઇમોકેશન વગેરે વગેરે ઉંમર અચાનક નાની થઈ જતી અનુભવાય... થેન્કસ ટુ સોશ્યલ મિડિયા...ટેસ્ટેટરોન પણ વધી જાય.
પુરુષોના મનમાં સેક્સના વિચારો ન હોય ત્યારે સ્પોર્ટસના વિચારો હોય છે. ટ્વીટર, ફેસબુક,બ્લોગ અને વ્હોટ્સએપ ઉપર પણ સતત સ્પોર્ટસ અંગે ટીકાટિપ્પણ અને ચર્ચાઓ.. પોતાના લાઈક માઇન્ડેડ ગ્રુપિંગ પણ થાય. ટ્રેકર્સથી લઈને ફુટબોલર, ક્રિકેટર,મેરેથોન વગેરે વગેરે અનેક ક્ષેત્રે પુરુષત્વની હરિફાઈ હોય. સ્પોર્ટસમાં જે પેશનથી તમે પુરુષો ચર્ચા કરો રમતમાં જે રીતે એકરૂપ થઈ જાઓ  તે જોઇને અમને સ્ત્રીઓને ખરેખર ઇર્ષ્યા પણ આવે અને સારું ય લાગે કે હાશ... અહીં કોઇ બીજી સ્ત્રી નથી તમારું ધ્યાન જે અમારાથી દૂર કરી રહી છે. ટ્રેનમાં કે બસની મુસાફરીમાં ય પુરુષોને મોબાઈલ પર ક્રિકેટ કે ફુટબોલની ગેમ રમતાં જોયા છે. અહીં પુરુષોની હરિફાઈ સ્ત્રીઓ નથી કરી શકતી.
મહત્ત્વની વાત એ કે સોશ્યલ મિડિયા પુરુષત્વનું એવું પાસુ રજુ કરે છે કે જે  પહેલાં અજાણ્યું હતું. તે  એ કે પુરુષો પણ કનેક્ટ થવા ઉત્સુક હોય છે. સંવાદ સાધવા તત્પર હોય છે. તે પછી અન્ય પુરુષો સાથે હોય કે પછી સ્ત્રી સાથે હોય. તેઓ ફક્ત ટાઈમપાસ નથી કરતા પણ મિનિંગફુલ રીતે જોડાવા, જાણવા ય ઉત્સુક હોય છે. સોશ્યલ મિડિયાનું સૌથી સારું પાસુ એ છે કે સરખો રસ ધરાવતી દુનિયામાં કોઇપણ ખૂણામાં રહેતી અનેક વ્યક્તિઓ સાથે આપણને જોડી આપે છે. મેન ટુ મેન ટોક અહીં શક્ય બનતી હોય છે. ફિલ્મ, મ્યુઝિક , રાજકારણ, રમતગમત , પ્રવાસ, વાંચન આ મુખ્ય વિષયો હોય છે જ્યારે મેન ટુ મેન ટોક ચાલતી હોય સોશ્યલ મિડિયા પર, હા તેમાં ગાળો ય આવે જ... શબ્દો, વાક્યો અને માહિતીની આપલે સાથે મંતવ્યોની હારોહાર વણાઈ જતી મેનલી સ્લેન્ગ લેન્ગવેજ.... નો વે ત્યાં અમારો પ્રવેશ નથી. પૌરુષિય સંવાદ સ્ત્રી વગર પણ શક્ય બને છે અને સ્ત્રી સાથે ય શક્ય બને તે સોશ્યલ મિડિયા પર. પુરુષોને બોલકા, સંવાદ સાધતા કરી મૂકવા માટે સોશ્યલ મિડિયાનો આભારે ય માનવો જ ઘટે.


You Might Also Like

2 comments

  1. સુંદર અને સચોટ અવલોકનો... ગમ્યું. આભાર :)

    ReplyDelete
  2. Perfect Analysis.

    મહત્ત્વની વાત એ કે સોશ્યલ મિડિયા પુરુષત્વનું એવું પાસુ રજુ કરે છે કે જે પહેલાં અજાણ્યું હતું. તે એ કે પુરુષો પણ કનેક્ટ થવા ઉત્સુક હોય છે. સંવાદ સાધવા તત્પર હોય છે. તે પછી અન્ય પુરુષો સાથે હોય કે પછી સ્ત્રી સાથે હોય. તેઓ ફક્ત ટાઈમપાસ નથી કરતા પણ મિનિંગફુલ રીતે જોડાવા, જાણવા ય ઉત્સુક હોય છે. સોશ્યલ મિડિયાનું સૌથી સારું પાસુ એ છે કે સરખો રસ ધરાવતી દુનિયામાં કોઇપણ ખૂણામાં રહેતી અનેક વ્યક્તિઓ સાથે આપણને જોડી આપે છે.

    ReplyDelete