પુરુષ ક્યારેય પરણે ખરો?

00:50

આ પ્રશ્ર્ન વાંચીને મોટાભાગના પુરુષો જેમને મૂછ હશે તે મુછમાં અને બાકીના મર્માળુ હાસ્ય છતું ન થઈ જાય તે માટે મ્હોં આડે પેપર આડું ધરી દેશે. ગમે તે હોય પુરુષોને બંધન ગમતું નથી. આવું કહીએ કે તરત જ પુરુષ કહેશે કે ના હો સાવ એવું નથી. પણ સાલું ક્યારેક તો એવું થાય કે પરણેલા ન હોત તો સારું. જો કે, એ કેટલોક વખત જ થાય હંમેશ નહીં, કારણકે પરણવાના અનેક ફાયદા છે તે દરેક વ્યક્તિ સમજતી જ હોય છે. ચૈત્ર વૈશાખના વાયરા ઊના ભલે હોય પણ દરેક કુંવારાને પૈણ ઊપડે. પછી ભલેને એમ કહે કે લક્કડકા લાડુ ખાયે વો ભી..... વાક્ય તમે મનમાં પૂરું કરી જ નાખ્યું છે. પરંતુ, સાવ એવું નથી, લગ્નના ફાયદા ન હોય તો કોઇ લગ્ન કરે જ નહીં. જો પુરુષ તરીકે તમે વિચારતા હો કે સેક્સ માટે જ પુરુષો લગ્ન કરે છે તો ભૂલો છો. પત્નિ અંગેના દરેક જોક અને મજાકને બાજુ પર મૂકીને વિચારશો તો સમજાશે કે હકીકતમાં લગ્ન પુરુષને જેટલા લાભકારક હોય છે તેટલા સ્ત્રીને નથી હોતા. આ બાબત અનેક રિલેશનશીપ કોચ, સાઈકોલોજીસ્ટ અને સંશોધનકારોએ કહી છે. પહેલું તો પરણેલા પુરુષ લાંબું જીવે છે. મેક્સ પ્લેન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોગ્રાફિક રિસર્ચ જણાવે છે કે પરણેલા પુરુષો પરિણીત સ્ત્રી કરતાં લાંબું જીવે છે. તેમાં ય જો સ્ત્રી પુરુષ વચ્ચે ઉંમરનો તફાવત વધુ હોય તો સ્ત્રીની આવરદા ઓછી હોય છે, જ્યારે પરિણીત પુરુષની આવરદા કોઇપણ સંજોગોમાં વધુ જ રહે છે. 

આજે મોટાભાગના પુરુષો લગ્ન કરતાં ડરે છે તેમાં અનેક બીજા કારણો ય છે. જેમકે છૂટાછેડા થાય તો આપવી પડતી રકમ... અને માનસિક પ્રતારણા ય મોટો ભાગ ભજવે છે. તેમાં વળી કમિટમેન્ટ ફોબિયા તો હોય જ. બીજો ડર તેમને એ લાગતો હોય છે કે સ્ત્રી તેમને બદલવા માટે જ આવી રહી છે. સ્ત્રી જેટલી સહજતાથી પોતાનું ઘર, શહેર, સ્વભાવ બદલી શકે છે લગ્ન બાદ તેટલી સહજતાથી પુરુષો બદલાવા માટે તૈયાર નથી હોતા. ઊલટાનું નથી જ બદલાવું તેની માનસિક તૈયારી પણ કરી લેતાં હોય છે. પણ છેવટે તો બદલાવું પડતું જ હોય છે, કારણકે જ્યારે બે વ્યક્તિ જોડાતી હોય છે તો બન્નેએ પોતપોતાની થોડી સ્પેસ સામી વ્યક્તિને આપવી જ પડતી હોય છે. નહીં તો બે વ્યક્તિઓ ક્યારેય જોડાઈ શકતી નથી. બન્ને વ્યક્તિઓ વચ્ચેના અંકોડા જોડાઈ શકતા નથી તો ક્યારેય તેઓ સાથે રહી શકતા નથી. આ પોતાની સ્પેસ આપી દેવાની વાતથી પુરુષોને ગભરામણ થતી હોય છે. પણ જ્યારે એ પુરુષ લગ્ન કરે છે અને સામી વ્યક્તિ સાથે દિલથી જોડાય છે ત્યારે એને ધીમે ધીમે લગ્નના લાભ જણાતા હોય છે. 

લગ્નના કેટલાક લાભ જોઇએ. હકીકતમાં લગ્ન કરેલાં પુરુષની તબિયત અપરિણીત પુરુષ કરતાં સારી હોવાને લીધે તેઓ લાંબી આવરદા ભોગવતાં હોય છે. (માનો યા ના માનો) થોડું ઘણું ક્યારેક સ્ટ્રેસ સંબંધોમાં આવી શકે પણ ઓવરઓલ મુખ્ય કેટલાક લાભ છે તે જીવનને સ્વસ્થ અને હરિયાળું બનાવતાં હોય છે. તે જોઇએ...

૧. તમારી કાળજી લેનાર કોઇ વ્યક્તિ હોય છે. બીજું તમે જ્યારે માંદા હો છો ત્યારે માની જેમ કાળજી લેતી સ્ત્રી તમારી પત્નિ હોય છે. નાની મોટી ફરિયાદ સાંભળનાર કોઇક હોય છે. પરિણીતોને આર્થિક અને સામાજિક લાભ મળી શકે છે. જેમકે આજે તો પતિપત્નિ બન્ને જણા કમાતા હોય છે. એટલે કમાણીની તાણ પુરુષને ઓછી હોય છે. તમે નાનીમોટી માંદગીમાં એકલા નથી હોતા એ વિચારમાત્ર સુખકર હોય છે. માથું દુખતું હોય ગમે તે કારણે પણ પત્નિનો હૂંફાળો સ્પર્શ તેની કાળજી જાદુ કરી શકે છે. જો તમે એકલા હો તો ગોળી ખાઈને સૂઈ જવા સિવાય કોઇ રસ્તો હોતો નથી. 

૨. મિત્રતા અને કમ્પેનિયનશીપ - લગ્ન તમને એકલતા નથી અનુભવવા દેતું. તમારી નાનામાં નાની ક્ષુલ્લક વાતો સાંભળનાર કોઇ છે તે કેટલું શાંતિ અને સુખકર હોય છે તેની કલ્પના તમે લગ્ન પહેલાં નથી કરી શકતા. વળી જીવનભર સાથ આપતો સાથી સાથે હોય તે વિચારમાત્ર તમને શાંતિ આપતો હોય છે. તાણમુક્ત કરતો હોય છે. તેને કારણે સ્વાસ્થ્ય પર સારી અસર થતી હોય છે. 

૩. પરણેલા પુરુષો ઓછું સ્મોક કરે છે. સ્ટેસ્ટિક દર્શાવે છે કે પરિણીત યુગલો ઓછું ધ્રુમપાન કરતાં હોય છે. ધુમ્રપાન કરનારાં મોટેભાગે એકલતા અને સતત તાણ અનુભવતાં હોય છે. પરિણીત પુરુષ સહજતાથી તાણમુક્ત થતો હોવાને કારણે સ્મોકિંગ સરળતાથી છોડી શકતો હોય છે. આમ, સ્વાસ્થ્યને નુકસાન કરતું એક કારણ ઓછું થાય છે. 

૪. પરિણીત પુરુષોનું બ્લડપ્રેશર વધતું નથી. સિવાય કે ક્યારેક થતાં ઝઘડાઓ ટેમ્પરરી બ્લડપ્રેશર જરૂર વધારી દે છે. પણ એવું માનવામાં આવે છે કે મોટેભાગે પરિણીત પુરુષોના બ્લડપ્રેશર ક્ધટ્રોલમાં રહે છે. આ વાંચતા જ તમે વિચારશો કે અમે પણ ક્ધટ્રોલમાં રહીએ છીએ. તો શક્ય છે કે એને કારણે પણ તમે હેલ્ધી રહેતા હો... 

૫. લગ્નને કારણે તમને સ્ટ્રોન્ગ સપોર્ટ મળતો હોવાને કારણે માનસિક રીતે ઘણો સધિયારો લાગે છે. જો માનસિક સ્વાસ્થ્ય સારું તો સૌ સારું એ તો માનશો જ ને... અપરિણીત કરતાં પરિણીત પુરુષો માનસિક રીતે વધુ સ્વસ્થ હોય છે. કોણ બોલ્યું લગ્ન નિભાવવા કેટલા ડિફિકલ્ટ છે કે તેને ડીલ કરતાં જ માનસિક રીતે સ્ટ્રોન્ગ થઈ જવાય.... 

૬. પરિણીત પુરુષોની સેન્સ ઑફ હ્યુમર એટલે કે રમુજવૃત્તિ અને સહનશક્તિ ઘણી સારી હોય છે. તેની અસર પણ શારિરીક, માનસિક સ્વાસ્થ્ય પર પડતી હોય છે. આ વાત સાથે તો સૌ પુરુષો સહમત થશે જ. 

સ્ટેક ઍન્ડ એસ્લેમેન ૧૯૯૮ અને બ્રોકમેન ઍન્ડ ક્લેઇન ૨૦૦૪ની સાલમાં કરેલા સંશોધનમાં ય એવું સાબિત થયું છે કે સત્તરથી સોળ દેશોમાં અપરિણીત કરતાં પરિણીત વ્યક્તિઓ સુખી અને સંતોષથી જીવન જીવતી હોય છે. અને એ કારણોથી લાંબુ જીવન જીવતી હોય છે. લગ્ન કરેલી વ્યક્તિ પોતાની જવાબદારી સમજતી હોય છે. બીજાનો વિચાર કરીને પોતાનું પણ યોગ્ય રીતે ધ્યાન રાખતી હોય છે. અને જો નથી રાખતી તો નેગિંગ એટલે કે ટક ટક કરીને પણ સતત બીજાની કાળજી ય લેતી હોય છે. જે ન ગમતું હોવા છતાં ફાયદાકારક છે. કોઇક તો છે જેને તમારામાં રસ છે. તમે સારું અને સ્વસ્થ જીવો તેમાં રસ છે. લગ્નસંસ્થામાં કદાચ થોડીઘણી તકલીફો ય હશે પણ કિમ ઍન્ડ મેકેની (૨૦૦૨), માર્કસ ઍન્ડ લેમ્બર્ટ (૧૯૯૮), વિલ્સન ઍન્ડ ઓસ્વાલ્ડ (૨૦૦૫) આ ત્રણેય સંશોધનકારોનો એક મત રહ્યો છે કે બીજી કોઇપણ લિવિંગ એરેન્જમેન્ટ કરતાં લગ્નસંસ્થા વધારે લાભકારક અને માનવજાત માટે સારું જીવન જીવવા માટે ઉપયોગી બની રહી છે. તેમાંય જેટલું લાંબુ લગ્નજીવન તેટલી જ વ્યક્તિઓ વધુ સુખી અને સ્વસ્થજીવન જીવે છે, કારણકે લગ્નસંબંધમાં જ સલામતી દરેક રીતે અનુભવાતી હોય છે. જ્યારે બીજા સંબંધોમાં આપણને સતત અવિશ્વાસ અને અસલામતી અનુભવાય છે જે માનસિક શાંતિ નથી આપી શકતી. આપણે ત્યાં પચાસ, સાઠ વરસનું લગ્નજીવન નિભાવનાર વ્યક્તિઓ શારિરીક, માનસિક રીતે વધારે સ્વસ્થ જીવન જીવ્યા હોય તેવા દાખલા મળી જ રહેશે. આપણને પેલી કહેવત તો યાદ જ છે કે પહેલું સુખ તે જાતે નર્યા. અને આ શક્ય છે એકમાત્ર લગ્ન કરવાથી અને લગ્ન ટકાવવાથી..... આ લગ્નસરાની અને એનિવર્સરીની મોસમમાં સૌ પુરુષોને સ્વસ્થજીવનની શુભેચ્છા...

You Might Also Like

0 comments