ભઈસાબ કંટાળો ન આપો....13-5-14

21:10

સ્ટેટ્યુટરી વોર્નિંગ - આ લેખ પુરુષો માટે જ છે પણ સ્ત્રીઓની સાથેની વાતચીત અને તેમના અનુભવ પરથી લખાયેલ છે, તેની અવગણના કરશો તો નુકસાનમાં રહેશો. 

શું પુરુષો બોર હોય છે ? આ સવાલ મેં કેટલીક સ્ત્રીઓને પૂછ્યો. અને સરપ્રાઈઝિંગલી જવાબ મળે છે હા, આવું કેમ ? તો કેટલીક સ્ત્રીઓએ જવાબ આપ્યા કે તેમની પાસે વાત કરવા માટે વિષયો જ નથી હોતા. તેમના પોતાના સિવાય. તો કેટલાકે કહ્યું કે તેઓ કેટલું ઓછું બોલે. તો કેટલીક બોલ્ડ સ્ત્રીઓએ એવું ય કહ્યું કે હરીફરીને તેમની વાત સેક્સ પર આવીને અટકી જશે. તેમને એ સિવાય કશામાં રસ હોતો નથી. યા તો પછી સ્પોર્ટસની વાતો કરશે. 
.
કિટ્ટીપાર્ટીમાં મને કાઇ રસ નથી. પણ મારી એક મિત્ર ત્રણ કિટ્ટીપાર્ટીની મેમ્બર છે મેં તેને પૂછ્યુ કે અરે યાર કંટાળો નથી આવતો ? તો કહે પુરુષો સાથે પાર્ટી કરવાનો  કંટાળો આવે સ્ત્રીઓ સાથે નહીં. પતિની સાથે બે ચાર વાક્યો અહીની તહીના બોલવા કરતાં અમે સ્ત્રીઓ કિટ્ટીપાર્ટીમાં જોક કહીએ. ગોસિપ, ખાણીપીણીને ધમાલ. એક  બહેનપણી પતિ સાથે બહારગામ ફરવા ગઈ હતી. ચાર દિવસે પાછી આવી ત્યારે એને પૂછ્યું કે કેવું રહ્યું સેકન્ડ હનીમૂન તો મોઢું વકાસીને કહે બેન જેમ જેમ પુરુષોની ઉંમર વધતી જાય તેમ તેમ એ સૌથી કંટાળાજનક બની જતા હોય છે. બહેનપણીઓ સાથે ફરવા જઇએ તો જે આનંદ મજા આવે તેવો આનંદ મને તો પતિ સાથે નથી આવતો. કારણ કે વાત કરવા માટે તેમની પાસે પોતાના કામના સિવાય કોઇ વિષય નથી, બીજું સવારે વહેલા ઊઠીને સૂર્યોદય જોવાની કે રાતના મૂનલાઈટમાં બહાર ટહેલવાની કોઇ વાત જ નહી. સાચું કહું અમે બહારગામ પણ પતિપત્નીની જેમ જ રહ્યા, ઝઘડ્યા. રોમાન્સ કદાચ પતિમાં પત્નિ માટે હોતો નથી. પત્નિ સિવાય બીજી સ્ત્રીઓને તે ય દૂરથી જોવામાં જ રસ હોય છે.
તો વળી એક બહેનપણીતો લગ્નના પંદર જ વરસ બાદ કહે કે હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે મારો પતિ બીજી કોઇ સ્ત્રીના પ્રેમમાં પડે તો તે થોડો રોમેન્ટિક કે ઇન્ટરેસ્ટિગ બને. રોજ સવારે અમે ઓફિસ જવા નીકળીએ તે પહેલાં બાળકોના અભ્યાસ અંગે કે સગાવ્હાલાં વિશે બે ચાર વાક્યોની આપલે થાય. બાકી તો હું ઘરકામમાં અને સાહેબ છાપામાં પરોવાયેલા રહે. રાત્રે તેઓ મોડા આવે અને ત્યારે મને સખત ઊંઘ આવતી હોય એટલે હું સૂવા જતી રહું અને તે ટીવી જોતો બહાર બેસી રહે.રવિવારે તો તેમને સવારે અને બપોરે સૂવા જોઇએ. અને મારે ઘરના અનેક કામ પતાવવાના હોય. બાળકો સાથે હું જેટલી વાત કરું છું એટલી વાત તો ક્યારેય પતિ સાથે નથી કરતી.
ચાલીસ વરસથી મોટી ઉમ્મરના પતિપત્નીને સાથે ચાલતાં કે રેસ્ટોરન્ટમાં બેસેલા જુઓ તો મોટેભાગે તેઓ બીજી વ્યક્તિઓને જોતાં હોય. એકબીજા સાથે વાતમાં પરોવાયેલા નહીં જોવા મળે. તેમાંય પતિ મોટેભાગે મોબાઈલ પર બિઝનેસની વાત કરતો હશે કે મેઇલ જોતો હશે.  અને જો એવું યુગલ મળે  કે જે એકબીજાને પ્રેમથી જોતું હોય કે હાથ પકડીને એકબીજામાં રમમાણ હોય વાત કરતું હોય તો તે ચોક્કસ જ પતિપત્ની નહીં હોય. મને ખાતરી છે કે આટલું વાંચ્યા બાદ તમે કહેશો કે કેટલું બોર છે આ બધું. પણ એ જ પત્ની પોતાની બહેનપણીઓ સાથે ખિલખિલાટ હસતી હશે અને મજા કરી શકતી હશે. બોર પત્ની નથી હોતી. પણ પુરુષ હોય છે કારણ કે મોટાભાગના પુરુષો એકાંગી કામ કરતાં હોય તેમની પાસે વાત કરવા માટે વિષયો નથી હોતા.

પણ તો તમે કહેશો કે કેટલાય સારા એકટર, રાઈટર, ડાયરેકટર, શેફ, મ્યુઝિશયન પુરુષો હોય છે. સફળ પણ પુરુષો જ હોય છે. વાત સાચી છે. રચનાત્મક કાર્યમાં જોડાયેલ પુરુષો સિવાય બાકીનાની પાસે સ્ત્રીઓ સાથે વાત કરવાના કોઇ વિષયો નથી હોતા. તેમનું વિશ્વ સિમીત દાયરામાં હોવાને કારણે ય તેઓ સ્ત્રીઓ સાથે વાતચીત એટલે કે સંવાદ સાધી શકતા નથી. તેમને લાગે છે કે સ્ત્રીઓના વિષયો કંટાળાજનક હોય છે, હકિકતે તેઓ સ્ત્રીના વિશ્વ સાથે તાદાત્મયતા સાધી શકતા નથી.  સ્ત્રીઓને હસાવી શકતો, સતત ફ્લેટર કરી શકતો અને તેને સ્ત્રીત્વ અનુભવાવી શકે તેવા પુરુષ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. સ્ત્રી પોતાની હોય કે પારકી તમે કંટાળાજનક વાતો કરશો તો સ્ત્રીને ક્યારેય તમારામાં રસ નહીં રહે.   
કેમ્બ્રિઝ યુનિવર્સિટીના સાયકોપેથોલોજીના પ્રોફેસર  સિમોન બેરોન કોહેને કરેલા સંશોધન પ્રમાણે સ્ત્રીનું મગજ સહાનુભૂતિ અને તાદાત્મયતાની અનૂભુતિઓ માટે તૈયાર  હોય છે. જ્યારે પુરુષનું મગજ સમજ અને વ્યવસ્થાનું માળખું બનાવવા માટે ઘડાયું હોય છે. વળી તે કહે છે કે ઓટિઝમ ધરાવનાર (સ્વલીન માનસિક વિકૃતિ) વ્યક્તિમાં પણ પુરુષોના મગજ જેવી રચના હોય છે. સિસ્ટમ વધુ અને તાદાત્મયતા ઓછી. જો કે આ તારણ તેમણે ઓટિસ્ટિક બાળકોના સામાજીક વર્તનનો અભ્યાસ કર્યા બાદ તારવ્યુ છે.
જ્યોર્જ ટાઉન યુનિર્વસિટીના લિંગ્વિસ્ટિક ડિપાર્ટમેન્ટના ડેબરા ટેનને એક પુસ્તક લખ્યું છે. યુ જસ્ટ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ મેન એન્ડ વિમેન ઇન કન્વર્સેશન. તેમાં એણે સ્ત્રી અને પુરુષના વાતચીતના ઉદાહરણો આપીને સ્ત્રી પુરુષની વિચારવાની શૈલી વિશે સમજાવે છે. ધારો કે સ્ત્રી પુરુષ કારમાં જઈ રહ્યા છે. સ્ત્રી પુરુષને કહે કે  આપણે કોફી માટે ક્યાંક રોકાઈશું ? પુરુષ ના કહે છે. સ્ત્રી પુરુષ સાથે વાતચીત કરવા માટે કોફી પીવાનો પ્રસ્તાવ મૂકે છે તો પુરુષને લાગે છે કે હા કે ના કહેવા માટેનો આ પ્રશ્ન છે. તેઓ આગળ પુસ્તકમાં કહે છે કે પુરુષ માટે વાતચીત એ ટોળાંમાં કરવાની બાબત છે. એનાથી તમારી આસપાસ લોકો વીંટળાયેલા રહે. જ્યારે સ્ત્રી માટે વાતચીતએ સામી વ્યક્તિની નજીક જવા માટે કે ઇન્ટમસી કેળવવા માટે હોય છે. 
અમેરિકન ન્યુરોસાયકિઆસ્ટ્રિટ લૌન બ્રિઝેન્ડને  કનેક્ટિંગ થ્રુ ટોકિંગ પુસ્તકમાં ખૂબ ડિટેઇલમાં લખ્યું છે. તેમણે લખ્યું છે કે સ્ત્રી જ્યારે વાતચીત કરતી હોય છે ત્યારે તેના મગજમાં આનંદના પોઇન્ટસ સક્રિય થાય છે. ડોપામાઈન અને ઓક્સિટોસીન નામના કેમિકલ એટલી બધી માત્રામાં સક્રિય થાય છે કે તેને આનંદના ફુવારા કહી શકાય. ઓર્ગેઝમના આનંદ બાદ આનો નંબર બીજો આવે. અને એટલે જ સ્ત્રીઓને વાત કરવામાંથી ય આનંદ મળી રહેતો હોય છે. જ્યારે બાયોલોજીકલી પુરુષો વાતચીત કરવા માટે વાયર્ડ નથી હોતા. તે છતાં એ કેળવી શકાય છે. તેઓ પ્રયત્ન કરે છે પણ તે મોટેભાગે ઉપર છલ્લો જ હોય છે તો તે બાબત સ્ત્રીના ચકોર નિરિક્ષણ શક્તિથી છુપુ નથી રહેતું.
પુરુષો શરૂઆતમાં બોર નથી હોતા પણ સમય જતાં તેઓ બોર થઈ જતા હોય છે તેવું ય તારણ લૌને કાઢ્યું છે. આધુનિક દુનિયાનું જીવન બધે જ એકસરખું  છે. એટલે તેમાં બોર્ડમ અને ચિંતાનું પ્રમાણે વધ્યું છે. તેની અસર પણ પુરુષ પર પડે છે. તેમાં ય બે જાતના બોરડમ હોઇ શકે જે અહંમપ્રેરિત હોય છે.  એક નકામા થઈ ગયાની લાગણી થવી. જે મિડલાઈફ ક્રાઇસીસ તરીકે જોવાય છે. બીજું મને કોઇની જરૂર નથી. આવી લાગણી પુરુષોને જ થતી હોય છે. પુરુષ એક્સ્ટ્રિમ પર જીવનારો વ્યક્તિ છે એટલે તે યા તો એકદમ ઇન્ટરેસ્ટિંગ હોય છે અથવા એકદમ બોરિંગ હોય છે. જ્યારે સ્ત્રીઓ એવરેજ બોરિંગ હોઇ શકે. પુરુષો જ્યારે બોરિંગ નથી હોતા ત્યારે તેમની સાથે ખડખડાટ હસી શકાય છે. તેઓ સ્ત્રીઓ કરતાં વધુ સારી રીતે સ્ટોરી કે જોક કહી શકે છે તેમાં કોઇ બે મત નથી.You Might Also Like

1 comments

  1. કેમ્બ્રિઝ યુનિવર્સિટીના સાયકોપેથોલોજીના પ્રોફેસર સિમોન બેરોન કોહેને કરેલા સંશોધન પ્રમાણે સ્ત્રીનું મગજ સહાનુભૂતિ અને તાદાત્મયતાની અનૂભુતિઓ માટે તૈયાર હોય છે. જ્યારે પુરુષનું મગજ સમજ અને વ્યવસ્થાનું માળખું બનાવવા માટે ઘડાયું હોય છે.

    ReplyDelete