દબંગ કોન્ફિડન્સ 20-5-14

22:35

દબંગનો ચુલબુલ પાંડેજી શર્ટની પાછળ કોલરમાં ગોગલ્સ ભરાવીને સ્ટાઈલ મારી શકે છે. કારણ કે તેનામાં દબંગ કોન્ફિડન્સ છે. દરેક ફિલ્મમાં કે વાર્તામાં  હીરો હોય તેનામાં પોઝિટિવ  કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ મહત્ત્વનો હોય છે.  ગમે તેટલો સારો દેખાતો હીરો કોન્ફિડન્સ વિનાનો હોય તો  તેનો ચાર્મ દર્શકોને અડે જ નહીંને. ઓવર કોન્ફિડન્સ અને કોન્ફિડન્સ વચ્ચે ભેદરેખા હોય છે. સફળતા કોન્ફિડન્સને મળે છે. એ હકિકત છે. સફળ પુરુષની પાછળ સ્ત્રી હોય કે ન હોય પણ કોન્ફિડન્સનું હોવું મસ્ટ ગણાય. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની શકે તેવું જો છ મહિના પહેલાં  કહ્યું હોત તો કોઇ માની ન શકત. યા તો  કદાચ બની યે શકે તેવો જવાબ આપ્યો હોત.તમે જુઓ જ્યારે  જવાબ પણ આત્મવિશ્વાસ પૂર્વક આપી શકાતો નથી ત્યારે પરિણામ અકલ્પિત જ હોય છે. નવાઈ લાગતી કે જે રીતે નરેન્દ્ર મોદી વિશ્વાસપૂર્વક કહેતાં કે અબ કી બાર..... શંકા મને પણ થતી. પરંતુ, તેમનો પોતાનામાં  જે વિશ્વાસ હતો એનો પડઘો નાગરિકોએ પાડ્યો એમ કહી શકાય. આત્મવિશ્વાસ ન હોત તો તેઓ આવી જવાબદારી લેત પણ  નહી.

કહે છે કે પહેલાં સફળતા માણી ચુકેલા વધુ કોન્ફિડન્ટ હોય છે. તેમનામાં દબંગગીરી સહજતાથી આવી જાય છે. આ પહેલાં પ્રભાશાળી વ્યક્તિત્વની વાત લખી હતી કે બોડી લેંગ્વેજની વાત લખી હતી. ત્યારે જ કહ્યું હતું કે મોદીની બોડી લેંગ્વેજ અને રાહુલ ગાંધીની બોડી લેગ્વેજમાં ફરક છે. આત્મવિશ્વાસ તમારા વ્યક્તિત્વમાં હંમેશા પડઘાતો હોય છે.  જ્યારે કોઇ જાહેર માધ્યમમાં કામ કરતી વ્યક્તિ  કે નેતૃત્વ કરવું પડે એવી કારર્કિદી ધરાવતા પ્રોફેશનમાં સૌ પ્રથમ જરૂરી હોય છે આત્મવિશ્વાસ. કોગ્રેસ પાર્ટીનો પોતાનામાં આત્મવિશ્વાસ ન હોવાને કારણે વડાપ્રધાન પદના ઉમ્મેદવાર માટે કોઇ વ્યક્તિને જાહેર નહોતી કરાઈ. આપણા સહુમાં સફળ થવાની ભરપૂર ઇચ્છા હોય છે પણ તેની સાથે એક ભય હોય છે ફેઇલ્યોરિટીનો. જો એ ભય હાવી થઈ ગયો જરાપણ તો આત્મવિશ્વાસ જે દેખાતો હશે તે ય ફેક એટલે કે નકલી હશે. આપણી આસપાસ કે આપણી જાતનું ય નિરિક્ષણ કરીએ તો ખ્યાલ આવે કે જે સમયે આત્મવિશ્વાસપૂર્વક આપણે પગલાં ભર્યા હશે તે સમયે સફળતા સહજતાથી મળી હશે. અને જ્યારે સહેજ પણ મનમાં ફેઇલ્યોરિટીનો ભય ડોકાયો હશે તો સફળતાના માર્ગમાં ઘણી અડચણ આવી હશે. આત્મવિશ્વાસ આપણને દરેક બંધ દરવાજા ખોલવાની કળ આપે છે અથવા અડચણ સમયે  નવા માર્ગ શોધવામાં મદદરૂપ  બને છે.
આપણે જ્યારે ફેઇલ થઇએ છીએ ત્યારે બીજાને દોષ આપીએ છીએ. અને સફળ થઈએ છીએ ત્યારે પોતાની મહાનતાના ગાણાં ગાઈએ છીએ. કોન્ફિડન્સનું શ્રેષ્ઠ ઉદાહરણ આજે નરેન્દ્ર મોદી છે કારણ કે બાર વરસ પહેલાં થયેલા ગોધરાકાંડ બાદના હુલ્લડ અંગે તેમને સતત ગુનેગાર ઠેરવવામાં આવ્યા. તેમના પર દેશવિદેશમાં દરેકે હિટલર હોવાનો આરોપ લગાવ્યો. સતત પ્રશંસા અને અનુકૂળતા વચ્ચે રાહુલ ગાંધી ઉછર્યો. પણ નરેન્દ્ર મોદીએ સતત ઊંધા પ્રવાહે તરીને પોતાને પુરવાર કર્યા છે. અંગત રીતે મને ભાજપ કે કોન્ગ્રેસ કરતાં આમ આદમી  પાર્ટીની વિચારધારા ગમે છે. તે છતાં 2014ની ચુંટણીનો માહોલ જોતાં સફળતાને સર કરનાર મોદીને સલામ કરવાનું મન થાય છે.
આ આત્મવિશ્વાસની દરેકને જરૂર પડે છે. નાનામાં નાના કાર્યથી લઈને મહાન કાર્ય કરવા માટે. ગાંધીજી પોતડી પહેરીને બ્રિટનમાં એટીકેટ ધરાવતાં રાજવીઓની સાથે ચર્ચા કરી શકે. બ્રિટિશરોને હાંકી શકે એ તેમનો આત્મવિશ્વાસ હતો. બાકી ઘરના કપડાંમાં તમે બજારમાં તો શું મકાનની બહાર પણ નહીં જાઓ. કોઇ ખાસ અવસર માટે ડિઝાઇનર વસ્ત્રો પહેરીએ છીએ અને જો યોગ્ય વસ્ત્ર ન મળે તો આપણી કેટલી હિણપત અનુભવીએ. કારણ કે આત્મવિશ્વાસની ઊણપ. જો  આત્મવિશ્વાસ હોય તો લોકો વસ્ત્રને નહીં પણ આપણને જુએ છે એની ખાતરી હોય છે. આ વાત ગાંધીજીએ પુરવાર કરી છે.  વેલડ્રેસ્ડ બ્રિટિશરો સામે અસહકારની લડત અને નિર્ભયતાથી પોતાની આગવી વિચારધારાને મૂકીને. ભય એ આપણા ડિએનએમાં વણાઈ ગયો છે. તેને કન્ટ્રોલમાં રાખતા જેને આવડી જાય છે તેને આત્મવિશ્વાસની ઉણપ વર્તાતી નથી. મોદીને પણ ક્યારેક ફેઇલ્યોરિટીનો ભય લાગ્યો હશે પણ તેને નજરઅંદાજ કરતાં શીખી લીધું હશે. જે વ્યક્તિમાં આત્મવિશ્વાસ હશે તે હારતી વખતે પણ સ્વસ્થ હશે. તેને હારને ય જીતમાં બદલતાં આવડતું હોય છે. કારણ કે તે હારથી ભયભીત નથી હોતા. ગાંધીજીને પણ સ્વરાજની લડતમાં વરસો આપવા પડ્યા. સચિન તેંડુલકર દરેક વખતે સેન્ચુરી નહોતો મારી શકતો. પણ દરેક વખતે તે એટલા જ આત્મવિશ્વાસપૂર્વક મેદાનમાં ઉતરતો હતો. દરેક વખતે બોલરનો સામનો કરતાં તે વિચારતો હશે કે અરે આ બોલને મેં પહેલાં અનેકવાર બાઉન્ડ્રીની બહાર મોકલી દીધો છે. તે છતાંય જ્યારે તે 99 રન પર આઉટ થતો ત્યારે દુખ જરૂર અનુભવતો હશે પણ ભય નહીં કે હવે હું મેચ કેમ રમીશ... ફરી આઉટ થઈ જઈશ તો એવું વિચારે તો કોઇ રમતવીર સફળતાનો સ્વાદ ક્યારેય ચાખી શકે જ નહી.
સ્ત્રીઓ પણ પુરુષ પસંદ કરતી સમયે તેનો દેખાવ, તેનો હોદ્દો કે પૈસા જ નથી જોતી. પણ તેનામાં કેટલો કોન્ફિડન્સ છે તે પહેલાં જુએ છે. પુરુષ પોતાની જાત સાથે કેટલો સહજ છે અને કેટલો આત્મવિશ્વાસ ધરાવે છે તે સ્ત્રીની ચકોર નજર તરત જ પારખી લેતી હોય છે. આત્મવિશ્વાસ ન હોય પણ તમારે બતાવવો હોય તો એ શક્ય છે. ભલે ફેક એટલે કે બનાવટી હોય પણ તમારો ભય અન્યો સમક્ષ જાહેર ન થાય તો ય બાજી બગડતી નથી.
1.      વાત કરતી સમયે સામી વ્યક્તિની આંખમાં જુઓ. નર્વસ વ્યક્તિઓ બીજાને જોવાને ટાળતી હોય છે જ્યારે કોન્ફિડન્સ ધરાવતી વ્યક્તિ સહજ હોય છે. તેની આંખો ચકળવકળ નથી ફરતી તે સ્થિર હોય છે. હા વાત કરતાં જ્યાં વચ્ચે પોઝ આવે ત્યારે તમે રુમમાં અછડતી નાખી શકો છો.
2.      જો આત્મવિશ્વાસ ઓછો હોય તો તમારો વોર્ડરોબ અપટુડેટ રાખો. તમને આકર્ષક બનાવે તેવા કપડાં પહેરો. યોગ્ય ફિટીંગ અને સિમ્પલ પરંતુ, એલીગન્ટ વસ્ત્રો પુરુષને આકર્ષક ઓપ આપી શકે છે. સાથે થોડું પર્ફ્યુમ કે ડિઓ જે માઈલ્ડ હોય. જીન્સ અને ઝભ્ભો ય પહેરો તો યોગ્ય ફિટિંગ અને પેસ્ટલ રંગ હોય તે જરૂરી છે.
3.      કોઇની પણ સાથે વાત કરતી સમયે ધીમે અને સ્પષ્ટતાથી બોલો. બહુ ઝડપથી કે અસ્પષ્ટ કે મોટેથી બોલતી વ્યક્તિનો ભય , નર્વસનેસ છતાં થઈ જાય છે.
4.      બીજાને કોમ્પલિમેન્ટ આપવાનું ચુકો નહી. તેમના દેખાવ ( જો પાર્ટીમાં કે સામાજીક મેળવડામાં હો ), કોઇના અવાજ માટે કે તેમની વાત કરવાની શૈલી બાબતે.  તમે જ્યારે કોઇ બાબત માટે બીજાની પ્રશંસા કરો છો તો એક મેસેજ જતો હોય છે કે તમે જાણકાર છો, સમજદાર અને બીજાની કાળજી આદર રાખનાર વ્યક્તિ છો. આત્મવિશ્વાસ ધરાવતી વ્યક્તિ જ આવું કરી શકે. રસ્તામાં જતાં કોઇ અજાણી વ્યક્તિને પણ હસીને અભિવાદન કરી શકો કે તેની કોઇ બાબતને વખાણી શકો.
5.      ફક્ત ફેક આત્મવિશ્વાસ ન રાખતાં આત્મવિશ્વાસ કેળવી પણ શકાય કેટલીક બાબતોનું ધ્યાન રાખીને ....જેમકે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાની આદત પાડો. ધીમે ધીમે તમારો આત્મવિશ્વાસ વધશે. ભયને જીતવાનો આ એક જ રસ્તો હોય છે કે તેનો સામનો કરો. પડકારો.
6.       જનરલ નોલેજ વધારો. દુનિયામાં બનતી દરેક ઘટના અંગે માહિતી હોવી જરૂરી છે. વાંચો, સમાચાર જુઓ. તમારા રસના વિષયનું જ્ઞાન અને અભ્યાસ હોવો  જોઇએ પણ એ સિવાયની અન્ય બાબતો અંગે થોડીઘણી જાણકારી હોવી જરૂરી છે. જેથી આઉટ ઓફ બોક્સ વિચારવાની આદત પડે.
7.      તમારી પોતાની  વિચારધારા વિકસાવો. સફળતામાં કે અસફળતામાં ય તેને વળગી રહો. સફળ પુરુષ દરેક પરિસ્થિતિને સમતાપૂર્વક વળગી રહે છે.
8.      અને છેલ્લે સૌથી અગત્યની બાબત જાત સાથે અને અન્ય સાથે પ્રામાણિક રહો. બસ તમે સફળ જ છો. સફળતાનો માપદંડ બાહ્ય દેખાવ કે ભૌતિક વસ્તુઓ, સમૃધ્ધિથી  જ ન આંકો..આંતરિક રીતે સમૃધ્ધ વ્યક્તિ પણ સફળ હોઇ શકે છે.  

You Might Also Like

0 comments