સ્વતંત્રતાનો અહેસાસ 12-8-14

02:27

સ્વતંત્રતા દિને રજા હોય અને જો તે દિવસે શુક્ર, શનિ કે સોમવાર આવે તો લોન્ગવીકએન્ડના પ્લાનિંગ શરૂ થઈ જાય. બે પુરુષો બસમાં આગળ બેસી લોન્ગ વીકએન્ડનું પ્લાન કરી રહ્યા હતા. ક્યાં જવાની વાત સાથે પત્નિ અને બાળકો સાથે કે .... એમાંથી ય ફ્રિડમ.... ને વાત આડે પાટે ચઢી. પત્નિની સાથે બંધાઈ જવાય....સા...તેમનું ધ્યાન રાખો, તેમના મૂડનું ધ્યાન રાખો વગેરે વગેરે...સાંભળીને પહેલાં તો ગુસ્સો આવ્યો પણ પછી શાંત ચિત્તે વિચારતાં લાગ્યું કે વાત સાવ ખોટી પણ નથી.
વિમેન્સ ડે, ફ્રિડમ ડે ઉજવાઈ શકે તો મેન્સ ડે કેમ નથી ઉજવાતો ? તરત જ સ્ત્રી તરીકે વિચાર આવે કે સદીઓથી સ્ત્રીઓ પર અત્યાચાર અને અન્યાય થતાં આવ્યા છે. તે માટે વિમેન્સ ડે જરૂરી છે. પરંતુ, સમાનતાની વાત થતી હોય તો મેન્સ ડે ઉજવીને તેમની ફ્રિડમ અંગે અને તેમના પર થતાં અન્યાય અંગે વાત પણ થવી જોઇએ. પુરુષ માત્રને સ્વતંત્રતા ગમે છે. એક બહુ જ સરસ મેઇલ વચ્ચે કોઇએ ફોર્વડ કર્યો હતો. અમ સ્ત્રીઓનું મગજ વાયર્ડ હોય છે. એક પોઇન્ટનો છેડો ક્યાં પહોંચશે તે કહી શકાય નહી. પુરુષ અઠવાડિયા પહેલાં કેમ વર્ત્યો હતો અને શું કહ્યું હતું ....અથવા પહેલાં પણ અનેકવાર કોઇ કેમ વર્ત્યુ હતું વગેરે વગેરે ...જ્યારે પુરુષોના મગજમાં બોક્સીસ હોય દરેક બોક્સનું કામ પડે ત્યારે કાઢે અને પાછું મૂકી દે. એક ખાલી બોક્સ પણ હોય છે. જે સૌથી વધારે વપરાતું હોય છે. એટલે જ સ્ત્રીઓને લાગે છે કે પતિ કે બોયફ્રેન્ડને તો કંઇ મારી પડી જ નથી. સ્ત્રીઓનો હોર્મોનલ મૂડી સ્વભાવ પુરુષોને સમજાતો નથી અને પચતો પણ નથી. સ્વતંત્રતા એ પુરુષનો બેઝિક સ્વભાવ છે. પુરુષોને પણ તે સ્ત્રીની સાથે જોડાયા બાદ ખબર પડે છે. આમ તો આ જોક પણ છે અને હકિકત પણ.
પુરુષોને સ્વતંત્રતા જેટલી ગમે છે એટલો જ રસ તેમને સેક્સમાં પણ હોય છે. વિજાતિય આકર્ષણને કારણે સ્ત્રીથી દૂર રહી શકવું અશક્ય હોય છે. અને સ્ત્રીને ગમે છે અધિકાર. પ્રેમિકા રૂપે સ્ત્રી જીવનમાં આવે એ પહેલાં તેના જીવનમાં માતા હોય છે. છોકરો  દશ વરસનો થાય કે ત્યારથી તે માતાના હાથમાંથી છટકવાના દરેક પ્રયત્નો કરશે. સોળ વરસનો થતાં સુધીમાં તે પોતાના નિર્ણય જાતે જ લેશે તે ગાઈ બજાવીને દુનિયાને સાબિત કરશે. દરેક ટિનએજ છોકરા અને માતા વચ્ચે થોડી ચકમક તો ઝરશે જ. છેવટે મા હાથ ઉપર કરી દેશે. તેને ખબર હોય છે કે હવે જે સ્ત્રી દીકરાના જીવનમાં આવશે તેના હાથમાંથી છટકવું મુશ્કેલ જ નહીં નામુમકિન છે.
સ્ત્રીઓને પણ ખબર હોય છે કે પુરુષોને બંધાવું નથી ગમતું. સ્વતંત્રતા પ્રિય છે પણ સ્ત્રીઓ બિચારી શું કરે ? એક તો તેને ખબર હોય છે કે પુરુષને તેના વગર ચાલશે નહી. અને બીજું પુરુષ અને તેના ઘર પર અધિકારને કારણે તે પોતાનું સામ્રાજ્ય સ્થાપીને સુખ મહેસુસ કરતી હોય છે. એટલે જ હવે વીસથી ત્રીસ વરસની વય ધરાવતાં આજના પુરુષો કમિટમેન્ટથી ગભરાય છે. પહેલાં લિવ ઇન રિલેશનશીપ પોપ્યુલર હતું.પણ તેમાંય છેવટે અધિકારભાવ તો રહેતો જ હતો. એટલે આજનું યંગ જનરેશનમાં ફ્રેન્ડસ વીથ બેનિફિટ જેવા સંબંધો ઇનથિંગ બન્યા છે. વડિલોને એટલે કે પ્રૌઢ પુરુષ માટે આ સ્વીકારવું જરા અઘરું હોય છે. પણ આજની પેઢી કમિટમેન્ટ કરતાં પહેલાં અનેક ગળણે ગાળીને જોયા બાદ જ કાયમી સંબંધ બાંધે છે.  સ્ત્રી તરફી કાયદાઓ અને માનસિકતાને કારણે ય સારું કમાતાને સ્વતંત્રત વિચાર ધરાવતાં પુરુષો પોતાની સ્વતંત્રતાને સરળતાથી હાથમાંથી સરી જવા નથી દેતા.
જો કે સ્વતંત્રતા લેવી હોય તો આપવી પણ પડે જ છે. પિતૃસત્તાક માનસિકતા ધરાવતા પુરુષો સ્વતંત્રતા આપી ન શકવાને કારણે જ સ્વતંત્રતા ભોગવી શકતા નથી. આ અંગે કાઉન્ટર દલીલો ય થઈ શકે છે. પણ અહીં જે વાત કરવી છે તે મિજાજની. સ્ત્રીઓ નાની નાની બાબતે જ્યારે પુરુષોને બાંધી રાખે છે ત્યારે ખોટું બોલીને તેઓ સ્વતંત્રતા લઈ લેતા હોય છે. ભારતીય પુરુષોને માટે સ્વતંત્રતાનો અર્થ થતો હોય છે તેમના માથે સતત ટક ટક ન જોઇએ. ક્યાં છો, ક્યારે આવો છો તે પૂછે તે ન ચાલે. પોતાના મિત્રો સાથે કે બિઝનેસ મિત્રો સાથે તેઓ પોતાનો સમય વિતાવી શકે અને મન ફાવે ત્યારે ઘરે આવે કે જાય. હા પણ જ્યારે તેઓ ઘરમાં હાજર હોય ત્યારે પત્નિ ઘરમાં હાજર હોવી જોઇએ. નહીં તો તેમનું માથું ઠણકે. લાંબા ગાળા માટે સાથે રહેતા દંપતીઓની અહીં વાત નથી થતી. તેઓ તડજોડ એટલેકે કોમ્પ્રોમાઈઝ કરીને સાથે રહેતા થઈ ગયા હોય છે. તેમણે પોતાના અનેક સ્વતંત્રતાઓના ખ્યાલ છોડી દીધા હોય છે. કારણ કે તેઓ બીજા પર નિર્ભર હોય છે. સ્વતંત્રતા ઇચ્છતા હોય તે પુરુષે બીજા પર નિર્ભર રહેવું પોષાય નહી. ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા માટે ગાઉન ડિઝાઈન કરનાર ગુજરાતી ફેશન ડિઝાઈનર હેમંત ત્રિવેદીએ લગ્ન નથી કર્યા. તેની મુલાકાત લીધી હતી ત્યારે જાણીને નવાઈ લાગી હતી કે હેમંતના ઘરે એક પણ કામવાળો નહતો. હેમંતે જે કહ્યું હતું તે આજે પણ મને યાદ છે. તેણે કહ્યુ હતું કે તેને કોઇ પર નિર્ભર રહેવું ગમતું નથી. તેના કામના કલાકો ફિક્સ ન હોય અને તે ક્યારે મુંબઈમાં હોય કે મુંબઇની બહાર હોય તે પણ નક્કી ન હોય. એટલે તે ઘરના દરેક કામ પોતાની જાતે જ કરે છે.
સ્વતંત્રતા બાહ્ય કરતાં અંદરથી મહેસુસ કરી શકાય તો જ વ્યક્તિ મુક્તિનો અનુભવ કરી શકે છે. અને તે ઉછેર ઉપર પણ નિર્ભર છે. આપણે ત્યાં છોકરાને દરેક બાબતે નિર્ભર રાખવામાં આવે છે. એટલી હદે કે તે ચાલીસનો થાય તો ય બાબો જ રહે છે અને તેને હાથમાં પાણીનો ગ્લાસ આપો તો તે પાણી પી શકે છે. પત્નિ જો બે દિવસ બહારગામ ગઈ હોય તો ચા બનાવીને પીતા પણ ન આવડે. વરસો પહેલાં જ્યારે કાલબાદેવીની ચાલીમાં રહેતી હતી ત્યારે અમારા પડોશી બહેન પિયર જાય તો અમને કહી જાય કે કાકાને ચા બનાવી આપજે સવારે. અમે જ્યાં સુધી ચા બનાવીને ન આપીએ ત્યાં સુધી તે બિચારો પુરુષ ઓશિયાળા જેવો બેસી રહે.  આવા પુરુષો માટે મુક્તિનો કોઇ સંદર્ભ હોતો નથી. તેમને સ્વતંત્રતા શું એ પણ ખ્યાલ કદાચ નથી જ હોતો. પરંતુ, આજનો વરણાગી પુરુષ કશ્મકશમાંથી પસાર થાય છે. એક તો તેનો ઉછેર પારંપારિક રીતે થયો હોવાથી તેણે આત્મનિર્ભરતા કેળવવી પડે છે. અને બીજું સ્ત્રીના સહવાસ માટે બાંધછોડ કરવાની તૈયારી રાખવી પડે છે. સ્ત્રીને લગ્ન કરવા જ હોય છે અને સાથે બીજી અનેક અપેક્ષાઓ પણ હોય છે. અને જો સારા પૈસા કમાતો હોય તો લગ્ન ન ફળ્યાને છૂટાછેડા લેવાનો વારો આવે ને કોર્ટ કચેરી સાથે  મિલકતમાંથી ય હાથ ધોવા પડે તો શું ? આમ હજી આપણા સમાજની માનસિકતા પણ હજી વિકસી નથી. એટલે આજના પુરુષની હાલત ત્રિશંકુ જેવી થાય છે. સ્ત્રીના પ્રશ્નો અંગે જેટલી સહાનુભૂતિ સેવવામાં આવે છે તેટલી સહાનુભૂતિ પુરુષોના પ્રશ્ને નથી દર્શાવાતી તે હકિકત છે. સ્વતંત્ર વિચારસરણી માટે સમાજની માનસિકતા બદલાય તો સ્ત્રી અને પુરુષ બન્નેની સમસ્યાઓનું સમાધાન થાય. હાલમાં બદલાવની પ્રક્રિયા ચાલુ હોવાને કારણે સમસ્યાઓ કદાચ વધતી દેખાય પણ તો જ એના ઉકેલ માટે પ્રયત્નો ય થશે.


You Might Also Like

0 comments