શંકા ડાકણનું ઘર 5-8-14

23:43

 અંધેરી સ્ટેશને પ્રિ પેઇડ ટેક્સી કે રિક્ષા મળશે ? ગયા અઠવાડિયે બહારગામની ટ્રેનમાં પરત ફરી રહી હતી ત્યારે મુંબઈમાં ગાડી પ્રવેશ્યા બાદ એક છોકરીએ મને પૂછ્યું. ના નહીં મળે તારે ક્યાં જવું છે ? મારી ના સાંભળીને છોકરીએ ચિંતિત ચહેરા સાથે અંધેરીના જ એક વિસ્તારમાં જવું છે એમ કહ્યું. અરે, તેમાં શું ? સ્ટેશન બહાર નીકળીને રિક્ષા મળી જશે.  પેલી છોકરી જે 24/25 વરસની હશે. મને મુંબઈના રિક્ષા કે ટેક્સીવાળા પર વિશ્વાસ નથી. એટલે પ્રિપેઇડ મળે તો સારું. મારા જેવી અનેક મુંબઈકર બહેનો રિક્ષા,ટેક્સીને કારણે જ મુંબઈમાં કોઇપણ સમયે બહાર એકલી નીકળતાં ગભરાતી નથી. રાતના દશ વાગ્યા હોય કે બે વાગ્યા હોય,  આ ચાલક ભાઈઓ જેને અમે ભૈયા કહીએ તેઓ અનુકૂળ રીતે અમને ઘર સુધી પહોંચાડે.
હવે આ એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. શહેરમાં એકાદ બળાત્કારના બનાવ બન્યા બાદ તરત જ ચેનલવાળા રસ્તે જતી કોઇપણ સ્ત્રી કે છોકરીને પકડીને પૂછશે. ક્યા આપકો લગ રહા હૈ કી આપ સેફ હૈ? તરત જ પેલી છોકરી કહેશે, હવે અમને બહાર એકલા નીકળતા ડર લાગે છે. બેંગ્લોર, દિલ્હી, કલકોતા કે મુંબઈ. બળાત્કારના બનાવો પહેલાં પણ બનતા હતા અને આજે પણ બને છે. ન બનવા જોઇએ પરંતુ, એ બનાવ બાદ આપણે સતત શંકાશીલ બનીને લોકો પર શંકા કર્યા કરવી ? આપણા કુટુંબમાં પણ પુરુષો છે. દરેક વ્યક્તિ સારી ન હોય પણ દરેક વ્યક્તિને ખરાબ ધારી લઈને આપણે જો શંકા રાખ્યા કરીએ તો આપણી શાંતી ખોરવાઈ જાય. પેલી યુવતીના મોં પર તણાવની તંગ રેખાઓ દેખાતી હતી. મેં તેને પૂછ્યું કે શું તે મુંબઈમાં નવી છે ? તો કહે ના હું બે વરસથી રહું છું. આ સાંભળી મારે તેને કહેવું પડ્યું કે તો બહેન મુંબઈમાં છેલ્લા કેટલાય મહિનાથી ઇલેક્ટ્રોનિક્સ મીટર આવી ગયા છે. તેમાં કિલોમીટરની સાથે કેટલા રૂપિયા થયા તે ચોખ્ખું દર્શાવાય છે. નાઈટ ચાર્જના ય મીટરમાં ઓપ્શન હોય છે. હા મીટરમાં ચેડાં થાય છે ખરા પણ તે ય જૂજ. તો પછી સતત શંકા કરીને સામી વ્યક્તિની ગરિમાને ઠેસ પહોંચાડવનો આપણને શું અધિકાર છે ? તેની સામે મને બીજો પ્રસંગ યાદ આવે છે. એકવાર હું ને મારી મિત્ર જઇ રહ્યા હતા. તેણે ગાડી સાફ કરવા માટે કપડું જોઇતું હતું. સિગ્નલ પર કપડાંવાળા સાથે તે ભાવતાલ કરી રહી હતી. પછી તેણે પૈસા આપવા પર્સ ખોલ્યું તો દશ રૂપિયા ખૂટી રહ્યા હતા. મારી પાસે પણ છુટ્ટા નહોતા. પેલા ફેરિયાએ તરત જ કહ્યું કે એક કામ કરો મેડમ દશ રૂપિયા કલ પરસો આપ યહાં સે જાયેગેં તો દે દેના. મારી બહેનપણીએ મજાક કરતાં કહ્યું કે ઓર નહી દિયા તો ? પેલાએ તરત જ કહ્યું મુજે ઇન્સાનિયત પર ભરોસા હૈ આજ ભી. એ શબ્દો અમને બન્નેને સ્પર્શી ગયા. બીજે જ દિવસે મારી બહેનપણીએ તેને વીસની નોટ આપી. દશ રૂપિયા બક્ષીસ.
અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ, રાજકોટ, ગોંડલ આ દરેક જગ્યાએ મને રિક્ષાવાળાના સારા અનુભવો પણ થયા છે. તમારા ઉપર પણ કોઇ ભરોસો ન રાખે તો કેવું લાગે ? મુંબઈના રિક્ષાવાળાને પૂછ્યું કે કોઇ તમારા પર શંકા કરે તો કેવું લાગે ? તરત જ પેલાએ કહ્યું, બહેનજી બહોત ગુસ્સા આતા હૈ. અમે પણ માણસો છીએ. અમને ય પોતાનું સ્વમાન છે. અમારા ઘરે પણ માબહેન, દીકરીઓ છે. અમારી રિક્ષામાં બેસનાર બહેનની જવાબદારી અમારી હોય છે. રાતના કોઇ બહેનને એકલી મૂકવાની હોય તો મકાનમાં તે બહેન અંદર જાય તેની ખાતરી કર્યા વગર હું ત્યાંથી હટુ નહી. મારા જેવા અનેક લોકો છે. અને કેટલીયવાર છુટ્ટા ન હોય કે અમારાથી ભૂલમાં ખોટો રસ્તો લેવાય જાય તો પૈસા પણ જતા કરીએ છીએ. હા, કોઇ અભિમાની કે શંકાશીલ વ્યક્તિ હોય તો પછી અમારાથી પણ તોછડું વર્તન થઈ જાય. શાકવાળો ય ખોટું જ તોલે, કામવાળા કામચોરી જ કરે, વાણિયો ય ઘાલમેલ કરે, સામી દરેક વ્યક્તિ જાણે તમને લૂંટવા જ બેઠી હોય તેવા ઉચાટમાં જીવવું કેટલું યોગ્ય છે ?
ખરાબ વ્યક્તિની ઓળખ સ્ત્રીની પારખું નજર કરી લેતી હોય છે. એટલે કેટલીક જગ્યાએ એકલા ન જવું. થોડીક સાવચેતી રાખવી જરૂરી છે પરંતુ, સતત બીજાને શંકાશીલ નજરે જોવાથી આપણે મનની શાંતિની સાથે ઘણુંબધું ગુમાવી બેસીએ છીએ. બે પાંચ રૂપિયા માટે કચ કચ કરીને માનસિક શાંતિ ખોઈ તાણમાં શું કામ જીવવું ? ઘરની બહાર નીકળવાનું બંધ કરી દેવાય છે ખરું  ?

You Might Also Like

1 comments

 1. Sachi Vat kahi bahen... Koi par Shanka karo etale teno ane aapno Apmanj kariye chhiye

  PRANAM~~
  JAI SHREE KRISHNA~~
  JAI SHREE SWAMINARAYAN~~
  GOOD NIGHT FRIENDS~~

  ReplyDelete