સેક્સ, સંત અને સ્કેન્ડલ

02:42

રજનીશ અને આસારામબાપુમાં આમ તો કોઇ સામ્ય નથી. પણ સેક્સ શબ્દ માટે જરૂર છે. રજનીશે સંભોગથી સમાધિ સુધીનાં વૈચારિક પ્રવચનો આપ્યાં છે. તો સેક્સ અંગેની અનેક વાયકાઓ અને કથાઓ તેમની અને આશ્રમની આસપાસ વણાયેલી રહી છે. એની સામે યુટ્યુબ પર જઇને આસારામબાપુનાં પ્રવચનોની કેટલીક વીડિયો જોશો તો ખ્યાલ આવશે કે સેક્સ શબ્દ અને વિષયનો અનેકવાર તેમનાં પ્રવચનોમાં ઉલ્લેખ થયો છે. જો કે તેમનાં પ્રવચનોમાં સેક્સ અંગેનું તેમનું અજ્ઞાન જ છતું થતું હતું. તેઓ સેક્સ વિશે પોતાના અનુયાયીઓને કહેતા કે અમાસ , પૂનમ અને પવિત્ર દિવસોએ સેક્સ ન કરવો જોઇએ. એમ કરવાથી અપંગ બાળકો પેદા થાય. જ્યારે કેટલાક દિવસો અને ચોક્કસ સમયે સેક્સ કરવાથી બુદ્ધિશાળી બાળકો પેદા થાય તેવું પણ જણાવતાં. તેઓ માસ્ટરબેશનની પણ ના કહેતા તેમ કરવાથી શક્તિનો વ્યય થાય છે.(જોધપુરમાં જ્યારે કિશોરી સાથે પકડાયા ત્યારે કઇ તિથિ હતી?) આ બાબાઓ, બાપુઓ જે સંસાર ત્યજીને આત્માનું કલ્યાણ કરવા માટે ભગવાં, સફેદ કે કાળા કપડાંઓ ધારણ કરે છે. તે મોટા અનુયાયી સમુદાયને જોઇને આત્મામાંથી શરીરમાં સ્થિર થઈ જાય છે. રામપાલ કે આસારામ એકમાત્ર ગોડમેન નથી જેઓ સ્કેન્ડલ માટે બદનામ હોય. જેમ આધ્યાત્મિક આશ્રમોમાં ગુરુપરંપરા હોય છે તેમ સંત અને સ્કેન્ડલનો શિરસ્તો પાળનારાઓનો પણ એક વર્ગ ઊભો થયો છે. ધન, માન, સત્તા અને વૈભવી સગવડ વગર મહેનતે મેળવવાનો એક વ્યવસાય છે આ. બાકી ક્યા બાપુ કે બાબાઓ સાદાઈથી અને છાપા,ટીવીમાં પ્રચાર વિના રહે છે?

લોભી હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ કહેવત અહીં એકદમ બંધ બેસે છે. અધૂરી અને આંધળી ભક્તિ ધરાવતા લોકોનો સમુદાય હોવાને કારણે જ આવા બાબાઓ કે બાપુઓ જન્મ લે છે. દરેકને જીવનમાં કશુંક જોઇએ છે. કેટલાકને એક્સાઈટમેન્ટ ... જીવનની બોરિયત દૂર કરવા માટે ગુનાહિત ભાવ વિનાની એક્સાઈટમેન્ટ. તેમાં વિદેશીઓ પણ બાકાત નથી. અહીં ભારતમાં આવે... યોગ શીખવા. એક રશિયન સ્ત્રી જેના પર ઋષિકેશમાં એક ગુરુ ધ્વારા અનેકવાર બળાત્કાર કરવામાં આવ્યો. તેણે સાયકોલોજીસ્ટને કહ્યું કે પેલા ઋષિ તેની સાથે સંભોગ કરતાં પહેલાં કપાળ પર અંગુઠો દાબતાં જ તેને પરમશાંતિનો અનુભવ થતો. ને તે ટ્રાન્સમાં ચાલી જતી. 

સ્ત્રીની મરજી વિના તેની સાથે યેનકેન પ્રકારે સંભોગ થાય તો તેને બળાત્કાર જ કહેવાય. દક્ષિણના સ્વામી નિત્યાનંદ અભિનેત્રી સાથેના કઢંગી અવસ્થાના વીડિયોથી ચકચારમાં હતા જ પણ તેમના પર અમેરિકન ભારતીય આરથી રાવે ટેલિવિઝન પર આરોપ મૂક્યો હતો કે નિત્યાનંદ સ્વામીએ તેના પર અનેકવાર બળાત્કાર કર્યો હતો. નિત્યાનંદે આ આરોપોને નકારી દીધા હતા પણ આવી આંગળી ચીંધાય તે જ દર્શાવે છે કે તેઓ યોગ્ય રીતે પોતાના પદનો ઉપયોગ નહોતા કરી રહ્યા. રાવે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમણે આશ્રમની બાબતોને ખાનગી રાખવાનો એગ્રીમેન્ટ સહી કર્યા બાદ તેમનું નામ મા નિત્યાનંદ ત્રિનેશ્વરી કરવામાં આવ્યું હતું. મોટા ભાગના સ્વામીઓ,બાબાઓ ચેલા બનાવતાં પહેલાં ખાનગીપણાના એગ્રીમેન્ટ કરતાં હોય છે. રાવે વધુમાં કહ્યું હતું કે મોટો ભક્ત સમુદાયગણ ધરાવતાં બાબાઓ એમ માનતા હોય છે કે તેઓ ધન, સત્તા અને ઓળખાણોના જોરે બચી જશે. આ બધા બાબાઓની ભક્તની સંખ્યામાં રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ પણ સામેલ હોય તેની ખાસ નોંધ રાખવામાં આવે છે.

રજનીશ ફક્ત સેક્સ માટે જ નહીં તેમના આશ્રમમાં ડ્રગ અને લકઝરિયસ લાઈફસ્ટાઈલ જેવા મુદ્દાઓ સાથે ચર્ચામાં રહ્યા. તેમની પાસે ૯૬ રોલ્સ રોયસ ગાડીઓ હતી. સ્વ. ઈન્દિરા ગાંધી સહિત અનેક રાજકારણીઓ જેમની સલાહ લેતા હતા તે ચંદ્રાસ્વામી ધનની માયામાં લપેટાયેલા હતા. અને તેમના પર તપાસ ચાલી હતી. તંત્રવિદ્યાને નામે સેક્સ સ્કેન્ડલ ચાલતાં હોય તેમાં નવાઈ નથી. ૨૦૦૬ની સાલમાં મધ્યપ્રદેશના જબલપુર વિસ્તારમાં વિકાસાનંદ નામે લોકપ્રિય ગુરુ હતા જે રેબેનના ગોગલ્સ પહેરીને પ્રવચનો કરતા. તેમના ભક્તોમાં અનેક શિક્ષિત લોકો હતા. તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે તેઓ ત્રણ સ્ત્રીઓ સાથે હૉટેલના રૂમમાં હતા. તેમાંથી એક તરુણી હતી. તેમની પાસેથી ૬૦ સીડી જપ્ત કરવામાં આવી જેમાં અશ્ર્લીલ વીડિયો હતા. તંત્રના નામે આ ગુરુ સેક્સ સ્કેન્ડલ જ ચલાવતાં હતા એમ કહી શકાય. જો કે, કોર્ટમાં તેમના વિરુદ્ધ જુબાની આપવા માટે કોઇ સ્ત્રી ન આવી. હજી આજે પણ તેઓ જેલમાં છે. સોશિયોલોજિસ્ટ દિપાંકર ગુપ્તા કહે છે કે બહોળો અનુયાયી વર્ગ બાબામાં અખૂટ અંધશ્રદ્ધા ધરાવતો હોય છે. અને સ્ત્રીઓ પણ ગુરુને સમર્પિત થવા તત્પર હોય છે. તેથી કેટલીક વખત મંજૂરી સાથે સંબંધો બાંધવામાં આવે છે તો કેટલોક વખત ભક્તની મજબૂરીનો લાભ આવા બાબાઓ હિપ્નોટાઈઝ કરીને કે મજબૂરીનો લાભ ઉઠાવતાં જબરદસ્તી પણ કરવામાં આવે છે. તેમની સામે બોલવું કે વિરોધ કરવો સહેલો નથી હોતો. નાના વિરોધી અવાજોને આસપાસના લોકો જ દબાવી દેતા હોય છે. આસારામના અને તેના પુત્ર નારાયણસાંઈના કિસ્સામાં બન્યું જ હતું ને કેટલાક તેમના અંગત અનુયાયીઓ ફરિયાદ કરનારાઓને ધમકીઓ આપી જ રહ્યા હતા. તો કેટલાક અનુયાયીઓ આજે પણ માનવા તૈયાર નથી કે તેમના ગુરુજી કંઇ ખોટું કરી શકે. 

જાણીતા સાયકોલોએનાલિસ્ટ સુધીર કક્કરે મેડ ઍન્ડ ડિવાઈન નામે એક પુસ્તક લખ્યું છે. એમાં તેમણે અનેક નામી ગુરુઓનું વિશ્ર્લેષ્ણાત્મક આલેખન કર્યું છે. એક પોઇન્ટ તેમાં એ પણ છે કે આધ્યાત્મિક ગુરુઓ બાળપણથી કે યુવાનીમાં જ પોતાની કામેચ્છાને દબાવી રાખતાં હોય છે. જે સમય જતાં વધુ તીવ્રતાથી માગ કરે છે. તે સમયે આવા ગુરુઓ પાસે સત્તા હોવાને કારણે અને આસપાસ સમર્પિત અનુયાયીઓમાં સ્ત્રીઓ પણ હોવાને લીધે તેમના માટે કામેચ્છા સંતોષવી સરળ બની જાય છે. આ ગુરુઓને સેકસ્યુઅલ ફંકશનની સમસ્યા પણ સતાવતી હોય છે. મુંબઈના જાણીતા સેક્સોલૉજીસ્ટ ડૉ. પ્રકાશ કોઠારીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આવા ગુરુઓ પોતાની સમસ્યા લઈને ડૉકટરો પાસે પણ જાય છે. 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાં સેકસ્યુઅલ હેલ્થ કમિટીના મેમ્બર ડૉ. સુધાકર કૃષ્ણમૂર્તિએ એક મેગેઝિનને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે આ ગોડમેનની કામેચ્છા સામાન્ય વ્યક્તિ જેવી જ હોય છે. મોટાભાગે તેમને ઉત્થાન થવાની સમસ્યા હોય છે. વળી તેમાંના કેટલાક પોતાની કામશક્તિ વધારવા માટે પણ ડૉકટરોની સલાહ લેતા હોય છે. તેમાંથી કેટલાક તો મલ્ટિપલ પાર્ટનર સાથે કામક્રિડા કરવાની શક્તિ મેળવવા માગતા હોય છે. 

છેલ્લાં વીસ વરસમાં કેટલા ગોડમેન એટલે કે બાબાઓ પર સેક્સના આરોપ લાગ્યા છે તે જોઇએ.

૧૯૯૪- તિરુચિરાપલ્લી સ્વામી પ્રેમાનંદ આજીવન કારાવાસ ભોગવી રહ્યા છે. તેમના પર ૧૩ અનુયાયીઓ પર બળાત્કાર કરી મારી નાખવાનો આરોપ છે. 

૨૦૦૫ - જૂનાગઢ સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તિ સ્વરૂપ અને અન્ય ત્રણ જણને સેક્સ સ્કેન્ડલના આરોપ સર ધરપકડ કરવામાં આવી હતી.

૨૦૦૬ - જબલપુરના સ્વામી વિકાસાનંદને સગીર બાળાઓની જાતિય સતામણી અને સેકસ્યુઅલ સિડી બનાવવાના આરોપસર જેલમાં છે. 

૨૦૦૯ - કાંચીપુરમના એક મંદિરના પૂજારી દેવનાથન ભક્તને સેકસ્યુઅલ એબ્યુઝ કરવા માટે ધરપકડ થઈ હતી. 

૨૦૧૦ - સ્વામી નિત્યાનંદની જાતિય સતામણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. કેસ ચાલુ છે. 

૨૦૧૦ - શ્રીમુરત દ્વિવેદી ઉર્ફે ઇચ્છાધારી સંત સ્વામી ભીમાનંદ મહારાજ ચિત્રકૂટવાલેને આશ્રમમાં વેશ્યા વ્યવસાય ચલાવવા બદલ ધરપકડ કરવામાં આવી.

૨૦૧૩ - આસારામબાપુની જોધપુરમાં એક તરુણી પર બળાત્કાર કરવાના આરોપસર ધકપકડ કરવામાં આવી.

૨૦૧૩ - શિહોર, મધ્યપ્રદેશમાંથી મહેન્દ્રગીરી ઉર્ફે તન્નુબાબાને ૨૪ વરસની યુવતી પર બળાત્કાર કરવાના આરોપસર જેલમાં પુરવામાં આવ્યા.

હજી કેટલીય જુગુપ્સાભરી બાબતો છે જે અહીં લખવાનું ટાળ્યું છે. વૈષ્ણવ સંપ્રદાય અંગે સૌરભભાઈએ મહારાજ પુસ્તક અને નાટક લખ્યું જ છે. આ બધા પરથી એટલી શીખ લેવાની જરૂર છે કે શ્રદ્ધા રાખો પણ અંધશ્રદ્ધા રાખી બાબાઓના સામાન્ય અન્યાયોને, અપરાધોને અસામાન્ય વ્યક્તિત્વનો અંશ લેખાવી કે તેને લીલા ગણી પૂજો નહીં. ભારત ધર્મ અને અધ્યાત્મનો દેશ છે. આત્મિક કલ્યાણની વાત છે પણ ભૌતિક ઇચ્છાપૂર્તિના ચમત્કારોને મહત્ત્વ નથી.

You Might Also Like

0 comments