કલ્પનાની રાણીના ખયાલોમાં 12-1-16

05:44


ગયા મંગળવારના લેખના સંદર્ભે જ આ લેખ આગળ લખાઈ રહ્યો છે પણ તે છતાં આ લેખની પોતાની આગવી ઓળખ પણ છે. ફેસબુક આવ્યા બાદ અનેકના જીવન બદલાઈ ગયા. અનેકના બદલાશે એવી આશાઓ પાંગરી રહી છે તો અનેકના જીવન બરબાદ પણ થયા. આ સોશ્યલ સાઈટ્સની શોધ ભાઈ ઝુકરબર્ગે કરી. કોલેજમાં કોલેજના યુવાન-યુવતીઓ એકબીજાને સહજતાથી સંપર્ક કરી શકે તેવી એમની મનસા હશે. વળી ઝુકરબર્ગને સાયકોલોજી સમજાણી હશે એટલે જ તેણે વિચાર્યું કે કોલેજમાં ન મળી શક્યા બાદ લોકો ખ્યાલોની અપ્સરાને કઈ રીતે મળી શકે ને શોધ થઈ ફેસબુક નામના ચોતરાની. જ્યાં લોકો એકબીજા સાથે જાહેર એકાંતમાં મળી શકે, ઓળખાણ કરી શકે અને તેને નામ આપ્યું ફેસબુક. આટલી પિષ્ટપિંજણ કરી મારી વાતની ભૂમિકા બાંધી રહી છું. હવે જ્યારે તેમાં અંગત ચેટ ઊમેરાઈ ત્યારે અહીં મૈત્રીણી-મિત્રને શોધવાનો સરળ રસ્તો મળી ગયો કેટલાક હજી પણ રોમાન્સ કર્યા વિના રહી ગયા હોય તેવા લોકોને તો એકલતામાં અટવાયેલાઓને દુનિયા આખી મળી મૈત્રી કરવા માટે.

કેટલાક અપવાદ સિવાય મોટાભાગના પુરુષો અને સ્ત્રીઓ પણ ખરી જ અહીં કાલ્પનિક રોમાન્સની શોધમાં આવે છે. મોઢા મોઢ તો કોઈ સ્ત્રી સાથે મિત્રતા બાંધવાની શક્યતા ન હોય કે હિંમતનો ય અભાવ હોય તેવા મજનુઓ લૈલાની શોધ આદરે છે. તેમાં તો કેટલાક વિરલાઓ એવા હોય છે કે શક્ય એટલી દરેક સ્ત્રીને મિત્રતાની રિકવેસ્ટ મોકલશે અને અંગત મેસેજ મોકલશે. જો તેમની રિકવેસ્ટ ભૂલમાં કોઈ સ્ત્રીએ સ્વીકારી લીધી તો તેના પર દે ધના ધન મેસેજોનો મારો ચલાવશે. પેલી સ્ત્રી જો એમ કહે કે મને ચેટિંગમાં રસ નથી તો સામે પૂછશે શું કામ? વળી કેટલાક તો કહેશે કે જો ચેટ ન કરવી હોય તો મિત્રતા બાંધી જ શું કામ? જો તેમનાથી સોશ્યલ કે ડેટિંગ સાઈટ્સ પર કોઈ અપ્સરા ન પટી તો ભૂરાયા થઈને મેસેજીસનો મારો ચલાવશે. સોશ્યલ સાઈટ્સ પર તેમને બ્લોક કરી દેવાની સગવડ હોવાથી તેમનાથી છુટકારો મેળવી લેવાય જ છે. પણ તેમનો ધૂંધવાટ હવાઓમાં ઉમેરાતો રહે છે. પછી તેઓ બીજા રસ્તા શોધે. બીજા નામે પોતાનો અંગત ફોટો મૂક્યા વિના પ્રોફાઈલ બનાવી ફરી પ્રયત્નો કરે. તો વળી કેટલાક ડેસ્પરેટ વિરલાઓ સ્ત્રીનો ફોટો અને નામનો પ્રોફાઈલ બનાવીને સ્ત્રીની મિત્રતા કેળવવાનો પ્રયત્ન કરે. આવી વ્યક્તિઓ કાયર હોય છે તેમનામાં હિંમતનો અભાવ હોય છે. જો કે સહેલું નથી હોતું ચોક્કસ ઈન્ટેનશન સાથે વિરુદ્ધ જાતિની વ્યક્તિ સાથે વાત કરવી. વળી ડેટિંગ સાઈટ્સના અભ્યાસ જણાવે છે કે પરિણીત પુરુષોને જ કલ્પનાની પ્રેયસીની ઝંખના હોય છે. એટલે જ એસ્લીમેડિસન નામની સાઈટ્સ પરણીતો માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા માટે જ અસ્તિત્વમાં આવી અને આખાય વિશ્ર્વમાં પ્રસિદ્ધ થઈ અને ભારતમાં તો જાહેરાતનો ખર્ચ કર્યા વિના જ લાખો પુરુષોને મેમ્બર બનવા માટે આકર્ષી શકી.

સરળતાથી આવી મિત્રતા કેળવવા માટે કેટલીય ડેટિંગ સાઈટ હવે મોબાઈલ ઉપર પણ છે. પરંતુ, તેમાં થોડી ઘણી પણ મેમ્બરશીપ ફી ભરવી પડતી હોય છે. તો જ તમે સામી વ્યક્તિનો કોન્ટેક્ટ કરી શકો. આવી સાઈટ પર સ્ત્રીઓને મોટેભાગે ફ્રીમાં મેમ્બરશિપ આપવામાં આવતી હોય છે. મોબાઈલ અને સોશ્યલ સાઈટ કે ઈન્ટરનેટ નહોતા ત્યારે પણ આવી મૈત્રી કેળવવાની ક્લબો ચાલતી હતી. આવી ક્લબોની જાહેરાતો છાપાના પાનાં ભરીને આવતી હતી. અને આજે ડેટિંગ સાઈટ્સ અને ફેસબુક જેવી સોશ્યલ સાઈટ્સની લોકપ્રિયતા દર્શાવે છે કે કલ્પનાની પ્રેમિકા મેળવવા માટે માનવ તલપાપડ હોય છે. કેમ ન હોય સ્ત્રી પુરુષ વચ્ચે આકર્ષણ નામનું કેમિકલ એટમ બૉમ્બ જેટલું જ લીથલ હોઈ શકે. હવે સ્ત્રી પુરુષ વચ્ચે આકર્ષણ ન રહે તેવું તો શક્ય નથી જ. એટલે જ ભૂતપૂર્વ એરફોર્સ ઓફિસર રણજીત ફેસબુક પર હની ટ્રેપમાં ફસાઈ ગયો અને આઈએસઆઈ માટે જાસૂસી કરવા તૈયાર થયો.

સોશ્યલ સાઈટ હોય કે ડેટિંગ સાઈટ હોય મોટાભાગના પુરુષોને ચેટ કરતા નથી આવડતું તેવી સ્ત્રીઓની ફરિયાદ હોય છે. અને પુરુષોને પણ વિમાસણ હોય છે. એટલે હની ટ્રેપ બનીને આવેલી સ્ત્રીએ ઓફિસર રણજીતની વાતમાં રસ હોય કે ન હોય તેની સાથે મધભરી વાતો કરી. આ જ રીતે કેટલીક વખત વ્યવસાયી સ્ત્રીઓ કે પછી પૈસા પડાવવા માટે પણ ફેસબુક પર પુરુષો સાથે મિત્રતા કરી તેમને ફસાવતી હોય છે. આવા કિસ્સાઓ બહાર આવવા મુશ્કેલ છે કારણ કે તેમાં બદનામી થવાનો ભય હોય છે. કેસોનોવા જેવું વ્યક્તિત્વ ધરાવતા પુરુષોને નારીનું હૃદય જીતતા આવડતું હોય છે. જે પુરુષોને ફક્ત ને ફક્ત સ્ત્રીના શરીરમાં રસ હોય છે તેઓ હંમેશા શું કરે છે? ક્યાં છે? શું પહેર્યું છે? તેવા વાહિયાત પ્રશ્ર્નો કરશે જેનો સ્ત્રીને સખત કંટાળો હોય છે. જે રીતે રૂબરૂમાં પુરુષ સ્ત્રીને જે રીતે જુવે અને તેને કેટલી સ્પેસ આપે છે તે સ્ત્રી નોંધ્યા બાદ થોડો ઘણો પણ રસ દાખવે છે. તે જ રીતે ઓનલાઈન ચેટિંગમાં પુરુષની વાતચીતમાંથી સ્ત્રીને આવી જ મનોવૃત્તિ જણાય તો તે સંવાદના દરવાજા બંધ કરી દે છે. વળી કેટલાક પુરુષો સ્ત્રીના ફોટાઓ પર અંગત સંબંધો હોય તેવી કોમેન્ટ લખતા હોય છે.

સ્ત્રી સાથે ઓનલાઈન કે ઓફ્ફલાઈન વાતચીત કરતી સમયે અંગત સંબંધો ન હોય તો ગમે તેવી કોમેન્ટ કરતાં પહેલાં બે વાર વિચારવું જોઈએ. સ્ત્રીને આદર આપો એટલે પહેલી જંગ જીતી લેવાય. પ્રેમિકા બનવા તૈયાર હોય તે સ્ત્રી પણ સૌ પ્રથમ પુરુષની આંખમાંને વાતમાં આદર જોવા ઈચ્છે છે. સિવાય કે હની ટ્રેપ બનીને આવેલી સ્ત્રી લાડકા નખરાં કરશે અને તમારી આંખમાં કે વાતમાં આદર નહીં હોય તો તેની પણ પરવા નહીં કરે. હા, એવા નખરાં જરૂર કરશે જે દ્વારા પુરુષ સહજ જ તેના તરફ ખેંચાઈ આવે. બાકી સહજ મિત્રતા જ જો પુરુષ ઈચ્છતો હોય તો તે માટે પ્રયત્નો કરવાની જરૂર નથી હોતી. સ્ત્રી પણ સારો પુરુષ મિત્ર હોય તે ઈચ્છતી હોય છે. બીજું સતત પાછળ પડી જતાં પુરુષોનો સ્ત્રીને કંટાળો આવે છે. કેટલાક પુરુષો સતત ઓનલાઈન હાજર જ હોય. જેવી કોઈ સ્ત્રી ઓનલાઈન આવે કે તરત જ સવાલ જવાબ કરવા લાગશે. એટલે જ સ્ત્રીને પઝેસિવ એટલે કે કાબૂમાં રાખવા માગતો, સતત તેનો પીછો કરતા પુરુષથી ડર લાગે છે. તે ક્યારેય સતત માથે ઝળૂંબી રહેતા પુરુષને પસંદ નથી કરતી. તો વળી કેટલાકને સતત મેસેજીસ ફોરવર્ડ કરવાની આદત હોય છે. તેવા પુરુષોનો પણ સ્ત્રીને કંટાળો આવી શકે છે. તો કેટલાક સતત અંગત પ્રશ્ર્નો પૂછતા હોય છે. ક્યાં ગઈ હતી? કેમ આટલો સમય લાગ્યો ઓનલાઈન આવતા? તો વળી કેટલાક પુરુષો છાશ લેવા જવું ને દોણી સંતાડવા બેસે તેવો ઘાટ કરતાં હોય છે. સ્ત્રી સાથે વાત કરતાં ઈચ્છા તો હોય સેક્સની વાત કરવાનો પણ ઈચ્છે કે સ્ત્રી જ વાત શરૂ કરે. તો એવું નથી થતું. વળી સ્ત્રીઓને સેક્સની વાતો કરવી ઓછી ગમે. ઉંમરના પ્રમાણે વાતોમાં પણ પુખ્તતા સ્ત્રી ઈચ્છી શકે છે. તે ટીનએજરની જેમ આખો દિવસ ઘૂટરઘૂં ન કરી શકે. સ્ત્રી પુરુષના રસના વિષયો એક જ હોય તો વાતચીત સરળતાથી થઈ શકે છે. એટલે જ્યારે લાગે કે સ્ત્રીના રસના વિષય સાથે વાત ન કરી શકાય તો પુરુષે પોતે જ સમજીને વાત આગળ વધારવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. રસિક વાતો કરીને સ્ત્રીને હસાવી શકતો પુરુષ ચેટમાં પણ સ્ત્રીનું દિલ સરળતાથી જીતી શકે છે. અરસિક અને રસિક વાતો વચ્ચેનો ભેદ સમજો અને પછી જ કલ્પનાની પરી શોધો. પણ પહેલાં પોતાનામાં સ્થિર થઈને જેવા છો તેવા જ રજૂ થાઓ તો વાતચીત આગળ વધી શકે. બેસ્ટ ઓફ લક.

You Might Also Like

0 comments