મોસમ પેચ લડાવવાની 19-1-16

02:12

મકરસંક્રાતમાં વૉટ્સ ઍપ પર એક મેસેજ ધૂમ મચાવી રહ્યો હતો. 

કુંવારાના પેચ લાગી જાય અને

પરણેલાંને થોડી ઢીલ મળી જાય તેવી શુભેચ્છા. 

આવી શુભેચ્છા કરવાની સાથે લગ્નબાહ્ય સંબંધોનો સહેજ સ્વીકાર કરવાની મનસા અહીં વ્યક્ત થાય છે. ફિલ્મ કે નાટકમાં આવા સંવાદો કે દ્રશ્ય જોઈને કલ્પનામાં રાચવું તે અલગ વાત છે અને હકીકતમાં આકર્ષણના દાવપેચમાં પડવામાં કેટલું જોખમ છે તે માંહી પડ્યા હોય તે જ જાણે. મૂલ્યની દૃષ્ટિએ જોઈએ તો આવી ઢીલ લેવી કે આપવી શક્ય નથી. સફરજન ખાવાની ના હોવા છતાં આદમ અને ઈવે ખાધું અને આજે પણ એ જ પરિસ્થિતિ છે સફરજન સતત પીછો કરી રહ્યું છે. તેને યોગ્ય ઠેરવવાના પ્રયત્નો પણ આજના યુગમાં થઈ રહ્યા છે વ્યક્તિ સ્વાતંત્ર્યના નામે પરંતુ તે છતાં કોયડું ઉકેલાતું નથી. 

પ્રેમ કે પતંગનો પેચ ક્યારે લાગી જાય તે કંઈ કહી ન શકાય, પણ કેટલાક પેચ લગાવવામાં અને પ્રેમ કરવામાં પાવરધા હોય છે. આજે સૌ રોમાંચને પ્રેમ સમજી રહ્યા છે. કહેવાય છે કે સાત વરસ પછી લગ્નજીવનમાંથી રસ ઓછો થઈ જાય છે. હકીકતમાં રસ નહીં રોમાંચ ઓછો થાય છે. પહેલી વખત મળ્યાનો, પહેલી વખત અડ્યાંનો ને.... સતત એકમેકની સાથે રહેવાથી રહસ્યો ઓછા થતાં જાય છે. એટલે રોમાંચ કે જેને રોમાન્સ કહેવાય છે તેની અનુભૂતિમાં ઓટ આવતી જણાય છે. ખાલી આકાશમાં પતંગ ચગાવીને ક્યારેય જોયું છે ? 

પતંગ ઉડાડતાં ન આવડતું હોય તો પહેલીવાર પતંગ ઉડાડતા શીખવા માટે ખાલી આકાશ બરાબર છે પણ કોઈની સાથે પેચ લડવાનો ન હોય. રસાકસી ન હોય કે ગુમાવવાનો કે મેળવવાનો રોમાંચ ન હોય તો પતંગ ચગાવવાની મજા નહીં આવે. અર્ધો એક કલાક પતંગ ચગાવીને ઉતારીને મૂકી દેશો. કંટાળી જશો, પણ જો પતંગો બેસુમાર હોય અને પેચ લડતા હોય તો વાતાવરણમાં જે રંગત આવે છે તેમાં દિવસ આખો ક્યાં ન નીકળી જાય છે તે ખબર નથી પડતી. પતંગ ઉડાડવા માટે જ ફક્ત નથી ચગાવવાનો પણ તેને દૂર સુધી ઉડાડતા વચ્ચે અનેકના પતંગ કાપવામાં જે મજા આવે કે લપ....એટ કહીને બૂમો પાડવામાં જે મજા આવે તે ફક્ત ઊંચે ગગનમાં સ્થિર ઊડતા પતંગમાં જાઝો સમય નહીં આવે. તેમ સંબંધોમાં પણ જો ઉતાર-ચઢાવ ન આવે તો તેનો આનંદ નથી રહેતો. નવાઈ લાગે એવી વાત એ છે કે જો પુરુષ થોડું ઘણું ફ્લર્ટ કરી લે છે તો લગ્નજીવન સારું ટકે છે. બીજા શબ્દોમાં કહીએ તો સમજદાર અને સારો પુરુષ જો જરા ફ્લર્ટ કરે તો તે પોતાની પત્ની સાથે સારું વર્તન કરે છે અને સામે તેની પત્ની પણ સારો પ્રતિભાવ આપે છે. બસ વાત અહીં રસદાર બને છે. આમ તો પ્રેમના પેચ લગાવવાથી લગ્નો તૂટી શકે છે, પણ ફ્લર્ટની વાત જરા જુદી છે તે સમજવું ઘટે. બે હિન્દી ફિલ્મો આવી હતી તે યાદ હશે અને તમે ન જોઈ હોય તો ચોક્કસ જોવા જેવી છે. લગ્નજીવનની ગંભીર બાબતને હાસ્યના હળવા ડોઝ સાથે બી આર ચોપરા અને ઋષિકેશ મુખર્જીએ કહી છે. એક તો સંજીવ કપુર-વિદ્યા સિંહા અને રંજીતા અભિનીત પતિ પત્ની ઓર વો. ઠંડે ઠંડે પાની સે નહાના ચાહિએ ગીત તો બધાને યાદ જ હશે. બીજી રંગબેરંગી. અમોલ પાલેકર અને પરવીનબાબી, દીપ્તી નવલની બન્ને ફિલ્મમાં પતિના પોતાની સેક્રેટરી સાથે રોમાન્સની વાત છે. જો કે, પતિ પત્ની ઓર વોહ માં પતિ સુંદર છોકરી જોઈને ફ્લર્ટ કરવા ઉત્સુક થાય છે, પણ પોતાની પત્નીને પણ એટલો જ પ્રેમ કરે છે, જ્યારે રંગબેરંગીમાં બાસુ ચેટર્જી હ્યુમન સાયકોલોજીને અને ખાસ કરીને લગ્નજીવનની માનસિકતા હળવી રીતે દર્શાવે છે. રંગબેરંગીનો હીરોનું લગ્નજીવન સાત વરસ પછી નિરસ રીતે ચાલતું હોય છે. તેમાં રંગ ભરવા માટે તેનો મિત્ર બીજી છોકરી સાથે ફ્લર્ટ કરવાનું સૂચવે છે. અને એમ કરતાં તેના લગ્નજીવનમાં રસ ઉમેરાય છે. આવી જ વાત અમેરિકન મેરેજ થેરેપિસ્ટ મીરા કેરશેનબમ પોતાના પુસ્તક વ્હેન ગુડ પીપલ હેવ અફેરમાં લખે છે, સારી વ્યક્તિ જો ફ્લર્ટ કરે છે તો તેનું જીવન સમૃદ્ધ બને છે. અર્થાત્ કે રસસભર બને છે. આવું જ કંઈક ફ્રેન્ચ સાયકોલોજીસ્ટ મેરિસ વેઈલ્લન્ટ મેન, લવ ફીટાલિટી પુસ્તકમાં લખે છે કે ઘણા પુરુષો પોતાની પત્નીને પ્રેમ કરતા હોય છ,ે પણ તે છતાં તેમને એક બ્રિધિંગ સ્પેસ એટલે કે પૌરુષત્વને જીવંત કરતો સંબંધ જોઈતો હોય છે. 

અમેરિકાની ૪૫ વરસની ગ્વેનેથ નામની બિઝનેસ વિમેન અમેરિકા અને લંડન એમ બે દેશોમાં સમયાંતરે રહે છે. તેણે લગ્ન નથી કર્યા પણ અનેક પરિણીત પુરુષની મિસ્ટ્રેસ રહી ચૂકી છે તેનું કહેવું છે કે તે એમના લગ્નજીવનને ટકાવવા અને રસસભર રાખવામાં મદદરૂપ થતી હતી. તેણે એક મુલાકાતમાં કહ્યું કે મારા પ્રેમીઓ જ્યારે મારી સાથેના સંબંધમાં હતા ત્યારે તેઓ પોતાની પત્ની સાથે ખૂબ સારો વ્યવહાર કરતા. તેમને ખૂબ પ્રેમ કરતાં, કાળજી રાખતા એટલે સામે તેમની પત્ની પણ તેમનાથી ખુશ હોવાને લીધે સારો વર્તાવ કરતી હતી. આમ કોઈનું જ દિલ તૂટતું નહોતું ઊલટાનું લગ્નો ટકી રહેતા. તો શું લગ્નને હેપ્પનીંગ- રોમાંચક રાખવા માટે આ કીમિયો કારગર નીવડી શકે ? ખરેખર તો જવાબ ના જ હોય, કારણ કે વિશ્ર્વાસના પાયા પર લગ્નજીવન ટકતું હોય છે. ઉપર જણાવેલ બન્ને ફિલ્મ પતિ પત્ની ઓર વોહ અને રંગબેરંગીમાં પત્નીને ખબર પડ્યા પછી પોતે ક્યારેય એવું નહીં કરે તેવું પતિ સ્વીકારે છે અફેર ત્યાં પુરો થાય છે. ઓપન મેરેજ સિસ્ટમનો ચાલ ક્યાંક જોવા મળે છે, પરંતુ સ્ત્રી પુરુષના સંબંધમાં જ્યાં પ્રેમ આવે છે ત્યાં ગલી સાંકડી થઈ જાય છે. પશ્ર્ચિમ હોય કે પૂર્વ હોય કોઈપણ દેશમાં આવા ઓપન મેરેજ એટલે કે કોઈ જ હકદાવા વિનાના સંબંધ શક્ય નથી બનતા. પેચ લાગી જાય અને બન્ને વ્યક્તિ તેનો આછો આનંદ લઈ સમજદારીથી દૂર જતી રહે છે તો ખાસ વાંધો નથી આવતો. વળી આવા કિસ્સામાં પતિ અને પત્ની માટેના નિયમો જુદા હોય છે. ભાગ્યે જ કોઈ પુરુષ એવો હશે જે પત્નીના આવા સંબંધોને સહજતાથી માફ કરી શકે, પણ પતિના આવા સંબંધોને માફ કરીને કે સ્વીકારીને પત્નીઓ રહેતી હોય તેવા કિસ્સા આપણી આસપાસ અનેક જોવા મળી શકે છે. જો પતિ ફક્ત ફ્લર્ટ કરતો હોય અને સાથે પોતાની સાથેના વર્તનમાં પણ રોમેન્ટિક હોય તો પત્ની થોડું આંખ આડા કાન કરી લેતી હોય છે, પણ તેને ખાતરી હોવી જોઈએ કે પતિનું આ સાહસ ગંભીર સ્વરૂપ લેવાની શક્યતા નથી.

અમેરિકન રિલેશનશીપ કાઉન્સેલર પૌલા હોલ માને છે કે લગ્નબાહ્ય સંબંધ બાંધો તો ક્યારેય પકડાઓ નહીં. અને તે ત્યારે જ શક્ય બને કે તમે તમારા લગ્નજીવનને વધુ મહત્ત્વ આપતા હો. તો જ તમે થોડું લપસી પણ જાઓ તો જાતને સંભાળી લો છો. લાંબા સમયથી સતત તમે કોઈની સાથે સંબંધ રાખતા હો તો લગ્નજીવનમાં તકલીફ થવાની સો ટકા શક્યતા છે. સુંદર સ્ત્રીને જુઓ એપ્રિસિયેટ કરો પણ પત્નીની સામે તેના વખાણ ન કરો. અને જો તમે ચીટિંગ કરતા પકડાઓ છો તે ખુલાસા ન આપો ક્યારેય. તમારા માટે પત્ની જ મહત્ત્વની છે તેની ખાતરી વારંવાર આપો. તમે એ સ્ત્રી સાથે કેટલી હદે ઈનવોલ્વ છો? અને કેટલા સમયથી છો? તેવા પ્રશ્નોના જવાબ તમે પત્નીને શું આપો છો તેના પર લગ્નજીવનના ટકવાનો આધાર રહે છે. પછી પ્રશ્ન એ આવે છે કે તમે લગ્નજીવનમાં શું કામ રહેવા માગો છો? પતિપત્ની વચ્ચે લાગણી-સાથે રહેવાનું કારણ બની શકે છે. બાકી દરેક કારણો સમયાંતરે પોકળ સાબિત થતા હોય છે. તમને હજી એકબીજા સાથે સમય વીતાવવો ગમે છે. તમને એકબીજા પર શ્રદ્ધા, આદર, પ્રેમ અને વિશ્ર્વાસ હશે તો કેટલાય ઝંઝાવાતો આવે તેનાથી લગ્નજીવનમાં કોઈ ફરક નહીં પડે. 

આસપાસ અનેક પ્રલોભનો હોય તેને તટસ્થતાથી જોવાની કળા જે પુરુષ શીખી જાય છે તેના લગ્નજીવનમાં કોઈ વાંધો નથી આવતો, પણ જે પ્રલોભનમાં લપટાઈ જાય છે તેની પતંગ એક દિવસ તો કપાશે જ. શક્ય છે તે ફરી ઊડી ય શકે કે પછી ફંગોળાઈને ફાટીને ઝાડ પર લટકતી રહી જાય, પણ અહીં

પ્રશ્ન ઊઠે જ છે કે શું લગ્નબાહ્ય સંબંધોને યોગ્ય ઠેરવી શકાય ? ઊસકી બાત ફીર કભી ...

You Might Also Like

0 comments