માનો યા ના માનો- કુરુક્ષેત્રનું યુદ્ધ ઈ.પૂ. ૩૦૬૭માં થયું હતું (mumbai samachar)

02:42‘કૃષ્ણ અને મહાભારતનું યુદ્ધ દંતકથા નથી એ સાબિત કરી શકાય છે. આપણે તેને ઈતિહાસ ન માનતા માયથોલોજી તરીકે પાઠ્યપુસ્તકોમાં ભણાવીએ છીએ. જો મહાભારતને માયથોલોજી એટલે કે દંતકથા માનવામાં આવે તો કૃષ્ણ પણ થયા ન હોય. તો કુરુક્ષેત્રનું યુદ્ધ પણ નહીં અને ગીતા પણ સત્ય નથી એવું માનવું પડે. જે માનવા હું તૈયાર નહોતો. ’ ડૉ. મનિષ પંડિત બર્મિંગહામથી ફોન પર વાત કરતાં મૃદુ સ્વરે પોતાની વાત માંડે છે. 

મૂળ પૂણેના મનિષ પંડિત એમબીબીએસ થઈને ઈંગ્લેંડ ગયા ત્યાં એમણે ન્યુક્લિઅર મેડિકલ થેરેપીમાં માસ્ટર કર્યું. આજે તેઓ પરમાણુ થિયરી દ્વારા કેન્સરનો ઈલાજ કરે છે. 

મેડિકલ ડૉકટર સાથે તબીબ વિજ્ઞાનની વાત થાય પણ આ ડૉ.ને ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં ઊંડો રસ છે. આ ડૉ. પત્રકાર, ફિલ્મકાર બની શક્યા હોત. પણ એનો તેમને અફસોસ નથી. ડૉકટરીના વ્યવસાયમાંથી સમય મળ્યે તેઓ કેમેરો લઈને સંશોધન કરવા મંડી પડે છે. ફિલ્મ બનાવવું તેમના માટે પુસ્તક લખવા બરાબર છે. તેઓ કેમેરાનોે પેન તરીકે ઉપયોગ કરે છે. તેમણે ઈશરત જહાં ઉપર અને સાંઈબાબા ઉપર પણ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે. ઈશરત જહાંનું એન્કાઉન્ટર ૨૦૦૪ની સાલમાં થયું ત્યારે એમને લાગ્યું હતું કે તે નિર્દોષ છે અને ફેક એન્કાઉન્ટર થયું છે. પરંતુ, જેમ જેમ તેઓ ડોક્યુમેન્ટસ તપાસતા ગયા અને નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજીત દોવલ સાહેબે પણ ઓન રેકોર્ડ કહ્યું કે તે કઈ રીતે ત્રાસવાદી જૂથમાં ભળી હતી. આમ તથ્ય તપાસતા અને ફિલ્મ પૂરી થતાં છેવટે તેમને પણ માનવું પડ્યું કે તે ત્રાસવાદી હતી. એ ફિલ્મ તેમણે ૨૦૧૩માં બનાવી હતી. અને બે વરસ પહેલાં એટલે કે ૨૦૧૪માં તે રિલિઝ થઈ હતી. ફિલ્મમાં એફબીઆઈની ટેસ્ટીમનીમાં હેડલીએ ઈશરત જહાં લશ્કરે તોયબા સાથે સંકળાયેલી હતી તે પ્રથમ વાર દર્શાવાયુ હતું, આજે બે વરસ બાદ ડેવિડ હેડલીની જુબાનીથી તેમની ફિલ્મને વધુ એક સમર્થન મળતા મનિષ પંડિતનેે એનો સંતોષ છે. 

સૌથી રસપ્રદ વાત જે અમને લાગી તે એમની મહાભારતના યુદ્ધની તારીખ ખાતરી સાથે કહી શકે છે. તેમણે કૃષ્ણ હિસ્ટ્રી ઓર મીથ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ ૨૦૦૯માં બનાવી હતી. તેમાં એમણે એ વિશે વાત કરતાં તેઓ કહે છે કે, ‘ મને ભારતીય સંસ્કૃતિમાં રસ યુવાન વયથી જ હતો. મારા સારા નસીબે લખટે મહારાજ નામના એક સાચા સંત મને ગુરુ તરીકે મળી ગયા હતા. વેદપુરાણોમાં મને રસ હોવાથી મેં તેનો અભ્યાસ કર્યો છે. દરેક ભારતીયોની જેમ આ પુરાણોના કોઈ પુરાવા મળે તો તેમાં મને રસ પડે જ. યોગાનું યોગ બન્યું એવું કે અમેરિકાના ટેનિસીમાં મેમ્ફિસ યુનિવર્સિટીમાં ફીજીક્સના પ્રોફેસર તરીકે જોડાયેલા ડૉ. નરહરિ આચાર મળી ગયા. તેમની સાથે વાત કરતાં ખબર પડી કે તેમણે મહાભારતમાં મળતા ૧૪૦ રેફરન્સીસ વડે મહાભારતની કેટલીક સાલવારી મેળવી છે. મેં તેમના રેફરન્સને નાસાના ટેલિસ્કોપ પેલોમારથી રાતના આકાશનું નિરિક્ષણ કરીને તેનાથી ૭૦૦૦ (સાત હજાર વરસ) બેક કેલ્યુલેશન કરી શકાય તેવું પ્લેનેટરીયમ સોફ્ટવેર બનાવ્યું છે. એમાં મેં ડૉ. આચારનું સંશોધન સરખાવી જોયું. એ કેલક્યુલેશન એકદમ મળતું આવ્યું. તેનાથી સાબિત થયું કે મહાભારતમાં વર્ણવાયેલ કુરુક્ષેત્રનું યુદ્ધ ઈસવીસન પૂર્વે ૨૨ નવેમ્બર ૩૦૬૭ થયું હતું. ’

અહીં તરત જ સવાલ થયો કે ક્યાં રેફરન્સીસ તેમણે તપાસ્યા અને તે ખોટા હોવાની શક્યતા ન હોઈ શકે?

ડૉ મનિષ પંડિત કહે છે કે, ‘મહાભારતના સમયમાં આકાશ આજે દેખાય છે તેના કરતાં વધુ સ્પષ્ટ દેખાતું હશે તે માની શકાય જને ! તો તે સમયે લોકો આકાશ દર્શન કરતા એટલું જ નહીં તેના જાણકાર પણ હતા કારણ કે મહાભારતમાં અનેક વખત આકાશના તારાઓની સ્થિતિ અને ગ્રહણ વિશે ઉલ્લેખ આવે છે. એ દરેક રેફરન્સ એટલે કે ઉલ્લેખને ખગોળશાસ્ત્ર દ્વારા તપાસ્યા બાદ આ ચોક્કસ તારિખ પર આવ્યા છીએ. ડૉ આચારે સૌ પ્રથમ મુખ્યત્વે ઉદ્યોગ પર્વ અને ભીષ્મ પર્વમાંથી ખગોળીય ઉલ્લેખ લઈને તેની સચ્ચાઈ તપાસી જોઈ. કૃષ્ણ જ્યારે હસ્તિનાપુર સમજૂતી સાધવા જાય છે પણ છેવટે યુદ્ધ ટાળી શકાય તેમ નથી તે નક્કી થયા બાદ કર્ણ અને કૃષ્ણ રથમાં જઈ રહ્યા હતા. તે વખતે કૃષ્ણ કર્ણને કહે છે કે દ્રોણ અને ભીષ્મને સંદેશો આપે કે સાત દિવસ બાદ અમાસના દિવસે આયુધોની પૂજા કરે. અમાસના દિવસે યુદ્ધ શરૂ થઈ શકે નહીં. કર્ણ તે સમયે કહે છે શનિ રોહિણી નક્ષત્રમાં છે અને તે નક્ષત્રને પીડી રહ્યો છે. મંગળ વક્ર ગતિ કરે છે અને જયેષ્ઠ નક્ષત્ર પાસે છે. કાર્તિકમાં ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણ થશે. જ્યોતિષ શાસ્ત્ર સાયન્ટિફિક ન ગણી શકાય પણ એસ્ટ્રોનોમી એટલે કે ખગોળશાસ્ત્ર પ્રમાણભૂત માની શકાય છે. કર્ણએ જણાવેલ એ ચાર બાબત યુનિક સેટ બની જાય છે. ઉદ્યોગ પર્વ અને ભીષ્મ પર્વ બન્નેમાં આ ખગોળીય ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મેં પહેલાં જ કહ્યું તેમ પ્લેનેટેરિયમ સોફ્ટવેરથી ૭ હજાર વર્ષ પાછળનું કેલક્યુલેશન કરી શકાય છે. જો શનિની પોઝિશન લેવામાં આવે તો અત્યાર સુધીમાં ૧૩૭ વખત શની રોહિણીમાં આવે. તેમાં મંગળ ઉમેરો તો ૧૭ વખત આવે. વળી તેમાં ગ્રહણની ગણતરી કરો તો ફક્ત બે જ વાર થાય. તે પણ ઈસવીસન પૂર્વે ૨૧૮૩ અને ઈ.પૂ.૩૦૬૭નું વરસ મળે છે. બીજું કે આ યુદ્ધ અમાસે ન શરૂ થયું હોય કારણ કે અમાસના દિવસે બલરામ પ્રવાસેથી પાછા આવ્યા હતા. વળી આવી બાબત કોઈ લેખક ગમે તેટલો અભ્યાસુ હોય તો પણ આટલી સચોટ રીતે ન લખી શકે. તેમાં થોડો ઘણો ફરક આવે જ અને તેની ખાતરી ન મળી શકે. વાર્તા લખનાર સ્થળ વિશે અભ્યાસ કરીને સચોટ માહિતી આપી શકે પણ ખગોળીય ઘટનાની આટલી સચોટ માહિતી ઈતિહાસ લખનાર સિવાય શક્ય નથી. ઈતિહાસ એટલે જે ઘટના ખરેખર બની હોય તે. ત્યાર બાદ મેં પૂણેની ભંડારકર ઈન્સ્ટિટયૂટમાં સંશોધક સુકથનકર પાસે ૧૭ જણાની ટીમ છે તેમણે પણ કહ્યું કે આ બાબત ખરી છે. પુરાણોમાં આના પુરાવાઓ મળે છે. અર્થવવેદના પરિશિષ્ટમાં આ ચાર બાબતો યુદ્ધ થવાના લક્ષણ કહે છે. યુદ્ધના ૩૬ વરસ બાદ આ જ ખગોળીય ઘટના બની કાર્તિકી પૂનમે ચંદ્ર ગ્રહણ અને જેઠમાં સૂર્ય ગ્રહણ જે સામાન્ય ઘટના નથી. હવે આ ઘટના ૧૩ હજાર વરસ પછી ફરી રિપીટ થશે. આમ આ મહાભારતમાં થયેલ દરેક ઉલ્લેખને તપાસતાં ૩૦૬૭ની સાલ જ મળે છે. ’

મનિષ પંડિત કહે છે કે રામાયણમાં આટલા સચોટ ખગોળીય ઉલ્લેખો ન હોવાથી તેની તારીખ સુધી પહોંચી શકાયું નથી. હવે આટલા હજારો વરસો પછી મહાભારત કાળના અવશેષો મળવા શક્ય નથી પરંતુ, કુરુક્ષેત્રમાંથી અવારનવાર હાડકાં મળી આવે છે ખરા. અને દરિયાના પાણીમાં દ્વારકાના અવશેષો ય મળી આવે છે. વળી હડપ્પન સંસ્કૃતિના જે અવશેષો મળી આવ્યા છે તેમાં કૃષ્ણલીલાના ચિત્ર પણ મળી આવ્યા છે.

You Might Also Like

3 comments