પુરુષો કેમ ઓછા ધાર્મિક હોય છે?

01:31

પુુરુષો સ્ત્રીઓ કરતાં ઓછા ધાર્મિક હોય છે એવું યુનિવર્સિટી કૉલેજ ઑફ લંડનના સમાજવૈજ્ઞાનિકોને તાજેતરમાં એક અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું. અહીં તેમણે ઈંગ્લેન્ડના સ્ત્રી-પુરુષોનો અભ્યાસ કરીને જણાવ્યું હતું. જો કે, આવો અભ્યાસ આ પહેલાં અમેરિકામાં પણ થયો હતો અને તેના પરથી પુસ્તક પણ બહાર પડ્યું છે. એ અભ્યાસમાં પણ આ જ તારણ નીકળ્યું છે કે પુરુષપ્રધાન માનસિકતાને કારણે પુરુષો ઓછા ધાર્મિક હોય છે અને સ્ત્રીઓ વધુ ધાર્મિક હોય છે. ૨૦૧રની સાલમાં ઓક્સફોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા પુસ્તકનું ટાઈટલ છે, ‘વાય આર વિમેન મોર રિલિજીયસ ધેન મેન?’ માર્ટા સ્રેબિયાત્વોસ્કા ને સ્ટીવ બ્રુસે અભ્યાસ બાદ આ પુસ્તક લખ્યું છે. છેક ૧૯૪૫ની સાલથી ગેલ્લપ પોલિંગ ઓર્ગેનાઈઝેશને દરેક સમયે કરેલા અભ્યાસમાં એક જ વાત બહાર આવી છે કે સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ ધાર્મિક માનસિકતા ધરાવે છે. આ સમાચાર સાથે આપણને શું લેવા દેવા? એવું કહી શકાય. પશ્ર્ચિમી સંસ્કૃતિ અને ધર્મ કરતાં આપણો ધર્મ અને સંસ્કૃતિ તદ્દન જુદાં છે, પણ જો આપણે ત્યાં આ રીતનો કોઈ સર્વે કરવામાં આવ્યો હોય તો કદાચ સાચી વાત જાણવા મળે ય ખરી. તે છતાં જ્યારે પણ આપણે જોઈએ છીએ ત્યારે કથાઓમાં અને સત્સંગોમાં સ્ત્રીઓની હાજરી પુરુષો કરતાં વધુ જોવા મળતી હોય છે. આશારામ જેવા બની બેઠેલા બાપુઓ પાસે ય સ્ત્રીઓની સંખ્યા વધુ હતી તે તો માનવું જ રહ્યું. 

ધાર્મિકતાનો અહીં અર્થ બૃહદ્ રીતે લેવામાં આવ્યો છે. આગળ આ સામાજિક વૈજ્ઞાનિકો સમજાવે છે કે ધાર્મિક સંસ્થાઓની સત્તા પુરુષો પાસે હોય છે, પરંતુ ભગવાન ઉપર આસ્થા અને શ્રદ્ધા રાખીને પ્રાર્થના કરવામાં સ્ત્રીઓની સંખ્યા મોટી છે. જો કે, તે માટે પણ બાયોલૉજિકલ કારણો જ જવાબદાર છે. પુરુષો સત્તા માટે ધર્મનો ઉપયોગ કરતાં અચકાતાં નથી. જ્યારે સ્ત્રીઓ સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક સ્વભાવની હોવાને કારણે તેઓ શાંતિ મેળવવા માટે ભગવાનને પ્રાર્થે છે. સમાજશાસ્ત્રના વિભાગના વડા પ્રોફેસર ડેવિડ વોસનું માનવું છે કે આ ફરક પુરુષ અને સ્ત્રીના જીન્સમાં રહેલા ફરકને આધારિત છે. ફક્ત સામાજિક માળખાને આધારિત નથી. જે હોર્મોનને કારણે પુરુષ અને સ્ત્રીના સ્વભાવ જુદાં હોય છે તેને કારણે જ સ્પિરિચ્યુઅલ (આધ્યાત્મિક) વિચારો પણ ઘડાય છે. 

પુરુષનો સ્વભાવ તરત જ આસ્થા મૂકનારો નથી હોતો. પુરુષ સતત શંકાશીલ અને સવાલો પૂછનારો હોય છે જ્યારે સ્ત્રી સબમસિવ એટલે કે સમર્પિત થવાની માનસિકતા ધરાવે છે. એટલે જ તે ભગવાન ઉપર પણ શ્રદ્ધા મૂકી તેમને પ્રાર્થના કરી શકે છે. વળી પ્રાર્થના એટલે તેના શબ્દોમાં હંમેશાં પ્રભુને સમર્પિત થવાની વાત આવે. પછી તે પ્રાર્થના કોઈપણ ધર્મની કેમ ન હોય. સંપૂર્ણ શરણાગતિનો સ્વીકાર કર્યા બાદ જ પ્રાર્થનાના શબ્દો આવી શકે. એવી શરણાગતિ સ્ત્રી માટે સહજ હોય છે જ્યારે પુરુષ સ્વભાવ સાથે તે મેળ નથી ખાતી. એટલે જ આજે ઘણી પુરુષ સમોવડી સ્ત્રીઓ પણ પોતાની જાતને નાસ્તિક કહેવડાવતા અચકાતી નથી. 

ભાવનગરમાં રહેતા ધર્મના અભ્યાસી-લેખક સુભાષ ભટ્ટ કહે છે કે પુરુષોમાં જે મેલ ઈગો છે તે સતત નવું શોધતો હોય છે. તેને ખોજમાં રસ હોય છે જ્યારે સ્ત્રીઓ સંતોષી હોય છે.વળી બાયોલોજિકલી પણ તે પૂર્ણ છે તે સર્જન કરી શકે છે એટલે સંવેદનામાં અને શ્રદ્ધામાં મેદાન મારી જાય છે. નાસ્તિકતા પૌરુષિય ભૂમિકા છે. ધર્મનું મેઈન્ટેનન્સ સ્ત્રીઓ જ કરે છે. વાત સાચી છે. નિવૃત્ત સ્ત્રી અને પુરુષોની પ્રવૃત્તિમાં જે ફરક આપણને દેખાય છે તે પણ જોવો જોઈએ. આપણા મંદિરોમાં સત્સંગ મંડળોમાં સ્ત્રીઓ હશે. ભગવાનના સાજ શણગારની તૈયારીઓ સ્ત્રીઓ કરતી હશે. પુરુષો ચોતરે કે બગીચામાં બેસીને આખાય ગામની પંચાત કરતા જોવા મળશે. આપણે ત્યાં આયોજાતી ભાગવત કથાઓ અને રામ કથાઓમાં પણ સ્ત્રીઓનું પ્રમાણ વધારે હોય છે તે સર્વને વિદીત છે. છતાં ય એવું નથી કે પુરુષો સાવ જ નાસ્તિક છે. દરેક ધર્મમાં પુરુષોની સંખ્યા વધુ મંદિર, મસ્જિદ, ચર્ચમાં જોવા મળે જ છે. પુરુષો વધારે પ્રમાણમાં બહાર જઈ શકે છે એ પણ તો માનવું જ રહ્યું. એટલે જ સ્ત્રીઓની સંખ્યા ધાર્મિક સ્થળોએ થતી પૂજા કે પ્રાર્થનાઓમાં ઓછી હોય છે. બાળકને જન્મ આપનારી અને ઘર સંભાળનાર સ્ત્રી ભલે ધર્મસ્થાનકોમાં વધુ ન જતી હોય પણ ઘરે રહીને સંસાર સંભાળતા ભગવાનનું નામ લેતી હોય કે પ્રાર્થના કરતી હોય -શ્રદ્ધા વધુ રાખતી હોય તે શક્ય છે. ભારતીય તહેવારો જીવંત રાખવામાં સ્ત્રીઓનો હાથ વધુ હોય છે . 

ફિનલેન્ડની તુરુકી યુનિવર્સિટીના કલ્ચરલ, રિલિજીયન સ્કૂલ ઑફ હિસ્ટ્રી અને આર્ટ સ્ટડીઝના અભ્યાસી ટીના મ્હલામ્કી કહે છે કે આખીય દુનિયામાં થયેલા અભ્યાસ અને આંકડાઓને જોતાં એ સાબિત થાય છે કે પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ ધાર્મિક હોય છે. આ બાબત ધર્મના દરેક પાસાંનો અભ્યાસ કર્યા બાદ સાબિત થઈ છે તેમાં દરેક ધાર્મિક ઉજવણીમાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ ભાગ લેતી હોય છે, સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ પ્રાર્થના કરે છે. પુુરુષો કરતાં સ્ત્રીઓ જીવનમાં, ભગવાનમાં અને આત્મામાં વધુ શ્રદ્ધા ધરાવતી હોય છે, કોઈપણ સંજોગોમાં ધર્મમાંં એટલે કે ભગવાનમાં વધુ શ્રદ્ધા રાખે છે, નાસ્તિક બનતી નથી કે તેનાથી દૂર થતી નથી. દરેક ઉંમરની સ્ત્રીઓ ધાર્મિક હોય છે. જો કે, તેમાંય નાની વય ધરાવતી મહિલાઓ કરતાં મોટી ઉંમરની મહિલાઓ વધુ ધાર્મિક હોય છે. સ્ત્રીઓ પારંપરિક ધાર્મિક સંસ્થા તથા નવી ધાર્મિક સંસ્થા સાથે પણ પુરુષો કરતાં વધુ પ્રમાણમાં સંકળાય છે. શહેરી યુવાનો ખૂબ ઓછા પ્રમાણમાં ધાર્મિક હોય છે. (રિલિજીઅન ઍન્ડ એથિઝમ ફ્રોમ જેન્ડર પર્સપેકટિવ નામનો તેમના આર્ટિકલમાં લખ્યું છે.)

આ બધાનો સાર તો એ નીકળે જ છે કે ધાર્મિક સંસ્થાનોમાં સત્તા સ્થાને પુરુષો જ હોવા છતાં મોટાભાગના પુરુષો ધાર્મિક હોતા નથી. 

આ સત્તાને લીધે જ ધાર્મિક સંસ્થાનોમાં નિયમો પણ પુરુષો જ ઘડતા હોય છે. તે છતાં શ્રદ્ધાના પ્રદેશમાં તેમની સંખ્યા નહીવત જ હોય છે. 

અહીં જલન માતરીનો મશહુર શેર યાદ આવે છે-

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શું જરૂર, 

કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી.

You Might Also Like

2 comments

  1. અક્ચ્યુલી આખ્ખા હાડકાના હોય છે એમ મારૂ, મારા પોતાના નીરિક્ષણથી માનવું છે...દ.ત. આ કોમેંટ કેટલી ટુંકી છે!

    ReplyDelete