પાપા કેહતે હૈં બડા નામ કરેગા...

22:56


 મારો દીકરો બાર વરસનો થઈ જશે ... માન્યામાં નથી આવતું. પણ મને તો હજી એ નાનો હતો તે યાદ આવે છે. ખાસ કરીને તેની પોટ્ટી સાફ કરવાનીતેને માટે દૂધ તૈયાર કરવાનુંતેને નવડાવવાનો... આઈ મીસ ધેટ ઓલ... મારા દીકરાને ડાન્સ નથી ગમતો... બટ ઈટ્સ ઓકે...એને ફૂટબોલ ગમે છે મને એ રમતમાં કોઈ રસ નથી.’ પ્રસિદ્ધ બોલ ડાન્સર સંદીપ સોપારકર તેના દત્તક લીધેલા દીકરા અર્જુન વિશે વાત કરતાં ક્યારેય કંટાળતો નથી.
આજે તો પુરુષો બાળક દત્તક જ નથી લેતા પણ સરોગસી દ્વારા પોતાના બાળકને વગર લગ્ને જન્મ પણ આપે છે. મા તે મા બીજા બધા વગડાના વા કહેવતને અનેક પુરુષો આજે ખોટી પાડી રહ્યા છે. આવા જ એક વ્હાલસોયા પિતા છે સંદિપ સોપારકર... ૨૦૦૭ની સાલમાં ભારતમાં સૌ પ્રથમ સિંગલ પેરેન્ટસ તરીકે બાળક દત્તક લેનાર સંદીપ સોપારકરને એક પુરુષ તરીકે અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે પણ તેની મુલાકાત લેવાનો મોકો મળ્યો હતો અને હાલમાં પણ સંદિપ સાથે વાત કરતાં દીકરા અર્જુનની મમતા અને પ્રેમથી સંભાળ લે અને જે રીતે તેના વિશે વાત કરે તે સાંભળતી વખતે સંદિપ સ્ત્રી નથી કે પુરુષ છે એ જાતીય ભેદભાવનો છેદ ઊડી જાય છે. સંદિપ આજે ભારતીય અનાથાલય સાથે સંકળાયેલી સીએસએ( કેટેલિસ્ટ ઓફ સોશિયલ એકશન) સાથે કોઝ એમ્બેસેડર તરીકે જોડાયેલો છે. એ સંસ્થા દ્વારા દત્તક લેનારાને માર્ગદર્શક બની રહે છે.
૨૦૦૩ પહેલાં ભારતમાં લગ્ન વિના પુરુષ પિતા બનવાનું વિચારે તેનો પણ સ્વીકાર નહોતો. સંદીપ સમજણો થયો ત્યારથી બાળક દત્તક લેવા માગતો હતો. અને જ્યારે તેણે ૨૦૦૩માં દત્તક લેવા માટે અરજી કરી તો તેને કહેવામાં આવ્યું કે પિતા એ પ્રોવાઈડર એટલે કે કમાનાર હોય છે માતા જ બાળકનો ઉછેર કરી શકે કાળજીથી. એટલે પહેલાં પરણો પછી દત્તક લેવા આવો. બીજું તે ફિલ્મોમાં પણ કોરિયોગ્રાફર તરીકે કામ કરતો હતો એટલે ગ્લેમર ઈન્ડસ્ટ્રિઝને લીધી અફેર હોવાનાલાઈફસ્ટાઈલપાર્ટીઓ વગેરેમાં બાળકનું ધ્યાન નહીં રખાય. પુરુષ તરીકે બાળક ઉછેરવું અઘરું છે વગેરે વગેરે કારણો આપી તેને દત્તક લેવાની ઈચ્છા ભૂલી જવાનું કહેવામાં આવ્યુંટૂંકમાં તેને ના પાડવામાં આવી. સંદીપે કોર્ટમાં કેસ કર્યો. અનેક વિડંબણાઓ,નકાર અને કાયદાકીય અડચણો પાર કર્યા બાદ છેક ચાર વરસે એટલે કે ૨૦૦૭માં તેને અઢી વરસનો અર્જુન મળ્યો. પહેલીવાર જ્યારે અર્જુને સંદીપને વળગીને પાપા કહ્યું ત્યારે સંદીપ આંસુઓને ખાળી શક્યો નહોતો. સંદીપને દીકરી દત્તક લેવી હતી પણ સેક્સુઅલ હરેસમેન્ટની શક્યતાઓ હોવાને કારણે પુરુષોને છોકરી દત્તક અપાતી નથી. એ વિશે સંદીપનું કહેવું છે કે દરેક પુરુષો ખરાબ હોતા નથી. કાયદાએ પુરુષનું જીવન તપાસીને નક્કી કરવું જોઈએ કે પુરુષમાં જાતિય વિકૃતિ છે કે નહીં. ખેર હું લડવામાં વધુ સમય પસાર કરવા નહોતો માગતો અને જો લગ્ન કરી મેં બાળક કર્યું હોત ને દીકરો આવ્યો હોત તો સ્વીકાર્યો જ હોત તો મેં મારા નસીબમાં જે બાળક આવ્યું તેને સ્વીકાર્યું.
સંદીપ કહે છે કે અર્જુન મારા જીવનમાં આવ્યા બાદ હું ઘણો બદલાયો. બાળક આપણને જીવનના અનેક પાઠ શીખવે છે જે બીજું કોઈ શીખવી શકતું નથી જેમ કે બીજાની કાળજી લેવી,પ્રેમ કરવો કોઈપણ અપેક્ષા વિના. પોતાની જાત કરતાં બીજાની જાતને પહેલાં મૂકવી. હજી ગયા વરસે જ મને એક મોટો પ્રોજેક્ટ મળી રહ્યો હતો લંડનમાં. તે માટે મારે અગિયાર મહિના ત્યાં રહેવું પડે એમ હતું. તરત જ મને પહેલો વિચાર આવ્યો કે મારા દીકરાની સ્કૂલનું શું થાય?હું તેને ત્યાં લઈ જઈ શકું એમ નહોતો. એટલે મેં તે પ્રોજેક્ટ માટે ના પાડી દીધી. દીકરા અર્જુને કહ્યું કે પાપા આટલો મોટો પ્રોજેક્ટ અને પૈસા છે તમે લઈ લો પણ મારા માટે નામ અને દામ કરતાં મારો દીકરો વધારે મહત્ત્વનો છે. આ બાબત આપણા માતાપિતાએ આપણા માટે કરી હોય છે એટલે જ આપણે એવા સંસ્કાર દીકરાને આપી શકીએ. સંબંધપરિવાર જેને તમે પ્રેમ કરો છો તે વધારે મહત્ત્વના હોય તો જ બાળકો માટે માતાપિતાનું મહત્ત્વ રહે છે. સંસ્કાર આપવાની વાત મને પિતા બન્યા બાદ સ્પષ્ટરૂપે સમજાઈ.સ્ત્રીઓ માતૃત્વ માટે કારકિર્દીન ઘડતી તેનો સ્વીકાર કરી શકાય તેના ગુણગાન ગવાય છે પણ હવે સંદીપ જેવા પુરુષો પણ છે જે પિતા અને માતા બન્નેની ફરજ બજાવે છે. તુષાર કપુરે સરોગશી દ્વારા પિતા બનવાનું નક્કી કર્યું તે બાબતનો આનંદ વ્યક્ત કરતા સંદીપ કહે છે કે તુષાર મારો મિત્ર છે અને તેના માટે મને આદર છેપણ સરોગશીની હું હિમાયત નથી કરતો,કારણ કે આપણે ત્યાં કેટલા બધા બાળકો અનાથ છે તો પછી તેમાંથી કોઈને દત્તક લેવું વધુ સારું. હા તમે પરિણીત હો અને એકબીજાના પ્રેમ માટે તમે પોતાનું બાળક ઈચ્છો તે બરાબર છેપરંતુ ફક્ત વંશ કે પોતાના લોહી માટે બાળક પેદા કરવું યોગ્ય નથી ગણતો. બાળક તમારી સાથે રહે ઉછરે એટલે સહજતાથી તમારી ટેવો અને તમારું અનુકરણ કરતો થઈ જાય છે. મને અને અર્જુનને જોઈને જે ન જાણતું હોય તે કહી જ ન શકે કે આ મારું લોહી નથી. એકાદ બે વરસમાં હું બીજું બાળક પણ દત્તક લઈશ. બાળકને બાળપણથી જ જણાવી દેવું જોઈએ કે તેને પ્રેમ હોવાને કારણે દત્તક લીધું છે. બાકી જો બાળકથી છુપાવવામાં આવે અને પાછળથી ખબર પડે તો તકલીફ થાય છે એ મેં જોયું છે. અર્જુન મારો સૌથી સારો મિત્ર છે એની સાથે હું દરેક વાત કરું છું. જેસ્સી સાથે લગ્ન પણ તેની સંમતિથી કર્યા હતા અને અમે છૂટા પડ્યા તો પણ તેની સલાહ લીધી હતી. બાળકને નાસમજ સમજવા ન જોઈએ. તેમનો ઉછેર દિલથી કરવો જોઈએ. સાથે તેમને ફ્રિડમ પણ આપવી જોઈએ પોતાના જીવનના નિર્ણયો જાતે લેવાની.
ફૂટબોલનો પ્રસિદ્ધ ખેલાડી ક્રિસ્ટિનો રોનાલ્ડોએ એક બાળક અને પ્રસિદ્ધ ગાયક રિકી માર્ટિને ટ્વીન્સ બાળકોને લગ્ન કર્યા વિના સરોગશીથી બાળકને જન્મ આપ્યો છે.
એકબાજુ સ્ત્રીઓ બાળકો ઈચ્છતી ન હોય તેની સંખ્યા વધી રહી છે તો સામી બાજુ પુરુષો સિંગલ પેરેન્ટ્સ બનવા તત્પર બની રહ્યા છે. દેશવિદેશમાં સફળ પુરુષો સરોગશીથી કે દત્તક બાળકો મેળવવાના પ્રયત્ન કરી રહ્યા છે. તેમાંય ગે સંબંધ ધરાવતાં પુરુષો પણ બાળકોને દત્તક લઈ રહ્યા છે કે જન્મ આપી રહ્યા છે. બાળકો ન ઈચ્છતા જીવનસાથીથી છૂટા પડીને પણ અનેક પુરુષો સિંગલ પેરેન્ટ્સ બનવાનો નિર્ણય લઈ રહ્યા છે.
શરૂઆતમાં સંદીપ જેવા પુરુષોને તકલીફ થઈ ખરી લગ્ન સિવાય પિતા બનવાની ઈચ્છા પૂરી કરતાંપરંતુ હવે સમાજની વિચારધારા બદલાઈ રહી છે. પુરુષ જવાબદાર માતાપિતાની ભૂમિકા નિભાવી શકે છે તે પુરવાર થઈ રહ્યું છે. સંદીપના ઘરે જઈએ તો બાપ-દીકરો ઘરના દરેક કામ હળીમળીને કરતાં નજરે ચઢે.
સંદીપ કહે છે કે જાતિય ભેદભાવ આપણે જ ઊભો કરીએ છીએ. છોકરાઓ ઘરના કામ ન કરી શકેથી લઈને બાળકો ન ઉછેરી શકે તે બધી માન્યતાઓ જ છે. અને તે મારા જેવા અનેક ઘરમાં તો બદલાઈ રહી છે. મેં જ્યારે અર્જુનને દત્તક લીધો ત્યારે મારી માતા ખૂબ ખુશ થઈ હતી. તેણે કહ્યું કે મને ખાતરી છે કે તું ખૂબ સારી રીતે અર્જુનને ઉછેરી શકીશ. તેણે મને બધું જ શીખવાડ્યું અને સાચું કહું તો સૌથી વધુ આનંદ મને તેના માટે દરેક કામ કરવામાં આવે છે.
૨૦૦૭માં સંદીપ સોપારકરને બાળક દત્તક આપવામાં આવ્યું તે પછી તરત જ અનેક પુરુષોએ પણ બાળક દત્તક લેવા માટે એપ્લિકેશન કરી હતી. લગ્ન સંસ્થા તૂટી રહી છે કે ખાડે જઈ રહી છે તેના રોદણાં રડવા કરતાં કૌટુંબિક મૂલ્યો આ રીતે પણ સચવાઈ રહ્યા છે. વળી આપણે ત્યાં કહેવત હતી કે લાખો કમાતો બાપ ભલે મરે પણ દળણાં દળતી મા ન મરો એને ખોટી પાડીને પુરુષો પ્રેમથીમમતાથી સંપૂર્ણ જવાબદારીપૂર્વક બાળકોને ઉછેરી રહ્યા છે. કારણ ગમે તે હોય પણ પુરુષોની છબી બદલાઈ રહી છે.

You Might Also Like

0 comments