સ્વતંત્ર વ્યક્તિત્વની સ્વામી બાઈક ક્વીન (published in mumbai samachar)

00:36

લગ્ન બાદ સ્ત્રીઓ પોતાનું વ્યક્તિત્વ જાળવી નથી શકતી એવું વારંવાર કહેવાતું હોય છે. હું પણ અનેકવાર લખી ગઈ છું કે સ્ત્રીઓ પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ જાળવવાના પ્રયત્નો કરતી નથી. પ્રેમ કરવો એટલે પોતાની દરેક ઈચ્છાઓને મારી નાખવી એવું નહીં. અમદાવાદની મેઘા વ્યાસની સાથે વાત થઈ ત્યારે લાગ્યું કે જમાનો બદલાઈ રહ્યો છે. બાઈક લઈને અનેક યુવતીઓ જોખમી રસ્તાઓ પર નીકળી પડે છે તેમાં મેઘા વ્યાસની વાત જરાક જુદી છે. 

અમદાવાદના મધ્યમવર્ગીય પરિવારમાં ઉછરેલી મેઘાનો પોતાનો આગવો મિજાજ છે. તે જુલાઈની ૪થી તારીખે લેહ લદાખના સૌથી ઊંચા અને જોખમી રસ્તાઓ પર બાઈક ચલાવીને પાછી આવી. ત્રીસ વરસીય મેઘા વ્યાસના લગ્ન ૩ વરસ પહેલાં અદાકાર, દિગ્દર્શક અભિનય બંકર સાથે થયા છે. લગ્ન બાદ માતૃત્વની જવાબદારી લેતાં પહેલાં તેને કંઈક હટકે કરવાની ઈચ્છા હતી. એટલે લેહ લદાખ બાઈક પર ફરવાનો વિચાર આવ્યો અને તે પણ એકલા. અભિનયતો પતિ કરતા મિત્ર વધુ એટલે તેણે મેઘાના વિચારને વધાવી લીધો, પણ સાસુ, સસરાએ સહજ ચિંતા વ્યક્ત કરી કે પારકી છોકરીને આમ એકલી જવા દેવાય? વિકટ રસ્તાઓ છે ન કરે નારાયણને કંઈ થાય તો? વાત સાચી પણ હતી એટલે મેઘાએ પોતાના સ્વભાવને અનુકૂળ આવે એવા ગ્રુપની શોધ આદરી. અમદાવાદના એક બાઈકર ગ્રુપ સાથે જોડાઈ જમ્મુથી લેહ-લદાખનો હાઈએસ્ટ મોટરેબલ ખર્દુલા રોડ અને સૌથી જોખમી જોઝીલા રોડ ઉપર એવેન્જરમાં સફર કરી આવી. પેઈન્ટર, સ્કલ્પ્ટર, અભિનેત્રી મેઘાએ બાઈક સાથે દોસ્તી આઠેક વરસ પહેલાં કરી. આમ તો તે બાઈક પુખ્ત થઈ ત્યારથી જ ચલાવતી જ હતી પણ પાંચેક વરસ પહેલાં તે જીવનની મંદ રફતારને લીધે હતાશામાં સરી પડી હતી. તેમાંથી બહાર આવવા માટે તેણે બાઈક પર લોન્ગ ડ્રાઈવર જવાનું શરૂ કર્યું. સહેજે સો-બસો કિલોમીટર એકલા જ આંટો મારી આવતી. સૌ પહેલાં તેણે અમદાવાદ-દીવ ૪૦૦માઈલનો લાંબો પ્રવાસ બાઈક પર કર્યો. પછી કચ્છનું નાનું રણ જઈ આવી. બસ તેને ડિપ્રેશનમાંથી બહાર નીકળવા સાથે પોતાના વ્યક્તિત્વને નવી દિશા સાંપડી પ્રવાસની. મેઘા કહે છે કે એકલા પ્રવાસ કરવો મને ગમવા લાગ્યું. એટલે જ મારાથી કોઈ બાંધી નોકરી ન થઈ શકતી. કારણ કે રુટિનમાં રહેવું મને ક્યારેય ફાવ્યું નહી. પહાડો પર બાઈક ચલાવવાનો કોઈ અનુભવ ન હોવા છતાં અને લેહ લદાખ આ પહેલાં જોયું નહોતું તે છતાં કંઈક હટકે કરવાની ઈચ્છા થઈ એટલે બસ નક્કી કર્યું કે જવું જ છે. મનમાં ડર તો હતો પણ ડર કે આગે હી જીત હોય છેને? કહેતા મેઘા હસી પડે છે. 

મેઘાની હિંમતને દાદ આપવી પડે. ગ્રુપમાં તે ફક્ત સપોર્ટ માટે ગઈ હતી પણ તે એકલી જ છોકરી હતી જે બાઈક ચલાવી રહી હતી. તેમાં એક જગ્યાએ તે ખીણમાં સરકી જતાં બચી એ ઘટના વિશે વાત કરતાં મેઘા કહે છે કે, આ પ્રવાસમાં મેં પહેલીવાર દરેક પ્રકારના રોડ પર બાઈક ચલાવી બસ આગ અને કાંટા પર ચલાવવાનું જ બાકી છે. મુશળધાર વરસાદ, વાવાઝોડું અને અડધું ટાયર ખૂંપી જાય એટલો માટીનો કદડો. કેટલીક જગ્યાએ તો મુલતાની માટી જેવી ફાઈન લપસણી માટી રોડ પર હોય. જરાક બેલેન્સ ચૂક્યા કે ગયા જ સમજો. તેમાં પણ વરસાદ અને જોરદાર હવા હોય ત્યારે બાઈકને આડી સરકતી જોઈ છે અનુભવી છે. આમ જ એક દિવસ હું એકલી જોઝીલા રસ્તા પરથી જઈ રહી હતી. એક તો  પથરાળ રસ્તો અને તેના પર  વહેતું  પાણી,  ખતરનાક વળાંક પાસે મારી બાઈક સાથે હું સરકી ક્ષણભર તો થયું કે બસ હું ગઈ, પરંતુ શી ખબર કઈ રીતે મારામાં ગજબની હિંમત આવી અને બીજી જ ક્ષણે મેં બાઈકને સંભાળી લીધી. બસ એક જ ક્ષણ છેટું મોત જોયું. જો નીચે સરકી જાત તો કોઈને કદાચ ખબર પણ ન પડત કે મારું શું થયું. એ ક્ષણ બાદ મારું જીવન બદલાઈ ગયું. મોતની આંખોમાં આંખો મેળવીને હવે જીવન પ્રત્યેનો અભિગમ બદલાઈ ગયો. રોડ પર આવીને એકબાજુ ઊભી રહીને માંડ શ્ર્વાસ સંભાળ્યો એ દિવસ અને ક્ષણ કદીય ભૂલાશે નહીં. પણ હવે જીવનમાં ક્યારેય હતાશા નહીં અનુભવું. લદાખના કપરાં પ્રવાસ બાદ મને મારા પર વિશ્ર્વાસ વધી ગયો. જીવનમાં હવે કપરાંમાં કપરી ક્ષણોને પણ હું પાર કરી શકીશ. પછી જરા અટકીને કહે છે કે ખરું કહું તો હું ક્યારેય સ્ત્રી તરીકે વિચારવામાં માનતી નથી. સ્ત્રી બાઈકર તરીકે મને જુદી ખિદમત મળવી જોઈએ તેવું ક્યારેય સ્વીકાર્યું નથી. લોકો આદર આપે એ ગમે પણ સ્ત્રી કે પુરુષના જુદાં ચોકાની હવે જરૂર નથી એવું અનેક સ્ત્રીઓ પુરવાર કરી જ રહી છે તે આનંદની વાત છે. નસીબદાર છું કે પરિવાર અને જીવનસાથી સમજદાર મળ્યા છે જે મારા વ્યક્તિત્વના વિકાસમાં અવરોધ નહીં પણ મદદરૂપ બનીને પડખે ઊભા રહ્યા છે.

You Might Also Like

0 comments