અપશબ્દોના અર્થ-અનર્થ (mumbai samachar)

00:17

ગાળ બોલવી કે ન બોલવી, સારી કે નરસી તે બાબતની ચર્ચાનો અર્થ નથી. અહીં ફક્ત ગાળ ગણાતા અપશબ્દોની માનસિકતા વિશે તટસ્થ વાત કરવી છે એકપણ ગાળ લખ્યા વિના...કેટલીક સ્ત્રીઓ માટે ક્યારેય ગાળ બોલવાની વાતતો દૂર પણ સાંભળવાનું પણ બન્યું ન હોય તે શક્ય છે. મારો ઉછેર પણ એ જ રીતે થયો હતો. તેમાં પણ સ્ત્રીઓ ગાળ બોલે તેની કલ્પના ક્યારેય આવી શકતી નહોતી. કૉલેજમાં પહેલીવાર નવસારી તરફની એક મૈત્રિણી મળી. તે વખતે અમે સોળેક વરસના હોઈશું. તેની સાથે પ્રવાસ કરતી સમયે એકવાર કેટલાક છોકરાઓએ અમારા પર કોઈ કોમેન્ટ કરી. અત્યાર સુધી મને આદત હતી કે આવી કોમેન્ટ સાંભળી ન સાંભળી કરીને ચુપચાપ જતા રહેવાનું. પણ એ દિવસે એકદમ ગુસ્સામાં મારી મૈત્રિણીએ મને કહ્યું કે દિવ્યાશા કાનમાં આંગળી નાખ અને તેણે પેલા લોકોને ગાળાગાળી કરવા માંડી કે પેલાઓ મોઢું છુપાવીને ભાગ્યા. ગાળ સાથેનું આ મારું પહેલું એનકાઉન્ટર. એ શબ્દો અને પ્રસંગ હજી મારી સ્મૃતિમાં એકદમ તાજા છે. મારી મૈત્રિણીને પણ ખ્યાલ હતો કે મેં ક્યારેય ગાળ સાંભળી નથી અને એ હું સહન પણ નહીં કરી શકું.

તે દિવસે પહેલીવાર સ્ત્રીના મોઢે ગાળો સાંભળીને જુદો જ રોમાંચ થયો પણ તે ગાળો હતી તો મા-બહેન સમાણી જ. ત્યારે એ વિશે વધુ સમજવું કે વિચારવું શક્ય ન બન્યું. પછીતો મુંબઈમાં બહાર નીકળો એટલે તમારે સાંભળવુંં હોય કે ન સાંભળવું હોય પણ દરરોજ તમારે કાને એ અપશબ્દો પડે જ. લોકલ ટ્રેનના સેક્ધડ ક્લાસના લેડિઝ ડબ્બામાં પણ કેટલીક સ્ત્રીઓ સહજતાથી અપશબ્દો એટલે કે ગાળો છૂટથી બોલતી જોઈને પહેલાં તો નવાઈ લાગતી. કારણ કે ગાળો તો માત્ર પુરુષો જ બોલી શકે એવી ધારણા હતી. પુરુષો બોલી શકે તે ગાળો સ્ત્રીઓના મોઢે સાંભળીને મારા જેવી અનેક સ્ત્રીઓને રોમાંચ થતો હશે. સમયાંતરે મને સમજાયું કે ગાળ બોલી શકવાની મારી અક્ષમતાને કારણે મને ગુસ્સો આવે એટલે રડવું આવી જતું. ગાળએ ગુસ્સો વ્યક્ત કરવાની એક રીત છે. અહીં એવી પણ દલીલ થઈ શકે કે તો પછી તેમાં સ્ત્રીઓ ઉપરની જ ગાળો કેમ ? ખેર એ તો સામાજિક માનસિકતાનું પરિણામ છે.

સ્ત્રીને ઉતારી પાડતી કે નીચી રજૂ કરતી આ ગાળો સાંભળીને ખૂબ ગુસ્સો ય આવે પણ આપણે ન બોલીએ તે સિવાય બીજું કશું ન કરી શકાય. આ ગાળો સ્ત્રીના ઉપર જ હોય તેથી ખૂબ કઠે ખરી પણ જ્યારે પરિસ્થિતિ જોઈએ તો સમજાય છે કે ગુસ્સો આવે કે રોષ આવે તો મોંમાથી ગાળ નીકળી જવી તે સ્વાભાવિક લાગે. તમે જોયું હશે કે જે સ્ત્રીઓ ગાળો બોલતી હોય છે તે વખતે તે રડતી નહીં હોય. તે ખરેખર ગુસ્સો વ્યક્ત કરતી હોય છે. ગુસ્સો કે રોષ તેની રીતે વ્યક્ત નથી થઈ શકતા ત્યારે સ્ત્રીઓને રડવું આવી જતું હોય છે. આ ગાળો વિશે લખવાનું મન થયું લીના યાદવની પાર્ચ્ડ ફિલ્મ જોઈને. તેમાં મુખ્ય ભૂમિકા કરતી ત્રણે સ્ત્રીઓ ગાળોની જાતિ બદલી નાખે છે. સ્ત્રીજાતિને અપાતી ગાળને પુરુષજાતિની ગાળોમાં બદલી નાખવામાં આવે છે. આવું સામાન્ય રીતે દરેક સ્ત્રીને થતું હશે. અંદરો અંદર કેટલીક સ્ત્રીઓ આ વિશે વાત પણ કરતી હોય છે ક્યારેક. પણ ફિલ્મમાં દર્શાવ્યા પ્રમાણે પુરુષજાતિને નામે ગાળો બોલાતી થાય એવું હજી સુધી જણાતું નથી.

પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા અને માનસિકતા હોવાને કારણે સદીઓથી ચાલી આવતી ગાળો પણ સ્ત્રીઓને ઉતારી પાડતી જ હોય તેમાં નવાઈ નથી લાગતી. પણ ગાળોનું શાસ્ત્ર જોઈએ તો તે માટે વિદેશમાં અભ્યાસ થયો છે. વિદેશી ભાષાઓમાં પણ ગાળો જેને તેઓ સ્વેઅર વર્ડ કે કસ (કર્સનું અપભ્રંશ) વર્ડ કહે છે તે પણ નારીજાતિ જ સંદર્ભ ધરાવતી હોય છે. ગાળ શબ્દને ખરાબ અર્થમાં જોવામાં આવે છે. એ રીતે કેટલાક શબ્દોની ગોઠવણી તેના અર્થ પ્રમાણે થતાં આપણે તેને સારી કે ખરાબ માનીએ છીએ. આજે કેટલાય સ્ત્રી, પુરુષો અને યુવાનો ખૂબ સહજતાથી અંગ્રેજીમાં સ્વેઅર વર્ડ બોલતા હોય છે. તેમાં એમને કશું જ ખરાબ નથી લાગતું. સરળતાથી વાતચીતમાં ગાળ બોલાતી હોય છે જેમ કે કેટલાક પ્રદેશોમાં તેને લોકો અર્થ પ્રમાણે લેતા નથી. જેમ કે સુરત તરફના કેટલાક સ્ત્રી-પુરુષો સહજતાથી ગાળ વાતચીતમાં બોલતા હોય છે. પારસીઓ પણ ખૂબ સહજતાથી વાતચીતમાં પ્રેમ કે ગુસ્સો દર્શાવવા માટે આપણે જેને ગાળ કહીએ કે સમજીએ છીએ તેવા શબ્દોનો ઉપયોગ કરતા હોય છે. એનો અર્થ એ પણ થાય કે બોલનારના મનમાં જે અર્થ અભિપ્રેત હોય છે તે જ અર્થ સાંભળનારના મનમાં પડઘાતો હોય છે. ગુસ્સામાં બોલાય તો તેના પ્રત્યાઘાત હિંસક રીતે આવી શકે અને પ્રેમથી બોલાય તો તેનો અર્થ સાંભળનારને વાગતો નથી હોતો તે પણ સ્વીકારવું પડશે.

કેનેડિયન સાયકોલોજિસ્ટ અને ભાષાશાસ્ત્રી સ્ટીવન પિંકર કહે છે કે ગાળને એના અર્થ પ્રમાણે આપણે મગજમાં સ્ટોર કરીએ છીએ. નહીં કે શબ્દ પ્રમાણે જેમ કે રેડ એટલે કે લાલ રંગ શબ્દ બોલતા, સાંભળતા કે વાંચતી સમયે આપણે બ્લ્યુ રંગની કલ્પના નથી કરતા. એ લાલ શબ્દ કાળા રંગે કે બ્લ્યુ રંગે લખાયેલો હોય તો પણ કલ્પનામાં લાલ રંગ જ આવે છે તેમ સ્વેઅર એટલે કે ગાળને આપણે તેના અર્થની દૃષ્ટિએ જ આપણું મગજ નોટિસ કરે છે એટલે જ્યારે ગાળ બોલાય છે ત્યારે આપણે તેની સામે પ્રતિક્રિયા આપતા આપણા મગજને રોકી શકતા નથી.

વધુ એક પ્રયોગ સાયકોલોજિસ્ટે કર્યો છે. કેટલાક લોકોને બરફથી ઠંડા કરેલા પાણીમાં હાથ મૂકીને સાદા શબ્દો બોલવાનું કહ્યું અને નોંધ્યું કે કેટલો સમય હાથ ઠંડુ પાણી સહન કરી શકે છે. પછી તેમને અપશબ્દો બોલવાની પણ છૂટ આપી તો તેઓ પહેલાંની સરખામણીએ વધુ સમય સુધી ઠંડા પાણીમાં હાથ રાખી શક્યા. આ રીતે તેમણે જોયું કે અપશબ્દો કે ગાળો વ્યક્તિની પીડા સહન કરવાની શક્તિ વધારી દેતી હોય છે. લોકસાહિત્ય અને સમકાલીન સાહિત્યના અભ્યાસી લાભશંકર પુરોહિતનો ફટાણાં અંગેનો અભ્યાસ છે. ફટાણાં એટલે લગ્ન સમયે ગવાતાં ગીતો. તેમાં ક્ધયાપક્ષ કે વરપક્ષની મહિલાઓ સામા પક્ષને આડકતરી રીતે કટાક્ષ કરીને વિનોદ કરતી હોય છે. લાભશંકર પુરોહિતના કહેવા પ્રમાણે આ ફટાણાંમાં જે આડકતરો ઉલ્લેખ થતો એમાં સીધી રીતે ગાળો ન બોલાય પણ પ્રતીકાત્મક રીતે અનેકવાત કહેવાતી હોય છે. આજે અશ્ર્લીલ ગણાતા કેટલાક શબ્દોનો ઉલ્લેખ તેમના કહેવા પ્રમાણે વેદકાળથી અસ્તિત્વમાં છે. ગીતામાં પણ તેનો ઉલ્લેખ છે. કેટલાક શબ્દો આજે અપશબ્દો ગણાતા હોય તે પહેલાંના જમાનામાં ન ગણાતા હોય તે શક્ય છે તો કેટલાક શબ્દો જેનો અર્થ કંઈક જુદો જ થતો હોય જેને અશ્ર્લીલ કહી શકાય તે લોકો સહજતાથી વાપરતા હોય છે. ઉદાહરણ તરીકે પત્તર ફાડવી, કૂચે મર્યા વગેરે શબ્દો (એ શબ્દોના અર્થ સામાજિક રીતે અશ્ર્લીલ મનાતા હોવાથી અહીં આપી શકાય નહીં.) ભીલ અને આદિવાસી ગીતોમાં બે શબ્દો જેને સામાન્યપણે સમાજમાં ગાળ માનવામાં આવે છે તે સહજતાથી આવતા હોય છે. આમ, અમુક શબ્દો હવે શિષ્ટ સમાજમાં પણ અંગ્રેજીમાં બોલાય છે તો તેનો વાંધો કોઈને હોતો નથી જ્યારે એ શબ્દો ભારતીય ભાષામાં બોલાય તો લોકોના ભવા તંગ થતા જોવા મળે છે. ગાળ, અપશબ્દો કે અશ્ર્લીલ શબ્દોમાં નારીજાતિને નીચી પાડવાનો સંદર્ભ ન હોય તેવી માગણી નારીવાદીઓ કરતા હોય છે તે યોગ્ય તો છે જ પરંતુ કોઈપણ શબ્દ દ્વેષભાવથી બોલાય તો તે ગાળ જ બને છે તે માનવું રહ્યું. શબ્દનો ઉપયોગ પણ છરી જેવો હોઈ શકે તે શાક સમારવા ઉપયોગી થાય અને કોઈને મારવામાં આવે તો ઘાયલ પણ કરી શકે. ગાળ એ શબ્દોની ગોઠવણી છે જેના અર્થ બદલી નાખવામાં આવે તો તેની કોઈ અસર રહેતી નથી. જેમ કે લાલ શબ્દનો અર્થ લીલો થતો હોય તો?

You Might Also Like

3 comments

  1. Well i would like to add a little bit here. Because i also wondered that why almost all bad words connected or related to sex and sexual organs? You have mentioned about opinions of linguistic experts but only one thing you brought out that it is like venting your anger and frustration out. And helps you bear the pain more. Right. But it is not all. According to me in bad words attack on enemy 's mother and sister is carried out. "Hit where it hurts most" is employed here. The why of it is because all males consider that females are their property and must be protected and also they love mother and sister most. You will see that in "galis " mostly hurting and dishonuoring females genitals.So here sex is very much connected and social damage is the intention.

    ReplyDelete
  2. Well i would like to add a little bit here. Because i also wondered that why almost all bad words connected or related to sex and sexual organs? You have mentioned about opinions of linguistic experts but only one thing you brought out that it is like venting your anger and frustration out. And helps you bear the pain more. Right. But it is not all. According to me in bad words attack on enemy 's mother and sister is carried out. "Hit where it hurts most" is employed here. The why of it is because all males consider that females are their property and must be protected and also they love mother and sister most. You will see that in "galis " mostly hurting and dishonuoring females genitals.So here sex is very much connected and social damage is the intention.

    ReplyDelete
  3. તમારી વાત સાચી છે પણ મેં એ વિશે પહેલાં પણ લખ્યું છે એટલે આ એક વાક્ય લખીને બધું કહી દીધું....પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા અને માનસિકતા હોવાને કારણે સદીઓથી ચાલી આવતી ગાળો પણ સ્ત્રીઓને ઉતારી પાડતી જ હોય તેમાં નવાઈ નથી લાગતી. આભાર વાંચીને પ્રતિભાવ આપવા માટે

    ReplyDelete