ટેસ્ટોસ્ટેરોન એ યુદ્ધનું હોર્મોન છે

07:35

ગયા અઠવાડિયે ભારતીય સેનાએ એલઓસી ક્રોસ કરી જે પરાક્રમ કર્યુંં ત્યારબાદ આખાય દેશની હવા બદલાઈ ગઈ. એવું તો શું થયું કે લોકોમાં ઉત્સાહ અને જોમ છલકાવા લાગ્યા? એક નાનકડું સર્જિકલ ઓપરેશન જ હતું, પણ અત્યાર સુધી ટીકા કરતાં વિરોધ પક્ષો પણ એક જ સૂરમાં બોલવા લાગ્યા હતા. આ યુદ્ધ નથી પણ યુદ્ધ જેવું વાતાવરણ રચાઈ ગયું હતું. વૉરની એટલે કે યુદ્ધની સાયકોલૉજીનો અભ્યાસ કરીને સૌ પ્રથમ પુસ્તક ધ મોરલ ઈક્વિવેલન્ટ ઑફ વૉર૧૯૧૦ની સાલમાં લખનાર વિલિયમ જેમ્સ લખે છે કે યુદ્ધ લોકોને ગમે છે, કારણ કે તેની પોઝિટિવ સાયકોલૉજિકલ ઈફેક્ટ હોય છે. વ્યક્તિગત અને સામાજીક બન્ને રીતે યુદ્ધ હકારાત્મક વાતાવરણ ઊભું કરતું હોય છે. જ્યારે યુદ્ધનો ભય હોય ત્યારે લોકોમાં એકજૂટ બનીને સંપ પેદા કરવાની ભાવના જન્માવે છે. ફક્ત લશ્કર જ નહીં પણ આખોય સમાજના લોકો એક સૂત્રે બંધાઈને રહે છે. 

જેમ્સ કહે છે કે તેને કારણે લોકોમાં શિસ્ત આવે છે. સમાજનું એક સામાન્ય ધ્યેય ઊભું થાય છે. યુદ્ધની કવાયત સામાન્ય નાગરિકને પણ આદરપૂર્ણ અને સ્વાર્થરહિત વર્તવાની પ્રેરણા આપે છે. આવું જ કંઈક આપણે જો હાલમાં ન અનુભવ્યું હોત તો યુદ્ધ બાબતે આ વાત માનતા કદાચ થોડો ખચકાટ થાત. વિલિયમ જેમ્સ કહે છે કે યુદ્ધ લોકોમાં સામાન્યપણે ન દેખાતા ગુણો બહાર લાવે છે, જેમ કે શિસ્ત, બહાદુરી, નિસ્વાર્થ અને સમર્પણ. 

વિશ્ર્વનો ઈતિહાસ તપાસતા ખયાલ આવે કે લોકો એકબીજા સાથે શાંતિથી રહી શકતા નથી. આમ જોઈએ તો પાકિસ્તાનનો જન્મ ભારતમાંથી જ થયો છે. પાકિસ્તાનની સાથે જો આપણા સૌહાર્દપૂર્ણ સંબંધો હોય તો આખીય દુનિયાને ભારે પડી શકે એમ છે. બે ભાઈઓ જુદા થાય પણ બહારના આઘાતો સામે બન્ને એકબીજાની પડખે ઊભા રહી એક યુનિટ બની શકે છે. પણ એવું બની શક્યું નથી. ગાંધીજી નહોતા જ ઈચ્છતા કે ભારતના ટુકડા થાય, પણ જો ન થાય તો પણ આંતરિક હિંસક યુદ્ધો હુલ્લડોને નામે થતાં જ હતા અને તેને માટે ઝીણાને જવાબદાર માનવામાં આવે છે. તેમણે જો પાકિસ્તાનનો આગ્રહ ન રાખ્યો હોત તો ....ખેર, રાત ગઈ બાત ગઈ, પણ હવે છૂટા થયા બાદ પણ વિખવાદો ખતમ થઈ શકતા નથી, કારણ કે પાકિસ્તાનને શાંતિ ગમતી નથી. સ્ટીવ ટેઈલર જેમણે યુદ્ધની માનસિકતા વિશે સંશોધન કર્યું છે તેમનું કહેવું છે કે આદિકાળથી માનવને શાંતિથી રહેવાનું ફાવ્યું નથી એટલે જ તેમને જે લખાયેલો ઈતિહાસ મળે છે તેમાં ૩૦૦૦ વરસ પહેલાંના ઈજિપ્ત અને સમેર સિવિલાઈઝેશનની વાત છે. સ્ટીવ કહે છે કે ત્યારથી લઈને અત્યાસ સુધી સતત ઈતિહાસના પાના પર લોહિયાળ યુદ્ધો આલેખાયેલા મળે છે. ૧૭૪૦થી લઈને ૧૮૯૭ની સાલની વચ્ચે પૃથ્વીએ ૨૩૦ યુદ્ધો અને રિવોલ્યુશન ફક્ત યુરોપમાં થયા છે. તે સમયે યુરોપના દરેક દેશ લશ્કર પાછળ ખર્ચા કરીને આર્થિક રીતે પણ ખુવાર થઈ ગયા હતા. ઓગણસમી અને વીસમી સદીની શરૂઆતમાં યુદ્ધ ઓછા થયા હતા, પણ તે ટૅક્નોલૉજીના ઉપયોગને કારણે યુદ્ધ જલદી ખતમ થઈ જતા હતા. જો કે તેનાથી યુદ્ધને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા લાખો પર પહોંચી ગઈ હતી. ૧૭૪૦ અને ૧૮૯૭ દરમિયાન ૩ કરોડ લોકો યુદ્ધને કારણે મૃત્યુ પામ્યા હતા તો ફક્ત પહેલાં વિશ્ર્વયુદ્ધમાં ૫૦ લાખથી એક કરોડ ત્રણ લાખ લોકો મૃત્યુ પામ્યા હતા તો બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન ૫ કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. આ આંકડાઓ એટલા ચોંકાવનારા હતા કે ત્યારબાદથી યુદ્ધ ઓછા થતા ગયા. 

છેલ્લા કેટલાક સમયથી આપણે ટેલિવિઝન પર ચર્ચાઓ થતી જોઈએ છે કે પાકિસ્તાન ન્યૂક્લિયર બૉમ્બ ફેંકી શકે ખરું. ભારત પાસે પણ ન્યૂક્લિયર શક્તિ છે પણ તેનો ઉપયોગ યુદ્ધમાં ન કરવાની વિવેકબુદ્ધિ છે. હીરોશિમા અને નાગાસાકી પર ફેંકાયેલા અણુબોમ્બના ઝખમો હજી ભરાયા નથી. તે છતાં યુદ્ધો થયા જ છે અને યુદ્ધ થવાનો ડર સતત તોળાતો જ રહે છે માનવજાતિના માથે. મોટાભાગના સાયકોલૉજિસ્ટનું માનવું છે કે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધુ હોવાથી અને સેરોટેનીનનું પ્રમાણ ઓછું થાય ત્યારે આક્રમકતા તેમનામાં વધે છે. આક્રમક વલણ તેમને હિંસા તરફ દોરી જાય છે. વળી માનવજાત સ્વાર્થી પણ ખરી પોતાની પાસેની માલમત્તા સાચવવાનો પ્રયત્ન કરે જેથી તે ટકી શકે. મોટાભાગના યુદ્ધો જમીન માટે જ થતા હોવાનું ઈતિહાસમાં નોંધાયું છે.

આપણી પાસે બે યુદ્ધોની કથાઓ છે. રામાયણ અને મહાભારત. પહેલું યુદ્ધ સીતાને માટે રામે રાવણની સાથે કર્યું. તેના અનેક પ્રતિકાત્મક અર્થોની ચર્ચાઓ આજદિન સુધી વિદ્વાનો કરતા આવ્યા છે. બીજું મહાભારતનું યુદ્ધ જમીન-સત્તાને માટે ભાઈઓની વચ્ચે થયું. દ્રૌપદીના બોલવા માત્રથી યુદ્ધ થાય એવું કહેનારા અને માનનારાઓને પૂછવું પડે કે તો શું દુર્યોધન અને દ્રૌપદીના પાંચે પતિઓ સાવ મૂરખ હતા? ખેર, એ બધા વાદવિવાદો વરસોથી વિદ્વાનો વચ્ચે થતાં રહ્યા છે, પણ મહાભારતના યુદ્ધનું ફલશ્રુતિ હતી ફક્ત ૧૨ જણ જીવિત રહ્યા હતા. યુદ્ધ ન થાય તેના પ્રયત્નો કર્યા હતા કેશવે પણ કૌરવો માન્યા નહીં. પાંડવો તો કૃષ્ણના આદેશને ઉલ્લંઘવાનો પ્રયાસ પણ ન કરત. સત્તા અને અહંકાર પુરુષને ખુવાર થવા માટે પ્રેરિત કરે છે. બાકી વૈચારિક દૃષ્ટિએ જોઈએ તો કાશ્મીર માગનારાઓ મેળવીને મૃત્યુ બાદ સાથે તો નહીં જ લઈ જઈ શકે ને? આ સમજ હોવા છતાં ફક્ત બે રૂપિયા માટે પણ પુરુષો એકબીજાને રહેંશી નાખતા અચકાતા નથી. પુરુષ સમોવડા થવામાં સ્ત્રીઓ પણ ઠંડે કલેજે સગી દીકરીને પણ પૈસા જે સત્તા આપે છે તેને માટે રહેંશી નાખતા અચકાતી નથી. સત્તા મેળવવા માટે રાજકારણીઓ ન તો શાંતિથી સૂવે છે અને ન બીજાને શાંતિથી સૂવા દે છે. રાજકારણ અને લશ્કરનો હાથો બનનારા વ્યક્તિઓની પણ સત્તામાં ભાગ મેળવવાની મહેચ્છા હોય છે. અને એટલે જ મોટું જૂથ બને છે લડનારાઓનું જેને આપણે લશ્કર પણ કહી શકીએ. સત્તા મેળવવા માટે લડનારા સામે બચાવ માટે બીજું લશ્કર તમારે ઊભું કરવું પડે છે. જે અત્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે થઈ રહ્યું છે તે બે ભાઈઓ વચ્ચે થતા ઝઘડાંથી વધુ કંઈ જ નથી. તેમાં એક ભાઈ વિવેકહીન છે જે પોતાની ભલાઈ પણ સમજવા નથી માગતો, કારણ કે ઝઘડા કે યુદ્ધ લડનારા બન્ને જૂથને નુકસાન પહોંચાડે છે. મહાભારતમાં કૌરવો ખતમ થઈ ગયા પણ પાંડવોએ પણ ઘણું ગુમાવ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે પણ વધુ જમીન અને સત્તા મેળવવા માટે યુદ્ધ થયા કરે છે. ઈઝરાયેલ અને પેલેસ્ટિયન, ઈઝરાયેલ અને અરબ દેશ મળીને છેલ્લાં સાઈઠેક વરસમાં આઠ ઉપરાંત યુદ્ધ કરી ચૂક્યું છે. આઈએસઆઈએસ, તાલિબાન, અલકાયદા વગેરે સંગઠનો પણ સત્તા મેળવવા માટે લડી રહ્યા છે. તેમના સંગઠનોમાં પણ સત્તા માટેના રાજકારણ ચાલતા હોય છે. તેમનામાં લડવાની વિવેકબુદ્ધિ નથી અને તેમને ખબર છે કે તેઓ ખોટા છે અને સામી છાતીએ લડશે તો હારી જશે એટલે તેઓ ખોટી રીતે લડીને સામાન્ય નાગરિકોની શાંતિ ભંગ કરવાનો કાંકરીચાળો કરે છે. તેમને હથિયારો ક્યાંથી મળે છે? પૈસા કોણ આપે છે ? તેનું પણ એક સત્તાકારણ છે. અને તે સૌ કોઈ જાણે છે. સામાન્ય નાગરિકો એક થઈને આવા સત્તાખોરની સામે થતા નથી એટલે નુકશાન થાય છે, પણ તેમાં એ નાગરિકોનો પણ વાંક નથી. તેઓ શાંતિથી પોતાનું દરરોજનું જીવન ગુજારતા હોય છે. તેમને સુખ-શાંતિ સિવાય કશું ખપતું નથી, પણ પાણી જો માથા પરથી વહેવા લાગે તો સિવિલ વોર થાય છે. 

ગાંધીજીની આગેવાની હેઠળ આપણે પણ સત્યાગ્રહ કરેલો તે અહિંસાના મૂળ સિદ્ધાંત પરની લડાઈ હતી, જે પછી મંડેલાએ આફ્રિકામાં પણ અપનાવી હતી. સ્ટીવ પણ કહે છે કે યુદ્ધ મોટે ભાગે જૂથની ઓળખની મમત માટે થતા હોય છે. ગોરા-કાળા, યહૂદી અને નાઝી, હિન્દુ-મુસ્લિમ, ખ્રિસ્તી અને હવે તો જ્ઞાતિઓના જૂથ પણ આપણે ત્યાં બની રહ્યા છે. પાટીદાર, મરાઠા, દલિત વગેરે વગેરે ઉપરાંત બે રાજ્યો વચ્ચે પણ યુદ્ધ થઈ શકે. દરેકને પોતાના જૂથ માટે મમત હોય તે સમજી શકાય પણ તેમને બીજા જૂથ સામે વાંધાઓ હોય છે. 

આખાય વિશ્ર્વમાં આવા બે જૂથો આંતરિક કલહમાં એકબીજાને કાપી રહ્યા છે. સાયકોલોજિસ્ટને જે ખતરો દેખાય છે તેમાં મોરલ એક્સક્લુઝનની બાબત છે. બીજા જૂથના મૂલ્યો અને માનવીય અધિકારોનું હનન કરવામાં આવે છે. આઈએસઆઈએસ દ્વારા યઝદી નાગરિકો અને સ્ત્રીઓ પર થતાં અત્યાચાર તાજેતરનું ઉદાહરણ છે. એક જૂથ, બીજા જૂથની વ્યક્તિઓને માનવીય મૂલ્યને લાયક ગણતી નથી એટલે જ તેઓ બર્બર હિંસા તેમના પર આચરી શકે છે. 

જો કે, સારા ખબર એ પણ છે કે બીજા વિશ્ર્વયુદ્ધના વિનાશ બાદ યુરોપિન દેશો ફ્રાંસ, જર્મની, ગ્રેટ-બ્રિટન, સ્પેન, હોલેન્ડ, પોલેન્ડ, રશિયામાં ઘણા લાંબા સમયથી શાંતિ જળવાઈ રહી હતી. સ્ટીવન પિંકર નામના અભ્યાસીએ આ નોંધ્યું છે તેમના મતે ૧૯૮૦ બાદ આંતરિક વિગ્રહોનું પ્રમાણ જ વધ્યું છે. તે છતાં ઈન્ટરનેટના કારણે વૈશ્ર્વિક વિશ્ર્વ બનવાને કારણે જૂથવાદ ઓછો થઈ રહ્યો છે ખરો નહીં તો પરિણામ આનાથી પણ ખરાબ આવી શકત. આપણે આશા કરીએ કે ભારત-પાકિસ્તાનની સમસ્યાઓ યુદ્ધ વિના ઉકેલાય. ઓમ શાંતિ.

You Might Also Like

0 comments