દેવ કે દાનવ શું બનવું છે?

05:52

                        સદીઓ પહેલાં થઈ ગયેલા રાવણને દાનવ-અસુર માનીને તેને જ્યારે આજે બાળીએ છીએ ત્યારે એનો શું અર્થ છે? માનીએ તો અર્થ છે પણ ખરો અને ન માનીએ તો એકમાત્ર રૂઢિ બનીને રહી ગયું હોય એવું લાગે. અનેક સંતો સમજાવે છે કે દશેરાએ અસત્ય પર સત્યનો વિજય, અસુર પર સુરનો વિજય. રાવણ પર રામના વિજયનો ઉત્સવ મનાવવામાં આવે છે. બહારના રાવણને બાળવાથી અંદરનો દાનવ એની મેળે બળી નથી જતો. જો એમ થતું હોત તો બળાત્કાર, ખૂન, શારીરિક-માનસિક હિંસાનો માહોલ આપણી આસપાસ ન હોત. બીજાની પરવા કર્યા વિના સ્વાર્થી બનીને જીવવું આપણને કોઠે પડી ગયું છે. સ્વાર્થ અને ઉપભોક્તાવાદને કારણે આપણે આપણી જાત સિવાય બીજાનો વિચાર કરવાને સક્ષમ નથી રહેતા. દશેરાને દિવસે રાવણને બાળવા ઉપરાંત ખરીદી કરવાની લલચામણી જાહેરાતોનો મારો આસપાસ ચાલે છે. જરૂરત હોય કે ન હોય ખરીદી કરવાની આદત આપણને પાડવામાં આવી છે. એ ખરીદી માટે વધુ પૈસા જોઈએ. પૈસા મહેનતથી ન મળે તો ભ્રષ્ટાચાર અને સત્તાથી મેળવી શકાય છે. કેટલાક સીધી ચોરી કરે તો કેટલાક આડકતરી. ખોટું કામ કરતાં આપણું હૃદય હવે દુભાતું નથી. બીજાને દુભવીને પણ આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. સત્તા અને સંપત્તિ મહેનત કરીને ઊભી કરી શકાતી હોત તો રસ્તા પર મજૂરી કરતો મજૂર સૌથી વધુ પૈસા કમાતો હોત. ખેર, અહીં વાત કરવી છે એવિલ એટલે કે ખરાબ-દુષ્ટ, માનસિકતાની કારણ કે આજનો દિવસ અસત્ય પર સત્યના, અંધકાર પર અજવાસના, અસુર પર સુરના વિજયનો છે.

રામાયણના કાળથી સુર-અસુરનો સંઘર્ષ ચાલી આવે છે. સંસ્કૃત સાહિત્યના અભ્યાસી અને વાલ્મીકિ રામાયણનું સંસ્કૃતમાંથી અનુવાદ કરનાર વિજય પંડ્યાની સાથે થયેલી વાતચીતમાંથી અને અન્ય વિદ્વાનો પાસેથી જાણવા મળે છે કે રાવણ પોતે પ્રખર વિદ્વાન હતો. વૈદિક સંસ્કૃતિમાં તેનો ઉછેર થયો હતો. તેના પિતા ઋષિ હતા અને માતા રાક્ષસી હતી. વેદનો જાણકાર હતો, શિવભક્ત હતો, પણ આખરે તો તે પુરુષ હતો. તેને સ્ત્રીઓ પ્રત્યે આસક્તિ હતી. તેણે અનેક સ્ત્રીઓનું અપહરણ કરી પોતાના અંત:પુરમાં રાખી હતી. એ જ રીતે તે સીતાના રૂપથી અંજાયો હતો અને તેના એકપક્ષી પ્રેમમાં પડ્યો હતો. આવી બાબતો તો આજે પણ બને જ છે. રામે જ્યારે રાવણ સાથે યુદ્ધ કરીને સીતાને મુક્ત કરી ત્યારબાદ યુદ્ધભૂમિ પર જ સીતાનો ત્યાગ કર્યો. વિજય પંડ્યા એ પ્રસંગની વાત કરતા કહે છે કે વાલ્મીકિ રામાયણમાં એ વખતે રામ જે શબ્દો કહે છે તે પણ પુરુષની માનસિકતા છતી કરે છે. રામ કહે છે કે તું જેની પણ સાથે લગ્ન કરવા માગે તો કરી શકે છે તારા માટે દશે દિશા ખુલ્લી છે જ્યાં જવું હોય ત્યાં જા. રામ, સીતાને ખૂબ પ્રેમ કરતાં હતાં. તો ભવભૂતિએ લખ્યું છે કે રાવણ પણ સીતાના પ્રેમમાં નકામો બની ગયો હતો. એકે એકપક્ષી પ્રેમમાં રામની પત્ની સીતાનું અપહરણ કર્યું તો રામે પોતાની પત્નીને પ્રેમ કરતા હતા એટલે રાવણના પાશમાંથી તેને છોડાવી પણ રાવણના તાબામાં રહી હતી એટલે જ શંકા કરી તેનો ત્યાગ કર્યો. શું આ ક્રૂરતા ન કહી શકાય? માનીએ તો આ પણ હિંસા જ છે. પૌરુષિય માનસિકતામાં આપણે રાવણને માફ નથી કરતા અને રામને માફ કરી શકીએ છીએ. એ જ રામાયણમાં લવ-કુશ રામે આચરેલી હિંસાઓના વર્ણન પણ આવે જ છે. આ બાબતે એટલું જ કહી શકાય કે સમય અને સંજોગો આપણી માનસિકતાની કસોટી કરે છે. દરેક વ્યક્તિમાં જેકિલ એન્ડ હાઈડની જેમ સારપ અને દુષ્ટતા હોય જ છે. વ્યક્તિનો પોતાના પર કેટલો કાબૂ છે તેના પર આસુરી તત્ત્વનું આધિપત્યનો મદાર રહે છે.

ફિલિપ ઝીમ્બાર્ડો સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં સાયકોલોજિસ્ટ અને પ્રોફેસર રહી ચૂક્યા છે. તેઓ ૧૯૭૧ની સાલમાં સ્ટેનફોર્ડ જેલમાં કરેલાં અભ્યાસ માટે જાણીતા છે. તેમણે એવિલ એટલે કે દુષ્ટતા કઈ રીતે આકાર લે છે તેના વિશે અભ્યાસ કર્યો છે. તેમનું કહેવું છે કે દુષ્ટતા એ સારપની બીજી બાજુ છે. સારપ જ સરળતાથી ક્યારે દુષ્ટતામાં પરિણમે તે કહેવું મુશ્કેલ બને છે જો જાગૃત ન રહીએ તો. આપણા શાસ્ત્રોમાં પણ આ જ વાત કહેવામાં આવી છે. આપણી માનસિકતાનું ઘડતર આપણે જાતે જ કરી શકીએ છીએ. આપણને સાર-અસાર સમજવા માટે બુદ્ધિ આપી છે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનું ક્યારેક ચૂકી જવાય છે. જો સતત એવું બનતું હોય છે તો તેનો અફસોસ કે ગુનાહિતતા અનુભવાતી નથી. વળી પાછા રામાયણની વાત કરીએ તો વાલિયા લૂંટારામાંથી વાલ્મીકિ બની શક્યો કારણ કે તેનામાં પોતાને માટે જાગૃતિ આવી તેથી એ બદલાઈ શક્યો. જ્યાં સુધી તે જાગૃત નહોતો ત્યાં સુધી લૂંટ કરવા માટે હત્યા થઈ જાય તો પણ એની આજીવિકા હતી.

ફિલિપ એવિલ વિશેની તેની ટેડ ટોકમાં કહે છે કે દુષ્ટ થવાનો માર્ગ લપસણો છે અને આ લપસણો માર્ગ બનાવે છે આપણી સમાજિક પ્રક્રિયા(પ્રોસેસ). તેમાં એકવાર પગ મૂક્યો કે પડ્યા જ સમજો. માણસને ખરાબીનું લેબલ લગાવવાનું કામ સમાજ કરે છે. બીજું સત્તા હોય તો પડતા બચી શકો કારણ કે સત્તા અને સંપત્તિનું દોરડું તમને બહાર કાઢી શકે છે. બીજાની સાથે અમાનવીય વર્તન કરવું સહજ મનાય, પોતાની સમાજથી જુદી કોઈ ઓળખ કે વિચારધારા ન રાખવી, પોતે કોઈ જવાબદારી ન લેવી, આંખો મીંચીને સત્તાની તાબેદારી કરવી, જૂથની વિચારધારાને ટીકા કર્યા વિના અપનાવવી, ખોટું થતું હોય તો પણ તેની સામે આંખ આડા કાન કરવા, વિરોધ કર્યા વિના ખોટું સહન કરવું. આ બધી બાબતોને કારણે ખોટું કે ખરાબ વર્તન કરનારા ફાવી જાય છે. હિટલરની સત્તાને સ્વીકારનારા નિર્દોષ લોકોને અસહ્ય યાતના આપતા અચકાતા નહોતા. તેનું કારણ ફિલિપ માને છે કે તેમને પહેરાવવામાં આવેલો યુનિફોર્મ છે. યુનિફોર્મ પહેર્યા બાદ વ્યક્તિની વિચારધારા વ્યક્તિગત રહેતી નથી. તે ફક્ત સત્તાને અનુસરવાના શાસનનું પાલન કરે છે. ઓનર કિલિંગ કેમ થાય છે? તેમાં સમાજના નિયમોને આંખમીંચીને માનનારાઓ આબરૂના નામે પોતાના જ બાળકોની હત્યા કરતા અચકાતા નથી. રામાનુજને ત્રણસો રામાયણ વિશે એક લેખ લખ્યો હતો. જેમાં આપણે ત્યાં જૈન, અધ્યાત્મ રામાયણની જેમ અનેક પ્રદેશોમાં તેમની ભાષાઓમાં રામાયણ કહેવાય છે કે લખાયું છે. દરેક રામાયણની વાર્તામાં પાત્રો તો એક જ હોય પણ વાર્તા બદલાતી રહે છે. આ બદલાતી વાર્તાઓ હજારો વરસોથી ચાલી આવે છે પણ હવે ખાસ જૂથના લોકોને વાંધો પડ્યો એટલે આ વિવિધ ભાષાના જુદા જુદા ત્રણસો રામાયણ વિશેનો અભ્યાસી લેખ અભ્યાસક્રમમાં ભણાવવામાં નથી આવતો. કારણ કે કેટલાક જૂથને તેની સામે વાંધો છે. એ વાંધા સામે અવાજ ઊઠાવવા માટે કોઈ તૈયાર ન હોવાથી અથવા તેમની સંખ્યા નાની હોવાને કારણે વાંધો ઊઠાવનારાઓની જીત થઈ છે. ટોળું ભેગું મળીને કોઈ ખોટું કામ કરે તો તેની જવાબદારી કોઈ એક વ્યક્તિ પર આવતી નથી. એટલે જ જ્યારે મારામારી થાય છે કે હુલ્લડો થાય છે તેમાં સામાન્ય વ્યક્તિઓ પણ ભાગ લેતી હોય છે. જે સામાન્યપણે સારી હોય છે.

૨૦૦૩માં કેટલાક અમેરિકન સૈનિકોએ ઈરાકમાં અબુ ગરીબ જેલમાં યુદ્ધ કેદીઓ પર અમાનવીય અત્યાચાર કર્યા હતા તેના ફોટાઓ અને ક્લિપિંગે જગતમાં ચકચાર મચાવી હતી. આવું ખરાબ વર્તન કરનારા સૈનિકોમાં સ્ત્રી સૈનિકો પણ હતી. ફિલિપ કહે છે કે અહીં અમેરિકન સૈનિકો ખરાબ નથી. તેમાં કેટલાક સૈનિકો આવી ગયા હતા જે દુષ્ટ બનવાની શક્યતા ધરાવતા હતા. તેમના પર ઉપરથી દબાણ હતું કે આ કેદીઓ પાસેથી માહિતીઓ કઢાવવી. એ દબાણ હેઠળ તેમણે આવું વર્તન કર્યું તે શક્ય છે. કારણ કે જવાબદારી સત્તાધીશોની હતી. તેઓ તો સૈનિકો હતા જે ઉપરીઓના હુકમ માનતા હતા. વિવેકબુદ્ધિ ન ધરાવતી વ્યક્તિઓના હાથમાં જ્યારે સત્તા આવે છે ત્યારે એમને લાગે છે કે બીજાની સાથે અમાનવીય વર્તન કરવાનો તેમને પરવાનો મળી ગયો છે. આ સત્તા નાની પણ હોય ઘર પૂરતી મર્યાદિત અને મોટી પણ હોય રાજ્ય પૂરતી કે દેશભરની સત્તા પણ હોઈ શકે. જેટલી સત્તા તેટલી દુષ્ટતા પ્રવેશી શકે છે. બાકી તો એ વ્યક્તિ સામાન્ય જ હોય છે. તેને સંજોગો અને સત્તા કરપ્ટ કરે છે. બીજું જવાબદારી ન ઊઠાવવાની કે બળવો ન પોકારવાની આપણી માનસિકતા પણ ખોટું કે ખરાબ કામમાં આપણને સહભાગી બનાવે છે. રસ્તા પર કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને મારતી હોય અને આપણે કોઈ હસ્તક્ષેપ કર્યા વિના ચૂપચાપ જોયું ન જોયું કરી જતા રહીએ તે પણ ગુનો જ છે, આપણી દુષ્ટતા જ છે. લાંચ આપીને સરળતાથી કામ કરાવીએ એ પણ દુષ્ટતા તરફનું પહેલું પગથિયું છે. આ દશેરાએ આપણે આપણામાં રહેલી નાની નાની દુષ્ટતાને જાગૃત રહી જોઈ શકીએ તો પણ આપણામાં રહેલા અસુર પર સુરનો વિજય થશે. જો આપણામાં કોઈ પરિવર્તન ન આવવાનું હોય તો બહાર કેટલાય રાવણ બાળીશું તો પણ કોઈ અર્થ નહીં સરે.

You Might Also Like

0 comments