મક્કમ નિર્ધાર સામે એવરેસ્ટ પણ ઝૂકી જાય ભાગ - 2 (મુંબઈ સમાચાર)

06:45

                                          ડર કે આગે જીત હૈ 


એવરેસ્ટ પર પહોંચવાની તૈયારીની વાત આગળ વધારતા કુંતલ જોશીઅર કહે છે કે, ‘ એવરેસ્ટ ચઢવા માટે જે તૈયારી કરવાની હોય છે તેમાં ૧૦ ટકા શારીરિક અને ૯૦ ટકા માનસિક હોય છે. એવરેસ્ટ ચઢીને આવ્યા બાદ હું કોઈને કહું કે મને ઊંચાઈનો ફોબિયા છે તો માને નહીં પણ આજે ય ઊંચા મકાનની ગેલેરીમાં નીચે જોતાં ડર લાગે. મને એટલું સમજાયું કે ડર લાગે તો જાતને એ જ ડરની સ્થિતિમાં મૂકીને જોવી. એવરેસ્ટ ચઢતા પહેલાં માઉન્ટેનિઅરીંગનો કોર્સ કર્યો. એક એવરેસ્ટ માઉન્ટેનિઅરીંગ કોર્સ કર્યો બીજો ચીલી જઈને આઈસ કેમ્પ કર્યો. એ કેમ્પ કરવો જરૂરી નહોતો પણ મેં કર્યો કારણ કે હું મારી જાતને સંપૂર્ણ તૈયાર કરીને જવા માગતો હતો. એવરેસ્ટની ઊંચાઈ ૨૯૦૨૯ ફીટ છે. એવરેસ્ટ ૨૦૧૪ની સાલમાં ચઢવા માટે જ્યારે વચ્ચે હું અનેક પહાડોના સાહસ કરતો હતો ત્યારે એકાદો મહિનો મારે ઘરથી દૂર રહેવું પડતું. મારી સામે બીજો પડકાર અચાનક આવ્યો કે મને હવે હોમ સિકનેસ થતી હતી. અમેરિકા એકલા જઈને ભણ્યો, રહ્યો છતાં વીસેક દિવસથી વધુ દિવસો હું ઘરથી દૂર રહું તો મને અનઈઝી ફીલ થતું. એવું થતા હું દરેક સાહસ કોઈપણ બહાને અધૂરા છોડીને ઘરે પાછો આવી જતો. મારા પિતાતો મને ઓળખતા જ નહીં, ડૉકટરોના કહેવા મુજબ થોડો જ વખતમાં તેઓ વેજીટેબલ સ્ટેટમાં આવી જશે. જો કે એવું જ અત્યારે છે. ડિમ્નેશિયામાં વ્યક્તિને કશું જ યાદ ન રહે કે કશું જ ઓળખે નહીં. આ વિશે લોકોમાં જાણકારી ખૂબ ઓછી છે. એટલે તેના માટે પણ મારે લોકોમાં જાગૃતિ લાવવી છે, પણ મારી મમ્મી અને પત્ની સાથે હું ખૂબ અટેચ છું, જો કે સૌ કોઈ પોતાના કુટુંબ સાથે જોડાયેલા જ હોય પણ મારે જો એવરેસ્ટ સર કરવાના સ્વપ્નને પૂર્ણ કરવું હોય તો હોમ સિકનેસથી છૂટકારો મેળવવો પડે. મારે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાની જરૂર હતી. શારીરિક ફિટનેસ તો હું માઉન્ટેનિયરીંગ કરીને મેળવી જ રહ્યો હતો. સાથે યોગ્ય ડાયેટ પણ કરી રહ્યો હતો પરંતુ, મેં પહેલાં કહ્યું તેમ માનસિકતા પર વિજય મેળવવો અઘરો હોય છે. બહારના એવરેસ્ટ કરતાં આપણી અંદરના એવરેસ્ટને પહેલાં સર કરવા પડે છે.

એક તો હાઈટનો ફોબિયા અને બીજો હોમ સિકનેસ દૂર કરવાની જરૂર પડી. તે માટે મેં મનને કેળવવા માડ્યું. જો કે અહીં સામે બીજી બે વ્યક્તિઓનો પણ મારે વિચાર કરવાનો હતો. મારી માતા અને પત્ની.  મેં તેમને મારી મનસ્થિતિ જણાવી અને તેમનાથી માનસિક રીતે અતડા થવાનો પ્રયત્ન કરવા લાગ્યો. ખરું કહું તો એ લોકોની મહાનતા છે કે મને મારી ઈચ્છા પૂરી કરવા માટે મને પ્રોત્સાહિત કર્યો. હું તેમનાથી ઈમોશનલી ડિટેચ થવા લાગ્યો. પત્ની સાથે ક્યાંય બહાર ન જાઉં, પાંચેક વરસ અમે ક્યારેય બહારગામ નથી ગયા કે ફિલ્મ સુદ્ધાં નથી જોઈ. આસપાસના ગુજરાતી સ્વજનોને તો આ નર્યું ગાંડપણ જ લાગતું. એવરેસ્ટ ચઢવો એટલે મોટું જોખમ. ત્યાંથી જીવતા પાછા આવવું અશક્ય નથી પણ મૃત્યુ પામવાની પૂરી સંભાવના હોય છે. મેં મારી પત્ની અને માતાને પ્રોમિસ કર્યુ હતું કે હું કોઈ ખોટું જોખમ નહીં લઉં. એવરેસ્ટ ચઢવાનું મારું ડ્રીમ પૂરી સભાનતાથી પૂરું કરીશ નહીં તો પાછો આવી જઈશ. આ વરસે જ એટલે કે ૨૦૧૬માં લગભગ ૩૦૦ જણા મૃત્યુ પામ્યા અને ૫૦ જણા ગંભીર ઘવાયા છે. એવરેસ્ટમાં એક નાનકડી ભૂલ પણ તમને ઘાયલ કરી શકે કે હાથ,પગના આંગળા કાપવાનો વારો આવે. એવરેસ્ટ ચઢતાં-ઉતરતાં આવી અનેક લાશો જોવા મળે. ૨૦૧૪માં પહેલીવાર હું એવરેસ્ટનું મારું સ્વપ્નું પૂરું કરવા ગયો હતો પણ હવામાન ખરાબ હોવાને કારણે બીજા કેમ્પથી જ પાછા ફરવું પડ્યું. તે વખતે ઉપર ૧૬ શેરપા મૃત્યુ પામ્યા હતા. એ સમાચારને લીધે અમારી સાથેના શેરપાઓ પણ નર્વસ થઈ ગયા હતા. એવરેસ્ટ પર સામાન્ય રીતે ૩૦૦ કિમિ.ની ઝડપે હવા ફુંકાતી હોય. મે મહિનાના પંદરેક દિવસ જ એવા હોય જ્યારે ૫૦ કિમિ.ની ઝડપે હવા ફુંકાય. ઉપર ટોચ પર પહોંચતા પહેલાં ચાર કેમ્પ થાય. ચાર કેમ્પ સુધી ઓક્સિજનનો ઉપયોગ મોટેભાગે ન કરીએ. શરીર ધીમે ધીમે ટેવાતું જાય એ રીતે ચઢવાનું હોય. ફક્ત ટોચ પર જવાનું હોય તે દિવસે સવારે શરૂ કરી સાંજ સુધી પાછા ફરવાનું. વચ્ચે હવામાનમાં કોઈ ઓચિંતો પલટો આવે તો તમે કશું જ ન કરી શકો. એવું જ બન્યું ૨૦૧૪માં અને પાછા ફરવું પડ્યું. ૨૦૧૫ની સાલમાં ફરી પ્રયત્ન કર્યો. હજી બેઝ કેમ્પથી ઉપર જવાનું જ હતું કે નેપાળમાં ધરતીકંપ થયો. ૨૫ એપ્રિલનો એ દિવસ આખી ધરતી ઝૂલાની જેમ ઝૂલી રહી હતી. ત્યાં અચાનક લોકો એવરેસ્ટ તરફ દોડવા લાગ્યા. અમને નવાઈ લાગી કે શું થયું અને પાછળ ફરીને જોયું તો અવાલાન્ચ- ધરતીકંપને કારણે બરફ પહાડ પરથી તૂટીને નીચે ધસી રહ્યો હતો. અમે ટેન્ટની પાછળ ભરાઈ ગયા. ફક્ત પચાસ ફૂટ દૂરથી એ તોફાન પસાર થઈ ગયું. માણસો હવામાં ફંગોળાઈને પટકાતા જોયા. લગભગ ૩૦ જણા મૃત્યુ પામ્યા. વેંત છેટું મોત જોઈને થયું હતું કે હું એવરેસ્ટ ચઢ્યા સિવાય જ મૃત્યુ પામીશ એવા વિચારથી દુખી થયો પણ જ્યારે બચી ગયો ત્યારે ભગવાનનો પાડ માન્યો. તરત જ ઘરે ફોન કરીને કહ્યું કે હું ઠીક છું. મારી પત્નીએ તરત જ કહ્યું કે આવતા વરસે તમે એવરેસ્ટ ચોક્કસ સર કરી શકશો. કલ્પના કરો કે હું એવરેસ્ટ માટે નીકળું ત્યારે માતા અને પત્નીએ કેટલા ભય અને લાગણીઓ પર કાબૂ મેળવીને મારા પિતાનું ધ્યાન રાખવાનું અને દરેક વ્યવહાર સંભાળવાના. આમ, ધરતીકંપને કારણે ૨૦૧૫માં પણ પરત આવ્યો એવરેસ્ટ સર કર્યા વિના. ૨૦૧૬માં ફરી ગયો ત્યારે મારી પાસે પૈસા ખૂટી ગયા હતા, બે વખતમાં લગભગ ૬૫ લાખ થયા હતા. મારા એક પિતરાઈ ભાઈએ મને મદદ કરી અને ૨૦૧૬માં આઠ એપ્રિલથી તૈયારી કરીને બેઝ કેમ્પથી શરૂઆત કરી. ૧૫ મે ના રોજ ચોથા કેમ્પથી ઉપર જવાનું શરૂ કર્યું. ૧૯ મેના રોજ ૯.૨૦ના હું શિખર પહોંચ્યો એટલે ધ્રુસ્કે ધ્રુસ્કે રડવાનું મન થયું, પણ ત્યાં ઉપર રડવું પણ અઘરું હોય. આંસુ પણ બરફ બની જાય. ઉપર પહોંચીને સેટેલાઈટ ફોનથી પત્નીને ફોન કર્યો કહ્યું કે પપ્પાના કાન પાસે ફોન મૂક અને મેં કહ્યું કે પપ્પા હું ટોપ ઓફ ધ વર્લ્ડ એવરેસ્ટ પરથી બોલું છું. મને ખબર હતી કે તેમને કશું જ ખબર પડતી નથી પણ મારા જીવનની શ્રેષ્ઠ ક્ષણની જાણ પિતાને કરવાનું મન થાય જ. મારી સાથે બીજા બે ગુજરાતી પણ હતા પણ એક ભાઈને ચોથા કેમ્પ પહોંચતા જ કિડની ઈન્ફેકશન થતા પાછા ગયા અને એક બહેન બંગાળ બાજુથી આવ્યા હતા તેમને રેસ્ક્યુ કરવા પડ્યા. હવે એવરેસ્ટ ઉપર પણ ખૂબ ટ્રાફિક થાય છે.

આ વરસે ૨૦૨ ક્લાઈમ્બર હતા. ઉપર શિખર પર પહોંચતી વખતે વનવે જેવો માર્ગ છે ત્યાં ખૂબ ધ્યાન રાખવું પડે છે. મારા નસીબ બળિયા હતા કે તે દિવસે ખૂબ જ સરસ ખુલ્લુ વાતાવરણ હતું. ૩૬૦ ડિગ્રી વ્યુ મળ્યો. ખૂબ જ અવર્ણનીય સુંદરતા અને અનુભવ. એટલું કહી શકાય કે એવરેસ્ટ ચઢ્યા પછી હું એ જ ન રહ્યો. પહેલાં હું ખૂબ ચંચળ હતો, થોડો અહંકારી પણ ખરો ત્યારબાદ હું નમ્ર બન્યો અને શાંત થયો. મારામાં ખૂબ ધીરજ આવ્યા. એટલે જ મેં પહેલાં કહ્યું હતું કે બહારના એવરેસ્ટને સર કરતા પહેલાં આંતરિક અનેક શિખરો સર કરવાના હોય છે.’ (સમાપ્ત)
You Might Also Like

0 comments