હદની બહાર નીકળતી સરહદ (mumbai samachar)

00:11

                       


ઈન્ટ્રો - દેશના ભાગલા થાય એટલે સીમા અને સુરક્ષાના પ્રશ્નો ઊભા થાય. પ્રસ્તુત છે દુનિયાની કેટલીક રસપ્રદ સરહદોની વાત

બે વ્યક્તિઓ વચ્ચે પ્રેમ થાય તો પણ કેટલીક હદ નક્કી કરી દેવામાં આવતી હોય છે અને બે ભાઈઓ છૂટા પડે ત્યારે પણ હદ નક્કી કરવામાં આવે છે. બહારી દીવાલ ચણાય તે પહેલાં હૃદયમાં દીવાલો ચણાઈ ગઈ હોય છે. ભારતના ભાગલા પડ્યા અને પાકિસ્તાનનો જન્મ થયો ત્યાર બાદ કાશ્મીર મુદ્દે સીમા પર વિવાદો અને યુદ્ધ થયા કરે છે. દરેક સીમાઓ પર કંઈને કંઈ વિવાદો આજે દુનિયામાં ચાલ્યા જ કરે છે. અમેરિકા હવે મેક્સિકોની સીમા પર દીવાલ ચણવાનું છે એવા સમાચાર આવ્યા છે. તો આતંકવાદથી ત્રાસીને અનેક લોકો સીરિયામાંથી નીકળીને બીજા દેશોની સીમાઓ પર પ્રવેશની આશાએ પહોંચી ગયા છે. તો કેટલાય લોકો સાગર પાર કરતાં ખોવાઈ ગયા છે, કોઈ જીવતાં તો કોઈ મૃત્યુ પામીને બીજા દેશની સીમા પર પહોંચી ગયા. પણ અહીં દુનિયાની કેટલીક એવી સીમાઓની વાત કરવી છે કે જેના વિશે જાણીને બોલાઈ જાય કે આ તો હદ છે બોસ... હદની બહાર નીકળી ગયેલી સરહદોની વાત આપણને હદપારનો અચંબો આપે છે.

સીમાની અંદર બહાર-

સૌ પ્રથમ આપણે ભારત બાંગલાદેશની સીમાની વાત કરીએ. બે વરસ પહેલાં એટલે કે ૨૦૧૫ના જૂન મહિનામાં  ૪૦ વરસ જૂનો સીમાવિવાદ ખતમ કરવામાં આવ્યો. આ સીમા વિવાદમાં લગભગ ૫૨ હજાર લોકો નો મેન્સ લેન્ડમાં રહેતા હતા. અર્થાત ભારતમાં કેટલુંક બાંગલાદેશ હતું તો બાંગલાદેશમાં કેટલુંક ભારત હતું. આમ ચારે બાજુથી બીજા દેશથી ઘેરાયેલા લોકોને કોઈ મૂળભૂત સુવિધાઓ (વીજળી,પાણી, શાળા, હોસ્પિટલ વગેરે) મળી શકતી નહોતી. સૌથી કોમ્પલિકેટેડ સીમાના પ્રશ્ર્નો અહીં હતા. ૨૦૧૫ની સાલમાં ભારતે બંગલાદેશની જમીન જતી કરી અને બંગલાદેશે ભારતની જમીન જતી કરી અને ત્યાં વસતાં લોકોને જે દેશમાં જઈને રહેવું હોય તે પસંદગીનો અવકાશ આપ્યો અને તેમની તકલીફો દૂર થઈ.
ભૂતકાળ અને ભવિષ્યનો મેળાપ

અલાસ્કા અને સાઈબિરિયાની વચ્ચે આવેલી આંતરરાષ્ટ્રિય ડેટલાઈનની બન્ને બાજુ ડાયોમેડે ટાપુઓ આવેલા છે. નાનો ડાયોમેડે ટાપુ અમેરિકાનો છે તો મોટો ડાયોમેડે ટાપુ રશિયાનો. બે ટાપુ વચ્ચે ૩.૮ કિલોમીટરની દૂરી છે. વચ્ચે આંતરરાષ્ટ્રિય સીમા તેમજ આંતરરાષ્ટ્રિય ડેટ લાઈન છે. તેનો અર્થ એ કે બન્ને ટાપુઓ આટલા નજીક હોવા છતાં બન્ને ટાપુઓ પર સમય જ જુદો હોય એવું નહીં પણ તારીખ અને દિવસ પણ જુદાં હોઈ શકે. બન્ને વચ્ચે લગભગ એક દિવસનું અંતર પણ હોઈ શકે. અમેરિકન ટાપુના રહેવાશી શુક્રવારના દિવસે સામેના રશિયન ટાપુ પર વીકએન્ડ એટલે કે  શનિવારને પસાર થતાં જોઈ શકે છે. શિયાળામાં અહીં એટલો બરફ પડે કે બન્ને ટાપુ વચ્ચેનો પેસેફિક સાગર થીજી જતાં ચાલીને જઈ શકાય પણ જો કે પરવાનગી સિવાય તે ગેરકાનૂની ગણાય.

ઈટાલિયન શહેરમાં તમે  સ્વીટઝર્લેન્ડમાં હો એમ  લાગે-

ફોનમાં પણ સ્વીસ કોડ, સ્વીસ ભાષા બોલાતી હોય અને સ્વીસ ફ્રાંક પણ ચલણમાં હોય તો સ્વાભાવિક છે કે એવું લાગે કે તમે સ્વીટઝર્લેન્ડમાં છો. તમને નવાઈ લાગશે કે તે કેમ્પોએન ડી ઈટાલિયા ઈટલીનું શહેર છે. પણ ચારે તરફ સ્વીસ ડુંગરોથી ઘેરાયેલું છે. આ શહેરથી નજીકના કોઈ  ઈટાલિયન શહેરમાં જવું હોય તો ૧૪ કિમીનો ડુંગરાળ રસ્તો પસાર કરીને જવું પડે.
એક દેશમાં બીજો દેશ -
લિસોથો નામનું રાજ્ય ચારે તરફથી સાઉથ આફ્રિકાની વચ્ચે આવેલું છે. દુનિયામાં આ સૌથી મોટું એન્કલેવ છે. ૧૧૭૨૦ સ્ક્વેર માઈલમાં વિસ્તરેલો આ મુલકમાં વીસલાખની વસ્તી છે. લિસોથો જવું હોય તો સાઉથ આફ્રિકા થઈને  જ જઈ શકાય.
 ચાર દેશનો સંગમ -
પૃથ્વીમાં આ એક જ એવું સ્થળ છે જ્યાં ચાર દેશોની સીમા એકબીજાને અડી છે. તેને ક્વોડ્રિપોઈન્ટ એવું નામ આપવામાં આવ્યું છે. આ ચાર દેશો છે ઝામ્બિયા, નામિબિયા, ઝિમ્બાબ્વે અને બોટ્સવાના.
વાઈલ્ડલાઈફ રિઝર્વ -
દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા ભલે એકબીજાના દુશ્મન દેશ હોય પણ બન્ને દેશની વચ્ચે એક બફર જેવો વિસ્તાર છે.  અઢી માઈલ પહોળો અને ૧૫૫ માઈલ લાંબો પ્રદેશ પર્યાવરણ અને પ્રાણીઓની સાચવણી માટે ફાળવવામાં આવ્યો હોવાથી બન્ને દેશે એ પ્રદેશને રિઝર્વ રાખવા માટે સહમત થયા છે. સીમા પરનો પ્રદેશ વાઈલ્ડલાઈફ રિઝર્વ માટે અનામત રાખવામાં આવ્યો હોય તેવું એકમાત્ર અહીં જ છે.
દુનિયાનો સૌથી નાનો લોકતંત્ર ધરાવતો દેશ
ઈટલીની વચ્ચે આવેલો રિપબ્લિકન સેન મારિનો નામના દેશમાં જવા માટે ઈટલી જવું પડે. આ દેશ ડુંગરો પર વસેલો છે. ઘણાં વરસોથી જુની  લોકશાહી ધરાવતા આ દેશના વિઝાનો  દુનિયામાં સૌથી સુંદર અને કલાત્મક  પાસપોર્ટ સ્ટેમ્પ છે.


દુનિયામાં સૌથી ઊંચે આવેલી આંતરરાષ્ટ્રિય સીમારેખા
નેપાળ અને તિબેટને જુદી પાડતી સીમા અને કેટલોક ભાગ ચીનની  સીમારેખાનો ય ખરો.  એ સીમારેખા  જોવી હોય તો તમારે દુનિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ૨૯૦૦૦ ફીટ ઊંચે જવું પડે.


ન વપરાતી રેલવેલાઈનની સીમા

પહેલાં વિશ્ર્વયુદ્ધ બાદ વર્સેઈલના કરાર થતાં જર્મનીની ફેન રેલવેલાઈન બેલ્જિયમના પટ્ટામાં આવી. કરાર બાદ  જર્મનીનો કેટલીક વસાહત બેલ્જિયમમાં અને બેલ્જિયમની નાની વસાહત જર્મનીની હિસ્સો બની ગઈ હતી. જો કે આમ ભાગલા પડ્યા છતાં રેલવે સેવા થોડો સમય પ્રવાસી રેલ તરીકે ચાલુ રહી હતી. હવે તે બંધ થઈ ગઈ છે અને રેલ બાઈક ત્યાં ચાલુ છે. જો કે ભારત અને બંગલાદેશની જેમ જર્મની અને બેલ્જિયમે પણ એકબીજાના દેશમાંની જમીનો જતી કરી હતી. પણ એ રેલવેલાઈન હજી પણ છે.

જમીન જે કોઈને નથી જોઈતી-

બીર તાવિલ દુનિયામાં એકમાત્ર એવી જમીન હશે કે કોઈ દેશને તેના પર કબજો નથી કરવો. ૮૦૦ સ્ક્વેર માઈલમાં ફેલાયેલ આ જમીનને એક છેડે સુદાન છે તો એક છેડે ઈજિપ્ત છે પણ બન્નેમાંથી કોઈ દેશને આ જમીન પર અધિકાર મેળવવામાં રસ નથી. એટલું જ નહીં અમેરિકા કે અન્ય કોઈ દેશમાંથી પણ પ્રયત્ન કરવા છતાં કોઈને તે જમીન પર સત્તા સ્થાપવામાં રસ નથી. આ જમીન પર થોડો વખત લોકો આવે છે અને રહીને જતાં રહે છે. તો માથાભારે તત્ત્વો પણ અહીં રહી જાય છે. આ જમીન પર કોઈ કાયદોકાનૂન લાગુ પડતો નથી. આજે પણ આ જમીન કોઈની માલિકીની નથી. જોે કે વર્જિનિયાના એક ખેડૂતે પોતાની દીકરીને કુંવરી બનવાની ઈચ્છા હતી એટલે તેણે આ ઈજિપ્તના લશ્કર પાસેથી જરૂરી પેપરવર્ક કરીને કેટલાય કલાકોનું ટ્રેકિંગ કરીને તે જમીન પર પોતાના કિંગડમનો ઝંડો લગાવ્યો. જો કે માણસો સિવાયના આ રાજાનું સ્વપ્ન હજી અધૂરું છે.

You Might Also Like

0 comments