પાવર, પોલિટિક્સ અને પુરુષ

05:39
મદારી- ઝમુરે ખેલ દિખાયેગા...

ઝમુરો - દિખાયેગા...

મદારી - મજા કરાયેગા

ઝમુરો - કરાયેગા

મદારી - લોગ પૈસા દેંગે?

ઝમુરો - ક્યું નહીં દેંગે... જરૂર દેંગે

ડુગ ડુગ ડુગ ખેલ શરૂ થાય છે. આ ખેલ મદારી અને ઝમુરો જ નથી કરતો તેને જોનારા પ્રેક્ષકો પણ તેમાં સામેલ છે. પૈસા તેમના હાથમાં છે એટલે સત્તા પણ પ્રેક્ષકોના હાથમાં છે. તેમની પાસેથી પૈસા કેમ વધારે મેળવવા તે ખેલ પાડી રહ્યા છે મદારી અને ઝમુરો.
ઉત્તર પ્રદેશની ચૂંટણી હોય કે મહારાષ્ટ્રમાં મ્યુનિસિપાલટીની ચૂંટણી હોય. વોટ કોને મળશે અને કેમ મળશે તેની રમત રમાય છે. ત્યારબાદ જો એક પાર્ટીને બહુમતી ન મળે તો કોણ કોની સાથે જોડાશે તેનો દાવ મંડાય. મદારીને ચાલાકી આવડે તો ઊભેલા પ્રેક્ષકોના ખિસ્સા કાપીને પણ પૈસા ઊભા કરે અને તેમની માનસિકતા સાથે રમત માંડતા તેને આવડે તો લોકોનું મનોરંજન કરીને પણ પૈસા કમાઈ શકે. તમે એને રાજકારણ કહો કે રમત કહો કે કામ કહો. માણસ જાતના સંબંધોમાં પણ રાજકારણ હોય છે. સોશિયલ સાયકોલોજિસ્ટ જ્હોન ફ્રેન્ચ અને બર્ટરામ રેવને કઈ રીતે સત્તાકારણ સંબંધોને બાંધે છે કે પછી છોડે છે તેનો અભ્યાસ કર્યો છે. તેમનું કહેવું છે કે દરેક સંબંધોમાં પાવર એટલે કે સત્તા હોય છે જ. પણ તેનો ઉપયોગ કઈ રીતે થાય છે તેનો આધાર સંબંધો કઈ રીતના છે તેના પર હોય છે. બે વ્યક્તિઓનો પોતાનો સ્વભાવ, જરૂરિયાત અને મહત્ત્વાકાંક્ષા આ બધા પર પાવર અને પોલિટિક્સ રચાતું હોય છે. પછી તે બે વ્યક્તિ પતિપત્ની હોય કે પછી બે મિત્રો હોય કે પછી પુત્રને પિતા જ કેમ ન હોય? બે ભાઈઓ વચ્ચે તો ઓળંગી ન શકાય એવી દીવાલ ચણાઈ શકે છે તે આપણે જાણીએ જ છીએ.
અહીં યાદ આવે છે હાઉસ ઑફ કાર્ડસ નામે આવતી અંગ્રેજી ધારાવાહિકમાં અમેરિકાના રાજકારણની રમતની વાત છે. આ ધારાવાહિકની ચાર સિઝન થઈ ગઈ છે અને પાંચમી સિઝન મે, ૨૦૧૭માં રિલીઝ થવાની છે. આમાં મુખ્ય પાત્ર છે ફ્રેન્ક અન્ડરવુડ(કેવિન સ્પેસી) જે ડેમોક્રેટિક પાર્ટીનો નેતા હોય છે. તેને સેક્રેટરી ઑફ સ્ટેટ ન બનાવાતાં તેનો પૌરુષીય અહ્મ ખૂબ ઘવાય છે. તે નક્કી કરે છે કે હવે તે અમેરિકાનો પ્રેસિડન્ટ બનીને રહેશે. તેની પત્ની ક્લેર પણ પતિની મહત્ત્વાકાંક્ષાને પૂરી કરવા સાથ આપે છે. સામાન્ય નેતામાંથી પ્રમુખનો પાવર મેળવવા માટે પોલિટિક્સની રમતોનો દોર ચાલે છે. પાવર પોલિટિક્સ કેટલું ક્રૂર અને સ્વાર્થી હોય છે તેની અહીં વાત છે. આપણે ત્યાં મહાભારત અને રામાયણની કથામાં પણ પાવર એટલે કે સત્તા માટે રાજકારણની રમતો વર્ણવવામાં આવી છે. પાવર પુરુષને માટે અત્યંત જરૂરી હોય છે. એ વગર તેને પોતે પુરુષ હોવાનો અહેસાસ નથી થતો. પાવર એટલે સત્તા. સત્તા મેળવવા માટે પુરુષ મરી ફીટવા કે મારી નાખવા પણ તૈયાર હોય છે.
સત્તાનું માળખું પિરામિડ જેવું હોય છે. ઉપર જ્યાં સત્તા છે ત્યાં વધુ જગ્યા નથી હોતી. એટલે કાં તો ત્યાં જે વ્યક્તિ છે તે કોઈપણ કારણસર જાય એટલે જગ્યા ખાલી પડે. અથવા એ વ્યક્તિને ત્યાંથી પાડીને એ જગ્યા હાંસલ થઈ શકે અથવા તો બીજું પિરામિડ ઊભું કરવામાં આવે. ત્રીજી પરિસ્થિતિ બિઝનેસમાં જ શક્ય છે. તે છતાં ક્યાંકને ક્યાંક એવું બની જ શકે કે જ્યાં બીજા કોઈ પિરામિડની શક્યતા જ ન હોય. પાવરફૂલ વ્યક્તિઓના ટોપ લિસ્ટમાં આવવું કે પાવરફુલ વ્યક્તિઓના વડાં બનવું એ બેમાં પણ ફરક છે. પોતે એક ફર્મ કે કંપનીની મુખ્ય વ્યક્તિ હોય સત્તા સ્થાને તો પણ તેને પોતાના ક્ષેત્રની સૌથી મોટી કંપનીના માલિક બનવાની ઈચ્છા હોય. એ મળે તો કંપનીનો અનેક રીતે વિસ્તાર કરવાની ઈચ્છા બળવત્તર બને. પોતાના દેશમાં જ નહીં બીજા દેશોમાં પણ કંપનીનો વિસ્તાર થાય તેવી ઈચ્છા.
વ્યક્તિની પોતાની ક્ષમતા અને પોતાની સાથે તેમ જ બીજા સાથે ક્રૂર થવાની ક્ષમતા હોય તો રાજકારણમાં તે પ્રવેશીને સત્તા હાંસલ કરવાનો પ્રયત્ન કરે.
આજે સેવા કરવાની ઈચ્છાથી ન તો કોઈ ભણે છે કે ન તો લગ્ન કરે છે કે ન તો કોઈ કામ કરે છે. અને જો કોઈ એમ કહેતું હોય કે હું સેવા કરવા માટે જ રાજકારણમાં આવ્યો છું કે કામ કરું છું તો તે પોતાને અને બીજાને છેતરે છે. સમાજસેવા પણ લોકો પોતાને સારું લાગે એટલા માટે કરતા હોય છે. અને પછી પ્રસિદ્ધિ મેળવવા માટે, એવોર્ડ મેળવવા માટે સેવા કરવાનું ચાલુ રાખે છે. ભાગ્યે જ એવી વ્યક્તિ મળશે કે જેની સેવા વિશે બીજા કોઈને ખબર ન હોય. આપણે કોઈકને કંઈક આપીએ છીએ કે કોઈનું કામ કરીએ છીએ, કારણ કે તેનાથી આપણને સારું લાગે છે. આગળ વાત કરી તે સોશિયલ સાયકોલોજિસ્ટ ફ્રેન્ચ અને રેવન કેટલીક વ્યક્તિઓ પાસે સત્તા હોય પણ તેનો ઉપયોગ કરતાં તેમને ન આવડતો હોય જ્યારે કેટલીક વ્યક્તિઓ પાસે સત્તા ન હોય તો પણ તેનો ઉપયોગ કરતાં આવડતું હોય છે. સામી વ્યક્તિનો ઉપયોગ ક્યારે, કઈ રીતે પોતાને ફાયદો થાય તે રીતે કરવો તે પણ રાજકારણ જ છે. કોઈ નાના પાયે આવી રમત રમે તો કોઈ મોટા પાયે રમતો રમે. દરેક રાજ્યના મુખ્યમંત્રીની પહોંચ પોતાના રાજ્ય પૂરતી. પણ જો તે કેન્દ્ર પ્રધાન બને તો તેની પહોંચ રાજ્ય અને જે તે ક્ષેત્ર પૂરતી પહોંચે. વળી એ જો વડા પ્રધાન બને તો તેની પહોંચ આખા ય દેશમાં અને બીજા દેશમાં પણ કંઈક અંશે પહોંચી શકે. અમેરિકા અને ઈંગ્લેન્ડના વડાઓ પોતાની સત્તા વધારવાના પ્રયત્નો કરતા જ રહે છે. ભારત અને આફ્રિકા પર રાજ કરીને તેમણે ભૂતકાળમાં રાજ કર્યું. હવે તેઓ પોતાના દેશને સમૃદ્ધ અને વિકસિત બનાવવા માટે પ્રયત્નો કરે છે જેથી બીજા દેશોના નાગરિકો તેમના દેશ સાથે વેપાર કરવા, કામ કરવા લલચાય. આખરે તો સત્તા મેળવીને જ પુરુષને સંતોષ થાય છે.
નાનામાં નાનો માણસ પણ પોતાના અધિકારનું ક્ષેત્ર તુમાખીથી ભોગવતો હોય છે. વોચમેનની સત્તા કેટલી હોય? પરંતુ તે પણ પોતાની સત્તાનો ભોગવટો છોડતો નથી. શહેરોમાં તો કેટલાય લોકોને વોચમેનને પણ સલામ ભરતા જોયા છે અને વોચમેન પણ એને જ સલામ ભરે છે જેની પાસે તેનાથી વધારે સત્તા હોય.
સરકારી ઓફિસોમાં પ્યુનની સત્તાનું મહત્ત્વ આપણે જાણીએ જ છીએ. ઘરમાં સ્ત્રીઓનું રાજ હોવાનું કહેવાતું હોય છે, પરંતુ તે ફક્ત ને ફક્ત ઘર ચલાવવા પૂરતું જ. ઘરના મોટા નિર્ણયોમાં સ્ત્રીઓની મરજી ચાલતી નથી હોતી. દરેક વ્યક્તિને પોતાની સત્તા ક્યાં સુધીની છે તેની સમજ હોય છે. કેટલાક ચાલાક હોય છે કે તેમને બીજાઓની સત્તા મેળવી લેતા આવડતી હોય છે.
અભ્યાસ કહે છે કે પાવરનો ઉપયોગ અનેક રીતે થતો હોય છે જેમ કે સામી વ્યક્તિની પાસેથી શું મેળવવું છે તે તો ખરું જ પણ શું ન આપવું તે પણ એક જાતનું રાજકારણ હોઈ શકે છે. જે વ્યક્તિએ કશું જ ગુમાવવાનું નથી હોતું કે પામવાનું નથી હોતું તે પણ પોતાની સત્તાનો માલિક હોઈ શકે છે. રાજકારણમાં સામી વ્યક્તિને શું જોઈએ છે તેની માનસિકતા સમજીને તેને પોતાના ફોલોઅર બનાવાતાં હોય છે કે મત મેળવવાના હોય છે. સત્તા મેળવવા માટે સામ, દામ અને દંડ દરેક પ્રકારનો ઉપયોગ થતો હોય છે.
ફેસબુક પર અને ટ્વિટર પર તેમના કેટલા ફોલોઅર છે અને કેટલી લાઈક તેમને મળે છે તેના પરથી એમની પ્રસિદ્ધિ નક્કી થતી હોય છે. કોને કેટલા ચલાવવા અને કેટલા ન ચલાવવા તેનું પણ રાજકારણ લોકો રમતા હોય છે. જેની પાસે પૈસા હોય તેઓ ક્લબ કે સમાજના સત્તા સ્થાને હોય અને તેમની સાથેના સંબંધો પણ મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે. એટલે જ આવી વ્યક્તિઓ સાથેના સંબંધો જાળવવાનું રાજકારણ પણ અનેક લોકો રમતા હોય છે.
અહીં કહેવાવાળા કહેશે કે સ્ત્રીઓ પણ પાવર પોલિટિક્સમાં હોય જ છે પણ તે પુરુષોની સરખામણીએ કેટલી? એવું પણ લોકો માને છે કે મહાભારત અને રામાયણ પણ સ્ત્રીને કારણે થયું હતું. ત્યારે નવાઈ લાગે કે પુરુષો શું સ્ત્રીના એટલા ગુલામ બની ગયા કે તેમને સ્ત્રીઓ લડાવી શકે? ખેર આ તો અધૂરિયાઓની વાતો. બાકી દરેક માનવી પ્રયત્ન કરે છે સત્તા મેળવવાનો અને તે માટે જે રમત રમવી પડે છે તેને રાજકારણ કહેવાય છે. સત્તા મેળવવા માટે નિર્મમ અને નિસંગ થવું પડે છે.
બસ એકમાત્ર સત્તાના પ્રેમમાં પડવું પડે છે. તો જ અલ્ટીમેટ સત્તા મળી શકે છે. રાજકારણની રમત રમવા માટે બુદ્ધિને તેજ કરવી પડે છે. સંવેદનશીલતા કે લાગણીવેડા અહીં ચાલતા નથી. અહીં તો બસ ગણતરીઓ જ કામ આવે છે જે તમને વ્યવહારિક રીતે ઠોસ પરિણામ આપી શકે.

You Might Also Like

0 comments