વર્કિંગ મધર તંગ દોર પર નર્તન(mumbai samachar)

01:28


માતૃદિનનો કોન્સેપ્ટ આપણે ત્યાં પણ વ્યાવસાયિક થઈ ગયો છે. આ બધા દિવસો આવે છે, જાય છે પણ તેનાથી કોઇ ફરક પડે છે ખરો? મોબાઈલમાં થેન્કસનો મેસેજ ટાઈપ કરતા આ સવાલ મનોબીનાએ પૂછ્યો. મનોબીનાએ જરા રોષમાં જ આ સવાલ પૂછ્યો હતો. રોજ લોકલ ટ્રેનમાં અમે સાથે થઈ જઈએ. મનોબીનાની અકળામણ જોઈને કહ્યું કે ગરમી બહુ છે ચાલ જરા ઠંડું પીએ. કેમ વળી પાછું કંઇ ઓફિસમાં થયું કે ? કેન્ટીનના ટેબલ પર બેસતાં મનોબીનાને પૂછ્યું કે તેની આંખમાં પાણી આવી ગયા. આંખ લૂછતાં તે કહે, એ જ રામાયણ... મને પ્રમોશન ન મળ્યું કારણ કે હું ઘડિયાળના કાંટે કામ કરું છું, ઓફિસ અવર પછી બેસતી નથી....પ્રમોશન સંધ્યાને મળ્યું. તેનું શું એ પરણી નથી... ઘરે બાળકો, સાસુ-સસરા નથી. કોઇ જવાબદારી જ નહીંને ઘરની... એટલે તે બેસી શકે ઓફિસ અવર પછીય... પણ ઓફિસ અવરમાં જ હું લીધેલી જવાબદારી પૂરી કરું છું તેની નોંધ નથી લેવાતી... હા, ના થઈ શકે એ જવાબદારી નથી લેતી પણ કદર તો થવી જોઇએ ને...અને આ સવારથી હેપ્પી મધર્સ ડેના મેસેજીસ આવે છે. એ જોઈને લાગે છે કે ન માતા તરીકે હું સફળ થઈ શકી કે ન તો કારકિર્દી બનાવી શકી. મારા બાળકોને અને પતિનેય અસંતોષ જ રહે છે મારા માટે. 

બાળકો ધરાવતાં પુરુષોને ક્યારેય આવી તાણનો અનુભવ નથી થતો. કારણ કે તેમને બાળકો હોવાને કારણે કામના સ્થળે ભેદભાવનો સામનો નથી કરવો પડતો. સામે પક્ષે એવી દલીલો થઈ શકે કે સ્ત્રીઓની ગુણવત્તા પણ જોવી પડે. વાત સાચી પણ દરેક વ્યક્તિની ક્ષમતા અલગ હોઈ શકે છે. મનોબીના જેવી કશ્મકશ આજે અનેક સ્ત્રીઓ અનુભવી રહી છે. કારણ કે કામના સ્થળે ઉપરી અધિકારી સહિત સાથે કામ કરનારા કર્મચારીઓની સહાનુભૂતિ, સમજ કે મદદ માતા બનેલી સ્ત્રીને મળતા નથી. કે ન તો આપણે ત્યાં અન્ય કોઈ સગવડ કામના સ્થળે આપવામાં આવે છે. બાળકો ધરાવતી એટલે કે માતા બનેલી સ્ત્રીઓનું વધુ શોષણ પણ થાય છે. તેને વેતન પણ ઓછું આપવામાં આવે છે. 

હાર્વડ બિઝનેસ રિવ્યુ પ્રમાણે ૨૧ દેશોમાં ૬૫૦૦ સ્ત્રીઓ પર કરેલા સંશોધન બાદ જાણવા મળ્યું કે ભારતીય સ્ત્રીઓ સૌથી વધુ તાણમાં જીવે છે. ૮૭ ટકા ભારતીય સ્ત્રીઓએ કહ્યું કે તેઓ મોટાભાગે સતત તાણ અનુભવતી હોય છે. જ્યારે ૮૨ ટકાએ કબૂલ્યું છે કે તેમને રિલેક્સ થવાનો સમય પણ નથી મળતો. હાર્વડ બિઝનેસ રિવ્યુના આર્ટિકલ પ્રમાણે ૨૫ થી ૫૫ વરસની મહિલાઓ જ વધુ તાણ અનુભવતી હોય છે. આપણી પારંપરિક કુટુંબ વ્યવસ્થા અને સારી વહુ, સારી પત્ની, સારી દીકરી, સારી માતા હોવાની અપેક્ષા ભારતીય મહિલાઓને સતત તાણમાં રાખે છે. પરિસ્થિતિ બદલાઈ હોવા છતાં સ્ત્રી પ્રત્યે રખાતી અપેક્ષા અને સ્ત્રી પોતે પુરવાર થવાની દોડમાં સતત તાણભરી પરિસ્થિતિમાં જીવતી હોય છે. 

મનોબીના જેવી અનેક સ્ત્રીઓ છે જેમને હવે ઓફિસમાં અપરિણીત સ્ત્રીઓની સાથેય હરીફાઈ કરવી પડતી હોય છે. શાળામાં, ક્લાસમાં કે બીજી કોઇ પ્રવૃત્તિમાં બાળકોને લેવા-મૂકવા માટે ભાગ્યે જ પુરુષો જતા હશે. વર્કિંગ વિમેન હોય તો તે ગમે તેમ એડજસ્ટ કરીને બાળકોના શિક્ષણ અને વિકાસમાં સતત સક્રિય રસ લેશે. એક પત્રકાર બહેનના હમણાં જ લગ્ન થયા હતા. કહી રહ્યા હતા કે તેનો પતિ ખૂબ સમજદાર છે ક્યારેય નથી પૂછતો કે ક્યારે આવશે. પણ જ્યારે તેને પૂછ્યું કે ઘરનું કામકાજ અને રસોઈ કોણ કરે છે તારા ઘરમાં તો કહે... હું જ તો કારણ કે હજી શરૂઆત છે જીવનની એટલે અમને કામવાળા રાખવા આર્થિક રીતે પોસાય તેમ નથી. એ બહેન અન્ય કામકાજી મહિલાઓની 

જેમ સવારે છ વાગ્યે ઊઠીને બધું જમવાનું બનાવી દે સવાર-સાંજનું કારણ કે સાસુ, સસરા સાથે છે. પતિને પાણીનો ગ્લાસ પણ હાથમાં આપવો પડે પણ પતિ સારો છે કારણ કે તે ઘરના દરેક કામ કરીને કામ પર જાય છે. જ્યારે પતિ ફક્ત બહારનું જ કામ કરે છે. શું કરે આપણો સમાજ હજી પણ પિતૃસત્તાક માનસિકતામાં જીવે છે. મેં તેને પૂછ્યું કે જો તે કહી દે કે તેના પતિએ ઘરના કામમાં પણ ભાગીદાર થવું પડે તો? તેણે સ્મિત કરવાનો પ્રયત્ન કરતાં કહ્યું એવું કેવી રીતે કહી શકાય. બસ મને બહાર જવાની ના નથી પાડતો, નડતો નથી એ સારું નહીં ? બાળક આવશે તો એ પોતાની કારકિર્દી પર કદાચ પૂર્ણવિરામ મૂકી પણ દે કારણ કે બાળકને ઉછેરવાની જવાબદારી તો ફક્ત સ્ત્રીઓની જ હોય ને. જોકે ખૂબ જ ઓછા પ્રમાણમાં હવે સમાજ બદલાઈ રહ્યો છે. કી એન્ડ કા ફિલ્મની જેમ કેટલાક પુરુષો પણ ઘરના દરેક કામમાં રસ લઈ રહ્યા છે. પણ એ સંખ્યા હજી ખૂબ નાની છે. 

ભણેલીગણેલી સ્ત્રીઓની માનસિકતાય જો બધો જ ભાર પોતે જ વહન કરવાની હોય તો ફ્રસ્ટ્રેશન અને સ્ટ્રેસ તેને શારીરિક રીતે બીમાર કરે છે. અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશન દ્વારા કરાયેલા સંશોધનોમાંય જાણવા મળ્યું છે કે છેલ્લા પાંચ વરસમાં પરિણીત મહિલાઓ પહેલાં કરતાં વધુ તાણ અનુભવે છે. પરિસ્થિતિ બદલાઈ રહી હોવા છતાં ૬૩ ટકા અપરિણીત સ્ત્રીઓ સ્ટ્રેસ ઓછું કરવાના ઉપાય કરી શકે છે જ્યારે તેની સરખામણીએ હવે ફક્ત ૫૧ ટકા સ્ત્રીઓ સ્ટ્રેસ દૂર કરવાના ઉપાયો કરી શકે છે. 

આ અમેરિકા અને અન્ય દેશોમાં થયેલા સંશોધનના આંકડા છે, આપણે ત્યાં ઘર, બાળકો અને કારર્કિદી વચ્ચે સમતોલન જાળવતી સ્ત્રીઓની પાસે પોતાના માટે સમય કાઢવો અશક્ય હોય છે. અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશને કરેલા સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું હતું કે ૫૪ ટકા પરિણીત મહિલાઓને રડવાનું મન થાય છે જ્યારે ૩૩ ટકા અપરિણીત મહિલાઓને રડવાની ઇચ્છા થતી હોય છે. ૫૨ ટકા પરિણીત મહિલાઓને ગુસ્સો, ચીડિયાપણું અને હતાશા અનુભવાય છે. જ્યારે ૩૫ ટકા અપરિણીત મહિલાઓ આવો અનુભવ કરતી હોય છે. જોકે એક આશા દરેક મહિલાઓને છે કે ભવિષ્યમાં બદલાવ આવશે અને તેમની દીકરીઓએ આ તકલીફો નહીં સહેવી પડે. પણ આ માનસિકતા પુરુષોની તો જ બદલાશે જો સ્ત્રીઓ પોતાની માનસિકતા બદલશે અને પોતાની દીકરીઓની માનસિકતા બદલશે.

You Might Also Like

0 comments