શંકાકુશંકાની પેલે પારનો પ્રદેશ (mumbai samachar)

01:56સો વરસ પહેલાં લખાયેલી એક વાર્તા હમણાં વાંચી. ‘સુલતાના’સ ડ્રીમ’. બેગમ રુકૈયા દ્વારા લખવામાં આવેલું પહેલું અને છેલું અંગ્રેજી પુસ્તક. ટૂંકી એક વાર્તાનું પુસ્તક મારા હાથમાં પહેલી વાર જ આવ્યું. એકી બેઠકે જ વાંચી જવાય. આખી વાર્તા સ્વપ્ન પ્રદેશની છે. ક્યારેક આપણને લાગે કે બાળવાર્તા જેવું છે. પણ આ વાર્તામાં લેખિકા તંદ્રામાં એવા પ્રદેશની કલ્પના કરે છે કે જ્યાં પિતૃસત્તાક સમાજ નથી. સ્ત્રીઓ દ્વારા રાજ ચાલે છે અને તેમાં કોઈ જ તકલીફો નથી. પુરુષોને જનાનખાનાની જેમ અંદર રાખવામાં આવે છે. કેમ? તો કહે કે આપણે હિંસક પ્રાણીઓને રસ્તા પર રખડવા દેતા નથી. એટલે અંદર રાખવામાં આવે છે. તે છતાં તેમના પર બીજા કોઈ બંધન નથી કે બોજ પણ નથી. સોલાર અને વાદળામાંથી પાણીનો ઉપયોગ થાય છે. ઉડતી કાર છે જે એચટુઓ પર ચાલે છે. આ પુસ્તક વિશે વાત ફક્ત એક જ બાબતે લખવી છે કે આજે જ્યારે સ્ત્રીની સલામતી માટે આપણે ચિંતિત છીએ ત્યારે સ્ત્રી પર જ પ્રતિબંધ લગાવવાની વાત પિતૃસત્તાક સમાજ કરતો હોય છે. જે હિંસક છે તેને બહાર ન નીકળવાની વાત નથી કરવામાં આવતી. ખેર, આ જુદો સરસ વિચારની કલ્પના સો વરસ પહેલાં એક સ્ત્રીએ કરી હતી. મારે આજે સલામતી-અસલામતી વિશે લખવું હતું એટલે મને એ પુસ્તકના એક જુદા જ વિચારની વાત યાદ આવી. 

બે દિવસ પછી દશેરા છે. રામાયણના મૂળમાં સ્ત્રીઓની ઈર્ષ્યા અને શંકા છે. રામ ગાદી પર આવવાથી કોઈનું ય મહત્ત્વ ઓછું નહોતું થવાનું. તે છતાં કૈકેયીના મનમાં મંથરાએ શંકાનો કીડો મૂકી દીધો. એ જ રીતે આપણા સૌના મનમાં પણ અસલામતીનો કીડો સતત સળવળ થયા કરે છે. અસલામતીનો ડર ફક્ત સ્ત્રીઓને જ હોય છે એવું નહીં. કદાચ સૌથી વધુ અસલામતી પુરુષોને અનુભવાતી હોય છે. તેથી જ એ લોકો સ્ત્રીઓ પર બંધન અને નિયમો લાદતા હશે. જોકે શારીરિક હિંસાની અસલામતી સ્ત્રીઓને સદીઓથી જ વધુ હોય છે. તેના મૂળમાં હિંસક પુરુષો જ છે. રાવણને પ્રતિકાત્મક રૂપે બાળવા કરતાં તેના અસ્તિત્વને જ ખતમ કરી નાખ્યું હોય તો? એવું થતું નથી એટલે જ અસલામતીની શંકા સ્ત્રીને સતત ચિંતિત રાખે છે. તે છતાં આ પર્વના દિવસોમાં નકારાત્મકતાના અંધારાને ઓગાળવાનો પ્રયત્ન કરીએ. 

‘અંધેરી સ્ટેશને પ્રિ પેઇડ ટેક્સી કે રિક્ષા મળશે?’ ગયા અઠવાડિયે બહારગામની ટ્રેનમાં સવારે પાંચ વાગ્યે પરત ફરી રહી હતી ત્યારે મુંબઈમાં ગાડી પ્રવેશ્યા બાદ એક છોકરીએ મને પૂછ્યું. ના નહીં મળે તારે ક્યાં જવું છે ? મારી ના સાંભળીને છોકરીએ ચિંતિત ચહેરા સાથે અંધેરીના જ એક વિસ્તારમાં જવું છે એમ કહ્યું. અરે, તેમાં શું ? સ્ટેશન બહાર નીકળીને રિક્ષા મળી જશે. પેલી છોકરી જે ૨૪/૨૫ વરસની હશે તે ચિંતિત સ્વરે કહે ‘મને મુંબઈના રિક્ષા કે ટેક્સીવાળા પર વિશ્ર્વાસ નથી. એટલે પ્રિ-પેઇડ મળે તો સારું.’ મારા જેવી અનેક મુંબઈકર બહેનો રિક્ષા, ટેક્સીને કારણે જ મુંબઈમાં કોઇપણ સમયે બહાર એકલી નીકળતાં ગભરાતી નથી. રાતના દશ વાગ્યા હોય કે બે વાગ્યા હોય, આ ચાલક ભાઈઓ જેને અમે ભૈયા કહીને જ સંબોધીએ તેઓ અનુકૂળ રીતે અમને ઘર સુધી પહોંચાડે. ખાનગી ટેક્સીઓના અનુભવો પણ મુંબઈમાં ખરાબ નથી. 

હવે આ એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. કોઈપણ શહેરમાં એકાદ બળાત્કારનો બનાવ બન્યા બાદ તરત જ ચેનલવાળા રસ્તે જતી કોઇપણ સ્ત્રી કે છોકરીને પકડીને પૂછશે. ક્યા આપકો લગ રહા હૈ કી આપ સેફ હૈ? તરત જ પેલી છોકરી કહેશે, હવે અમને બહાર એકલા નીકળતા ડર લાગે છે. બેંગલોર, દિલ્હી, કોલકાતા કે મુંબઈ. બળાત્કારના બનાવો પહેલાં પણ બનતા હતા અને આજે પણ બને છે. ન બનવા જોઇએ પરંતુ, એ બનાવ બાદ આપણે સતત શંકાશીલ બનીને લોકો પર શંકા કર્યા કરવી ? આપણા કુટુંબમાં પણ પુરુષો છે. દરેક વ્યક્તિ સારી ન હોય પણ દરેક વ્યક્તિને ખરાબ ધારી લઈને આપણે જો શંકા રાખ્યા કરીએ તો આપણી શાંતિ ખોરવાઈ જાય. રાવણ તો રામના સમયે પણ હતા અને આજેય છે, પણ દરેકને રાવણની જેમ જોવા તે યોગ્ય નથી. 

પેલી યુવતીના ચહેરા પર તણાવની તંગ રેખાઓ દેખાતી હતી. મેં તેને પૂછ્યું કે શું તે મુંબઈમાં નવી છે ? તો કહે ના હું બે વરસથી રહું છું. આ સાંભળી મારે તેને કહેવું પડ્યું કે તો બહેન મુંબઈમાં છેલ્લા કેટલાય મહિનાથી ઇલેક્ટ્રોનિક્સ મીટર આવી ગયા છે. તેમાં કિલોમીટરની સાથે કેટલા રૂપિયા થયા તે ચોખ્ખું દર્શાવાય છે. નાઈટ ચાર્જનાય મીટરમાં ઓપ્શન હોય છે. હા મીટરમાં ચેડાં થાય છે ખરા પણ તેય જૂજ. તો પછી સતત શંકા કરીને સામી વ્યક્તિની ગરિમાને ઠેસ પહોંચાડવાનો આપણને શું અધિકાર છે ? 

તેની સામે મને બીજો પ્રસંગ યાદ આવે છે. એક વાર હું ને મારી મિત્ર જઇ રહ્યા હતા. તેને ગાડી સાફ કરવા માટે કપડું જોઇતું હતું. સિગ્નલ પર કપડાંવાળા સાથે તે ભાવતાલ કરી રહી હતી. પછી તેણે પૈસા આપવા પર્સ ખોલ્યું તો દશ રૂપિયા ખૂટી રહ્યા હતા. મારી પાસે પણ છુટ્ટા નહોતા. પેલા ફેરિયાએ તરત જ કહ્યું કે એક કામ કરો મેડમ દશ રૂપિયા કલ પરસો આપ યહાં સે જાયેગેં તો દે દેના. મારી બહેનપણીએ મજાક કરતાં કહ્યું કે ઓર નહીં દિયા તો ? પેલાએ તરત જ કહ્યું મુઝે ઇન્સાનિયત પર ભરોસા હૈ આજ ભી. એ શબ્દો અમને બન્નેને સ્પર્શી ગયા. બીજે જ દિવસે મારી બહેનપણીએ તેને વીસની નોટ આપી. દશ રૂપિયા બક્ષિસ. અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ, રાજકોટ, ગોંડલ, જયપુર, શ્રીલંકા આ દરેક જગ્યાએ મને રિક્ષાવાળાના સારા અનુભવો જ મોટેભાગે થયા છે. તમારા ઉપર પણ કોઇ ભરોસો ન રાખે તો કેવું લાગે ?મુંબઈના રિક્ષાવાળાને પૂછ્યું કે કોઇ તમારા પર શંકા કરે તો કેવું લાગે ? તરત જ પેલાએ કહ્યું, બહેનજી બહોત ગુસ્સા આતા હૈ. અમે પણ માણસો છીએ. અમનેય પોતાનું સ્વમાન છે. અમારા ઘરે પણ માબહેન, દીકરીઓ છે. અમારી રિક્ષામાં બેસનાર બહેનની જવાબદારી અમારી હોય છે. રાતના કોઇ બહેનને એકલી મૂકવાની હોય તો મકાનમાં તે બહેન અંદર જાય તેની ખાતરી કર્યા વગર હું ત્યાંથી હટું નહીં. મારા જેવા અનેક લોકો છે. અને કેટલીય વાર છુટ્ટા ન હોય કે અમારાથી ભૂલમાં ખોટો રસ્તો લેવાય જાય તો પૈસા પણ જતા કરીએ છીએ. હા, કોઇ અભિમાની કે શંકાશીલ વ્યક્તિ હોય તો પછી અમારાથી પણ તોછડું વર્તન થઈ જાય. શાકવાળોય ખોટું જ તોલે, કામવાળા કામચોરી જ કરે, વાણિયોય ઘાલમેલ કરે, સામી દરેક વ્યક્તિ જાણે તમને લૂંટવા જ બેઠી હોય તેવા ઉચાટમાં જીવવું કેટલું યોગ્ય છે ? કહેવત છે ને શંકા ડાકણનું ઘર. એની સામે લોકો એવું પણ કહે કે આજે જમાનો સારો નથી. અરે તો તમે પોતે પણ તો આજના જમાનાના જ છોને? 

ખરાબ વ્યક્તિની ઓળખ સ્ત્રીની પારખુ નજર કરી લેતી હોય છે. એટલે કેટલીક જગ્યાએ એકલા ન જવું. થોડીક સાવચેતી રાખવી જરૂરી છે પરંતુ, સતત બીજાને શંકાશીલ નજરે જોવાથી આપણે મનની શાંતિની સાથે ઘણુંબધું ગુમાવી બેસીએ છીએ. બે પાંચ રૂપિયા માટે કચ કચ કરીને માનસિક શાંતિ ખોઈ તાણમાં શું કામ જીવવું ? ઘરની બહાર નીકળવાનું બંધ કરી દેવાય છે ખરું ? શંકા નહીં પણ સાવચેતી અને સજાગતા જરૂરી છે. હેપ્પી દશેરા.

You Might Also Like

0 comments