તામિલનાડુ જવાનું વિચાર્યું એ પહેલાં ગુગલ પર રેકી કરી હતી. જે લોકો જઈ આવેલા તેમની સાથે પણ વાત કરી હતી. હાલમાં જ ત્યાં ચૂંટણી થઈ હતી અને તે વખતે ન્યૂઝ ચેનલ પર રાજકીય તામિલનાડુની તસવીરો જોઈ હતી. તામિલનાડુ પ્રવાસ કરવા જવાનો ઉદ્દેશ આધ્યાત્મિક હતો. યાત્રા હતી પણ સાથે ભોજનની વિવિધતા પણ શક્ય હોય તો માણવી હતી. કેરાલા જોયું હતું. કેરાલાના પ્રવાસ વખતે પણ તામિલનાડુને અડીને પસાર થવાનું પણ બન્યું હતું. યાત્રાની શરૂઆત જ સારી થઈ. પ્લાનિંગ જાતે જ કરું એટલે ચેન્નાઈથી જ યાત્રાનો આરંભ અને અંત રાખ્યો હતો. રામેશ્વરમ સુધી જવું હતું. ચેન્નાઈથી રામેશ્વરમ ખાસ્સુ લાંબુ અંતર, દિવસ ઓછા અને લાંબો પ્રવાસ કરવાની ક્ષમતા નહીં એટલે પ્રવાસને વચ્ચે રોકાણ કરવાનું નક્કી કર્યું. વચ્ચે તિરુઅન્નામલાઈ, મહાબલિપુરમ, પોડિંચેરી, તાંજોર અને રામેશ્વરમ આટલું નક્કી હતું. ટેક્સી માટે ચેન્નાઈની કેટલીક એજન્સીઓને સંપર્ક કર્યો. નવાઈ વચ્ચે એક ફોન પર માલથી સ્ત્રીએ મારી સાથે વાત કરી. મારા બધા જ સવાલોના જવાબ એ સ્પષ્ટ રીતે અને તરત જ મેસેજ કે ફોન દ્વારા આપતી. અંગ્રેજી સારું બોલતી. વળી તેનું ક્વોટેશન પણ રિજનેબલ હતું. બે ચાર દિવસ વાતચીત બાદ નક્કી કર્યું કે એની ટેક્સી સાથે જ પ્રવાસ કરવો છે. એણે ખાતરી આપી કે અમને પ્રવાસમાં કોઈ જ તકલીફ નહીં પડે. પછી સહજ જ પૂછ્યું કે તું આ ડ્રોપ ટેક્સી સર્વિસમાં કામ કરે છે કે પછી તારો પોતાનો વ્યવસાય છે? તો કહે મારો વ્યવસાય છે. તેને અભિનંદન આપતાં કહ્યું કે તું સરસ રીતે હેન્ડલ કરે છે.
ચેન્નાઈ પહોંચતા પહેલાં તેનો મેસેજ આવી ગયો હતો. ભાષાની સમસ્યા ત્યાં નડે એ ખબર હતી એટલે તેને કહ્યું હતું કે અંગ્રેજી કે હિન્દી સમજી શકે એવો ડ્રાઈવર આપે. તો કહે સારો ડ્રાઈવર આપીશ પણ સંવાદ માટે મારે એ ડ્રાઈવરના બોસ સાથે સંપર્કમાં રહેવું પડશે. તમને કોઈ તકલીફ નહીં પડે એની ખાતરી રાખશો. બન્યું પણ એવું જ ડ્રાઈવર છોકરો ખૂબ નમ્ર અને સારો હતો. પણ સંવાદ છોટા છોટા થઈ શકતા. ક્યારેક અકળાઈ જવાતું પણ એનો બોસ વહારે આવતો. શીખવા એ મળ્યું કે અકળાઈ જવા કરતાં દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરવાથી તેમાંથી કોઈને કોઈ માર્ગ નીકળતો હોય છે.
ચેન્નાઈથી પહેલાં જ દિવસે મહાબલિપુરમ પહોંચ્યા. નાનું શાંત ગામ. ચેન્નાઈ પુરું થાય ને મહાબલિપુરમ શરૂ થાય. તે મામલ્લાપુરમના નામે પણ ઓળખાય છે. પાલવાઓના સમયકાળના એટલે કે ૭/૮મી સદીના સ્થાપત્યો હજુ ત્યાં જોવા મળે છે. દરિયાકિનારા પર વસેલું આ નગર શિલ્પીઓનું નગર છે એવું પણ કહી શકાય. આજે પણ ત્યાં સુંદર મૂર્તિઓ આખા રસ્તા પર દુકાનો અને વર્કશોપમાં જોવા મળે. નવી બનાવેલી મૂર્તિઓ રસ્તા પર જ મૂકી હોય. એક દિવસમાં ત્યાંના સ્થાપત્ય જોઈ જ શકાય. આટલી સદી પછી પણ દરિયાની ખારી હવાઓની થપાટો પછી પણ જળવાયેલું સ્થાપત્ય મંત્રમુગ્ધ કરે. દરિયા કિનારો ખાસ્સો તોફાની. જમવામાં ત્યાં ઈડલી, ઢોસા અને સાપડ એટલે કે થાળી મળે જ પણ સવારે બ્રેકફાસ્ટમાં અને રાતના ડિનરમાં ત્યાંના લોકો મોટેભાગે ટિફિન એટલે કે ઈડલી,વડા અને ઢોસા જ ખાય. મામલાભવન નામે એક સાદી રેસ્ટોરન્ટ મળી. ત્યાં એમને કહ્યું કે તમારું ઓથેન્ટિક ફુડ પીરસો એટલે એમણે અમને ઘી, પોડી ઢોસા આપ્યા. એવા ઢોંસા ન પહેલાં ખાધા હતા કે ન તો પછી ક્યાંય પ્રવાસમાં મળ્યા. કડક અને સ્વાદમાં લાજવાબ. સાથે ચટણી અને સાંભારની પણ જરૂર ન પડે. પછી પાલક વડાઈ આપ્યું. એ પણ ચોખા અને દાળમાંથી બને. ખરેખર તેનો સ્વાદ પણ ભૂલાય એવો નથી. મહાબલિપુરમમાં ગરદી હોવા છતાં અહીં આખી હોટલ ખાલી હતી. છેલ્લે ફિલ્ટર કોફી સરસ જ હોય. આખા ય તામિલનાડુના પ્રવાસ દરમિયાન એક વાત નોંધી. નાની હોય કે મોટી રેસ્ટોરન્ટ હોય ત્યાં ચમચા આપવામાં ન આવે. હા, તમે માગો તો આપે પણ ત્યાં બધા જ હાથથી જ ખાય એવો રિવાજ. બીજું કેળના પાન પર પીરસાય. ભાગ્યે જ વાટકીઓ હોય. તમારે ખાધા પછી એ કેળના પાનને વાળીને મૂકી દેવાનું એનો અર્થ કે તમારું ખાવાનું પતી ગયું. વાસણ ઘસવાની જંજટ નહીં અને કેમિકલ ઓછું વપરાય. સાંભાર પણ કેળના પાન પર રેડી દે કે પછી સીધો ઢોંસા પર. આ બધી બાબતે તમારે ટેવાવું પડે. સ્થાપત્યની આસપાસ ફ્રુટ કાપીને વેચતી સ્ત્રીઓ જોવા મળે. અને ગોટી સોડા એ પણ જાતજાતના રંગીન. હિંમત કરીને એક સોડા પી જ લીધી હતી. ચાખવું તો પડે જ ને…. બીજો હપ્તો આવતી કાલે.
- 23:54
- 0 Comments