મારા વિષે



હું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે. મધ્યમવર્ગીય કુટુંબ અને વાતાવરણમાં દરેક સ્તરે સતત સંઘર્ષ વચ્ચે પણ કશીક શોધ હતી. એ શોધ મને પુસ્તકો ધ્વારા વિચારોની વિશાળ દુનિયામાં લઈ ગઈ. નવું વિશ્વ મારી સમક્ષ ખુલ્યું. બીકોમ બાદ કંપની સેક્રેટરીનો અભ્યાસ કરતાં લાગ્યું કે મારી દુનિયા આ નથી.જે આજે પણ મારી સાથે છે તે  મિત્ર દીપકે પત્રકારત્વની રાહ ચીંધી. બસ પછીતો પત્રકારત્વના પાઠ કામ કરતાં કરતાં જ શીખી. અભિયાનમાં કાન્તિભટ્ટે પહેલી કવરસ્ટોરી છાપી. મકરન્દ દવે અને કુન્દનિકા કાપડિયાની મુલાકાત ને  શરૂ થઈ અંદરની અને બહારની યાત્રા. ત્યારબાદ ચિત્રલેખા,સમકાલીન, જન્મભૂમિ, સમાંતર, મિડ-ડે, મુંબઈ સમાચાર, દિવ્ય ભાસ્કર માટે પણ લખ્યું. વીસ વરસ રિપોર્ટિંગ સાથે, માનવીય સંવેદનાઓની સ્ટોરી, મુલાકાતો લખ્યા. ફિલ્મ, ફેશન, ફાયનાન્સથી લઈને અનેક વિષયો પર લેખો લખ્યા.  ફ્રિલાન્સિંગ અને ફુલટાઈમ બન્ને પ્રકારે કામ કરવાનો અનુભવ લીધો. તે દરમિયાન ટેલિવિઝન અને રેડિયો માટે ય કામ કર્યું. સંપાદન પણ કર્યું. ત્રણ વરસ પહેલાં નક્કી કર્યું કે હવે મને ગમે તે જ લખવું અને કામ કરવું. એટલે દિવ્ય ભાસ્કરમાં અને મુંબઈ સમાચારમાં કોલમ લખવાની શરૂઆત કરી. બ્લોગમાં મોટેભાગે એ કોલમના લેખો જ મૂકવાની શરૂઆત કરી હતી. પણ પછી ફેસબુક ડાયરી પણ લખી. જેમાં એવી વ્યક્તિઓની વાત લખતી જેમના વિશે કોઇ ક્યારેય લખવાનું નથી અને જેમને મળીને મને કંઇક જુદી અનુભૂતિ કે વિચાર આવ્યો હોય. પછી ભલેને તે વ્યક્તિ બે મિનિટ જ કેમ ન મળી હોય. ટેકનોલોજીએ મારા જીવનમાં પણ ક્રાંતિ સરજી છે એમ કહી શકાય. ઇન્ટરનેટને કારણે મારી દુનિયા વિસ્તરી... બ્લોગે મારા જીવનના અનેક બ્લોકેઝ દૂર કર્યા. અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે  એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.