હાલમાં જ માર્કેઝ વાંચ્યા અને મેજિક રિયલિઝમની અનુભૂતિ કરી હતી એટલે જ્યારે અતુલ ડોડિયાના પેઈન્ટિંગનું પ્રદર્શન કેમોલ્ડ આર્ટ ગેલેરી મુંબઈમાં જોયું ત્યારે ફરીથી રિયાલિઝમની અનુભૂતિ જુદી રીતે કરી. એક પેઈન્ટિંગ જોયું જેમાં રાજકપુર અને નરગીસનું ચંદ્રની સાથે પાણીમાં દેખાતું પ્રતિબિંબ છે. એ જોતાં જ આવારાનું ગીત યાદ આવ્યું દમ ભર જો ઉધર મુંહ ફેરે… અને પ્રદર્શન જોઈને ઘરે પાછા ફરતાં એ ગીત યુટ્યુબ પર જોઈને એ દૃશ્ય પોઝ કર્યું. પ્રદર્શનનો નશો ઘરે પહોંચતાં સુધી રહ્યો.
હિન્દી ફિલ્મો ભારતીયોને નોસ્ટાલિજિયાની અનુભૂતિ કરાવતી હોય છે, તેમાં ય પ્રસિદ્ધ ચિત્રકાર અતુલ ડોડિયા કલા જુએ છે અને તેને વિશ્વ ફલક પર મૂકે છે. તેમના ચિત્રોમાં આપણી આસપાસ રહેલી અને જોયેલી વસ્તુઓ હોય છે પણ તેને ચિત્રકારની દૃષ્ટિએ જોતાં નવો આયામ, અર્થ મળતો હોય છે. એ જોઈને આપણને લાગે કે અરે આપણે આ જાણીએ છીએ, જોયું છે પણ આ રીતે નહીં. તેમના ચિત્રોમાં ફિલ્મ માટેનો તેમનો પ્રેમ અને કલાને અહોભાવથી જ જોવો રહ્યો.
અતુલ દોડિયાએ આ પહેલાં શટર ચિત્રો કર્યા હતા. દુકાનના શટર ઉપર ચિત્રો કર્યા હતા. ફોટાગ્રાફ, કેલેન્ડરને પણ આર્ટ તરીકે તેમના ચિત્રોમાં જોઈ શકાય છે. ગાંધીની સિરિઝ ગાંધીના ફોટા પરથી કરી હતી. આ વખતે તેમણે ફિલ્મોનું એક દૃશ્ય પસંદ કર્યું છે. આ વિચાર કેવી રીતે આવ્યો તે વિશે અતુલ ડોડિયા કહે છે કે, “તમે થિયેટરમાં ફિલ્મ જોતાં હો તો તેને પોઝ ન કરી શકો પણ હવે તમે ઘરે ફિલ્મ જોતાં હો ત્યારે દરવાજાની બેલ વાગે તો પોઝ કરીને બારણું ખોલો કે પછી ફોન આવે તો તમે પોઝ કરો. એ રીતે ફિલ્મ પોઝ કરું ત્યારે જે દૃશ્ય સ્ક્રિન પર દેખાય તેમાં મને રસ પડતો. એ જ સમયે રાજેશ ખન્નાનો બંગલો જેમણે લીધો ત્યાં પેઈન્ટિંગ લગાવવા માટે મારો સંપર્ક કર્યો. આમ તો હું આવા કામ કરતો નથી પણ રાજેશ ખન્નાને ટ્રિબ્યુટ આપતું પેઈન્ટિંગ કરવાનું હોવાથી મને રસ પડ્યો. એ માટે મેં રાજેશ ખન્નાની બધી ફિલ્મો ફરીથી જોઈ. બસ પછી મને થયું કે આવા ચિત્રોની સિરિઝ કરી શકાય. દરેક દૃશ્ય એક આગવું અસ્તિત્વ છે. તેને સ્ટોરી સાથે કે ઈમોશન સાથે કંઈ લેવા દેવા નથી.”
ઈન્ડિયન આર્ટ, કલ્ચરલ હિસ્ટોરીઅન અને મ્યુઝિયોલોજીસ્ટ જ્યોતિન્દ્ર જૈન અતુલના આ ચિત્રો માટે કહે છે કે, “આ ચિત્રોમાં મને આર્કિયોલોજી દેખાય છે. જેમ આર્કિયોલોજીમાં તમારે લેયર્સને ઉકેલવા પડે તેમ આ ચિત્રોમાં પણ અનેક લેયર્સ છે તેને જોવા પડે. ચિત્રોમાં ફિગર તો છે જ પણ તેમાં દેખાતા ફર્નિચર, બારી, બારણાં, પરદા વગેરે એ જમાનાનો ઈતિહાસ ઉજાગર કરે છે. એક ચિત્ર છે રજનીબેન ડિસેન્ડિંગ તેમાં દાદરાનો રંગ તેના આકાર આપણને એ જમાનામાં ફિલ્મોમાં દાદરાઓની જુદી શૈલી યાદ અપાવે.”
એ વિશે અતુલ કહે છે કે ”ફિલ્મનું એ દૃશ્ય જોતાં ખ્યાલ આવ્યો કે રિઅલ અને અનરિઅલ એક સાથે છે. તે સમયે મોટાભાગની ફિલ્મોમાં સેટ્સનો ઉપયોગ થતો. એટલે સુધી કે ક્યાંક તો બારી અને બારણાં પણ ચિતરેલા હોય કે આકાશ પણ ચિતરેલું હોય. આપણે જ્યારે ફિલ્મ જોતાં હોઈએ છીએ ત્યારે વાર્તામાં વહી જતાં હોવાને કારણે મોટાભાગે આપણને ખ્યાલ નથી આવતો. એટલે એક દૃશ્ય જ્યારે હું પોઝ કરું છું ત્યારે એ બધું પણ સ્પષ્ટ થાય છે. મને આર્કિટેકચરમાં પણ રસ પડે છે.”
આ ૨૪ ચિત્રોમાં ફક્ત ત્રણ ચિત્રોમાં તમે અભિનેતા અને એક ચિત્રમાં અભિનેત્રી જોઈ શકો બાકીના ચિત્રોમાં સ્ત્રીઓનું મોઢું નથી દેખાતું પણ પીઠનો જ ભાગ દેખાય. ઊંધી ઊભેલી સ્ત્રીને આપણે ફિલ્મ જોઈ હોય તો ઓળખી શકાય છે. બાકી અતુલ ડોડિયા ચિત્રમાં અભિનેત્રી જ જોઈએ તે નથી ઈચ્છતા. એક ચિત્ર તો ફિલ્મના બે દૃશ્યને એક કરીને પેઈન્ટ કર્યું છે. પેઈન્ટિંગના રંગો પણ નોસ્ટાલજિયામાં ઊમેરો કરે છે. બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મનું દૃશ્ય ત્યારે જેમ હેન્ડપેઈન્ટ કરતાં તે રીતે એનો આભાસ ઊભો કરવા માટે ચિત્રકાર અતુલ ડોડિયાએ ખાસ્સી મહેનત કરી છે. જ્યોતિન્દ્ર જૈન કહે છે તેમ અનેક લયસ્તરો રજૂ કરતાં અતુલ ડોડિયાના પેઈન્ટિંગ ફક્ત ફિલ્મના દૃશ્ય નથી પણ તેમાં ચિત્રકારની કલાનું પણ ઉમેરણ થયું છે. કેમોલ્ડ આર્ટ ગેલેરીમાં ૨૪ ફેબ્રુઆરી સુધી
- 23:21
- 0 Comments