કસ્તુર કાપડિયાથી કસ્તુરબા ગાંધી
21:16કસ્તુરબા તરીકે ઓળખ બાપુને લીધે મળી પણ એમનું પણ આગવું વ્યક્તિત્વ હતું જ પણ તે એમણે મોહનદાસમાં ઓગાળી દીધું હતું.
ગાંધીજીની સાર્ધ શતાબ્દી ઉજવાઈ રહી છે ત્યારે એમના વિશે તો ખૂબ લખાશે, બોલાશે પણ તેમનો પડછાયો બની જીવેલા કસ્તુરબાનો આજે જન્મદિવસ છે. તેમના વિશે લખવા પહેલાં કસ્તુરથી કસ્તુરબા સુધીના તેમના જીવન વિશે જાણવા વાંચવું જ પડશે એવું લાગતા મણિભવનની લાયબ્રેરીમાં પહોંચી. કસ્તુરબાને ગાંધીની આત્મકથા ધ્વારા જાણેલા, તેમની ફિલ્મો અને નાટક દ્વારા થોડાઘણા જાણ્યા હતા પણ તેનાથી વિશેષ મારી પાસે કશું જ હતું નહીં. સો પુસ્તકોમાં જળવાયેલો ગાંધીનો અક્ષરદેહ અને બીજા અનેક પુસ્તકો કબાટમાંથી મારી સામે તાકી રહ્યા. મણિભવનમાં ગાંધીજી રહ્યા હતા. કસ્તુરબાની હાજરી તેમના જીવન જેવી ગાંધીના પડછાયા રૂપે દરેક પુસ્તકોમાં અનુભવાતી હતી પણ ક્યાંક તો એ પણ નહોતી અનુભવાતી. પુસ્તકો ઉથલાવતી વખતે ફક્ત ગાંધી અને તેમનું મહાત્મ્ય મારી સામે આવીને ઊભું રહેતું હતું. કસ્તુરબા ક્યારેક અછડતા નજરે પડતા હતા. કસ્તુરબા હોસ્પિટલ, કસ્તુરબા કન્યાશાળા કદાચ અનેક શહેરોમાં મળી રહેશે પણ કસ્તુરબા વિશેના પુસ્તકો ઓછા છે, અને જે છે તેમાં પણ વિશેષ કશું જ મળતું નથી કારણ કે તેમણે ગાંધીજીની જેમ પત્રો, લેખો, ભાષણો કે આત્મકથા નથી લખી. પુસ્તકોને કલાકો સુધી ઉથલાવતા સતત ફ્રસ્ટ્રેશન અનુભવાતું હતું કે કસ્તુર કાપડિયા ગાંધી જેણે ૬૦ વરસ સુધી મહાત્માના પત્ની તરીકે અને તેમના બાળકોની માતા તરીકે વિતાવ્યા હતા તેમના વિશે કેટલીક અટકળો જ કરવી રહી. થાકીને બે ઘડી ટેબલ પર માથું ઢાળી બેસી હતી ત્યાં કોઈક બાજુમાં આવીને ઊભું હોવાનો અહેસાસ થયો. માથું ઊચું કર્યું તો લાયબ્રેરીમાં કોઈ નહોતું. પાછળ જોયું તો સફેદ ખાદીની સાડી પહેરેલી એક પ્રૌઢા પુસ્તકોને સ્પર્શ કરીને કંઈક પામવાનો પ્રયત્ન કરતી જણાઈ. મારી સામે જોયા વિના જ બોલી, “કસ્તુર આ બધા જ પુસ્તકોમાં છે અને છતાં નથી. એનું હોવું ન હોવા બરાબર હતું એટલે જ તો તે મહાત્માની પત્ની હતી ખરુંને?” કહેતાં એમણે મારી સામે જોઈને સ્મિત કર્યું.
નવાઈ લાગી કે આ બહેનને કેવી રીતે ખબર પડી કે હું કસ્તુરબા વિશે અભ્યાસ કરી રહી છું. હજી કંઈ વિચારું તે પહેલાં મારી બાજુની ખુરશીમાં ટટ્ટાર બેસતાં તેઓ બોલ્યા, હું કસ્તુર કાપડિયા ગાંધી જેને તું શોધી રહી છું. તમે આજની નારીઓ આ રીતે જ ઓળખાવવાનું પસંદ કરો છો ખરું ને? પણ દોઢસો વરસ પહેલાં જન્મેલી મારા જેવી સ્ત્રીઓને પતિ એ જ પરમેશ્વર એવું ગળથૂથીમાં જ સમજ રોપી દેવામાં આવતી. અમારા માટે બીજી કોઈ વિચારધારાનો પ્રશ્ન જ નહોતો ઉદભવતો. કોઈ સંઘર્ષ જ નહીં જાત સાથે કે બીજા સાથે. ( અરુણ ગાંધીએ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ કસ્તુરબા- વાઈફ ઓફ મહાત્મા ગાંધીમાં લખ્યું છે કે કસ્તુરબા નબળા તો નહોતા જ કારણ કે તેઓ પિતૃસત્તાક માનસિકતા ધરાવતા, જક્કી, પોતાનું ધાર્યું જ કરનારા અને ક્રૂર બની શકતા પતિને સહન કરી શક્યા હતા. રામચંદ્ર ગુહાએ પણ કબૂલ્યું છે કે કસ્તુરબાના જીવનને યોગ્ય રીતે શબ્દદેહે કંડારાયું નથી.) કસ્તુરબા મારી સામે આવીને બેઠા છે અને પોતાની વાત કરી રહ્યા છે તે વિચારથી જ પત્રકાર તરીકે આનંદનું તો માણસ તરીકે ભયનું લખલખું અનુભવતી અવાક બનીને તેમને સાંભળતી રહી.
“તારા પહેલાં પણ અનેક અભ્યાસુઓએ મને શોધવાનો, જાણવાનો પ્રયત્ન કર્યો પણ જ્યારે હું જીવતી હતી ત્યારે નહીં” કહેતાં નિશ્વાસ મૂક્યો. “ મને જાણવાનો પ્રયત્ન કરે પણ શું કામ? ગાંધીજીની પત્ની હોવા ઉપરાંત મારું ક્યાં કોઈ આગવું વ્યક્તિત્વ હતું…ગાંધીજીનો પત્ર મેળવવા માટે, કે તેમનો હાથ ખભે લઈને ચાલવા માટે છોકરીઓ (પ્રેમાબહેન કંટકને બાપુના પત્રો, સંપાદન કાકા કાલેલકર) તલપાપડ હોય તે સમયે હું તેમની પત્ની હોવાનો ગર્વ લઈ શકતી. ખરું કહું તો તેમના જેવા પતિ મળ્યા તે મારું સદભાગ્ય જ છે એવું હું આજે પણ માનું છું. બાકી મારા જેવી અભણ સ્ત્રીને આજે કોણ ઓળખતું હોત? ખોટું નહીં કહું પણ બાપુએ ખૂબ પ્રેમ પણ કર્યો જ છે. લગ્ન ટકાવવા હોય તો દરેક વ્યક્તિએ કંઈક જતું કરવું પડે. બે વાસણ ભેળા હોય તો ખખડે તો ખરાજ. બાકી પેલી કહેવત છે ને કે મહાદેવના ગુણ પાર્વતી જાણે એના જેવું જ અમારું ય જીવન છે. સહેલું નથી હોતું કોઈ મહાપુરુષની પત્ની તરીકે જીવવું. વળી મેં તો તેમને બાળપણથી જ જોયા અને જાણ્યા હતા. એ મહાત્મા નહોતા, બાપુ નહોતા અને ફક્ત મોહનદાસ કરમચંદ ગાંધી હતા ત્યારથી હું તેમની સાથે જોડાયેલી હતી. આજે લોકો પૂજે છે તેમને કારણ કે તેમનું બાહ્યજીવન પારદર્શક હતું અને મૂલ્ય આધારિત હતું. એવા મૂલ્યો જેને જીવનમાં ઉતારવા સહેલા નથી. અમારા માટે એટલે કે તેમની પત્ની અને બાળકો માટે તો ખૂબ કપરી કસોટી હતી. તમારી દૃષ્ટિએ જોઈએ તો તે ખોટા નહોતા પણ પતિ અને પિતા તરીકે અમને કોઈ સ્વતંત્રતા નહોતી આપી શક્યા. એમણે જે નક્કી કર્યું તે સ્વીકાર્યે જ છૂટકો હતો. મારા માટે એ કામ કપરું નહોતું કારણ કે મારા માટે એ ભગવાન હતા, તેમનો કોઈ બોલ ઉથાપવાની મારામાં હિંમત નહોતી કારણ કે હું પરંપરિત રૂઢિઓમાં માનનારી સ્ત્રી હતી. બીજું કે ક્યારેક મેં મારો મત કે આગ્રહ વ્યક્ત કર્યા પણ હતા પણ તેને સાંભળવાની કે સમજવાની તૈયારી તો હતી જ નહીં પણ મને એક જુદી વ્યક્તિ તરીકે જોવાના પણ નહોતા. હું તેમની પત્ની હતી અને મારાથી અમુક ઈચ્છાઓ કે વર્તન કરાય જ નહીં તેવો એમનો ચોખ્ખો મત હતો. બાળપણમાં જ અમારા લગ્ન થયા તેર વરસની ઉંમરે પણ જાતીય ઈચ્છા એમની તીવ્ર હતી તે એમણે લખ્યું છે એટલે સૌ જાણો જ છો. મારે સતત તેમની ઈચ્છાને તાબે થવાનું, એ માટે તેમનો આગ્રહ એટલો રહેતો કે મારું ઘરની બહાર મંદિરે જવું પણ તેમને ગમતું નહીં. મારા માટે તેમને શંકાઓ પણ થતી. ત્યારબાદ ચાર બાળકો થયા બાદ તેમણે એક દિવસ અચાનક આવીને કહ્યું કે આજથી આપણે જુદા ઓરડામાં સૂઈશું. જાતીયવૃત્તિ પર કન્ટ્રોલ કરીશું. મારી ઈચ્છા અનિચછા તેમણે પૂછી નથી. એક પત્ની તરીકે પતિ જ્યારે યુવાનીમાં જ એમ કહી દે કે આપણે ભાઈબહેનની જેમ વર્તીશું તો કોઈપણ પત્નીને તકલીફ તો થવાની જ છે. જાતીય સંબંધ ન બાંધો રોજ પણ એક જ રૂમમાં સૂવાનું પણ નહીં. (૧૯૦૬ની સાલ પહેલાં જ) દિવસે તો તેઓ સતત લોકોથી ઘેરાયેલા, વ્યસ્ત રહેતા હોય એટલે અંગત ક્ષણ મળવી પણ મુશ્કેલ હોય. રાતના બેડરૂમમાં બે ઘડી એકાંતમાં પતિ-પત્ની નજીક આવે ત્યારે એક જાતની નિરાંત અનુભવાતી હોય છે. એ પણ નહીં કારણ કે તેમણે નક્કી કર્યું. મને શું લાગ્યું તે વિશે મેં ક્યારેય કોઈને કહ્યું નથી. હા તમારા જેવા લેખકો તેની કલ્પના કરે છે અને લખે છે (તેમણે મારી સામે પડેલી નીલિમા દાલમિયા અંધારિયાની ધ સિક્રેટ ડાયરી ઓફ કસ્તુરબા હાથમાં લીધી) સારું લખ્યું છે આ બહેને મારી ન કહેવાયેલી વાતને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે પણ એ સાચું જ છે એવું ય નથી. હા, પુત્ર હરિલાલ માટે મને દુખ થતું હતું એ સાચું. માતા અને પત્ની તરીકે હું વહેરાઈ જતી હતી તે પણ ખરું. કોઈપણ માતા એ વાત સમજી શકે છે. હરિલાલને માટે તેમણે થોડું કુણું વલણ રાખ્યું હોતતો…ખેર પણ એ શક્ય જ નહોતું કારણ કે તે મહાત્મા હતા.
પૌત્ર અરુણ ગાંધીએ પણ પ્રયત્ન કર્યો મારા સત્યને પામવાનો પણ ક્યારેય કોઈ બીજાના ચષ્માથી ચોખ્ખું જોઈ શકતું નથી એવું મને લાગે. તેઓ મારા પતિ બને તે મારી નિયતિ હતી. જેની પણ સાથે લગ્ન થાત તેની સાથે મારે જીવનની દરેક તડકાછાંયાને ભોગવવાના હતા. આજે પણ એ જ પરિસ્થિતિ છે. હું ભણી નહીં તેમની ઈચ્છા હોવા છતાં પણ તેમની સાથે રહીને સમજાયું કે ખોટી બાબતનો વિરોધ કરતાં ડરવું ન જોઈએ. સ્ત્રીઓનું સન્માન સચવાવું જોઈએ. એટલે જ રાજકોટ સત્યાગ્રહ સમયે હું મણિબહેનની ધરપકડ રાજવીએ કરી ત્યારે વિરોધ કર્યા સિવાય ન રહી શકી. રાજકોટ જઈને સ્ત્રીઓને એકત્રિત કરવાની શક્તિ શી ખબર કેવી રીતે આવી ગઈ. મારી ધરપકડ થશે ખબર હોવા છતાં કોઈ ડર નહોત બસ સ્ત્રીઓનું અપમાન સહન નહોતું કરવું, તેમને થતી જાતીય સતામણી અને અન્યાયનો વિરોધ કરવો જ હતો. મને એકાંતવાસની સજા થઈ હતી. સંયુક્ત કુટુંબમાં ઉછરેલી અને પરણેલી હું ભાગ્યે જ એકલી રહી હતી. જેલમાં જવાથી ડર લાગતો હતો પણ મને ખબર હતી કે મારા પતિને એ ગમતું હતું કે હું અન્યાય વિરુદ્ધ લડતાં જેલમાં જાઉં. જેલની સજા અનેકવાર ભોગવી પણ એકાંતવાસની સજા બે જ વાર ભોગવી છે. તેઓ ઈંગ્લેડ ભણવા ગયા અને પછી સાઉથ આફ્રિકા ગયા હતા મને મૂકીને ત્યારે ય ભરેલા ઘરમાં એકલતાનો અહેસાસ કર્યો હતો. સતત ભય પણ રહે જ કે તેમને કોઈ બીજી સ્ત્રી ગમી જશે તો શું? તેમના પર વિશ્વાસ હોવા છતાં આખરે હું પણ માનવ છું આશ્રમમાં અનેક સ્ત્રીઓ આવતી તેમનાથી અંજાઈ જતી, મને ગમતું પણ ક્યાંક ક્યારેક ખટકતું પણ ખરું. ક્યારેક તેમને કહી ય દેતી મજાકમાં પણ તેમના પર કોઈ અસર ન થતી.
મારા ગમાઅણગમાની તેમણે ક્યારેય પરવા કરી નથી. આફ્રિકામાં લોકોના મળમૂત્રવાળા પોટ ઉપાડવાનો વિરોધથી માંડીને જગન્નાથ મંદિરમાં દર્શન કરવા જવાની મારી લાગણીઓને તેમણે હિંસક રીતે રહેંશી નાખી છે. ત્યારે હું અંદરથી તૂટી જતી પણ તેમને ખબર છે મારી નબળાઈ તેઓ ખુદ છે એટલે માફી માગીને મનાવી પણ લેતા. રસોડામાં મારી હારોહાર કામ કરવા આવતા ત્યારે ગમતું પણ ખરું અને સંકોચે ય થતો શરૂઆતમાં. પણ દરેક કાર્ય પાછળની તેમની ભાવના સમજી શકતી હતી. એમણે મારી સેવાચાકરી પણ કરી છે તે કેમ ભૂલી શકું? પતિ તરીકે કે પિતા તરીકે કડક અને બેદરકાર લાગતા પણ માણસ તરીકે તેઓ ઉત્તમ હતા એટલું તો હું પણ સમજી શકતી હતી. તેમણે અમારી પતિપત્નીની અંગત વાત લખી તે મને ગમ્યું નથી પણ તેમને હું રોકી શકું એમ નહોતી.
તમે આજની છોકરીઓ બધું નકારાત્મક રીતે તોડી તોડીને જુઓ અમે બસ એકવાર લગ્ન કરીએ એટલે પતિને પરમેશ્વર માનીને પ્રેમ કરીએ. એ પ્રેમની કદર એમને હતી કે નહીં તેની પરવા મેં ન કરી. ખરું કહું તો હું ભણી હોતતો કદાચ મારી ડાયરી મેં જાતે જ લખી હોત. પણ ન લખી અને મને યોગ્ય લાગ્યું એ રીતે જીવી, ફરી જો જન્મ મળે અને મારી મરજી પૂછાય તો ફરી એમને જ પતિ તરીકે પસંદ કરું લે બોલ… ” કહેતાં તેઓ હસી પડ્યા અને ઊઠીને વળી પાછળ કબાટ તરફ ચાલ્યા. હું ફરીને તેમને જોવા જાઉં ત્યાં ખુરશી પરથી પડતાં બચી. આમતેમ જોયું તો કોઈ નહોતું, જો કોઈ કસ્તુરબા વિશે અભ્યાસ કરે તો પણ આજે દોઢસો વરસ બાદ આવું જ જાણવા મળે, સત્ય અને કલ્પનાની વચ્ચેના પડછાયા જેવું જીવન. અરુણ ગાંધીએ પણ દાદી વિશેની વાતો ભેગી કરતાં બિટવિન ધ લાઈન્સ સમજવું પડ્યું હતું. જે સ્વજનો કસ્તુરબાને જાણતા હતા તેમના ઈન્ટરવ્યું લઈને પુસ્તક લખ્યું. ત્યારે પણ દરેકને કસ્તુરબા વિશે બોલવાનું છે તેવું સતત યાદ દેવડાવવું પડતું હતું કારણ કે લોકો ગાંધીજી વિશે જ બોલવા લાગતા. કસ્તુરબા સતત ગાંધી સાથે હતા અને નહતા બન્ને સાચું હોઈ શકે.
0 comments