અલવિદા સેન કાપડિયા
ક્યારેક રસ્તામાં ચાલતાં મિત્ર જેવી વ્યક્તિ મળી જાય અને તેની સાથે વાત કરતાં કોમન મિત્રોના સંદર્ભ નીકળે. આવું કોઈકે પહેલાં કહ્યું હોત તો એવું બને કે નહીં તે સ્વીકારવું સહજ ન હોત. પણ ત્રણ મહિના પહેલાં ધરમપુરમાં આર્ચ કેમ્પસના રસ્તામાં ચાલતાં અચાનક મળેલા મૂળ મુંબઈના પણ હાલ અમેરિકાવાસી મિતાબહેનની સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે તેમનું ઘર ત્રીસેક વરસ પહેલાં સેન કાપડિયાએ ડિઝાઈન કરેલું. મારાથી બોલાઈ ગયું કે સેન કાપડિયાએ કર્યું હશે તો કંઈક જુદું જ હશે. તો મિતાબહેન કહે એ સમયે તેમણે મારા ફ્લેટમાં ઓપન કિચન રાખવાનું કહ્યું. મેં કહ્યું લોકોને એ કેવું લાગે? કિચન જો ગંદુ હોય તો દેખાય. તો સેન કહે કે તો ચોખ્ખું રાખતાં શીખી લેવાનું. જો હું ઘર ડિઝાઈન કરું તો આમ જ કરીશ. સેન કાપડિયા મારા મિત્ર એટલે દાદાગીરી બમણી કરે. તેઓ પાછા અમેરિકા જાય તે પહેલાં મને આગ્રહ સાથે તેમના મુંબઈના ઘરે બોલાવી. માર્ચ મહિનામાં અમે સેન કાપડિયાએ ડિઝાઈન કરેલું ઘર જોવા ઉત્સાહપૂર્વક ગયા. ઘર રહેનારથી બને પણ સેન કાપડિયાની ડિઝાઈન તેને આગવું વ્યક્તિત્વ આપે. નાનકડા ફ્લેટને પણ તેમણે સુંદર કલાકૃતિ બનાવી દીધી હતી.
મને યાદ આવ્યું ઘાટકોપરમાં ચિત્રકાર અતુલ ડોડિયાનો સ્ટુડિયો પચ્ચીસેક વરસ પહેલાં જોયો હતો. એક ચાલીમાં હારબદ્ધ ઊભેલા ઘરોમાંથી એકને સ્ટુડિયો બનાવ્યો હતો. એમાં પ્રવેશતાં જ કોઈ જુદી દુનિયાનો અનુભવ થાય. ત્યારબાદ અતુલ ડોડિયાનું ઘર હજુ વરસેક પહેલાં જોયું હતું. સેન કાપડિયાની ડિઝાઈન જોઈએ તો એ સામાન્ય કરતા કંઈક જુદી જ અનુભૂતિ કરાવે. મિનિમલ છતાં પ્રકાશ, અવકાશ અને રંગોનું મિશ્રણ થઈ ઘર કેનવાસ બની જાય. સેન કાપડિયા અને બાલકૃષ્ણ દોશી જેવા આર્કિટેક્ટ પોતાના આગવા વ્યક્તિત્વથી મકાનને જુદો આયામ આપે છે. સેન કાપડિયા માટે અહોભાવ સહજતાથી કેળવાતો ગયો. એમણે જાણીતા અમેરિકન આર્કિટેક્ટ લુઈ કહાન સાથે અમદાવાદની આઈઆઈએમ સંસ્થાને આકારવાના કામથી શરૂઆત કરી હતી. પછી દસેક વરસ અમેરિકા પણ રહ્યા પણ પાછા મુંબઈ આવીને પોતાનું કામ શરૂ કર્યું. મુંબઈમાં કમલા રાહેજા વિદ્યાનિધિ ઈનસ્ટિટ્યુટ ઓફ આર્કિટેક્ચર એન્ડ એન્વાર્યમેન્ટના ફાઉન્ડર ડાયરેક્ટર.
એ સેન કાપડિયાએ એપ્રિલની ૧૩મી તારિખે આખરી વિદાય લીધી.
મુંબઈના જુહુના દરિયા કિનારે આવેલા એક મકાનના પહેલાં માળે સેન કાપડિયા રહેતા હતા. એ મકાનના કમ્પાઉન્ડના બગીચામાં તેમને પ્રેમ કરતાં મિત્રો ૧૭ એપ્રિલ ૨૦૨૬ શુક્રવારની સાંજે ભેગા થાય છે. તેઓ જાઝ સંગીત અને સંધ્યાના લાલ રંગોથી રંગાયેલ આકાશ અને દરિયાના પાણીની સાક્ષીએ સહજતાથી સેન કાપડિયાની વાતો કરે છે. એમનું નામ તો છે ચંદ્રસેન કાપડિયા પણ તેમને બધા સેન કાપડિયા તરીકે જ યાદ કરે છે. આ રીતે પોતાનું નામ નક્કી કરનાર સેન કાપડિયા ખૂબ જાણીતા આર્કિટેકતો હતા જ પણ જીવનની ફિલોસોફીને પોતાની રીતે ઘડી હતી. ગુજરાતી કાપડના વેપારીને ત્યાં ૧૯૩૬ની સાલમાં જન્મ. કાલબાદેવીથી નીકળીને વિશ્વમાનવ બનેલા સેન કાપડિયાએ લોકોના ઘર જ નહીં પણ લોકોના જીવનને પણ આકાર આપ્યો હતો. તેમની ફિલોસોફી હતી કે તમે જે પણ કામ કરો એમાં ઓતપ્રોત થઈ જાઓ. કોઈ કામ ઉપર છલ્લું ન કરો. તેમણે પુસ્તક લખ્યું છે ‘ઈન પર્સ્યુઅન્સ ઓફ મિનિંગ’
પ્રબોધ પરીખ, અતુલ ડોડિયા, પિન્કેશ શાહ, ઈંદિરા બ્રોકર જેવા અનેક મિત્રોએ તેમની સ્મૃતિને વાગોળી.
વાચકોની જાણ ખાતર ધરમપુરનું સાયન્સ સેન્ટર તેમણે ડિઝાઈન કર્યું છે. મુંબઈમાં ગુજરાત રિસર્ચ સેન્ટર, ગાંધીનગરનું એનઆઈડી, કુશીનગરનું બૌદ્ધ ધાર્મિક સ્થાપત્ય વગેરે વગેરે.



Comments
Post a Comment