થોડી ગપસપ

 









થોડી ગપસપ






ધરમપુરના રસ્તા ઉપર ચાલતાં હું ફ્રાન્સની કેફેમાં હેન્રી સાથે બેઠેલી અનાઈસ નીનની કલ્પના કરું છું. મુંબઈની કેફેમાં સિગરેટ  અને બિયરના ઘૂંટડા ભરતાં કોમ્પ્યુટર પર કામ કરતી યુવતીઓને જોઈને ઓસપેન્સ્કિના પુસ્તકોમાં વર્ણવેલા  ફ્રાન્સના કેફેની કલ્પનામાં સરી પડું છું. ગુર્ઝિએફ, હક્સલી અને ઓસ્પેન્સ્કિને કેફેની બહારના ટેબલ પર કોફીના કપની સાક્ષીએ મૌન વાર્તાલાપ કરતાં જોઉં છું. ધરમપુર અને મુંબઈ બન્ને સ્થળોને ફ્રાન્સ સાથે કે અનાઈસ નીન સાથે કોઈ સંબંધ નથી. મારા મનમાં વિશ્વના પ્રદેશોની કલ્પનાઓ પુસ્તકો દ્વારા રચાઈ છે. એમાં હિમાચલના પહાડોની ઠંડી રાતોમાં  નિર્મલ વર્માની નવલકથાનું પ્રાગ પ્રગટ  થતું અનુભવાય છે. ગરમીની બપોરે  મેક્સિકન લેખક હુઆન રુસોએ પેદરો પરામોમાં વર્ણવેલું મેજિક રિઅલીઝમની ઝાંખી થાય છે. તો પ્રયાગરાજમાં કુંભમેળામાં ફરતાં તોમસ એલો માર્ટિનેઝ લિખિત ટેન્ગો સિંગર  પુસ્તકમાં વર્ણવેલા બુએના એરિઝ શહેરને અનુભવું છું. 


ગ્રેબિઅલ ગાર્સિયા માર્કેઝના સોલિટ્યુડ પ્રદેશની કલ્પનાને ક્યારેક હવામાં તરતી જોઉં છું. મેજિક રિઅલિઝમનું મેજિક મારામાં વણાઈ ગયું છે. મેજિક મને મારામાંથી બહાર કાઢીને નવો અવતાર આપે છે. સ્થળ અને કાળને અતિક્રમવાની પાંખ મને લેખકો આપે છે. વાંચવાની મજા બાળપણથી મેં માણી છે. બકોર પટેલને વાંચતાં મેં અમારા જાડા ફેમિલિ ડોકટરમાં  હાથી ડોકટરની કલ્પના કરી છે. મારા લાંબા પાડોશીમાં ઊંટની કલ્પના કરી હસી પડું અને તેઓ જોઈ જાય તો અલી છોકરી કેમ હસે છે? સવાલનો જવાબ આપવાનો હોય એટલી સમજ મને કઈ રીતે ત્યારે આવી હતી તેની નવાઈ આજે પણ લાગે છે. 


પુસ્તકોની દુનિયામાં મારા પિતા મને બાળપણમાં આંગળી પકડીને લઈ ગયેલા. પિતા મ્યુનિસિપલ શિક્ષક હોવાથી શાળાની લાયબ્રેરીમાં લઈ જતા. શાળા સિવાય પણ ગ્રાન્ટરોડ પર મ્યુનિસિપલ શાળાના શિક્ષકો માટે એક મોટી લાયબ્રેરી હતી. સમજણી થઈ ત્યારથી પિતાને પુસ્તકો વાંચતા જોયા હતા. અનેકવાર વાંચતાં ખડખડાટ હસે ત્યારે નવાઈથી જોઈ રહેતી. તો ક્યારેક તેમની આંખના ખૂણેથી આંસુનું એકાદું ટીપું જોઈને થતું પુસ્તકોમાં એવું શું છે? જલ્દી જલ્દી વાંચતા શીખવાની તાલાવેલી પણ લાગી. પણ સમયે શાળામાં પહેલાં ધોરણમાં વરસની ઉંમરે પ્રવેશ અપાતો. પહેલાં બાલમંદિર હોય. મારી મા મને બાલમંદિરમાં મૂકવા પણ આવી હતી. લગભગ ત્રણ કે ચાર વરસની હોઈશ. મને હજુ યાદ છે. બાળમંદિરમાં મને મૂકીને મા જેવી બહાર ગઈ કે મોટો ભેંકડો તાણીને રડવા લાગી. દૃશ્ય મારી સ્મૃતિમાં આજે પણ એવું સચવાયેલું છે. સ્વદેશી માર્કેટની ઉપર આવેલી ઈમારતની ચાલીમાં એક ઘરમાં બાલમંદિર હતું. બીજા બાળકો પણ અંદર હતાં. બહાર ચાલી ખુલ્લી હતી. તેની બાજુમાં માર્કેટનું ડોમ દેખાતું હતું. મને સફેદ એમ્બ્રોયડરી વાળું બાય વિનાનું ફ્રોક પહેરાવ્યું હતું અને ફ્રોક ઉપર સેફ્ટીપીનથી છાતી પાસે રૂમાલ પણ લટકાવ્યો હતો. હાથમાં પાટીપેન હતા. બહાર ગુજરાતી સાડી પહેરેલી મારી મા ઊભી હતી.  મને રડતી જોઈને મારી માએ અંદર આવી  તેડી લીધી. બસ પછી હું બાલમંદિર ગઈ નથી. ત્યારે માએ કેમ મને મારીને પાછી બાલમંદિર મૂકી? કે કેમ મને રડતી મૂકીને તે જતી રહી? સવાલો મને થાય અને તેને પૂછું પહેલાં તો પણ દુનિયા છોડી જતી રહી. કંઈક જુદી રીતે ચોક્કસ વિચારતી હશે. એવું આજે લાગે છે. 


પહેલાં ધોરણમાં વાંચતા લખતાં શીખી લીધું કે બીજા ધોરણથી વાર્તાના પુસ્તકો વાંચવાના શરૂ. ૧૯૭૨-૭૩ની વાત છે.  સમયે ઝગમગ અને ફુલવાડી નામે બાળકોનું છાપું આવતું. મારા પિતાએ બંધાવેલું. અઠવાડિયે એકવાર આવતું ટેબ્લોઈડ સાઈઝના છાપા માટે હું છાપાવાળા ફેરિયાની રાહ જોતી દાદર પાસે ઊભી રહેતી. જેવો દાદરો ચઢે કે તેની પાસેથી છાપું લઈને દોડતી ઘરમાં જઈને વાંચવા બેસી જતી. ક્યારેક તો છાપાવાળાની વઢી પણ લેતી કે મોડો કેમ આવ્યો? દર અઠવાડિયાના બે છાપાં, ઉપરાંત ચંપક, ચાંદામામા તો ખરું .

વેકેશન હોય ત્યારે બધું વાંચવાનું જલ્દી પતી જતું. એટલે લાયબ્રેરીમાંથી પુસ્તકો આવતાં થયાં. હું જેમ જેમ મોટી થતી ગઈ તેમ  પુસ્તકોના વિષયો અને દળમાં ફરક પડતો ગયો. મારા પિતાને જેમ્સ હેડલી ચેઈઝ અને અગાથા ક્રિસ્ટીના ટ્રાન્સલેશન વાંચતાં  એસએનડીટી કોલેજમાં જોડાઈ અને લાયબ્રેરીનું કાર્ડ મળતાં આનંદ આનંદ થઈ ગયો. એસએનડીટી ચર્ચગેટમાં બે માળની લાયબ્રેરી. લાયબ્રેરીમાં પુસ્તકો માટે નાની લિફ્ટ ત્યારે હતી. વાત છે. ૧૯૭૧ના સાલની. લાયબ્રેરીમાં હતી બધાં ગુજરાતી પુસ્તકો વાંચ્યા. ત્યારબાદ હિન્દુજા કોલેજમાં ગઈ તો ત્યાંની લાયબ્રેરિયન સાથે દોસ્તી થઈ. પછી તો અંગ્રેજીમાં પણ વાંચવાનું શરૂ કર્યું હતું. મારા મકાનમાં એક છોકરી રહેતી હતી જ્હાન્વી એનું નામ હતું. આજે ક્યાં છે તે ખબર નથી પણ અંગ્રેજીમાં વાંચવાની શરૂઆત તેને કારણે થઈ. મારાથી બેચાર વરસ મોટી હશે. અંગ્રેજી માધ્યમમાં ભણી હતી એટલે તે અંગ્રેજી પુસ્તકો વાંચતી. એકવાર મેં એને સવાલ પૂછ્યો કે અંગ્રેજી પુસ્તકો વાંચવા છે પણ અંગ્રેજીમાં તકલીફ પડે છે. શું કરી શકાય? તો કહે કે એક કામ કર. મિલ્સ એન્ડ બુન્સના પુસ્તકો વાંચવાથી શરૂઆત કર. તે સમયે અખબારની દુકાનો કાલબાદેવીમાં બે ચાર હતી. તેમાંથી એકાદ બે જણા પુસ્તકો પણ ભાડે વાંચવા આપતાં. પચાસ પૈસા લેતાં. એની પાસેથી મિલ્સ એન્ડ બુન્સની પોકેટ બુક્સ મળી. એની પાસેથી અમે રાજહંસની પોકેટ બુક્સ વાંચવા લેતા હતા. મિલ્સ એન્ડ બુન્સમાં રોમેન્ટિક વાર્તાઓ હોય. ટીનએજ યુવતી તરીકે મને ત્યારે નવલકથા વાંચવામાં રસ પડ્યો. અંગ્રેજી સરળ હોય. રસપૂર્વક લખાયેલી હોય એટલે કેટલાક શબ્દો સમજાતાં તો તે વાર્તા સમજાઈ જતી. શરૂઆતમાં પુસ્તક વાંચતાં ચારથી સાત દિવસ લાગ્યા. પણ દસબાર પુસ્તક વાંચ્યા બાદ એકાદ બે દિવસમાં પુસ્તક પુરું થઈ જતું. વીસેક પુસ્તકો વાંચ્યા બાદ રોમેન્ટિક વાર્તાઓનો કંટાળો આવવા લાગ્યો. એટલે  તેની પાસે પોકેટ બુક્સમાં અન્ય નવલકથાઓ હતી તે ભાડે લઈને વાંચવા લાગી. અને પછી તો લાગ્યું કે અખબારવાળાની દુકાનમાં રસ પડે એવું કશું નથી તો પેટિટ લાયબ્રેરીમાં મેમ્બરશીપ લીધી. અંગ્રેજી વાંચતાં તો દુનિયાના સાહિત્યનો ખજાનો મળી ગયો. રશિયન, ઈટાલિયન વગેરે અનેક પુસ્તકો વાંચ્યાં. ત્યારે નક્કી કર્યું હતું કે પુસ્તકો હોય અને વંચાતાં હોય તે ઘરમાં લગ્ન કરવાં. જો કે લાયબ્રેરીમાં દીપકની મુલાકાત થઈ હતી અને ભગવાનની કૃપાથી લગ્ન પણ થયા એની સાથે જે સાહિત્ય સાથે સંકળાયેલ હતો. આમ પુસ્તકોની સાથે જીવનભર રહેવા મળ્યું. તે છતાં આજે કોઈ લાયબ્રેરીમાં જવાનું થાય તો હૈયું આનંદથી ભરાય આવે. વંચાય કે વંચાય બધાં પુસ્તકો પણ જોઈને અભરે ભરાય જવાય. બસ એમ બધું કહેવાઈ ગયું.    

Comments