યે કબ્રસ્તાન બુલા રહા હૈ હમે….



લેન્ડોર જવાની ઘણા સમયથી ઈચ્છા હતી. મસુરીને પ્રવાસીઓએ ઘણું વિસ્તારી દીધું છે. મસુરીને અડીને શરૂ થાય લેન્ડોર વિસ્તાર. મસુરીથી લેન્ડોર ૧૦ કિલોમીટર. લેન્ડોર એટલું ગીચ જોયું કે થયું મુંબઈના કોઈ વિસ્તારમાં તો નથી આવી ગઈ ને. પણ બસ લેન્ડોરથી એક કિલોમીટર ઉપર લેન્ડોરનો કેન્ટોનમેન્ટ વિસ્તાર શરૂ થાય. અંગ્રેજો મસુરીની સાથે વિસ્તારમાં પણ શાંતિ અને ઠંડક માટે પહોંચ્યા હતા. હવે વિસ્તારમાં ડિફેન્સનું થાણું છે. એટલે અહીં બહુ વિકાસ થયો નથી. જે સૌથી સારી વાત છે. એને કારણે અહીં જંગલો વધુ અને મકાનો ઓછા દેખાય છે. જ્યારે નીચે લેન્ડોરમાં કોન્ક્રિટનું જંગલ છે અને આસપાસ પહાડો છે. પહેલી વાર હું અને મારી વેવાણ છાયા વિસ્તારમાં જતાં હોવાથી ખબર નહોતી કે ક્યાં રહેવું. તે છતાં ઓનલાઈન ખાંખાખોળા કરી એક હોમસ્ટે બુક કરી લીધું હતું. લેન્ડોરની પ્રસિદ્ધ ચાર દુકાનથી બસો મીટર દૂર હતું. ત્યાંથી વળી બસો મીટરના ઢોળાવ પર ચાલીને હોમસ્ટે સુધી પહોંચાતું. મુખ્ય રસ્તાથી નીચે અને બ્રાઉન ઓકના જંગલોની વચ્ચે હતું. ત્યાંથી પણ નીચે મસુરી દેખાતું હતું. 

મુખ્ય રસ્તાથી દૂર અને જંગલ જેવા વિસ્તારમાં હોવાથી અદભૂત શાંતિ હતી. લેન્ડોરની ચાર દુકાન અને બેકહાઉસ બેકરીને રીલ બનાવનારાઓ એટલું રોમેન્ટિસાઈઝ કર્યું છે કે હવે ત્યાં સતત ભીડ રહે છે. જો ભીડ હોય તો ખરેખર ખૂબ સુંદર જગ્યા છે. લેન્ડોરનો કેન્ટોનમેન્ટ વિસ્તાર લગભગ ત્રણેક કિલોમીટની પ્રદક્ષિણા કરો તો પૂરો થઈ જાય. રસ્તા પર જ્યારે વાહનો હોય ત્યારે ચાલવાની મજા અવર્ણનીય છે. વિસ્તારને ચક્કર પણ કહે છે. તમે એક ચક્કર મારીને આખો કેન્ટોટમેન્ટ વિસ્તાર ફરી લઈ શકો. વિસ્તારમાં એક ખાસ પ્રકારના વૃક્ષ ઊગે છે.  બ્રાઉન ઑક કહે છે. હિન્દીમાં તે ખરસુના નામે જાણીતું છે. વૃક્ષની ખરબચડું થડ અને પાતળી લાંબી ડાળીઓ. લીલા સહેજ લાંબા પાનની પાછલી બાજુ મખમલી સફેદ. હવામાં પાંદડા ફરફરે ત્યારે લીલા અને સફેદ રંગનો મેળ દેખાય. તેના પર અનેક પક્ષીઓ જોવા મળ્યા. ઑક સિવાય પહાડોની ગરિમા જેવા દેવદારના વૃક્ષોનું જંગલ તમને શાંત સમાધિસ્થ કરે.

 ચાલતાં ચાલતાં વચ્ચે એક કબ્રસ્તાન આવ્યું. સમયને પાર કરીને ઊભેલું કબ્રસ્તાન રસ્તાની બન્ને બાજુઓ  ઉપર દેખાય. બહુ ધ્યાનથી જુઓ ત્યારે રસ્તાની નીચેની તરફ દેવદારના વૃક્ષોની વચ્ચે થોડી કબરો અને એક ગેટ પણ જોઈ શકાય. ઢોળાવ ઊતરીને એને નજીકથી જોવા પહોંચી. નીચે પહોંચીને જોયું તો કબર ઉપર ૧૮૭૧ની સાલ વંચાઈ. લેન્ડોર જતાં પહેલાં જેટલા વિડિયો જોયા હતા તેમાં ફક્ત ચર્ચ, ચાર દુકાન અને બેકહાઉસ વિશે માહિતી હતી. કબ્રસ્તાનમાં ૨૦૦ વરસનો ઈતિહાસ દફન થઈને પડ્યો છે. ઊંચા દેવદારના વૃક્ષોનું ગાઢ જંગલ, કબરો અને હું. પાછાવળીને ઉપર જોયું તો રસ્તો દેખાય કે માણસો. આગળ જોયું તો પગથિયા પણ હતા. પગથિયા ઉતરતાં વિચારતી હતી કે મારે ડરવું જોઈએ? હકિકતમાં મને સ્થળ જરાય ડરામણું લાગ્યું. ઉલ્ટાનું ઈતિહાસને વાંચવાના પ્રયત્નો કર્યા. એક કબર ઉપર દેવળ જેવો ઘાટ આપવામાં આવ્યો હતો. અંદર એક કાળા પથ્થરમાં લખેલું હતું. ટુ મેમરી દિ ટેરેસા મારિઆ કાર્નપછીના અક્ષરો સ્પષ્ટ વંચાયા નહીં. તારીખ ૨૩ ઓગષ્ટ ૫૯ વંચાતી હતી. બીજી એક કબર ઉપર આછું સાર્લોટે જેવું વંચાયું અને તારીખ હતી ઓક્ટોબર ૧૮૭૧.  હજુ નીચે જવાતું હતું પણ ઢોળાવ બહુ સીધો હતો એટલે થોડીવાર ઊભી રહી, વાતાવરણની સ્તબ્ધતા માણી. મંદિરોના ખંડરો જોયા હતા પહેલાં પણ કબ્રસ્તાનની તૂટેલી દિવાલો અને ખંડેર થઈ રહેલી કબરોની વચ્ચે પહેલીવાર ઊભી હતી. ડર નહોતો લાગ્યો. કદાચ સાફ વાતાવરણ અને ઉપર રસ્તા પર અનેક લોકો છે એની જાણ પણ હોય. કબરોને લીધે વિસ્તારની સુંદરતા ઓછી નહોતી જણાતી. લેન્ડોરમાં વસતાં જાણીતા લેખક રશ્કિન બોન્ડે અનેક ભૂતકથાઓ લખી છે. સ્થળ ચોમાસામાં કે શિયાળાની ધૂંધમાં રહસ્યમય ચોક્કસ લાગતું હશે. તડકામાં એના બધા રહસ્યો બાષ્પીભવન થઈ ગયા હતા. હું લગભગ વિચારશૂન્ય થઈ ગઈ હતી ત્યારે. લેન્ડોરની મારી યાદગાર ક્ષણો હતી. 

લેન્ડોર કેન્ટોનમેન્ટ વિસ્તારમાં અંગ્રેજોની નિશાનીઓ જોઈ શકાય છે. તેમનું આર્કિટેકચર કુદરતની સાથે એક થઈ જતું અનુભવાય. એમાં ઉપયોગમાં લેવાયેલા પથ્થરો અને કળાત્મકતા પહાડની નીરવતામાં ખલેલ પહોંચાડે. લોકોનો કોલાહલ, મોટરો અને સ્કૂટરોના હોર્ન ક્યારેક શાંત મનને વાગે પણ કુદરતમાં દરેક ઘાવને ભરવાની શક્તિ છે.     

ચાર દુકાનથી એકાદ કિલોમીટરે ચાલતાં  લાલ ટિબ્બા આવે. ત્યાં એક કેફે છે. જો મોસમ સાફ હોય તો ત્યાંથી હિમશિખરોની શૃંખલા જોઈ શકાય છે. મને બે દિવસ તો જોવા મળી. પણ છેલ્લા દિવસે જ્યારે લેન્ડોરથી નીકળતા પહેલાં ત્યાંના રસ્તા પર ચાલવાનો મોહ છોડી શકતા લાલ ટિબ્બા સુધી સવારે ૧૦.૩૦ પહોંચી તો સામે આછા હિમશિખરોનો અદભૂત નજારો હતો. માણસોનો કોલાહલ દૃશ્ય જોતાં ક્યાંય ઓગળી ગયો. બંદરપુછ, યમુનોત્રી, કેદાર પર્વત અને શિવાલિક રેન્જનો અદભૂત નજારો જોતાં સમયની પાર નીકળી ગઈ. હિમશિખરો પહેલાં નજીકથી જોયા છે તે છતાં જ્યારે પણ જોઈએ ત્યારે નતમસ્તક થઈ જવાય છે. આસપાસ પોતાની વ્યક્તિ હોય તો હરખમાં તેની સામે જોવાય જાય. પણ એકલા હો ત્યારે દૃશ્યમાં સમાઈ જવાય. બે હાથ જોડીને ભીની આંખે આભાર માન્યો. લેન્ડોરને છોડતા પહેલાં મને અનાયાસે આપેલા સુંદર દૃશ્યની ભેટ આંખો દ્વારા હૃદયમાં ઉતારી પાછી વળી.  

Comments