મારાડોનાથી મેસ્સી ૧૯૮૬-૨૦૨૬






 વર્લ્ડકપ રમવાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં આર્જેન્ટિના ત્રણ વાર વર્લ્ડકપ જીતી ચૂક્યું છે. પહેલો વર્લ્ડકપ ૧૯૮૬માં ત્યારે મારાડોના ફુટબોલનો સ્ટાર ખેલાડી હતો. એ મેચ રાત્રે જાગીને મેં જોઈ હતી. ૮૬માં જ મારા ઘરે પહેલું ૧૪ ઈંચનું બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી ફુટબોલ મેચ જોવા માટે પપ્પાએ લઈ આપ્યું હતું. ત્યારબાદ ૧૯૭૮ અને ૨૦૨૨માં આર્જેન્ટિનાએ વર્લ્ડકપ જીત્યો છે. સૌથી વધુ પાંચ વાર બ્રાઝિલે વર્લ્ડકપ જીત્યો છે તો જર્મની અને ઈટલીએ ચારવાર જીત્યો છે. ત્રણવાર વર્લ્ડકપ જીતીને આર્જેન્ટિના ત્રીજા નંબરે છે. ૧૯૮૬ થી આર્જેન્ટિના સાથે મારો નાતો અનાયાસે બંધાયો છે. 


હવે રોજ ફુટબોલની મેચ નથી જોતી. હાઈલાઈટ્સ જોઈ લઉં છું.  આર્જેન્ટિના અને મેસ્સી બન્નેને કારણે  ગઈકાલે લાઈવ જોવા બેઠી. પણ  ઈજિપ્ત સામે આર્જેન્ટિનાની ટીમ જે રીતે રમી રહી હતી તે જોતાં ફર્સ્ટહાફ બાદ ટીવી બંધ કરી સૂવાનું વધુ સારું લાગ્યું. સવારે ઊઠીને છાપું ખોલતાાં જ આર્જેન્ટિનાની ૩-૨ ઈજિપ્ત સામેની જીત જોઈ. હાઈલાઈટ્સ જોવી જ પડે. ફર્સ્ટહાફમાં મેસ્સીને ત્રણેકવાર  પેનલ્ટીગોલ મારવા મળ્યો હોવા છતાં ઈજિપ્તના ગોલકિપરે આબાદ દરેક ગોલ બચાવ્યા. ઈજિપ્તની ટીમ પૂરી સજ્જતાથી રમી રહી હતી તો આર્જેન્ટિનાની ટીમ અને તેનો કેપ્ટન મેસ્સી થાકેલા લાગતા હતા.  આ નોકઆઉટ મેચ હતી. જે ટીમ હારે તે હરિફાઈમાંથી બહાર જતી રહે. ૭ જૂને ઈજિપ્ત અને આર્જેન્ટિના વચ્ચે હરિફાઈમાં પોતાની ટીમને રાખવા માટે જીવન-મરણનો જંગ હતો. સેકન્ડહાફ બાદ પણ ઈજિપ્ત સબળી પોજિશનમાં હતું બે ગોલ સાથે. એમાં પણ બીજો ગોલ તો પેનલ્ટીને કારણે ગણાશે નહીં એવી જાહેરાત થતાં તરત જ ઈજિપ્તે એ જ રીતે ફરીથી ગોલ કરી બીજો ગોલ અંકે કરી લીધો. આર્જેન્ટિનાના પ્રેક્ષકોના ચહેરાનું નૂર ઊડી ગયું હતું તો ઈજિપ્તના ફેન સાતમાં આસમાને હતા. 


૨૦૧૪માં આર્જેન્ટિના અને જર્મની વચ્ચે ફાઈનલ રમાઈ હતી. જર્મની એક ગોલથી વર્લ્ડકપ જીતી ગઈ જ્યારે આર્જેન્ટિનાની ટીમ એકપણ ગોલ નહોતી કરી શકી. મેસ્સીની બોડી લેન્ગવેજમાં પણ હારી ગયેલી વ્યક્તિની હતાશા મેદાનમાં રમત ચાલુ હતી ત્યારે પણ જણાતી હતી. ચાર વરસ બાદ ૨૦૧૮માં શરૂઆતની મેચમાં જ ક્રોશિયાની સામે આર્જેન્ટિના હારી ગયું.  હારજીતની એટલી અસર થાય છે કે ૨૦૧૪માં ફાઈનલમાં પહોંચેલી ટીમ ૨૦૧૮માં ક્રોશિયાની સામે શરૂઆતની મેચમાં જ હારી જાય તે દર્શકોથી પણ સહન થઈ શક્યું નહોતું. આર્જેન્ટિનાના દર્શકો રડી પડ્યા અને એક સમયનો આર્જેન્ટિનાનો સ્ટાર ખેલાડી મારાડોના ડિએગો પણ રડી પડ્યો હતો. જીવનમાં પણ એવું જ બનતું હોય છે કે જેની અપેક્ષા રાખી હોય તે ન બને અને નિરાશ થઈ જઈએ, રડી પડીએ કે આપઘાત પણ કરી બેસીએ. રમતો આપણે શું કામ રમીએ છીએ કે જોઈએ છીએ? એ સવાલ વિશે વિચારીએ તો સમજાય કે રમત આપણને સ્ટ્રોન્ગ બનાવે છે. તનથી જ નહીં મનથી પણ. સતત ઊભી થતી વિષમ પરિસ્થિતિમાં ઝઝૂમવાનું શીખવાડે છે. હાર કે જીત બન્ને નમ્રતાથી સ્વીકારવાનું શીખવે છે કારણ કે કશું જ સ્થાયી નથી. દર ચાર વરસે વર્લ્ડ કપ આવશે અને હાર-જીતનાં સમીકરણો બદલાતાં રહે છે. સતત કોઈ જીતી શકતું નથી. ૨૦૨૨માં આર્જેન્ટિનાએ ફ્રાન્સ સામે જબરદસ્ત લડત આપી કપ જીતી લીધો હતો. આ વખતે ફરી આર્જેન્ટિના ૨૦૧૪ના મોડ પર હતું. આખી ટીમ થાકેલી હારેલી દેખાતી હતી. પણ છેલ્લી દસેક મિનિટની મેચમાં લિયોનાર્દો મેસ્સીએ રમતનું એપી સેન્ટર બદલ્યું. જમણીબાજુથી રમતો મેસ્સી સેન્ટરમાં સ્પેસ ક્રિએટ કરી અન્ય ખેલાડીઓને બોલ પાસ કરી રહ્યો હતો. તેની એનર્જી બદલાઈ અને આખી ટીમ ચાર્જ થઈ ગઈ.  અને તેમાં એક ગોલ રોમેરોએ માથું મારીને અદભૂત રીતે કર્યો. બીજો ગોલ મેસ્સીએ પોતે કર્યો અને મેચ ટાઈ થઈ. અને સ્ટેડિયમનું માહોલ બદલાઈ ગયું. ઈજિપ્તના ફેન ટેન્શનમાં આવી ગયા અને નિરાશ થયેલા આર્જેન્ટિનાના ફેન નાચવા લાગ્યા. છેવટે ફર્નાન્ડિઝે ત્રીજો ગોલ કર્યો અને આર્જેન્ટિના વર્લ્ડકપમાં પોતાનું સ્થાન સાચવવા સક્ષમ બન્યું. આ બધું જ છેલ્લી દસેક મિનિટમાં બન્યું.  


મેસ્સી નંબર વન ખેલાડી રહી ચૂક્યો છે તેની પાછળ જીવનમાં હાર સ્વીકારીને બેસી ન રહેવાની તેની જીદ્દ હતી. વરસો સુધી તેણે આ સફળતા મેળવવા સખત મહેનત કરી છે. નાનો હતો ત્યારથી જ તેને ફૂટબોલ પ્રત્યેનો પ્રેમ વારસામાં મળ્યો હતો. ફૂટબોલ સરસ રમતો પણ દુબળો પાતળો મેસ્સી એક રોગથી પીડાતો હતો. તેને ૧૦ વરસની ઉંમરે ગ્રોથ હોર્મોન ડેફિસિઅન્સી નામનો રોગ થયો હતો. તેમાં શારીરિક અને માનસિક તકલીફો થાય. હાડકાની અને શરીરની ડેન્સિટી ઓછી હોય. માનસિક રીતે ડિપ્રેશન, યાદશક્તિ ઓછી થાય. તેની ટ્રીટમેન્ટનો ખર્ચ મહિને એક હજાર ડોલર આવતો જે તેના માતાપિતાની ક્ષમતાની બહાર હતો. પિટ્યુટરી ગ્લેન્ડમાં તકલીફ હોવાને કારણે રોગ થાય છે. તેણે હોર્મોનના ઈન્જેકશન લેવા પડે કે રેડિએશન કે સર્જરી કરાવવી પડે. આર્જેન્ટિનામાં જન્મેલા મેસ્સીએ ટ્રિટમેન્ટના ખર્ચને પહોંચી વળવા માટે બાર્સેલોના આવવું પડ્યું અને ત્યારથી એ બાર્સેલોનાની ટીમ સાથે રમે છે. દસ વરસ સુધીમાં એટલે કે ૧૯૯૪થી ૨૦૦૦ સુધીમાં નેવેલ્સ ઑલ્ડ બોયઝ ક્લબ તરફથી રમતાં તેણે ૫૦૦ ગોલ કર્યા હતા. તેની રમતને લીધે તેની ડિમાન્ડ હતી પરંતુ, તેની બીમારીને લીધે બાર્સેલોના તેને ટીમમાં લેવા ન લેવા બાબતે અવઢવમાં હતા, પરંતુ બાર્સેલોનાને પણ પોતાની જીત માટે સારા પ્લેયરની જરૂર હતી એટલે છેલ્લી ઘડીએ ટીસ્યુ પેપર પર કોન્ટ્રેક્ટ કરીને મેસ્સીને ટીમમાં લીધો. ફૂટબોલ માટે સખત શારીરિક માળખું અને ઊર્જાની જરૂર હોય છે. મેસ્સીએ તેના નસીબને પોતાના આત્મવિશ્ર્વાસથી બદલી નાખ્યું. પોતાના દેશ આર્જેન્ટિના માટે રમવાનું સપનું છેવટે તેણે પુરું કર્યું. તેને મેદાનમાં રમતો જોઈને કોઈને ખ્યાલ પણ ન આવે કે તેને હોર્મોનલ ગ્રોથ ડેફિસિયન્સીની તકલીફ છે. મેસ્સી અત્યાર સુધી સ્ત્રીઓ અને પુરુષોનો હોટ ફેવરિટ સ્ટાર રહ્યો છે. 


    

Comments