પ્રેમનો સંદેશો.... 9-1-13

00:13


ભારત પાકિસ્તાન કરતાં પણ કટ્ટર દુશ્મની કોઇ બે દેશ વચ્ચે હોય તો ઇરાન અને ઇઝરાયલ વચ્ચે છે. છેલ્લા દશ વરસોથી ત્યાં સતત યુધ્ધ ખેલાઇ રહ્યું છે. મધ્યપૂર્વના આ દેશો વચ્ચે બાપે માર્યા વેર છે. એટલે સુધી કે તમે ઇઝરાયેલમાંથી ઇરાનનો ફોન નંબર ઘુમાવો તો લાઈન સામે પહોંચે જ નહીં. બે દેશો વચ્ચે કોઇ સંપર્ક કે સેતુ થવાની સંભાવના પણ નહોતી. અને તે પણ આજના ટેકનોલોજીના યુગમાં જ્યાં સોશ્યલ નેટવર્ક લોકો રસ્તે ચાલતાં ચાલતાં અપડેટ કરતાં હોય છે. 2012ના માર્ચ મહિનામાં દુશ્મનીની દિવાલમાં રોની એડ્રિ નામના એક ઇઝરાયલી ગ્રાફિક ડિઝાઈનરે ગાબડું પાડ્યું અને ઇરાનના લોકોનો સંપર્ક કર્યો.
ફેસબુકનો ઉપયોગ આજે ફક્ત મિત્રો કે પ્રેમી મેળવવા માટે નથી થતો તે સૌ કોઇ જાણે છે. ફેસબુક ક્રાંતિનો સંદેશો પણ ફેલાવે છે. ઇજીપ્ત, ટ્યુનિશિયા જેવા દેશોમાં થયેલ ક્રાંતિ ફેસબુક ધ્વારા દુનિયા સુધી પહોંચી હતી. ઇઝરાયેલના તેલ અવીવ શહેરમાં રહેતા રોની અવારનવાર ફેસબુક પર અપડેટ કરતો હતો. તેણે માર્ચ 2012ના પોતાના ફેસબુક પર એક પોસ્ટર મૂક્યું તેમાં રોની તેની દીકરી સાથે ઇઝરાયેલનો ધ્વજ લઈને ઊભો છે અને નીચે લખ્યુ છે કે ઇરાનીઓ અમે તમારા દેશ પર ક્યારેય બોમ્બ નહીં નાખીએ. વી લવ યુ ઇરાન. આ પોસ્ટર બનાવવાનો વિચાર તેને કઈ રીતે આવ્યો તે જણાવતાં રોની કહે છેકે , એકવાર તે કરિયાણું લેવા માટે સ્ટોરમાં લાઈનમાં ઊભો હતો ત્યારે દુકાનદાર એક ગ્રાહક સાથે વાત કરતા કહી રહ્યો હતો કે આપણા પર (ઇઝરાયલ) દશ હજાર મિસાઈલો પડવાની છે. તો ગ્રાહકે કહ્યું કે દશ હજાર મિસાઈલો એક દિવસમાં એમ કહો. આ સંવાદ સાંભળીને રોનીને થયું કે વરસોથી બન્ને દેશના લોકો ભયમાં જીવી રહ્યા છે. લોકોનો ભય દૂર કરવા કંઈક કરવાની જરુર છે. આ યુધ્ધ ક્યાં સુધી ચાલશે.. તેને અટકાવવાના પ્રયત્નો લોકોએ જ કરવા પડશે. રોની કહે છે કે, હું ગ્રાફિક ડિઝાઈનર છું એટલે મેં આ પોસ્ટર બનાવ્યું અને ફેસબુકની મારી વોલ પર અપડેટ કરીને સૂઈ ગયો. અડધી રાત્રે મારી ઊંઘ ઊડી ગઇ અને હું કોમ્પયુટર ખોલીને બેઠો તો મારા આશ્ચર્ય વચ્ચે કેટલાક મેસેજ મારા માટે હતા તેમાંથી કોઇને હું જાણતો નહોતો..ઇરાનીઓ તરફથી પણ મેસેજ હતા. અમે ફેસબુક પર પણ ઇરાનીઓને મિત્ર તરીકે અપનાવી ન શકીએ તેવી ઇઝરાયેલમાં સિસ્ટમ છે. એટલે મારા મિત્રો બધા મારા પડોશી ઇઝરાયેલીઓ જ છે. એક ઇરાનીઅન છોકરી મને કહી રહી હતી કે તમારું પોસ્ટર જોઇને મને સુખદ આંચકો લાગ્યો મેં મારા પરિવાર જનોને આ પોસ્ટર જોવા બોલાવ્યા છે. અને અમે બધા  આ પોસ્ટર જોઇને રડી રહ્યા છીએ. આ વાંચીને મેં મારી પત્નિને બોલાવીને તેને મેસેજ વંચાવ્યો આ બાજુ અમારી આંખ પણ ભરાઈ આવી હતી. કારણ કે પોસ્ટર અપલોડ કરતી વખતે મારા મનમાં આવો પ્રતિસાદ આવશે તેની કલ્પના ય નહોતી. બીજા દિવસે તો અનેક ઇરાનીઓ તરફથી પ્રતિસાદ આવ્યા. આ જોઇને મારી પત્નિએ કહ્યું કે મારા ફોટા સાથેનું પોસ્ટર બનાવ હું પણ મુકીશ. અને આમ જ શરુઆત થઈ... ધીમે ધીમે મારા મિત્રો , પડોશીઓ, કોલેજ સ્ટુડન્ટ અને બીજા અનેક લોકો મને તેમનો ફોટો મોકલાવીને વી લવ યુ ઇરાનીઅન વાળું પોસ્ટર બનાવી આપવાની વિનંતિ કરવા લાગ્યા. આમ કરતાં અનેક ફોટાઓ મારી પાસે ભેગા થયા હું એકલો પહોંચી વળું એમ નહોતો એટલે બીજા ગ્રાફિક ડિઝાઈનર મિત્રોની મદદ લેવાનું નક્કી કર્યુ.
 આમ એક છોકરીએ શરુ કરેલી દોસ્તીની શરુઆતમાં અનેક ઇઝરાયલીઓ તો જોડાયા જ પણ સામે ઇરાનીઓએ પણ પોસ્ટર બનાવ્યા કે વી લવ યુ ઇઝરાયલ ફરક એટલો હતો કે તેઓ શરમાળ હોવાને કારણે ફોટો નહોતા મૂકતા. ધીમે ધીમે હજારો ઇઝરાયેલીઓ અને ઇરાનીઓ એકબીજાને પ્રેમના અને શાંતિના સંદેશા મોકલવા લાગ્યા. બન્ને દેશોના લોકો એકબીજાને મળવાની ઇચ્છા પણ કરવા લાગ્યા....
સહજતાથી કશુંક કરવાની ઇચ્છા સાથે શરુ થયેલ પ્રેમના સંદેશાની અસર બે દેશોના લોકો વચ્ચેની વેરભાવનાને ધીમે ધીમે ભૂંસીને નવો ઇતિહાસ રચવા જઇ રહી છે. અત્યાર સુધી બે દેશો વિશે મિડિયામાં નકારાત્મક સમાચારો જ છપાતા હતા પણ હવે બન્ને દેશોના લોકો વચ્ચેની મૈત્રીની ચર્ચાઓ થાય છે. સામાન્ય વ્યક્તિ પણ સારા ઇરાદાથી કોઇ શરુઆત કરે તો તે લોકોના હ્રદયને સ્પર્શીને નવી ક્રાંતિની શરુઆત કરી શકે છે.
                         

You Might Also Like

0 comments