- 00:14
- 0 Comments
આ સનાતન પ્રશ્ન હંમેશ સ્ત્રી જાતિ માટે વપરાતો
આવ્યો છે. હજી થોડો સમય પહેલાં પેપ્સી કંપનીના સીઈઓ ઇન્દ્રા નુયીએ આ અંગે ચર્ચા
છેડતા વાદવિવાદનો મધપૂડો છંછેડાયો હતો. જો કે આદમ અને ઇવના જમાનાથી સ્ત્રી અને
પુરુષના સંદર્ભે સતત ચર્ચાઓ ચાલતી રહી છે અને ચાલતી જ રહેશે. તેમાં હવે જમાનો
બદલાતા રોલ મોડલ પણ બદલાઈ રહ્યા છે અને મૂલ્યો પણ. આમ તો આ વાક્યને સ્ત્રી
કે પુરુષના ભાગલા પાડ્યા વિના ફિલોસોફીકલી જોઇએ તો કોઇપણ વ્યક્તિને બધું જ
મળી શકતું નથી. દરેકે પોતાના જીવનમાં વધતે ઓછે અંશે બાંધછોડ કરવી પડતી હોય છે.
બે વરસ પહેલાં 2012માં અમેરિકન સરકારમાં પોલીસી
પ્લાનિંગના ડિરેકટર તરીકે કામ કરી ચુકેલા એન મેરી સ્લોટરે ધ એટલાન્ટિકમાં એક
આર્ટિકલ લખ્યો હતો નામે શું સ્ત્રીને બધુ જ મળી શકે છે ? ત્યારબાદ તેમણે કેન વી
હેવી ઇટ ઓલ વિષયે ટેડ પર ટોક પણ આપી હતી. તેમણે જે મુદ્દો છેડ્યો તેને આજના પુરુષો
અને સ્ત્રીઓ ચોક્કસ જ આવકારે છે. તેમનું કહેવું છે કે ઊચ્ચ હોદ્દા પર કામ કરતી
સ્ત્રી હોય કે પુરુષ હોય તે કામનો ગુલામ બની જાય છે. જેન્ડર એટલે કે જાતિયતાને
બાજુ પર મૂકીને જોઇએ તો કોર્પોરેટ હોય કે
સરકાર હોય તેના ઊચ્ચ હોદ્દાની ડિમાન્ડ એટલી હોય છે કે વ્યક્તિ પોતાના કુટુંબ માટે
સમય ફાળવી શકતી નથી. વાત તો સાચી જ છે. બીજી બાબત એ છે કે પારંપરિક રીતે પુરુષ અને સ્ત્રીની નક્કી કરેલી ભૂમિકા. ચાર્ટડ
અકાઉન્ટન્ટ જયંત ઠાકુર કહે છે કે પિતૃસત્તાક માનસિકતાને લીધે પુરુષોને સ્ત્રીઓ
કરતાં વધુ પ્રાધાન્ય મળે છે તે વાત સાચી હોવા છતાં પુરુષોને બધું જ મળી જાય છે તે
પણ સત્ય નથી. પુરુષને સ્ત્રી વિના ચાલવાનું નથી. એ હકિકત છે એટલે સ્ત્રીની મરજી
વિના પુરુષ સ્ત્રીને પામી પણ નથી શકતો. સ્ત્રી સાવ અસહાય છે તેવું માની લેવાની
જરૂર નથી. આજના બદલાયેલા જમાનામાં તો નહીં જ. કેમ કે સ્ત્રીઓ ભણી રહી છે, કામ કરવા
જઈ રહી છે. તેની પોતાની પસંદગી પ્રમાણે જીવી શકવાની શક્યતાઓ પણ વધી
રહી છે.
જયંતભાઈની વાત સાચી છે એટલું જ નહીં વિચાર કરીએ
તો ફેમિનિઝમ એટલે કે નારીવાદ આવ્યા બાદ સ્ત્રીઓની ભૂમિકાઓ બદલાઈ રહી છે સમાજમાં. પણ
પુરુષોની ભૂમિકા બદલાતી નથી. પુરુષ આજે પણ સફળ હોય, તેની કમાણીથી ઘર ચાલતું હોય તેવું પસંદ કરવામાં
આવે છે. સ્ત્રીને પણ સફળ કમાતો પુરુષ જ પસંદ પડે છે. જો પુરુષ ન કમાતો હોય અને
ઘરના કામ સારી રીતે કરી શકતો હોય તો સ્ત્રી જ નહીં બીજા પુરુષો પણ તેની હાંસી
ઊડાવશે. અમુક કામ સ્ત્રીના અને અમુક કામ પુરુષના એવી માનસકિતા પર આખો સમાજ ચાલે
છે.એનો ભોગ સ્ત્રી જ નહીં પુરુષ પણ બને છે પરંતુ તેની નોંધ લેવાતી નથી. કામ તે કામ
હોય છે પછી તે ઘરનું હોય કે બહારનું હોય. આ માનસિકતાને કારણે પણ પુરુષને બધું જ
નથી મળી શકતું. પિતા બન્યા બાદ પોતાના બાળક સાથે તેને રમવું હોય, તેને ઉછેરવો હોય,
તેને મોટો થતાં જોવો હોય તો તે માટે પુરુષ
પાસે ચોઇસ નથી હોતી. તેણે પૈસા કમાવવા બહાર જવું જ પડે. ઓફિસોમાં કલાકો આપવા જ પડે.
જ્યારે બદલાતી પરિસ્થિતિમાં હવે સ્ત્રી
પાસે ચોઇસ હોય છે. પિતૃસત્તાક માનસિકતા જ પુરુષને અનેક પસંદગીના કામો કરતાં કે
કુટુંબની સાથે સમય વિતાવતાં રોકે છે.
અક્ષયકુમાર પોતાના દીકરાને શાળામાં મૂકવા જવાનો
આગ્રહ રાખતો. જ્યારે બધી જ મમ્મીઓ પોતાના દીકરાને સ્કુલે મૂકવા આવતી હોય ત્યારે
અક્ષય કુમારને લોકો નવાઈથી અને અહોભાવથી જોતા. એ અભિનેતા છે અને તેની પાસે
ફ્લેક્સિબલ રીતે કામ કરવાની ચોઇસ હોય છે. જ્યારે દરેક પુરુષ પાસે એવી ચોઇસ હોતી
નથી. જો કોઇ પુરુષ એમ કહે બોસને કે મારે દીકરાના ઓપન ડેમાં જવાનું છે તો પણ પહેલો
પ્રશ્ન એ પુછાય કે કેમ તમારી વાઈફ ક્યાં છે ? નોર્વેમાં પુરુષોને ત્રણ મહિનાની રજા
બાળક સાથે રહેવા માટે મળી શકે એમ હોય છે. પિતા બન્યા બાદ જો તે પુરુષ રજા ન લે તો
કંપનીને તેના કેરેકટર પર શંકા ઊપજે. તેણે રજા ન લેવાના કારણો ય આપવા પડે. જે પુરુષ
પોતાના કુટુંબની દરકાર ન લઈ શકે તે કંપનીની હિતમાં કેવી રીતે કામ કરી શકે એવી માન્યતા પણ હવે
કેટલીક કોર્પોરેટ્સ ધરાવે છે. પણ હજી દિલ્હી દૂર છે. કેટલીક મોટી કંપનીઓ જ પોતાની વિચારધારા બદલીને વર્કરોના
ફેમિલી ટાઈમને પ્રથમ પ્રાધાન્ય આપે છે. કામના કલાકો ફ્લેક્સિબલ રાખે છે અને શક્ય
હોય તો ઘરેથી કામ કરવાની પણ છુટ આપે છે. બોસ્ટનમાં રહેતો પુલકિત શાહ કોમ્પયુટર
સિક્યુરિટીનું કામ કરે છે. અને ફક્ત
મિટિંગ માટે કે જરૂર હોય તો જ ઓફિસે જાય છે. જ્યારે તેની પત્નિ ફુલ ટાઈમ કામ કરે
છે. પુલકિતને તેના બે નાના બાળકો સાથે ઘરે રહેવાનો અને કામ કરવાનો મોકો મળે છે. પુલકિત
પોતાને એ માટે નસીબદાર માને છે. તેમને મોટા થતાં જોવાનો આનંદ તે ભરપૂર માણે છે. ધીમે
ધીમે અહીં ભારતમાં પણ આવું ફ્લેક્સિબલ વર્ક કલ્ચર આવશે તો પુરુષોને ય ઇક્વાલિટીનો
અનુભવ થશે. બ્રેડવિનર તરીકે કામ કરતાં
પુરુષોએ જ્યારે કામને અંગે બહારગામના પ્રવાસો ખેડવા પડતાં હોય છે ત્યારે હોમસિકનેસ
તેમને ય અનુભવાતી હોય છે. પરંતુ, કામ કર્યા સિવાય છુટકો નથી હોતો. જ્યારે સામે
પક્ષે સ્ત્રીઓને ચોઇસ હોય છે ઘરમાં કે બહાર કામ કરવાની અથવા ન કામ કરવાની. લાંબા
કલાકો ઓફિસમાં બેસી રહેવું અને કુટુંબ સાથે સમય ન વીતાવી શક્યાની પીડા પુરુષને ય
પીડતી હોય છે.
આજે સ્ત્રીઓ વધુને વધુ ભણી રહી છે. દરેક ક્ષેત્રે
આગળ આવી રહી છે. તેમની ભૂમિકામાં સ્વતંત્રતા અને સુવિધાઓ પણ વધી રહી છે. જ્યારે
પુરુષનો એ જ સ્ટિરિયોટાઈપ રોલ તો છે જ પણ તે શક્ય તેટલો બદલાવાનો પ્રયત્ન પણ કરે
છે. આજનો યુવાન પુરુષ રસોડામાં પત્નિ સાથે દરેક કામ કરાવવામાં નાનપ નથી અનુભવતો. હવે
પુરુષો પણ પોતાનાં માટે ચોઇસ રાખે તેવો સમય આવી રહ્યો છે. અમેરિકામાં લોસ
એન્જલેસમાં એક કંપનીએ કરેલા સંશોધન પ્રમાણે
આજે 68 ટકા પુરુષો કુટુંબ સાથે સમય વીતાવવા માટે પોતાની કારર્કિદીમાંથી
બ્રેક લે છે કે ઓછા પૈસે પણ ફ્લેક્સિબલ કલાકો કે ફેમિલિ ટાઈમ આપતી કંપનીઓમાં કામ
કરવાનું પસંદ કરે છે. તો 90 ટકા(નેવું) પુરુષો
કુટુંબ માટે પોતાની અંગત જરૂરિયાતો કે શોખને જતો કરવા તત્પર હોય છે. સતત
આગળ વધતાં કામ કરતાં પુરુષો માટે ય કુટુંબ અને કામ બન્ને વચ્ચે બેલેન્સ કરવું એક
દોરડા પર ચાલવા જેટલું જ અઘરું હોય છે. અને તે છતાંય તેમને બન્ને જગ્યાએથી અપજશ જ
મળતો હોય છે. તેમને આ બેલેન્સિંગ એક્ટમાં તાણ પણ અનુભવાતી હોય છે, અને છતાંય પોતે
નબળો પડી રહ્યો છે તે દર્શાવવું તેના ટેસ્ટેટેરોનમાં નથી કે ન તો તેનો સ્વીકાર
સહજતાથી સમાજમાં થાય છે. એવું ય જોવા મળે જ છે કે છોકરી હોય અને બહાર કમાવા ન જતી હોય તો પણ તે ઘરના અનેક કામો માટે નોકર રાખતી હોય છે,
છોકરાઓને સાચવવા આયા રાખે અને ટ્યુશનમાં પણ મોકલે તે પરણીને પોતાના સાસરે સુખેથી રાજ કરી શકે.
જ્યારે છોકરા તરીકે પુરુષે પૈસા કમાવાની જવાબદારીમાંથી સમાજ મુક્તિ આપતો નથી.
- 22:56
- 1 Comments
મેડુસાની વાર્તા જો યાદ ન હોય તો અહીં વાચકો માટે
પ્રસ્તુત છે. ગ્રીક માયથોલોજીમાં શ્રાપિત સ્ત્રી હતી. જે કોઇ પણ તેના મોઢા તરફ જુએ
તે પથ્થરનું બની જતું. હકિકતમાં મેડુસા ખૂબ સુંદર વાળ ધરાવતી સ્ત્રી હતી. તે એટલી
સુંદર હતી કે દેવોની રાણી એથેના પણ તેના રૂપની ઇર્ષ્યા કરતી. મેડુસાના નસીબ ખરાબ
કે એકવાર એથેનાના એક મંદિરમાં તેની છેડતી થઈ. એથેનાથી તે સહન ન થતાં તેને શ્રાપ
આપ્યો અને મેડુસાના વાળની જગ્યાએ સર્પોએ લીધી. તેના દાંત રાક્ષસી બન્યા. ટુંકમાં
તે કદરૂપી અને હિંસક દેખાવા લાગી એટલું જ નહીં જે કોઇ તેના મોઢાને જોતું તે પથ્થર
બની જતું.
આ વાર્તા સાચી હોય કે ન હોય પણ તેનો અર્થ આજે પણ
એટલો જ સાચો છે. એથેના આજે પણ દરેક સુંદર, આકર્ષક સ્ત્રીઓને મેડુસા જેવી બનાવી
દેવા તત્પર છે. આજના સંદર્ભે આના બે અર્થ નીકળે છે. સ્ત્રી હોવું, વળી સુંદર અને યુવાન હોય તો તેને
કારણે પુરુષોનું મન ચલિત થાય છે એવી માન્યતા આજે ય એટલી જ નક્કર છે. એટલે તેને મેડુસા બનાવી દેવા માટે આપણો સમાજ
એથેનાની જેમ રાહ જોઇ રહ્યો છે. સ્ત્રીના સ્વાતંત્ર્ય અને સુંદરતા પુરુષોને ગમે છે,
આકર્ષે છે પણ જો બીજી કોઇ વ્યક્તિ તેને જુએ કે તેને મેળવવાની ઇચ્છા રાખે કે પછી
પુરુષોનો સંયમ ભંગ કરે તો વાંક સ્ત્રીઓનો જ જોવામાં આવશે. બીજું કે એથેના જેવી
સ્ત્રીઓ આપણી આસપાસ પણ છે જ. શહેરમાં મોલેસ્ટેશન એટલે કે છેડતીના બનાવો બન્યા કે
બળાત્કારના બનાવો બન્યા કે તરત જ આપણી આસપાસની સ્ત્રીઓ પોતાની દીકરીઓ કે
પુત્રવધુઓને નિયંત્રણમાં રાખવા માટે ઇમોશનલી બ્લેકમેઇલ કરતાં પણ નહીં અચકાય.
અહીં વાત જરા જુદા સ્તરે પણ કરવી છે. છેડતી અને
માનસિકતા વિશે તો અનેકવાર લખાયું છે અને લખાતું રહેશે. પણ સ્ત્રી જ સ્ત્રીની
દુશ્મન બનીને શું કામ ઊભી રહી જાય છે? એથેનાએ મેડુસાની છેડતી કરનારને કદરૂપો કે
નકામો બનાવી દેવાને બદલે મેડુસાને શ્રાપ આપીને તેને કદરૂપી બનાવી દીધી. સ્ત્રીનો
સ્ત્રી માટેનો ઇર્ષ્યાનો ભાવ માતા અને સાસુમાં પણ હોય છે. એવું કહીશ તો કદાચ
તમારામાંથી અનેકના ભવાં ચઢે પણ આ હકિકત છે. જે સ્ત્રીને સ્વતંત્રતા ન મળી હોય કે પોતાના પતિનો પ્રેમ ન
મળ્યો હોય તે સ્ત્રીઓ આજે પણ બીજી સ્ત્રીને સુખી, સુંદર કે સફળ જોઇ શકતી નથી.
પુરુષના નામે સ્ત્રીઓ બીજી સ્ત્રી પર આડકતરી રીતે જુલ્મ, હિંસા આચરતી હોય છે. માતા
દીકરીને પરણીને અન્યાય સહન કરવાની સલાહ ન આપે. અને સાસુ પુત્રવધુને દીકરીની જેમ
લાડ લડાવે એવું કેમ ભાગ્યે જ બને છે?
પુરુષોના અન્યાય સામે લડવા માટે પણ સ્ત્રીઓએ એક થવું આવશ્યક છે. અહીં તો
સ્ત્રીઓ જ બીજી સ્ત્રીની ટીકા કરશે. જેમકે રાત્રે મોડે સુધી બહાર ન રખડવું જોઇએ,
કપડાં પહેરવામાં ધ્યાન રાખવું જોઇએ. પુરુષોની સાથે વધુ રખડવું ન જોઇએ. આપણે
મર્યાદામાં જ રહેવું વગેરે વગેરે
માનસિકતા સ્ત્રીઓની બદલાશે તો સમાજ બદલાશે.
સ્ત્રીઓ બીજી સ્ત્રીને સફળ થવામાં, આગળ વધવામાં અને સ્વતંત્ર થવામાં મદદરૂપ થઈ જ
શકે. સાસુઓ પુત્રવધુને એવું કેમ ન કહી શકે કે હું આ ઘરમાં આવી ત્યારે જમાનો જુદો
હતો આજે જમાનો બદલાયો છે. એટલે તને જે ગમે તે કર. પુત્રવધુએ રસોઇ કરવી ન ગમતી હોય
અને તે કારર્કિદી બનાવવા માગતી હોય તો તે માટે પ્રોત્સાહિત કરી શકે. દીકરીની જેમ જ
તેને સાચવી શકે. પુત્રવધુએ સાસુથી ડરવું પડે તેવું ન હોવું જોઇએ. દીકરાની સામે
પુત્રવધુનો પક્ષ લઈને સાસુ કેમ ઊભી ન રહી શકે ?
માતા પણ દીકરીને પોતાનું
વ્યક્તિત્વ સાચવીને કેમ જીવવું તે માટે
પ્રોત્સાહિત કરી શકે. અન્યાયનો સામનો પોતે તો ન કરી શકી હોય પણ દીકરીને કહી શકે કે
મેં તને ભણાવી ગણાવી હવે તું તારા પગ પર ઊભી રહે કોઇ ઉપર નિર્ભર ન થા.
સ્ત્રી પુરુષ સમાનતાને સ્ત્રી જ અમલમાં મૂકી શકે.
એથેના બનીને મેડુસાને કદરૂપી બનાવવામાં તેની શક્તિ વાપરવા કરતાં મેડુસાની
સુંદરતાનું જતન કરવામાં તેની શક્તિ અને સત્તા વપરાય તો સમાજ પણ બદલાઈ શકે.
- 23:16
- 0 Comments
આપણે જે
પરિસ્થિતિમાં જીવીએ છીએ તે જ સત્ય અને તે સિવાયની દુનિયા પ્રત્યે આપણે આંખઆડા કાન
કરીએ તે યોગ્ય નથી. શાહમૃગની જેમ રેતીમાં માથું નાખી દેવાથી પરિસ્થિતિ બદલાતી નથી
હોતી. આસપાસ જે ચાલે છે તેની સીધી કે આડકતરી અસરો આપણા સુધી વહેલા મોડા પહોંચતી જ
હોય છે. આજે એ દુનિયાની વાત કરવાની છે જ્યાં બાળકોના હાથમાં પેન કે પેઇન્ટિંગ
બ્રશની જગ્યાએ બંદુક કે મશીનગન પકડાવી દેવામાં આવે છે. આફ્રિકન દેશોમાં
આવું સતત થતું આવ્યું છે. આમ પણ બાળક પર હિંસા આચરવી કે તેની પાસે ધાકધમકીથી કોઇની
પર હિંસા આચરાવવી તે નિર્બળ અને ક્રૂર વ્યક્તિઓ જ કરી શકતી હોય છે. ક્રૂર વ્યક્તિઓ
હકિકતમાં ઘણી નિર્બળ હોય છે તેથી જ તે બીજા પર હિંસા આચરીને પોતાની જાતને હોશિયાર
અને બહાદુર સાબિત કરવા માગતી હોય છે.
નિર્દોષ અને નિર્બળ બાળકો અને સ્ત્રીઓ
શારિરીક રીતે સક્ષમ વ્યક્તિઓના શિકાર બની જતા હોય છે. હાલમાં જ ઇજીપ્તમાં
એક અનાથાલયનો મેનેજર નાના ચાર પાંચ વરસના બાળકોને બેરહમીથી પીટતો હોય તેવી વિડિયો
સોશ્યલ મિડિયામાં ફરી રહી હતી. અને લોકો તેને સજા થાય તેવી ઇચ્છા સેવી રહ્યા હતા.
પરંતુ, બે વરસ પહેલાં એક અમેરિકને સતત
હિંસાના ભયથી ફફડી રહેલાં, જીવન માટે પળેપળ સંઘર્ષ કરી રહેલા બાળકો પર
ફિલ્મ બનાવી યુટ્યુબ પર મૂકી વિશ્વને તેમને મદદરૂપ થવાની હાકલ કરી હતી તેની વાત
કરવી છે.
જેસન રસેલ નામના ફિલ્મ ડાયરેકટર , એક્ટિવિસ્ટે કોની
2012 નામની શોર્ટ ફિલ્મ બનાવી છે. અને તે ફિલ્મ યુટ્યુબ પર મૂકાઈ બાદ
પહેલાં બે અઠવાડિયામાં જ તેને લાખો લોકોએ
જોઈ. આ ફિલ્મ ધ્વારા તેણે આપણને ન દેખાતા બાળકો વિશે વાત કરી છે. જેસન રસેલ
અમેરિકાના કેર્લિફોનિયામાં જન્મયો અને ઉછર્યો... તેના માતાપિતા ક્રિશ્ચિયન યુથ
થિયેટર સાથે સંકળાયેલા હતા એટલે બાળપણથી જ
તે થિયેટર કરવા લાગ્યો હતો શરુઆત તેણે એકટિંગથી કરી હતી. ત્યારબાદ એણે યુએસસી
સિનેમેટિક આર્ટસમાં ગ્રેજ્યુએશન કર્યું. 2003માં તે વિદ્યાર્થી હતો તે સમયે
આફ્રિકામાં તે ડોક્યુમેન્ટરી બનાવવા ગયો હતો. જો કે તેને તે વખતે ખબર નહોતી કે
ક્યા વિષય પર તે ડોક્યુમેન્ટરી બનાવશે. જેસનના જણાવ્યા મુજબ તે ડેન એલ્ટનથી
પ્રભાવિત થઈને આફ્રિકા ગયો હતો. 1993માં
ડેન એલ્ટન સોમાલિયાની દુષ્કાળની પરિસ્થિતિ પર ડોક્યુમન્ટરી બનાવવા ગયો હતો પણ તેને
ત્યાંની પરિસ્થિતિ અંગે શૂટ કરી રહ્યો હતો ત્યારે માર મારીને મારી નાખવામાં આવ્યો
હતો. જેસન જ્યારે પોતાના સાથીઓ સાથે યુગાન્ડા પહોંચ્યો ત્યારે ગુલુ ગામની બહાર ઘણા
બાળકો છુપાઈને આશરો લઈ રહ્યા હતા. તેમને કેટલીક મિલિટરી જેવી વ્યક્તિઓ જબરદસ્તીથી
ઊઠાવી જવા માગતી હતી. અને જેસનને ડોક્યુમેન્ટરીની સ્ટોરી મળી ગઈ. તેણે આ બાળકોના
ઇન્ટરવ્યું લીધા. તેને જાણવા મળ્યું કે યુગાન્ડામાં જ્હોન કોની નામનો વ્યક્તિ
રિબેલ ગ્રુપ ચલાવે છે તેઓ નાના બાળકોને ઊઠાવી જઇને તેમના હાથમાં બંદુક પકડાવી દઇને
પોતાની જ વ્યક્તિઓને મારી નાખવાનું કહે છે. અને જો બાળક તેવું કરવાનો ઇન્કાર કરે
તો તેનું ગળું કાપીને મારી નાખતો. એટલે આ બાળકો ગામની બહાર શહેરમાં દરેક
રાતના ભાગી જતા. સતત ભયમાં જીવતા કારણ કે
તેમને ખબર નહોતી કે શું કરવું ?
તેણે ઇન્વિજીબલ ચિલ્ડ્રન નામે ફિલ્મ બનાવીને 2004માં લોકોને બતાવી. 2005માં
તે ફરી મિત્રો સાથે યુગાન્ડા ગયો અને બીજા
અનેક બાળકોના ઇન્ટરવ્યુ લીધા એમાં જેકબ નામના બાળકનો પણ ઇન્ટરવ્યુ હતો. જેકબ પણ આ
રીતે કોનીના ગ્રુપ ધ્વારા તેનું અપરહરણ ન કરવામાં આવે તેથી ભાગી રહ્યો હતો. તેણે
પોતાના ભાઈને ભાગતા પકડાઈ ગયા બાદ રિબેલો ધ્વારા તેનું ગળું કાપીને મારી નાખતા
જોયો હતો. જેકબ પણ આપણા દરેક બાળક જેવો સામાન્ય બાળક હતો જેની ઇચ્છા ભણી ગણીને
વકિલ થવાની હતી. પરંતુ તે જાણતો હતો કે એવું શક્ય બની શકે એમ નથી. કારણ કે તેની
પાસે પૈસા અને પરિસ્થિતિ બન્ને નથી. ઇનવિજીબલ
ચિલ્ડ્રન ડોક્યુમેન્ટરી ફિલ્મ 2007માં હાર્ટલેન્ડ ફિલ્મ ફેસ્ટિવલમાં
દર્શાવવામાં આવ. 2006ની તેમની ઇનવિજીબલ ચિલ્ડ્રન રફકટ ફિલ્મને પાયોનિયરિંગ સ્પિરિટનો એવોર્ડ પણ
મળ્યો. આ ફિલ્મ શૂટ કરતી વખતે જેકબને
જેસને વાયદો કર્યો કે તે ગમે તે રીતે કોનીથી યુગાન્ડાના બાળકોને છોડાવવાનો પ્રયત્ન
કરશે. ત્યારબાદ તેણે કેમ્પેન શરુ કર્યું. ઇનવિજીબલ ચિલ્ડ્રન નામે સંસ્થા સ્થાપી
જ્હોન કોનીને આંતરરાષ્ટ્રિય ક્રિમિનલ કોર્ટમાં લાવવા માટેનું કેમ્પેઇન શરુ કર્યું.
તેણે અમેરિકન સરકારને પણ યુગાન્ડામાં જ્હોન કોનીને પકડવા માટે મિલિટરી સહાય મોકલવા વિનંતિ કરી. જો કે તેની
વાત લોકોસુધી અને સરકારને પહોંચડતા કુલ આઠ
વરસ થયા. પરણિત જેસન રસેલ પણ બે બાળકોનો પિતા છે. તેણે સતત યુગાન્ડાના આ
બાળકો માટે કામ કર્યું. ત્યાં શાળાઓ ઇનવિજીબલ ચિલ્ડ્રન સંસ્થા ધ્વારા બાંધવામાં
આવી. જેકબ અને અન્ય યુગાન્ડાના બાળકોને અમેરિકામાં લાવીને લોકો સમક્ષ તેમના જ મોઢે
તેઓ જે આતંકમાં જીવે છે તેમની વાત કહેવડાવી. આમ યુગાન્ડામાં જ્હોન કોનીના આતંકી ઓછાયા હેઠળ જીવતા બાળકો માટે જેસન રસેલે
પોતાની ફિલ્મી કળા ધ્વારા શક્ય હોય તે કર્યું. જો કે જ્યારે તેણે પોતાની કોની 2012
ફિલ્મ યુટ્યુબ પર મૂકી ત્યારે કલ્પના નહોતી કે લાખો કરોડો લોકો તેને જોશે. ફિલ્મ
અને કામને વખાણવા લોકો હતા તો ટીકા કરનારા પણ હતા.
માનસિક હતાશાને કારણે એકવાર તે જાહેરમાં નગ્ન થઈને દોડ્યો હતો તેનું કારણ
જાણ્યા સિવાય લોકોએ અને મિડિયાએ તેને
વખોડ્યો. બધું જ એટલું ઝડપથી થયું કે જેસન રસેલને સાયકોલોજીકલ બ્રેકડાઉનના
અનુભવમાંથી પસાર થવું પડ્યું. મેન્ટલ હોસ્પિટલમાં સારવાર લઈને તે 2012ના ઓક્ટોબર
મહિનામાં બહાર આવ્યો. ક્યારેય તેણે પોતાના બ્રેકડાઉનની વાત છુપાવી નથી.
તેણે આ સિવાય ટુગેધર વી
આર ફ્રી, રેસ્ક્યુ,ટોની અને મુવ જેવી સફળ ફિલ્મો બનાવી છે. સાથે જ આફ્રિકાના બાળકો માટે તે કામ કરી જ રહ્યો છે. જ્હોન કોની
આફ્રિકાના જંગલોમાં છુપાઈને હજી પણ આતંક મચાવી રહ્યો છે. તો જેસન જેવા લોકો
પોતાનાથી શક્ય હોય તે કામ ઊપાડી લે છે. જેથી દુષ્ટ કર્મોની સામે સારા કર્મોનું
પલ્લુ નમે નહીં તો ય બરોબર રહે.
- 23:03
- 0 Comments
આ પુસ્તક
વિશે પહેલાં ય લખાઈ ચુક્યું છે આ કોલમમાં જ્યારે પુસ્તક મમ્મી પોર્ન નામે
દુનિયાભરમાં પ્રસિધ્ધ થઇ રહ્યું હતું બે વરસ પહેલાં. 2011માં જ્યારે ફિફ્ટી શેડ્સ
ઓફ ગ્રે પ્રસિધ્ધ થઈ ત્યારે તેની લેખિકા એરિકા મિશેલને કલ્પના નહોતી કે તે બેસ્ટ
સેલર થશે. આ પુસ્તકની સાત કરોડ કોપી વેચાઈ ચુકી છે. જો કે આ પુસ્તકમાં સાહિત્યિક
દ્રષ્ટિએ શ્રેષ્ઠ કહી શકાય એવું કશું નથી. તે છતાં સ્ત્રીઓમાં તે ખૂબ પોપ્યુલર બની
અને હવે તેના પરથી ફિલ્મ પણ બની ગઈ. તેનું ઓફિશ્યલ ટ્રેઇલર રિલિઝ પણ થઈ ગયુ.
આ પુસ્તક
આજની નારીએ લખ્યું છે એટલે બોલ્ડ પણ છે. પરંતુ, બીજો વિચાર એ પણ આવે કે શું
સ્ત્રીઓની વિચારધારા કે ફેન્ટસી એવી ખરી ? એવી એટલે સમર્પિત
થવાની... તો હા મોટાભાગની સ્ત્રીઓને પોતાના પર અધિકાર ભાવ દર્શાવે તેવો પુરુષો ગમે
છે.સ્ત્રીઓને પુરુષોને સમર્પિત થવું ગમે
છે. આ પુસ્તક ભલે સ્ત્રીઓમાં વધુ
લોકપ્રિય બન્યું હોય અને સ્ત્રીએ પોતાની ફેન્ટસીની વાત લખી હોવા છતાં આ સંપૂર્ણ
સત્ય નથી. હકિકતમાં આ પુસ્તકમાં ધનાઢ્ય હિરો છે અને નાની વયની હિરોઇન છે. જે
શ્રીમંત, દેખાવડા પુરુષના પ્રેમમાં પડે છે. એ પુરુષ જે સ્ત્રીને ગુલામ બનાવીને
માણવા માગે છે. ફેન્ટસી એ જ હોય જે સત્ય થવાની શક્યતા નથી હોતી. આ પુસ્તક પરણેલી
બાળકોની માતા બની ચુકેલી સ્ત્રીઓમાં વધુ લોકપ્રિય બન્યું હતું કારણ કે તેમના
એકઢાળીયા જીવનમાં આ પુસ્તક કલ્પનાઓના રંગો પુરે છે. આ પુસ્તકનો નાયક નાયિકાને
બાંધીને તેની સાથે પ્રેમ કરે છે. આમ તો સમાજશાસ્ત્રીઓ અને સાયકોલોજીસ્ટોએ પણ કહે
છે કે સ્ત્રીને પુરુષનું આધિપત્ય ગમતું હોય છે. પરંતુ, કોઇ સ્ત્રીને પીડાદાયક
પ્રેમ મેળવવો ગમતો હોય તે માનવું સહેલું નથી. હા તેમાં કદાચ એકાદ બે સ્ત્રીઓનો
અપવાદ હોઇ શકે.
આજની નારી બોલ્ડ હોય તો
સમર્પિત રીતે પુરુષની મરજીથી જ ચાલે એવું કેવી રીતે બને ? તેની પોતાની ઇચ્છાઓ ,
આદર અને પસંદ નાપસંદ પણ તે વ્યક્ત કરતાં શું કામ અચકાય ? સ્ત્રીની ના એ ના જ હોય
તે પુરુષ માનસે સ્વીકારવું પડે. ગ્રે એ
ખરા અર્થમાં તો રાખોડી જે સફેદ પણ નહી અને કાળો ય નહીં.તેવો રંગ .તેના જુદાં
જુદાં પચાસ શેડ્સ... પાસાંઓ... ક્યારેક
વધુ કાળો તો ક્યારે વધુ સફેદ....પણ મોટેભાગે કાળા અંધારામાં જ અનેકવાર સ્ત્રીઓને
રાખવામાં આવે છે.અને તેના પર ક્રૂરતા આચરતાં કોઇને ખચકાટ નથી થતો. નિર્ભયાનો
કિસ્સો એક માત્ર કિસ્સો નહતો. જેને આપણે સૌ ભૂલી જઈ રહ્યા છીએ. ત્યારબાદ પણ અનેક
સ્ત્રીઓ પર અનેક રીતે બળાત્કાર બાદ ક્રૂરતા આચરવામાં આવી. કારણ કે તે સ્ત્રીઓએ ના
પાડી હશે પુરુષોને. પુરુષોની ક્રૂર માનસિકતાનો અનેક સ્ત્રીઓ શિકાર બનતી હોય છે.
અને દરેક વખતે તે ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે પુસ્તકમાં આલેખાયેલ છે તેટલું રોમેન્ટિક કે
આનંદદાયક જ હોય એવું જરૂરી નથી. સ્ત્રીઓને આધિપત્ય ગમે છે પણ તે આદરપૂર્વકનું
તેવું પિતૃસત્તાક માનસિકતા ધરાવનાર પુરુષને ખ્યાલ નથી આવતો. લગ્ન બાદ પણ ક્રૂરતા
આચરવામાં આવે પત્નિ પર એવા કિસ્સાઓની નવાઈ નથી હોતી. લગ્ન બાદ ગુજારવામાં આવતાં
બળાત્કાર વિશે આપણે ત્યાં વાત થતી નથી. સ્ત્રીની ઇચ્છા, અનિચ્છા હોઇ શકે તે પણ
સમાજમાં સ્વીકારાતું નથી.
એટલે જ આવી
પોર્નોગ્રાફિક નવલકથાઓ કરોડોની સંખ્યામાં વેચાઇ શકે. જેમાં પિતૃસત્તાક માનસિકતાને
આડકતરી રીતે મૂકવામાં આવી હોય. જેમાંથી સ્ત્રીઓને કોઇ ખાસ વિચારબીજ મળે નહી. અને
તેની ફિલ્મ પણ હવે કરોડોનો વકરો કરશે. ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રેની લેખિકા ઈ.એલ.જેમ્સે
હકિકતમાં પોતાની ફેન્ટસીને જ કાગળ પર મૂકી હતી. તેણે પોતે ય એવી કલ્પના નહોતી કરી
કે આ પુસ્તક આટલું બધું લોકપ્રિય થશે. આવી વાર્તાઓ સ્ત્રીઓ ધ્વારા જ લખાય છે અને
વંચાય છે. તે સૂચવે છે કે કલ્પનામાં પણ સ્ત્રીઓ સમર્પિત થવાની માનસિકતાને છોડી નથી
શકતી. અઘરું છે વહેતા વહેણથી ઊફરા તરવું કે જુદું વિચારવું. આવું પ્રથમવાર લખાયું
છે અને લોકપ્રિય થયું છે એવું પણ નથી. વરસોથી અતિ લોકપ્રિય બનેલી મીલ્સ એન્ડ બુન
સિરિઝમાં પણ રોમેન્ટિક વાર્તાઓમાં મોટેભાગે સ્ત્રીને સમર્પિત થતી દર્શાવવામાં આવે
છે. રોમાન્સના કલ્પનાઓમાં કાલની હોય કે આજની હોય દરેક સ્ત્રીને વિહરવું ગમે છે.
કારણ કે વાસ્તવિકતામાં રોમાન્સ એટલો સુંદર કે આનંદદાયક નથી હોતો.
- 02:29
- 0 Comments
ફેસબુક ડાયરી
ચોમાસામાં ધરમપુર સોળે કળાએ ખીલી ઊઠે. સાતપુડાના
પહાડો અને ચારે તરફ વનરાજી..લીલારંગનો લહેરાતો સાગર તમને તરબતર કરી મૂકે.
અંદરબહારથી લીલાછમ્મ થવાની આ મોસમમાં ચાર દિવસની રજામાં અડધો દિવસ જ ફરવા જવાનું
હતું ડુંગરાઓમાં એટલે નજીક આવેલ પિંડવળ અને ખડકી તરફ જવાનું વિચાર્યુ. વિલ્સન હીલ હવે ગુજરાતનું ઓફિશ્યલ પિકનિક સ્પોટ
બની ગયું છે. અને મારે જોવાનું બાકી હતું. એટલે રસ્તામાં આવતું હોવાથી ગયા. અઢી હજાર
ફીટ પર આવેલી વિલ્સન હીલ લોર્ડ વિલ્સનની યાદમાં નામ અપાયું છે. 1923થી 1928ની
વચ્ચે મુંબઈના ગર્વનર હતા. ધરમપુરના રાજાની સાથે મળીને તેઓ પ્રવાસધામ બનાવવા માગતા
હતા. જે ત્યારે તો ન થઈ શક્યું પણ અત્યારે ગુજરાત સરકાર તેને વિકસાવવાના પ્રયત્નો
કરી રહી છે.
વિલ્સન હીલ પહેલાં અનેક સુંદર દ્રશ્યો મનમાં
કંડાર્યા અને વિલ્સન હીલ જોયા બાદ ત્યાં ગયાનો અફસોસ થયો. એક તો પ્રવાસન સ્થળ
વિકસાવવાને કારણે ત્યાં પ્રવાસીઓની સંખ્યા રજાને કારણે વધારે હતી. એનો વાંધો નહી
પણ વિલ્સનની યાદગાર છત્રીની આસપાસ જે રીતે કચરો વેરાયેલો હતો તે જોઇને અરેરાટી થઈ.
અરે છત્રી ઉપર પણ લોકોએ પોતાના નામ અમર કરી દેવાના પ્રયત્નો કર્યા હતા. વિલ્સન
એકલો જ અમર થાય તે કેમ ચાલે ? વિલ્સન હીલ પર ખીણના દ્રશ્યો જોવા માટે કેટલાક પોઇન્ટને
પાકું બાંધકામ આપીને વોચટાવર જેવું બનાવ્યું છે જેથી વરસાદમાં ય તમને કુદરતી નજારાને
ભરપુર માણવા મળે. પરંતુ, એ ટાવરો કચરાપેટીની જેવા અતિશય ગંદા. કેડીઓ ઉપર પણ ફોસ્ટર
બિયરના કેન, વેફરના ખાલી પડિકાંઓ... પ્લાસ્ટીકના ગ્લાસ વગેરે વગેરે જોઇને હ્રદય
ચચર્યું. પણ લોકો તો મોબાઈલમાં પોતાના ફોટાઓ પાડવામાં વ્યસ્ત હતા. સાથે સતત ખાતાપીતાં
આસપાસ કચરોમાં ઉમેરો કરતાં હતા કોઇપણ જાતના અપરાધ ભાવ વગર... શું આ જ આપણું ગુજરાતીપણું
? આટલા સુંદર સ્થળે ફરવા ગયા હતા તે ફોટાઓ પાડીને લોકો સામે પુરવાર કરવાનું અને
સાથે આપણાં જીવનનો કચરો ય ઠાલવતાં આવવાનો. અમિતાભ આવ્યો હતો ત્યારે આ જ હાલત હોત તો
અમિતાભે ય પોતાના બ્લોગ ઉપર બળાપો કાઢ્યો હોત. આટલી ગંદી જગ્યા સાથે સંકળાવવા માટે
અમિતાભે ના જ પાડી હોત. ગુજરાતી તરીકે શરમજનક ઘટના કહેવાય. તંત્ર કે નાગરિકો બેમાંથી
એકના ય પેટનું પાણી નથી હલતું. શું એવું શક્ય નથી કે આ વેફરના પડિકાં વેચનારાઓ
પોતાને મળતાં નફામાંથી સફાઈ ઝુંબેશ શરૂ કરે ? આશા રાખું કે આ વાંચીને કંઇક બદલાવ
આવે. ફક્ત વિલ્સન હીલ જ નહીં કદાચ મોટાભાગના પ્રવાસન સ્થળો પર કચરો અને પ્લાસ્ટિક
ફેંકીએ નહીં અને બીજા ફેંકતા હોય તો તેને રોકીએ શક્ય હોય તો. કારણ કે પિકનિકના
સ્પોટ પર આપણે સૌંદર્ય માણવા જઈએ છીએ નહીં તેને બગાડવા માટે. વિદેશમાં આપણે જો
કચરો ન ફેંકતા હોઇએ તો આપણું જ ઘર કેમ ગંદુ કરીએ છીએ ? અહીં ફરવા આવનારાઓ મોટેભાગે
સુરતના હતા અને દરેક જણ પોતાની અંગત ગાડી લઈને આવ્યું હતું. કંઇ નહીં તો એક
થેલીમાં કચરો ભેગો કરીને ગાડીની ડિકીમાં લઈ જઈને કચરા ટોપલીમાં નાખી શકાય. શું આ
લોકો પોતાના ઘરમાં પણ આ રીતે જ કચરો ફેંકતા હશે ?
- 04:21
- 0 Comments
એક બપોરે ટીવી સર્ફિંગ કરતાં પહેલીવાર ખ્યાલ
આવ્યો કે મોટાભાગના ટીવી શો (ધારાવાહિક નહી ) પોપ્યલર છે તેમાં પુરુષો હોસ્ટ
છે.વેલ, તેમાં અપવાદ હોઇ શકે પણ ફુડ ચેનલોમાં પણ પુરુષ હોસ્ટ હોય તે જોવા ગમે એવા
હોય છે. આ વિચાર આવ્યા બાદ દરેક શો અને ચેનલ સર્ફ કરીને ધ્યાનથી જોયું. ત્યારે
સમજાયું કે જાણે અજાણે આ એરિયા ભલે વિમેન ડોમિનેટીંગ મનાતો હોય પણ ખરેખર તો મેલ ડોમિનેટિંગ
જ છે.
ક્રિકેટ વર્લ્ડ કપ સમયે મંદિરા કે બીજી કોઇપણ
સ્ત્રીનો ગ્લેમરનો તડકો ભલે મરાતો હોય પણ પુરુષો જ ટેલિવિઝન પર સૌથી વધુ દેખાતા
હોય છે. ટેનિસની રમતમાં ય સ્ત્રી ખેલાડીઓના ફોટામાં ગ્લેમર જ શોધવામાં આવે છે. પણ
પુરુષોની રમતો સૌથી વધારે જોવાય છે. બેઝબોલ, બાસ્કેટ બોલ, ફુટબોલ, રગ્બી, ક્રિકેટ,
હોકી વગેરે વગેરે.. ઉફ્ફ આવો વિચાર આવતાં જ સ્ત્રી હ્રદયને થોડો ધક્કો લાગ્યો પણ
મને ય પુરુષોનું હોસ્ટિંગ ગમે છે. મારી જાત માટે જ સૌ પહેલાં તો વિચાર કરવો પડે.
ફ્રેન્કલી કહું તો મને પુરુષોને મેચો મેન તરીકે જોવા ગમતાં નથી. હા કોઇ પુરુષ
ઇન્ટેલેક્ચ્યુઅલિ વાત કરતો હોય અને તેની
પોઝિટિવ બોડી લેન્ગેવેન્જ હોય તો ગમે. હમમમ... થોડું રિસર્ચ કર્યું તો
દુનિયાના દરેક ટેલિવિઝન હોસ્ટ જે ફેમસ હોય તેમાં પુરુષોની સંખ્યા ડોમિનેટિંગ છે.
વાત કરવામાં સ્ત્રીઓ ચબરાક હોય, દેખાવમાં સેક્સી સ્ત્રી હોય તો એ કાર્યક્રમ વધુ જોવાય એવી પણ એક
માન્યતા છે. એટલે જ દરેક જગ્યાએ યુવાન સ્ત્રીઓને લેવાનો ધારો હોય છે. કદાચ સાચું ય
હોઇ શકે.
પરંતુ, આ વાંચનાર દરેક પુરુષો આનંદો કે એવું નથી. પુરુષની પ્રતિભા અને વાત કરવાની
શૈલી વધારે વેચાય છે. આઈ મીન વધારે આકર્ષક હોય છે. અને સૌથી વધુ ટેલિવિઝન સ્ત્રીઓ
જ જોતી હોય છે એવું કહેવાનું મન થાય પણ ના સ્ત્રીઓ ફક્ત ધારાવાહિકો જ વધારે જોતી
હોય છે. ઇન્ટેલેક્ચ્યઅલ કે ન્યુઝ શો પુરુષો જ વધુ જોતા હોય છે. તે જગજાહેર છે.
અર્થાત પુરુષોને સ્ત્રી હોસ્ટ હોય તો જ પ્રોગ્રામ જોવા ગમે છે એવું નથી. પુરુષ
દર્શકો આકર્ષવા માટે નો નોનસેન્સ વ્યક્તિઓ હોવી જોઇએ. ધ્યાનથી જોતાં સમજાય છે કે
કોન્ફિડન્સ અને ફ્લુએન્સી અર્થાત આત્મવિશ્વાસ અને સહજતા એ બે બાબતો કોઇ પણ પ્રોગ્રામના
સંચાલનમાં જરૂરી હોય છે. પુરુષો એ બાબતે ખૂબ સહજ હોય છે. વિદેશની ન્યુઝ ચેનલોમાં
વેધર અપડેટ આપવા માટે આવતાં હોસ્ટ ક્યારેક દર્શકોના મનની મોસમ પણ બદલી નાખે તેવા
ચબરાક અને આકર્ષક હોય છે. પંદર પોપ્યુલર
વેધર હોસ્ટના એક આર્ટિકલમાં સાત પુરુષો છે. ખાતરી કરવી હોય તો ગુગલ પર સર્ચ મારી
જોજો. ન્યુઝ અપડેટ આપતાં કે વેધર અપડેટ આપતાં હોસ્ટના ચહેરાને જોવાનો હોય છે. એ જે
રીતે બોલે તેની સ્ટાઇલ, બોડી લેગ્વેજ અને બોલવાની રીત એટલા આકર્ષક હોય કે ક્યારેક
એવું બને કે ન્યુઝ અપડેટ જોઇએ છીએ કે
હોસ્ટને તે જ ભૂલાઈ જાય. સીએનએન
ન્યુઝ ચેનલ પર વેધર અપડેટ આપતાં રોબ મારીકાનાને જોવા માટે વેધર ન્યુઝ જોનારા લોકો
પણ છે.
આપણે ત્યાં રસોઇ શોની વાત કરીએ તો લોકપ્રિય સંજીવ
કપુરને લઈને ટીવી ચેનલ ફુડ શો કરવા તૈયાર નહોતી. તેમને કોઇ સ્ત્રી જ જોઈતી હતી. પણ
કોઇ રૂપકડી સ્ત્રી હોસ્ટ મળે ત્યાં સુધી ન છુટકે ખાનાખજાનામાં સંજીવ કપુરને લઇને
શરૂ થયો. અને ચેનલવાળાએ જોયું કે સંજીવ કપુરને કારણે શોની ટીઆરપી વધી અને બસ પછી
સ્ત્રીને લાવવાનું ભૂલાઈ ગયું ને સંજીવ કપુર આજે સેલિબ્રિટી છે અને ભારતભરમાં લોકો
તેને ટીવી હોસ્ટ તરીકે ઓળખે છે. ઇટલીનો ડેવિડ રોક્કો શેફ દુનિયાભરમાં લોકપ્રિય છે.
આજે 24 કલાક ચાલતી ફુડ ચેનલ પર 70 ટકા હોસ્ટ પુરુષો જ છે.
બિગ બોસ , કૌન બનેગા કરોડપતિ અને સત્યમેવ જયતે
જેવા અતિ લોકપ્રિય શોના હોસ્ટ પુરુષો જ છે તે કહેવાની જરૂર છે ? કૌન બનેગા કરોડપતિ
અમિતાભ બચ્ચન હોસ્ટ તરીકે એકદમ ફીટ અને હીટ છે. તેમના બદલે એક સિઝનમાં બીજા
લોકપ્રિય હીરોનું નામ વિચાર્યું પણ બાત કુછ બની નહી. વિચારો કે કેમ ક્યારેય કોઇ
હિરોઈનનું નામ વિચારવામાં નથી આવ્યું ? બિગ બોસની સાત સિઝન થઈ ગઈ તેમાં એક જ
સ્ત્રી હોસ્ટ હતી શિલ્પા શેટ્ટી ત્યારબાદ ક્યારેય કોઇ સ્ત્રી હોસ્ટ વિશે વિચારાયું
નથી. આ બધું જોતાં અને લખતાં દુખ સાથે ય કબૂલવું પડે કે પુરુષ હોસ્ટ જ હીટ છે.
સત્યમેવ જયતે વિશે ટીકા થાય કે વખાણ પણ આમિર ખાન સિવાય બીજા કોઇ હોસ્ટની કલ્પના
કરવી મુશ્કેલ છે. આ બધું જોતાં ફેર વિચારણા કરવાનું મન થાય કે આ જેન્ડર બાયસ જાણી
જોઇને થઇ રહ્યું છે કે પછી સ્વીકારવું જોઇએ કે પુરુષોનું સંચાલન શ્રેષ્ઠ છે ?
સ્ત્રીને જોવી ગમતી હોવા છતાં મોટાભાગના
ટેલિવિઝન શોમાં પુરુષોનું આધિપત્ય છે તે સ્વીકારવું જ રહ્યું.
ન્યુઝ ચેનલમાં પણ પ્રણવ મુખરજી, વિનોદ દુઆ
લોકપ્રિય હતા. આજે રાજદીપ સરદેસાઈ, અર્નબ ગોસ્વામી અને બીજા અનેક છે. હા બરખા
દત્ત, સાગરીકા જેવી બે ત્રણ સ્ત્રીઓની વાત કરી શકાય પરંતુ, લોકપ્રિયતામાં પુરુષોને
જ મુકવા પડે એમ છે. રેડિયો ઉપર પણ અમીન સયાનીનો અવાજ સ્ત્રી પુરુષ દરેકના મનમાં
રાજ કરી રહ્યો છે. આ બાબતે વધારે રિસર્ચ કરતાં જણાયું કે સ્ત્રી અને પુરુષ સાથે
હોય છે ત્યારે કે હોસ્ટ હોય ત્યારે કે પેનલ પર હોય ત્યારે પણ પુરુષ જ સૌથી વધારે
સમય બોલતો હોય છે. આ બાબતે ન્યુઝીલેન્ડ, અમેરિકામાં પણ અનેક રિસર્ચ થયા છે. હકિકતે
સ્ત્રીઓ અંગત બાબતે કે સંબંધો અને સમાજ સંદર્ભે વાત સહજતાથી કરી શકે છે. પણ
જાહેરમાં બોલવાનું હોય પછી તે રાજકિય ભાષણ હોય, મિટિંગ હોય, કે કોઇ સંચાલન હોય તે
સમયે તમારામાં રહેલો આત્મવિશ્વાસ, તૈયારી અને પોતાની વાત સાંભળનારના ગળે ઉતારવાની
આવડત પુરુષોમાં સહજ હોય છે. દુનિયાભરના શ્રેષ્ઠ વક્તાઓમાં પણ સ્ત્રીઓની નોંધ નહીવત
જણાશે. તમે જ્યારે પબ્લિક સમક્ષ ઊભા હો ત્યારે પોતાના વ્યક્તિત્વને વિસ્તારી
શકવાની આવડત હોવી જરૂરી હોય છે. પુરુષોમાં કદાચ એ ઉછેરને કારણે સહજ હોઇ શકવાની
શક્યતાઓ પણ વિચારવામાં આવે છે.
સામાજીક સંદર્ભે બૃહદતાથી વિચારીને બોલવાની કળા
પુરુષોમાં સહજ સાધ્ય હોય છે. બીજું જ્યારે જાહેર માધ્યમ પર બોલવાનું હોય છે ત્યારે
તમારામાં સત્તાને સ્થાપિત કરવાની કળા પણ હોવી જરૂરી છે. ઉછેર, માનસિકતા અને જાતિય
ભેદભાવ અહીં ડોમિનેટ કરે છે તે મને કમને સ્વીકારવું જ રહ્યુ. આ ક્ષેત્રે મેલ
ડોમિનન્સ એટલે કે પુરુષોનું આધિપત્ય સહજ જ છે. ક્લાસરૂમથી લઈને સભાઓ સુધી
પુરુષપ્રધાનતા સામે કદાચ કોઇને વાંધો નથી. છતાં પણ મિડિયામાં યુવાન સ્ત્રીઓની માગ
રહ્યા કરે છે અને પ્રતિભા ન ધરાવનાર લોકો સ્ત્રી શરીરને દોષ આપતા પોતાની નબળાઈને
છુપાવવાનો પ્રયત્ન કરે પણ છે. પરંતુ, જે પુરુષમાં આત્મવિશ્વાસ હોય છે તે દેખાવથી
નહી પણ પોતાની પ્રતિભાથી પોતાને સાબિત કરે જ છે. અમિતાભ બચ્ચન એનો સૌથી જાણીતું
ઉદાહરણ છે. તેમના દેખાવ અને અવાજને એક જમાનામાં રિજેક્ટ કરવામાં આવ્યો હતો. આજે એ
જ અવાજ અને દેખાવ તેમની પ્રતિભા છે. જેને ઉંમરનો ય કાટ લાગ્યો નથી.
- 03:37
- 2 Comments
વોટસ અપ અને ફેસબુક પર લોકો પોતાના વિચારો લખીને
કોમ્યુનિકેશન કરવા કરતાં ફોર્વડ વધુ કરતાં હોય છે. ફોર્વડ કરો એનો ય વાંધો નહીં પણ
બીજાને મોકલવાનો એટલો ઉત્સાહ હોય કે પોતે શું કામ ફોર્વડ કરે છે કે ફોર્વડ કરવું
જોઇએ કે નહીં ? તે વિશે વિચાર પણ કરતાં નથી. તેમાંય ક્રૂરતા દર્શાવતાં વિડિયો પણ
ફોર્વડ કરવામાં આવે છે. તાલિબાનો કે ટેરરિસ્ટ માથા કાપી નાખતા હોય કે તે માથાંથી
ફુટબોલ રમતાં હોય. અથવા કોઇ કોઇને મારતું હોય. એક્સિડન્ટ થયો હોય. મારામારી,
ગાળાગાળી થતી હોય. બાળકોને માર મારવામાં આવતો હોય. પ્રાણીને ત્રાસ આપવામાં આવતો
હોય વગેરે વગેરે.. પહેલાં તો આવો વિડિયો જોવો ન જોઇએ. અને ભૂલમાં જોવાઈ ગયો તો
બીજા કોઇને ફોર્વડ ન કરવો જોઇએ. આવા વિડિયો બનાવનાર અને જોનારાઓને એક જાતનો વિકૃત
આનંદ મળતો હશે. નહીં તો વિડિયો બનાવવા કરતાં તેના વિશે તરત જ એકશન ન લે ? હા
તાલિબાનો આવા વિડિયો જાતે જ અપલોડ કરી શકે. વોટ્સ એપ અને ફેસબુક પર વ્યક્તિ જે
રીતે વર્તે છે તેનાથી એની પુખ્તતા અને માનસિકતા છતી થતી હોય છે. હિંસા જોવી પણ લોકોને ગમે છે એટલે જ એકશન અને હોરર ફિલ્મો બનતી
હોય છે. તેમાં ભરપુર વિકૃત હિંસાઓ બતાવાય છે. અને લોકો પૈસા આપીને ય જોવા જાય છે.
આવી હિંસા જોઇને મગજ એટલું બધીર થઈ જાય છે કે હિંસક વિડિયો જોતાં કશી જ અસર નથી
થતી. પણ જોયા બાદ ગિલ્ટ , ગુનાહિતતા અનુભવાય
છે. એટલે તેને ફોર્વડ કરીને નીચે લખે કે આ માણસને શોધો અને સજા કરો. અરે વિચારો તો
ખરા કે વિડિયો જેણે અપલોડ કર્યો છે , યુટ્યુબ પર મૂક્યો છે તેને ખબર છે કે એ માણસ કોણ છે ! એ
માણસને પકડો... પણ ગાડરિયા પ્રવાહની જેમ આપણે ય ચાલવાનું વિચારવાનું નહીં. વોટ્સ એપ અને ફેસબુક મિડિયા ધ્વારા સમજાય છે કે
મોટાભાગે માણસોએ વિચારવાનું છોડી દીધું
છે.
- 01:50
- 1 Comments
આજે વિરોધ કરવો એ પણ ફેશન બની જાય તેની નવાઈ નથી રહી. તમે સ્ત્રીના
અધિકાર વિશે કે સમાજમાં ચાલી રહેલી દોરંગી વિચારધારા વિશે કહો કે લખો એટલે તમે
નારીવાદી... નારીવાદીઓને તાલિબાન સાથે ય ક્રૂરતાપૂર્વક સરખાવવામાં આવે છે. નવાઈ
ત્યારે લાગે જ્યારે જાણ્યા કે સમજ્યા વગર સ્ત્રીઓ પોસ્ટરો લઇને ઊભી રહી જાય. તમે
કઇ બાબતનો વિરોધ કરો છો અને શું કામ કરો છો? તેનો થોડો ઘણો અભ્યાસ તો દરેકે કરવો જોઇએ. કોઇ સ્ત્રીને
ગાળ આપવી હોય તો નારીવાદી કહીને ઉતારી પાડી શકાય. શું કામ? કારણ કે આજના જમાનામાં સ્ત્રીઓ પર કોઇ અન્યાય થતો જ નથી.
એવું માની લેવામાં આવે છે સો કોલ્ડ પોતાની જ સુરક્ષિત દુનિયામાં રહેતા લોકો
ધ્વારા.
ઇન્ટરનેટ અને બ્લોગ
દુનિયાની સાથે સંપર્ક કરવા માટે સરળ અને સુલભ સાધન છે. અફગાનિસ્તાનમાં રહેતી
સ્ત્રીઓ પણ બુરખો પહેરીને, નામ બદલીને, પોતાની વાત બ્લોગ ધ્વારા લોકો સુધી
પહોંચાડે છે. તો આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે. વિમેન અગેઇન્સ્ટ ફેમિનિઝમ
નામનો બ્લોગ. આ બ્લોગ પર સ્ત્રીઓ પોસ્ટર
લઈને પોતાના ફોટા મૂકે છે. એ પોસ્ટરોમાં લખ્યું હોય છે કે હું ફેમિનિસ્ટ નથી કારણ
કે હું પુરુષ વિરોધી નથી. બીજી એક છોકરી લખે છે કે હું પ્રેમાળ માતા અને સપોર્ટિંગ
વાઈફ હોવા સાથે સફળ કારર્કિદી ધરાવું છું. તો વળી ત્રીજી લખે છે કે હું સાયન્ટિસ્ટ
છું અને સ્ત્રી કે પુરુષના ભેદ નથી પાળતી. તો એક લખે છે કે હું સબમિસીવ છું પણ
ડિપ્રેસ્ડ નથી. મારે માસ્ટર છે પણ સેક્સુઅલી વિક્ટિમ નથી. વગેરે વગેરે.... પહેલી
વાત તો એ કે નારીવાદી હોવું એટલે પુરુષ વિરોધી હોવું એ બિલ્કુલ નથી. સ્ત્રી
અધિકારોની ચળવળ શરૂ થઈ તેમાં સ્ત્રીને એક વ્યક્તિ તરીકે સ્વીકારવાની જ વાત હતી.
અજ્ઞાન એ દરેક વખતે
આર્શિવાદ સમાન નથી હોતું. બ્લોગ કરનારી
સ્ત્રીઓએ અને નારીવાદને વખોડનાર વ્યક્તિઓએ વધુ કંઇ નહીં તો ગુગલ પર જઇને
ફેમિનિઝમના ઇતિહાસને અને તેના અર્થને ઉપરછલ્લી રીતે પણ જાણી લેવો જોઇએ. આ ચળવળ
સામાજીક, રાજકિય અને આર્થિક સ્તરે સ્ત્રીઓને સમાન હક્ક મળે તે માટે શરૂ થઈ. અને જે
સ્ત્રીઓ પોતાના વ્યક્તિ તરીકેના અધિકારો વિશે વાત કરતી હોય તેને નારીવાદી કહેવામાં
આવ્યા. સ્ત્રી હોવું એ ગર્વની વાત છે. તે શરમજનક બાબત નથી. પિતૃસત્તાક ખાપ પંચાયતો
કે તાલિબાની વિચારધારા આજે પણ સ્ત્રીઓ પર દરેક અંકુશ અને બંધનો લાદવામાં માને છે.
તેમાં ધર્મો પણ બાકાત નથી. કારણ કે દરેક ગુનાઓના મૂળમાં સ્ત્રીઓનું સ્વતંત્ર
વ્યક્તિત્વ હોય છે એવું માનવામાં આવે છે. એટલી હદે સ્ત્રીઓનું પણ બ્રેઇન વોશ
કરવામાં આવે છે કે તેમને ય એવું લાગવા માંડે છે કે સ્ત્રી અધિકારોની વાત કરવી એટલે
પુરુષ વિરોધી વાત કરવી. એ માન્યતા છે હકિકત નહી. આ બધા માનવતાવાદીઓ કેમ તાલિબાની
માનસિકતા અને ખાપ પંચાયતો વિરુધ્ધ ઊભા નથી થતા ? કારણ કે તેઓ પણ આવી જ માન્યતા ધરાવતાં હોય છે.
હજી આજે પણ ગ્લાસ સિલિંગનો સામનો વૈજ્ઞાનિક ક્ષેત્રે કામ કરતી સ્ત્રીઓએ પણ કરવો જ
પડે છે. હજી આજે પણ એક સરખું કામ કરતાં સ્ત્રી પુરુષોના વેતનમાં ફરક હોય છે. હજી
આજે પણ કેટલાય ઘરોમાં સ્ત્રીઓને પુરુષોની સામે બોલવાનો અધિકાર હોતો નથી. હજી આજે
પણ દુનિયાભરમાં રાજકારણ અને સત્તાના નિર્ણયો પુરુષોના હાથમાં જ હોય છે.
સમાજમાં હજી આજે ય
સ્ત્રીઓની મૂળભૂત જરૂરિયાત અંગે આંખઆડા કાન કરવામાં આવે છે. મુંબઈની જ વાત કરું તો
રોજ લાખો સ્ત્રીઓ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરે છે એ ધ્યાનમાં રાખીને લેડિઝ સ્પેશિયલ
ટ્રેન શરૂ કરવામાં આવી છે. પણ મુંબઈના એકપણ પ્લેટફોર્મ પર મહિલાઓ માટેના શૌચાલય
ઉપયોગમાં લઈ શકાય એવી સ્થિતિમાં નથી. શું સ્ત્રીઓ પાસેથી ઓછું ભાડું વસુલવામાં આવે
છે ? ખેર આ તો એક મુદ્દો છે. બાકી સ્ત્રી ભૃણ હત્યા થતી
સાંભળી છે ક્યારેય પુરુષ ભૃણ હત્યા સાંભળ્યું છે ? સ્ત્રીઓ પર એસિડ ફેંકાય
છે તેને જીવતી બાળી મૂકાય છે, બળાત્કાર થાય ને ત્યારબાદ તેની ક્રૂર હત્યા પણ થાય.
સ્ત્રી હોવું એ મારે માટે ગર્વની બાબત છે. સાથે મારી જાતિ પર થતાં અન્યાયો અને
અત્યાચારને સમજી શકું કે અનુભવી શકું છું. અન્યાય વિરુધ્ધ બોલવું તે ગુના હોય તો
મને નારીવાદી કહેવડાવવામાં પણ વાંધો નથી.
- 23:44
- 0 Comments
સ્ત્રીએ ઘરમાં રહેવું કે
બહાર જઇને પોતાની કારર્કિદી બનાવવી જોઇએ ? એકવીસમી સદીમાં આજે પણ આ પ્રશ્નો થઈ રહ્યા છે. એક સભામાં
ગૃહિણીએ મને સવાલ પૂછ્યો કે ઇન્દ્રા નુયીએ કહ્યું કે સ્ત્રીને બધું જ નથી મળી
શકતું તો શું સ્ત્રીઓ કારર્કિદી ઘડીને ભૂલ નથી કરતી ? આ પ્રશ્નનો જવાબ
સરળતાથી સમજાવવા માટે પણ આપણે પહેલાં આંતર રાષ્ટ્રિય પેપ્સી કંપનીના સીઇઓ ઇન્દ્રા
નુયીએ શું કહ્યું અને શું કામ કહ્યું તે સમજવું જોઇએ.
કોઇપણ કામ કરતી સ્ત્રીઓ
માટે ગુનાહિતતાનો ભાવ હોવો જાણે જરૂરી છે. એટલે જ ઇન્દ્રા નુયી જે પોસ્ટ ઉપર
પહોંચ્યા છે, તે પોષ્ટ પર જો પુરુષ હોતતો
તેની માતાએ ક્યારેય એમ નહી કહ્યું હોત કે તને બહાર માનઅકરામ મળે તે તો ઠીક છે.
ઘરમાં બાળકોને માટે દૂધ છે કે નહીં તે જાણવું વધારે જરૂરી છે. નવાઈ લાગે કે
ઇન્દ્રા નુયીની માતાએ તેને મેડલ ગેરેજમાં મૂકી આવીને ઘરમાં ફક્ત માતા બની રહેવાનું
સૂચન કર્યું હતું. જુલાઈના પ્રથમ સપ્તાહમાં ઇન્દ્રા નુયીએ સ્ત્રીના ઘર અને કામના બેલેન્સિંગ એક્ટ અંગે
નિખાલસતાપૂર્વક એમ કહ્યું કે, “ કામ કરતી દરેક સ્ત્રીને
બધું જ સરળતાથી મળી જતું નથી. જીવનમાં અનેક વાર કે ક્યારેક તો દિવસમાં ય અનેકવાર
કપરાં નિર્ણયો લેવા પડતાં હોય છે. હું ગમે તેટલું કરું તો ય મારી દીકરીને મારે
માટે ફરિયાદ હોઇ શકે.” બસ આટલું
કહેતાં જ વિશ્વભરમાં ચર્ચાઓ ચાલી ઇન્દ્રા નુયીએ આવું નહોતું કહેવું જોઇતું એવો
આક્રોશ પણ સોશ્યલ સાઈટ પર મંડાયો. સાથે જ ઇન્દ્રાએ જે કહ્યું એ બરાબર છે ? તેવી ચર્ચાઓ પણ શરૂ થઈ.
હું પણ માતા છું અને કામ
પણ કરું છું એટલે ઇન્દ્રા નુયીએ જે કહ્યું તેને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજી શકું.
જાતીય ભેદભાવ સમાજના માનસમાં હજી પણ પ્રવર્તે જ છે તે સ્વીકારવું જ રહ્યું. અને
તેની કસોટીમાંથી પેપ્સી કંપનીની સીઈઓ હોય કે કામવાળી હોય દરેકે પસાર થવું જ પડે
છે. આધુનિક જીવનમાં આ અગ્નિ પરિક્ષા દરેક સ્ત્રીએ આપવી જ રહી. બાળકના જન્મ બાદ કામ
કરવા જવું કેટલું અઘરું હોઇ શકે તે દરેક
નારીનો અંગત અનુભવ છે. પણ ગૃહિણીને શું પોતાના ફ્રસ્ટ્રેશન નથી હોતા ? પોતાનું બાળક ઉછેરવું તે અદભૂત બાબત છે. અને તે કામ
માતા માટે કપરું હોઇ શકે તે માનવું મને અઘરું લાગે છે. દુનિયાનું સૌથી સુંદર અને
સરળ કામ હોય તો તે બાળકનો ઉછેર છે. તેમાં ય આજના આધુનિક સમયમાં અનેક સુવિધાઓ સાથે શિક્ષિત
નારી માટે તે કામ અઘરું રહ્યું નથી.
બાળક જ્યારે શાળામાં જવા
માંડે છે ત્યારે અઢળક સમય મા પાસે પોતાના માટે બચે છે. વળી ભણેલી સ્ત્રીઓ પણ
પોતાના બાળકોને ટ્યુશનમાં મોકલતી હોય છે. જો સ્ત્રી પોતાના સમયનો અને આવડતનો યોગ્ય
ઉપયોગ કરે અને કામ કરે તો તેમાં ગુનાહિતતા અનુભવવાની જરૂર તેમને જણાતી નથી. અને તે
છતાંય દરરોજ નવો પડકાર સામે આવવાનો જ છે. કેટલાક નિર્ણયો કપરાં પણ રહેવાના પરંતુ,
તેમાંથી કઇ રીતે માર્ગ કાઢવામાં આવે છે તે મહત્વનું છે. ઇન્દ્રા નુયી જેવી અનેક
સ્ત્રીઓ બાળકના જન્મ બાદ પતિ અને કુટુંબની સહાયથી કારર્કિદી ઘડે છે. તો કેટલીક
સ્ત્રીઓ જે કોર્પોરેટ કામના સ્ટ્રેસને પહોંચી વળી નથી શકતી તે કામ છોડી દે છે અથવા
તેમાંથી બ્રેક લેવાનો નિર્ણય લેતી હોય છે.
એક બાબત સમજી લેવી જરૂરી
છે કે પુરુષને ય પોતાના નવજાત બાળક સાથે વધુ સમય ન વીતાવી શકવાનો અફસોસ સતાવતો જ
હોય છે. ખાસ કરીને તે ઉચ્ચ હોદ્દા પર હોય ત્યારે. જાતીય ભેદભાવની માનસિકતા હોવા
છતાં સ્ત્રી હોય કે પુરુષ દરેકે જીવનમાં અઘરા નિર્ણયોમાંથી પસાર થઈને જ સફળતાની
સીડીઓ ચઢવાની હોય છે. સફળતા સરળતાથી કે સહજતાથી કોઇ થાળ સજાવીને તમને આપી શકતું
નથી. ઇન્દ્રા નુયીએ પણ જ્યારે તેના બાળકો માંદા હશે કે શાળામાં વાલી મિટિંગ સાથે
બોર્ડની અગત્યની મિટિંગ ક્રેશ થતી હશે ત્યારે તાણ અનુભવી જ હશે. પરંતુ, કપરા
સંજોગોમાં જે સ્ત્રી માર્ગ કાઢી શકે છે તે જ સફળ થતી હોય છે.
ઇન્દ્રા નુયીએ જે ચર્ચા
શરૂ કરી તેમાંથી અનેક સ્ત્રીઓએ પ્રેરણા લેવી જરૂરી છે. ઉચ્ચ હોદ્દા સુધી પહોંચેલી
સ્ત્રી કે જે દરેક સુવિધા મેળવી શકે છે. તેને ય માતા અને કારર્કિદીની કશ્મકશ
અનુભવી પડી હતી. તો હજી કારર્કિદીના પહેલાં પગથિયા ચઢી રહેલી સ્ત્રીને આગળ આવનારી
તકલીફો વિશે વિચારવાનો સમય મળી રહે છે. સાથે રસ્તો પણ મળે છે કે તેમની આગળ
સ્ત્રીઓએ કઈ રીતે તેમાંથી માર્ગ કાઢ્યો હતો. પડકાર સાથે જીવવાનો ય એક આનંદ હોય છે.
બાકી દરેક સ્ત્રીએ જીવનને કઇ રીતે જીવવું
તેનો નિર્ણય પોતાની તાસીર સમજીને લેવો જોઇએ. કારણ કે દરેકની ક્ષમતા અને સંજોગો અલગ
હોઇ શકે છે. ન તો કારર્કિદી માટે બહાર જવું ખરાબ છે કે ન તો માતા બનીને ગૃહકાર્ય
કરવું ખરાબ છે. ફક્ત ફરક એટલો જ હોય છે કે તમે જે કાર્ય કરો છો તેમાં કેટલી
રચનાત્મકતા લાવી શકો છો.
- 23:56
- 1 Comments