પુરુષોનું આધિપત્ય બોલવામાં 19-8-14

03:37

એક બપોરે ટીવી સર્ફિંગ કરતાં પહેલીવાર ખ્યાલ આવ્યો કે મોટાભાગના ટીવી શો (ધારાવાહિક નહી ) પોપ્યલર છે તેમાં પુરુષો હોસ્ટ છે.વેલ, તેમાં અપવાદ હોઇ શકે પણ ફુડ ચેનલોમાં પણ પુરુષ હોસ્ટ હોય તે જોવા ગમે એવા હોય છે. આ વિચાર આવ્યા બાદ દરેક શો અને ચેનલ સર્ફ કરીને ધ્યાનથી જોયું. ત્યારે સમજાયું કે જાણે અજાણે આ એરિયા ભલે વિમેન ડોમિનેટીંગ મનાતો હોય પણ ખરેખર તો મેલ ડોમિનેટિંગ જ છે.
ક્રિકેટ વર્લ્ડ કપ સમયે મંદિરા કે બીજી કોઇપણ સ્ત્રીનો ગ્લેમરનો તડકો ભલે મરાતો હોય પણ પુરુષો જ ટેલિવિઝન પર સૌથી વધુ દેખાતા હોય છે. ટેનિસની રમતમાં ય સ્ત્રી ખેલાડીઓના ફોટામાં ગ્લેમર જ શોધવામાં આવે છે. પણ પુરુષોની રમતો સૌથી વધારે જોવાય છે. બેઝબોલ, બાસ્કેટ બોલ, ફુટબોલ, રગ્બી, ક્રિકેટ, હોકી વગેરે વગેરે.. ઉફ્ફ આવો વિચાર આવતાં જ સ્ત્રી હ્રદયને થોડો ધક્કો લાગ્યો પણ મને ય પુરુષોનું હોસ્ટિંગ ગમે છે. મારી જાત માટે જ સૌ પહેલાં તો વિચાર કરવો પડે. ફ્રેન્કલી કહું તો મને પુરુષોને મેચો મેન તરીકે જોવા ગમતાં નથી. હા કોઇ પુરુષ ઇન્ટેલેક્ચ્યુઅલિ વાત કરતો હોય અને તેની  પોઝિટિવ બોડી લેન્ગેવેન્જ હોય તો ગમે. હમમમ... થોડું રિસર્ચ કર્યું તો દુનિયાના દરેક ટેલિવિઝન હોસ્ટ જે ફેમસ હોય તેમાં પુરુષોની સંખ્યા ડોમિનેટિંગ છે. વાત કરવામાં સ્ત્રીઓ ચબરાક હોય, દેખાવમાં સેક્સી સ્ત્રી  હોય તો એ કાર્યક્રમ વધુ જોવાય એવી પણ એક માન્યતા છે. એટલે જ દરેક જગ્યાએ યુવાન સ્ત્રીઓને લેવાનો ધારો હોય છે. કદાચ સાચું ય હોઇ શકે.
પરંતુ, આ વાંચનાર દરેક પુરુષો આનંદો  કે એવું નથી. પુરુષની પ્રતિભા અને વાત કરવાની શૈલી વધારે વેચાય છે. આઈ મીન વધારે આકર્ષક હોય છે. અને સૌથી વધુ ટેલિવિઝન સ્ત્રીઓ જ જોતી હોય છે એવું કહેવાનું મન થાય પણ ના સ્ત્રીઓ ફક્ત ધારાવાહિકો જ વધારે જોતી હોય છે. ઇન્ટેલેક્ચ્યઅલ કે ન્યુઝ શો પુરુષો જ વધુ જોતા હોય છે. તે જગજાહેર છે. અર્થાત પુરુષોને સ્ત્રી હોસ્ટ હોય તો જ પ્રોગ્રામ જોવા ગમે છે એવું નથી. પુરુષ દર્શકો આકર્ષવા માટે નો નોનસેન્સ વ્યક્તિઓ હોવી જોઇએ. ધ્યાનથી જોતાં સમજાય છે કે કોન્ફિડન્સ અને ફ્લુએન્સી અર્થાત આત્મવિશ્વાસ અને સહજતા એ બે બાબતો કોઇ પણ પ્રોગ્રામના સંચાલનમાં જરૂરી હોય છે. પુરુષો એ બાબતે ખૂબ સહજ હોય છે. વિદેશની ન્યુઝ ચેનલોમાં વેધર અપડેટ આપવા માટે આવતાં હોસ્ટ ક્યારેક દર્શકોના મનની મોસમ પણ બદલી નાખે તેવા ચબરાક અને આકર્ષક હોય છે.  પંદર પોપ્યુલર વેધર હોસ્ટના એક આર્ટિકલમાં સાત પુરુષો છે. ખાતરી કરવી હોય તો ગુગલ પર સર્ચ મારી જોજો. ન્યુઝ અપડેટ આપતાં કે વેધર અપડેટ આપતાં હોસ્ટના ચહેરાને જોવાનો હોય છે. એ જે રીતે બોલે તેની સ્ટાઇલ, બોડી લેગ્વેજ અને બોલવાની રીત એટલા આકર્ષક હોય કે ક્યારેક એવું બને કે ન્યુઝ અપડેટ જોઇએ છીએ કે  હોસ્ટને તે જ ભૂલાઈ જાય.  સીએનએન ન્યુઝ ચેનલ પર વેધર અપડેટ આપતાં રોબ મારીકાનાને જોવા માટે વેધર ન્યુઝ જોનારા લોકો પણ છે.
આપણે ત્યાં રસોઇ શોની વાત કરીએ તો લોકપ્રિય સંજીવ કપુરને લઈને ટીવી ચેનલ ફુડ શો કરવા તૈયાર નહોતી. તેમને કોઇ સ્ત્રી જ જોઈતી હતી. પણ કોઇ રૂપકડી સ્ત્રી હોસ્ટ મળે ત્યાં સુધી ન છુટકે ખાનાખજાનામાં સંજીવ કપુરને લઇને શરૂ થયો. અને ચેનલવાળાએ જોયું કે સંજીવ કપુરને કારણે શોની ટીઆરપી વધી અને બસ પછી સ્ત્રીને લાવવાનું ભૂલાઈ ગયું ને સંજીવ કપુર આજે સેલિબ્રિટી છે અને ભારતભરમાં લોકો તેને ટીવી હોસ્ટ તરીકે ઓળખે છે. ઇટલીનો ડેવિડ રોક્કો શેફ દુનિયાભરમાં લોકપ્રિય છે. આજે 24 કલાક ચાલતી ફુડ ચેનલ પર 70 ટકા હોસ્ટ પુરુષો જ છે.
બિગ બોસ , કૌન બનેગા કરોડપતિ અને સત્યમેવ જયતે જેવા અતિ લોકપ્રિય શોના હોસ્ટ પુરુષો જ છે તે કહેવાની જરૂર છે ? કૌન બનેગા કરોડપતિ અમિતાભ બચ્ચન હોસ્ટ તરીકે એકદમ ફીટ અને હીટ છે. તેમના બદલે એક સિઝનમાં બીજા લોકપ્રિય હીરોનું નામ વિચાર્યું પણ બાત કુછ બની નહી. વિચારો કે કેમ ક્યારેય કોઇ હિરોઈનનું નામ વિચારવામાં નથી આવ્યું ? બિગ બોસની સાત સિઝન થઈ ગઈ તેમાં એક જ સ્ત્રી હોસ્ટ હતી શિલ્પા શેટ્ટી ત્યારબાદ ક્યારેય કોઇ સ્ત્રી હોસ્ટ વિશે વિચારાયું નથી. આ બધું જોતાં અને લખતાં દુખ સાથે ય કબૂલવું પડે કે પુરુષ હોસ્ટ જ હીટ છે. સત્યમેવ જયતે વિશે ટીકા થાય કે વખાણ પણ આમિર ખાન સિવાય બીજા કોઇ હોસ્ટની કલ્પના કરવી મુશ્કેલ છે. આ બધું જોતાં ફેર વિચારણા કરવાનું મન થાય કે આ જેન્ડર બાયસ જાણી જોઇને થઇ રહ્યું છે કે પછી સ્વીકારવું જોઇએ કે પુરુષોનું સંચાલન શ્રેષ્ઠ છે ? સ્ત્રીને જોવી ગમતી હોવા છતાં મોટાભાગના  ટેલિવિઝન શોમાં પુરુષોનું આધિપત્ય છે તે સ્વીકારવું જ રહ્યું.
ન્યુઝ ચેનલમાં પણ પ્રણવ મુખરજી, વિનોદ દુઆ લોકપ્રિય હતા. આજે રાજદીપ સરદેસાઈ, અર્નબ ગોસ્વામી અને બીજા અનેક છે. હા બરખા દત્ત, સાગરીકા જેવી બે ત્રણ સ્ત્રીઓની વાત કરી શકાય પરંતુ, લોકપ્રિયતામાં પુરુષોને જ મુકવા પડે એમ છે. રેડિયો ઉપર પણ અમીન સયાનીનો અવાજ સ્ત્રી પુરુષ દરેકના મનમાં રાજ કરી રહ્યો છે. આ બાબતે વધારે રિસર્ચ કરતાં જણાયું કે સ્ત્રી અને પુરુષ સાથે હોય છે ત્યારે કે હોસ્ટ હોય ત્યારે કે પેનલ પર હોય ત્યારે પણ પુરુષ જ સૌથી વધારે સમય બોલતો હોય છે. આ બાબતે ન્યુઝીલેન્ડ, અમેરિકામાં પણ અનેક રિસર્ચ થયા છે. હકિકતે સ્ત્રીઓ અંગત બાબતે કે સંબંધો અને સમાજ સંદર્ભે વાત સહજતાથી કરી શકે છે. પણ જાહેરમાં બોલવાનું હોય પછી તે રાજકિય ભાષણ હોય, મિટિંગ હોય, કે કોઇ સંચાલન હોય તે સમયે તમારામાં રહેલો આત્મવિશ્વાસ, તૈયારી અને પોતાની વાત સાંભળનારના ગળે ઉતારવાની આવડત પુરુષોમાં સહજ હોય છે. દુનિયાભરના શ્રેષ્ઠ વક્તાઓમાં પણ સ્ત્રીઓની નોંધ નહીવત જણાશે. તમે જ્યારે પબ્લિક સમક્ષ ઊભા હો ત્યારે પોતાના વ્યક્તિત્વને વિસ્તારી શકવાની આવડત હોવી જરૂરી હોય છે. પુરુષોમાં કદાચ એ ઉછેરને કારણે સહજ હોઇ શકવાની શક્યતાઓ પણ વિચારવામાં આવે છે.

સામાજીક સંદર્ભે બૃહદતાથી વિચારીને બોલવાની કળા પુરુષોમાં સહજ સાધ્ય હોય છે. બીજું જ્યારે જાહેર માધ્યમ પર બોલવાનું હોય છે ત્યારે તમારામાં સત્તાને સ્થાપિત કરવાની કળા પણ હોવી જરૂરી છે. ઉછેર, માનસિકતા અને જાતિય ભેદભાવ અહીં ડોમિનેટ કરે છે તે મને કમને સ્વીકારવું જ રહ્યુ. આ ક્ષેત્રે મેલ ડોમિનન્સ એટલે કે પુરુષોનું આધિપત્ય સહજ જ છે. ક્લાસરૂમથી લઈને સભાઓ સુધી પુરુષપ્રધાનતા સામે કદાચ કોઇને વાંધો નથી. છતાં પણ મિડિયામાં યુવાન સ્ત્રીઓની માગ રહ્યા કરે છે અને પ્રતિભા ન ધરાવનાર લોકો સ્ત્રી શરીરને દોષ આપતા પોતાની નબળાઈને છુપાવવાનો પ્રયત્ન કરે પણ છે. પરંતુ, જે પુરુષમાં આત્મવિશ્વાસ હોય છે તે દેખાવથી નહી પણ પોતાની પ્રતિભાથી પોતાને સાબિત કરે જ છે. અમિતાભ બચ્ચન એનો સૌથી જાણીતું ઉદાહરણ છે. તેમના દેખાવ અને અવાજને એક જમાનામાં રિજેક્ટ કરવામાં આવ્યો હતો. આજે એ જ અવાજ અને દેખાવ તેમની પ્રતિભા છે. જેને ઉંમરનો ય કાટ લાગ્યો નથી. 

You Might Also Like

2 comments

  1. 'વાહ ક્યા સીન હૈ' વાળી અર્ચના પુરણસિંગ ભુલી; ભુલાતી નથી. પુરુષો જ શ્રેષ્ઠ છે, એવું પ્રતિપાદિત કરવા માટેનો સમય હજી નથી આવ્યો.

    ReplyDelete
  2. આપની વાત સાચી છે અપવાદ હોઈ શકે પરંતુ, ધ્યાનથી જોશો તો હજી આ ક્ષેત્રે સ્ત્રીઓએ કાઠું કાઢવાનું બાકી છે. દુનિયાની શ્રેષ્ઠ સ્પીચના પુસ્તકમાં 292 સ્પીકરોમાં માંડ એકાદ બે સ્ત્રી સ્પીકર છે.

    ReplyDelete