શું પુરુષને બધું જ મળી શકે ? 26-8-14
22:56
આ સનાતન પ્રશ્ન હંમેશ સ્ત્રી જાતિ માટે વપરાતો
આવ્યો છે. હજી થોડો સમય પહેલાં પેપ્સી કંપનીના સીઈઓ ઇન્દ્રા નુયીએ આ અંગે ચર્ચા
છેડતા વાદવિવાદનો મધપૂડો છંછેડાયો હતો. જો કે આદમ અને ઇવના જમાનાથી સ્ત્રી અને
પુરુષના સંદર્ભે સતત ચર્ચાઓ ચાલતી રહી છે અને ચાલતી જ રહેશે. તેમાં હવે જમાનો
બદલાતા રોલ મોડલ પણ બદલાઈ રહ્યા છે અને મૂલ્યો પણ. આમ તો આ વાક્યને સ્ત્રી
કે પુરુષના ભાગલા પાડ્યા વિના ફિલોસોફીકલી જોઇએ તો કોઇપણ વ્યક્તિને બધું જ
મળી શકતું નથી. દરેકે પોતાના જીવનમાં વધતે ઓછે અંશે બાંધછોડ કરવી પડતી હોય છે.
બે વરસ પહેલાં 2012માં અમેરિકન સરકારમાં પોલીસી
પ્લાનિંગના ડિરેકટર તરીકે કામ કરી ચુકેલા એન મેરી સ્લોટરે ધ એટલાન્ટિકમાં એક
આર્ટિકલ લખ્યો હતો નામે શું સ્ત્રીને બધુ જ મળી શકે છે ? ત્યારબાદ તેમણે કેન વી
હેવી ઇટ ઓલ વિષયે ટેડ પર ટોક પણ આપી હતી. તેમણે જે મુદ્દો છેડ્યો તેને આજના પુરુષો
અને સ્ત્રીઓ ચોક્કસ જ આવકારે છે. તેમનું કહેવું છે કે ઊચ્ચ હોદ્દા પર કામ કરતી
સ્ત્રી હોય કે પુરુષ હોય તે કામનો ગુલામ બની જાય છે. જેન્ડર એટલે કે જાતિયતાને
બાજુ પર મૂકીને જોઇએ તો કોર્પોરેટ હોય કે
સરકાર હોય તેના ઊચ્ચ હોદ્દાની ડિમાન્ડ એટલી હોય છે કે વ્યક્તિ પોતાના કુટુંબ માટે
સમય ફાળવી શકતી નથી. વાત તો સાચી જ છે. બીજી બાબત એ છે કે પારંપરિક રીતે પુરુષ અને સ્ત્રીની નક્કી કરેલી ભૂમિકા. ચાર્ટડ
અકાઉન્ટન્ટ જયંત ઠાકુર કહે છે કે પિતૃસત્તાક માનસિકતાને લીધે પુરુષોને સ્ત્રીઓ
કરતાં વધુ પ્રાધાન્ય મળે છે તે વાત સાચી હોવા છતાં પુરુષોને બધું જ મળી જાય છે તે
પણ સત્ય નથી. પુરુષને સ્ત્રી વિના ચાલવાનું નથી. એ હકિકત છે એટલે સ્ત્રીની મરજી
વિના પુરુષ સ્ત્રીને પામી પણ નથી શકતો. સ્ત્રી સાવ અસહાય છે તેવું માની લેવાની
જરૂર નથી. આજના બદલાયેલા જમાનામાં તો નહીં જ. કેમ કે સ્ત્રીઓ ભણી રહી છે, કામ કરવા
જઈ રહી છે. તેની પોતાની પસંદગી પ્રમાણે જીવી શકવાની શક્યતાઓ પણ વધી
રહી છે.
જયંતભાઈની વાત સાચી છે એટલું જ નહીં વિચાર કરીએ
તો ફેમિનિઝમ એટલે કે નારીવાદ આવ્યા બાદ સ્ત્રીઓની ભૂમિકાઓ બદલાઈ રહી છે સમાજમાં. પણ
પુરુષોની ભૂમિકા બદલાતી નથી. પુરુષ આજે પણ સફળ હોય, તેની કમાણીથી ઘર ચાલતું હોય તેવું પસંદ કરવામાં
આવે છે. સ્ત્રીને પણ સફળ કમાતો પુરુષ જ પસંદ પડે છે. જો પુરુષ ન કમાતો હોય અને
ઘરના કામ સારી રીતે કરી શકતો હોય તો સ્ત્રી જ નહીં બીજા પુરુષો પણ તેની હાંસી
ઊડાવશે. અમુક કામ સ્ત્રીના અને અમુક કામ પુરુષના એવી માનસકિતા પર આખો સમાજ ચાલે
છે.એનો ભોગ સ્ત્રી જ નહીં પુરુષ પણ બને છે પરંતુ તેની નોંધ લેવાતી નથી. કામ તે કામ
હોય છે પછી તે ઘરનું હોય કે બહારનું હોય. આ માનસિકતાને કારણે પણ પુરુષને બધું જ
નથી મળી શકતું. પિતા બન્યા બાદ પોતાના બાળક સાથે તેને રમવું હોય, તેને ઉછેરવો હોય,
તેને મોટો થતાં જોવો હોય તો તે માટે પુરુષ
પાસે ચોઇસ નથી હોતી. તેણે પૈસા કમાવવા બહાર જવું જ પડે. ઓફિસોમાં કલાકો આપવા જ પડે.
જ્યારે બદલાતી પરિસ્થિતિમાં હવે સ્ત્રી
પાસે ચોઇસ હોય છે. પિતૃસત્તાક માનસિકતા જ પુરુષને અનેક પસંદગીના કામો કરતાં કે
કુટુંબની સાથે સમય વિતાવતાં રોકે છે.
અક્ષયકુમાર પોતાના દીકરાને શાળામાં મૂકવા જવાનો
આગ્રહ રાખતો. જ્યારે બધી જ મમ્મીઓ પોતાના દીકરાને સ્કુલે મૂકવા આવતી હોય ત્યારે
અક્ષય કુમારને લોકો નવાઈથી અને અહોભાવથી જોતા. એ અભિનેતા છે અને તેની પાસે
ફ્લેક્સિબલ રીતે કામ કરવાની ચોઇસ હોય છે. જ્યારે દરેક પુરુષ પાસે એવી ચોઇસ હોતી
નથી. જો કોઇ પુરુષ એમ કહે બોસને કે મારે દીકરાના ઓપન ડેમાં જવાનું છે તો પણ પહેલો
પ્રશ્ન એ પુછાય કે કેમ તમારી વાઈફ ક્યાં છે ? નોર્વેમાં પુરુષોને ત્રણ મહિનાની રજા
બાળક સાથે રહેવા માટે મળી શકે એમ હોય છે. પિતા બન્યા બાદ જો તે પુરુષ રજા ન લે તો
કંપનીને તેના કેરેકટર પર શંકા ઊપજે. તેણે રજા ન લેવાના કારણો ય આપવા પડે. જે પુરુષ
પોતાના કુટુંબની દરકાર ન લઈ શકે તે કંપનીની હિતમાં કેવી રીતે કામ કરી શકે એવી માન્યતા પણ હવે
કેટલીક કોર્પોરેટ્સ ધરાવે છે. પણ હજી દિલ્હી દૂર છે. કેટલીક મોટી કંપનીઓ જ પોતાની વિચારધારા બદલીને વર્કરોના
ફેમિલી ટાઈમને પ્રથમ પ્રાધાન્ય આપે છે. કામના કલાકો ફ્લેક્સિબલ રાખે છે અને શક્ય
હોય તો ઘરેથી કામ કરવાની પણ છુટ આપે છે. બોસ્ટનમાં રહેતો પુલકિત શાહ કોમ્પયુટર
સિક્યુરિટીનું કામ કરે છે. અને ફક્ત
મિટિંગ માટે કે જરૂર હોય તો જ ઓફિસે જાય છે. જ્યારે તેની પત્નિ ફુલ ટાઈમ કામ કરે
છે. પુલકિતને તેના બે નાના બાળકો સાથે ઘરે રહેવાનો અને કામ કરવાનો મોકો મળે છે. પુલકિત
પોતાને એ માટે નસીબદાર માને છે. તેમને મોટા થતાં જોવાનો આનંદ તે ભરપૂર માણે છે. ધીમે
ધીમે અહીં ભારતમાં પણ આવું ફ્લેક્સિબલ વર્ક કલ્ચર આવશે તો પુરુષોને ય ઇક્વાલિટીનો
અનુભવ થશે. બ્રેડવિનર તરીકે કામ કરતાં
પુરુષોએ જ્યારે કામને અંગે બહારગામના પ્રવાસો ખેડવા પડતાં હોય છે ત્યારે હોમસિકનેસ
તેમને ય અનુભવાતી હોય છે. પરંતુ, કામ કર્યા સિવાય છુટકો નથી હોતો. જ્યારે સામે
પક્ષે સ્ત્રીઓને ચોઇસ હોય છે ઘરમાં કે બહાર કામ કરવાની અથવા ન કામ કરવાની. લાંબા
કલાકો ઓફિસમાં બેસી રહેવું અને કુટુંબ સાથે સમય ન વીતાવી શક્યાની પીડા પુરુષને ય
પીડતી હોય છે.
આજે સ્ત્રીઓ વધુને વધુ ભણી રહી છે. દરેક ક્ષેત્રે
આગળ આવી રહી છે. તેમની ભૂમિકામાં સ્વતંત્રતા અને સુવિધાઓ પણ વધી રહી છે. જ્યારે
પુરુષનો એ જ સ્ટિરિયોટાઈપ રોલ તો છે જ પણ તે શક્ય તેટલો બદલાવાનો પ્રયત્ન પણ કરે
છે. આજનો યુવાન પુરુષ રસોડામાં પત્નિ સાથે દરેક કામ કરાવવામાં નાનપ નથી અનુભવતો. હવે
પુરુષો પણ પોતાનાં માટે ચોઇસ રાખે તેવો સમય આવી રહ્યો છે. અમેરિકામાં લોસ
એન્જલેસમાં એક કંપનીએ કરેલા સંશોધન પ્રમાણે
આજે 68 ટકા પુરુષો કુટુંબ સાથે સમય વીતાવવા માટે પોતાની કારર્કિદીમાંથી
બ્રેક લે છે કે ઓછા પૈસે પણ ફ્લેક્સિબલ કલાકો કે ફેમિલિ ટાઈમ આપતી કંપનીઓમાં કામ
કરવાનું પસંદ કરે છે. તો 90 ટકા(નેવું) પુરુષો
કુટુંબ માટે પોતાની અંગત જરૂરિયાતો કે શોખને જતો કરવા તત્પર હોય છે. સતત
આગળ વધતાં કામ કરતાં પુરુષો માટે ય કુટુંબ અને કામ બન્ને વચ્ચે બેલેન્સ કરવું એક
દોરડા પર ચાલવા જેટલું જ અઘરું હોય છે. અને તે છતાંય તેમને બન્ને જગ્યાએથી અપજશ જ
મળતો હોય છે. તેમને આ બેલેન્સિંગ એક્ટમાં તાણ પણ અનુભવાતી હોય છે, અને છતાંય પોતે
નબળો પડી રહ્યો છે તે દર્શાવવું તેના ટેસ્ટેટેરોનમાં નથી કે ન તો તેનો સ્વીકાર
સહજતાથી સમાજમાં થાય છે. એવું ય જોવા મળે જ છે કે છોકરી હોય અને બહાર કમાવા ન જતી હોય તો પણ તે ઘરના અનેક કામો માટે નોકર રાખતી હોય છે,
છોકરાઓને સાચવવા આયા રાખે અને ટ્યુશનમાં પણ મોકલે તે પરણીને પોતાના સાસરે સુખેથી રાજ કરી શકે.
જ્યારે છોકરા તરીકે પુરુષે પૈસા કમાવાની જવાબદારીમાંથી સમાજ મુક્તિ આપતો નથી.
1 comments
બ્રેડવિનર તરીકે કામ કરતાં પુરુષોએ જ્યારે કામને અંગે બહારગામના પ્રવાસો ખેડવા પડતાં હોય છે ત્યારે હોમસિકનેસ તેમને ય અનુભવાતી હોય છે. પરંતુ, કામ કર્યા સિવાય છુટકો નથી હોતો. જ્યારે સામે પક્ષે સ્ત્રીઓને ચોઇસ હોય છે ઘરમાં કે બહાર કામ કરવાની અથવા ન કામ કરવાની. લાંબા કલાકો ઓફિસમાં બેસી રહેવું અને કુટુંબ સાથે સમય ન વીતાવી શક્યાની પીડા પુરુષને ય પીડતી હોય છે.
ReplyDelete