કૃષ્ણથી કૃષ્ણમૂર્તિ અને લાઈફ કોચિંગ 4-8-15
00:46દરેકના જીવનમાં એકવાર કે એકથી વધુવાર એવો સમય ચોક્કસ આવે છે કે ત્યારે શું કરવું તે સમજાય નહીં. નિર્ણય કરવો અઘરો લાગે. નિરાશા, હતાશા, ગુસ્સો દરેક બાબત ભેગી થાય. વિચારો સ્પષ્ટતાથી જોઈ ન શકાય. તે સમયે કોઈની મદદ મળી જાય તો ક્યારેક ડામાડોળ પરિસ્થિતિનો સ્વીકાર કરવાની ક્ષમતા આવે છે. વિચારોમાં સ્પષ્ટતા આવે છે. પરિસ્થિતિ જાદુઈ લાકડીથી બદલાઈ નથી જતી પણ સ્પષ્ટ વિચારો દ્વારા માર્ગ જરૂર મળી રહે છે. અર્જુન જેવા મહાનયોદ્ધાને પણ કુરુક્ષેત્રના મેદાન પર હતાશા આવી ગઈ હતી. અને તે પોતાના હથિયાર મૂકી દેવાનો હતો. તે સમયે શ્રી કૃષ્ણએ તેને ઉપદેશ આપ્યો. જેને આપણે લાઈફ કોચિંગ કહી શકીએ. એ લાઈફ કોચિંગ આજે પણ આપણને ઉપયોગી થઈ રહ્યું છે. પોતાની વ્યક્તિઓ સામે ન લડવું એ ચોઈસ તરફ છેલ્લી ઘડીએ તેનું ધ્યાન જઈ રહ્યું હતું. યુદ્ધના મેદાનમાં ઉતર્યા પછી કોઈ પસંદગી હોતી નથી. થોડું લાઈફ કોચિંગ ......
પાંચ મુખ્ય બાબત ગીતામાંથી શીખવા જેવી છે જે આજે પણ જીવનમાં ઉપયોગી થાય છે. વ્યવસાયિક અને કૌટુંબિક જીવન વ્યક્તિથી જુદા ન હોઈ શકે. કુટુંબ માટે વ્યવસાય કરવો પડે છે. કમાવું પડે છે. અને કમાઈએ છીએ તો જ કુટુંબ થાય છે એ આજના યુગની બલિહારી છે. ગીતામાં જે પાંચ બાબત કહી છે તે -
૧ નિષ્કામ -સ્વધર્મકારણમ્ - કોઈપણ જાતના અટેચમેન્ટ એટલે કે મોહથી જોડાયા વિના કાર્ય કરવું. ન તો ફળની આશા રાખવી કે ન તો કામ સાથે મોહમાં પડવું. દરેક સમસ્યા અહમ્થી શરૂ થતી હોય છે. જો ફળ કે કર્મના મોહમાં ન રહીએ તો ઘણી બાબતો સરળતાથી સુલઝાવી શકાતી હોય છે. અપેક્ષાઓ નડતી નથી. કે નિરાશ કરતી નથી.
૨ અદ્વૈત ભાવના - આમ તો સુપ્રીમ પાવરની સાથે ઐક્ય અનુભવવું. પણ ભગવાનમાં માનો કે ન માનો, પરંતુ અહીં અહંકાર રહિત થઈને નિષ્ઠાપૂર્વક, ખંતપૂર્વક પોતાનું કામ કરવું એવો અર્થ લઈ શકાય. દરેકમાં ખુદને જોઈને તેને છેતરવાની કે નીચા ગણવાની વૃત્તિ ન રાખવી. નિષ્ઠાપૂર્વક સચ્ચાઈથી પોતાનું કામ કરવું.
૩. સમદૃષ્ટિ - આખીય પૃથ્વીના દરેક છેડા એકબીજા સાથે જોડાયેલા છે. દરેક વ્યક્તિને સન્માન આપવું , કેટલીકવાર આપણે જોઈએ છીએ કે ઓફિસમાં બોસ કે ઘરમાં માલિક કે માલકણ પોતાના હાથ નીચે કામ કરતી વ્યક્તિઓને ગમે તેમ બોલતી હોય છે. તેનાથી ઘર્ષણ પેદા થાય છે. નેગેટિવિટી પેદા થાય છે. સમદૃષ્ટિ હોય તો ઘર્ષણ ટાળી શકાય છે. નાના મોટા, ઊંચ-નીચ વગેરે ભેદ વિના દરેકને સ્વીકારીએ.
૪. ઈન્દ્રિય નિગ્રહ - આજે ઉપભોક્તાવાદ વધી ગયો છે તેને કારણે કોઈને પોતાની જાત પર ક્ધટ્રોલ નથી રહ્યો. વધુ પડતું ખાવું, ખરીદવું, બગાડવું, ઉપયોગ કરવો વગેરે વગેરે... દરેક વસ્તુ જોઈએ મોજમજા માટે અને તે માટે કોઈપણ હદે જવા તૈયાર થઈ જવું તે આખરે સમસ્યા જ પેદા કરે છે. પોતાની ઈન્દ્રિયો પર કાબૂ હોય તો અનેક સમસ્યામાંથી આજે પણ મુક્ત રહી શકાય છે.
૫.શરણાગતિ- અર્જુનને પણ આ દરેક બાબત સમજાવીને છેલ્લે કહી દેવામાં આવ્યું કે મામેકં શરણં વ્રજમ્... જીવનમાં કેટલીક બાબતો આપણા હાથમાં નથી. આપણને ખબર નથી કે ક્યારે મૃત્યુ આવશે. પરિસ્થિતિ ક્યારે બદલાશે. કોઈ આપણને સો ટકા ખાતરીપૂર્વક કહી શકતું નથી કે આવતી એક સેક્ધડમાં શું થશે. એટલે જે સમય છે તેનો સ્વીકાર કરી નિષ્કામ રીતે જે કામ ભાગે હોય તે કરતા રહેવું. અસ્વીકાર કરી સંઘર્ષ વધારવો નહીં.
જીવનમાં અકસ્માત થાય છે. શારીરિક કે માનસિક રીતે ઘાયલ થવાય છે. ક્યારેક મૂંઝાઈ જવાય છે અર્જુનની જેમ..... બૉમ્બબ્લાસ્ટમાં મૃત્યુ પામેલી વ્યક્તિઓના સ્વજનો અને ઘાયલ વ્યક્તિઓએ પણ પરિસ્થિતિને સ્વીકારીને શ્રદ્ધાપૂર્વક જીવન જીવવાનું ચાલુ જ રાખ્યું હશે. જીવનને નવેસરથી સ્વીકારવું સહેલું નથી હોતું.
અમેરિકાનો પ્રખ્યાત લાઈફ કોચ ડૉ. રોન જેસન જેમણે ‘મેક અ લાઈફ નોટ જસ્ટ અ લિવિંગ’ પુસ્તક લખ્યું છે તે પણ ગીતામાં કૃષ્ણએ કહેલી વાત જ દોહરાવે છે. પણ જરા જુદી રીતે તે કહે છે કે માણસોને સફળ થવું છે અને સફળતા માટે લોકો પાંચ પી (ફાઈવ પી) ની પાછળ દોડે છે. પાવર, પોઝિશન, પ્રોસ્પેરિટી, પ્રેસ્ટિઝ અને પ્લેઝર....તેને આપણી ભાષામાં કહીએ તો સત્તા, સ્થાન-હોદ્દો, સંપત્તિ, સન્માન અને સુખ. પણ આ પાંચે બાબત હોય તો પણ જીવનમાં આનંદ હોતો નથી. બી.સી. ફોર્બ્સને ટાંકતા કહે છે કે અઢળક પૈસા, સો કોલ્ડ સફળતાથી સુખ મળે પણ ખરો. આનંદ તો સ્વાર્થ વિનાની લાગણીસભર પળોમાં જ હોય છે. જેસને હજારો નેતાઓના ઈન્ટરવ્યૂ કર્યા છે તેમાંથી એને જાણવા મળ્યું કે ખરી સફળતા આ પાંચ પીમાંથી નહીં, પરંતુ કમ્પલિટનેસ અને કોન્ટ્રિબ્યુશનમાંથી લાધે છે. પોતાની જાતને સંપૂર્ણ રાખવી અને જે ફળ મળે તે સમાજમાં વહેંચીને માણવું. કોઈ વ્યક્તિ પૂર્ણ ત્યારે જ થઈ શકે જ્યારે તે આસપાસના વાતાવરણ સાથે સંવાદ સાધી શકે. સંવાદિતા તમારા જીવનમાં રહેલી અધૂરપોને જીગ્સો પઝલની જેમ પૂર્ણ કરે છે. જીવનમાં સંવાદિતા હશે તો કુટુંબમાં પ્રેમ, શાંતિ હશે અને ઓફિસમાં સંવાદિતા હશે તો સમસ્યાઓને પાર કરીને વિકાસ થઈ શકે.
પ્રશ્ર્નોપનિષદમાં ઋષિ પિપ્પલાદે કહે છે કે મનુષ્યનું ચિત્ત અથવા વિચાર જેવા હોય તેવા જ તેના પ્રાણ અથવા જીવન બને છે. આપણું ચિત્ત શાંત થતું જ નથી સતત ઘોંઘાટોમાં જીવીએ છીએ આજે. બધું જ જોઈએ છે. શાંતિ કે સંતોષ નથી રહેતા એટલે એન્કજાઈટી રહે છે. સતત બધું જ પામી લેવાની દોટમાં સ્ટ્રેસ રહે છે પરિણામે રોગ, સંઘર્ષ સાથે બીજી અનેક સમસ્યાઓ ઊભી કરી જીવનને ગૂંચવી નાખે છે.
જે. કૃષ્ણમૂર્તિ ચોઈસલેસ અવેરનેસની વાત કહે છે. તેઓ કહે છે કે પસંદગીનો અવકાશ ત્યારે જ ઊભો થાય છે જ્યારે આપણે ગૂંચવાયેલા હોઈએ છીએ. ક્ધફયુઝ હોઈએ છીએ. જે ક્ષણે તમે જીવનને બાંધેલી વિચારધારાના માળખામાં પ્લાન કરો છો ત્યારથી તમે જીવતા નથી ફક્ત તેને નક્કી કરેલા સ્ટાન્ડર્ન્ડથી કન્ફર્મ કરો છો. (આટલા ટકા આવશે તો એન્જિનિયરિંગ કે ડૉકટરી કે ... કરાશે અને તો જ સારી નોકરી મળશે. અને તો જ સારી છોકરી મળશે. જો ટકા ન આવે કે સારી નોકરી ન મળે કે સારી છોકરી ન મળે તો બાંધેલી પેટર્ન ખોરવાઈ જાય.) એ કન્ફર્મ કોન્ટ્રાડિકશન ઊભી કરે છે. એટલે જ કૃષ્ણમૂર્તિ કહે છે કે ચોઈસલેસ અવેરનેસ ... અત્યારની ક્ષણમાં જીવો ...જેમાં ભૂતકાળની પેટર્ન ન હોય કે ન ભવિષ્યનો ભય.
મોટાભાગના પુરુષોની તકલીફ એ હોય કે જે મળે તે નહીં પણ બીજું જ જોઈતું હોય. જે છીએ તેનો સ્વીકાર નહીં. મૂકેશ અંબાણી બનવું છે કે વોરેન બફેટ બનવું છે. કે ગાંધીજી જેવા બનવું છે. પોતાના જેવા નથી બનવું. સારા પતિ નથી બનવું પણ સારી પત્ની જોઈએ. કહ્યાગરા બાળકો જોઈએ.પણ બાળકોને માટે આદર્શ પિતા નથી બનવું. સારા બોસ જોઈએ પણ પોતે સારા કાર્યકર નથી બનવું. સારા, વિશ્ર્વાસુ નોકર જોઈએ પણ પોતે સારા વિશ્ર્વાસુ બોસ નથી બનવું. સ્વચ્છતા જોઈએ પણ તે માટે પોતે કોઈ પ્રયત્ન નથી કરવો. પરિણામે સતત સંઘર્ષ જે તમને ક્યાંય પહોંચવા નથી દેતો. પરિણામે વળી ફ્રસ્ટ્રેશન જે તમારા સંબંધો , સ્વાસ્થ્ય અને સંવાદિતા ખોરવી નાખે છે. આપણો મૂડ અને સંબંધો બીજાને લીધે બગડે છે. કારણ કે આપણને ખબર જ નથી કે હકીકતમાં શું જોઈએ છે. સંતોષ, શાંતિ અને સંવાદિતા આ ત્રણ બાબત તમને સફળતા ન આપી શકે કદાચ પણ સમસ્યાઓનું સમાધાન અને સાચું સુખ જરૂર આપશે. આ જ્ઞાન અમારું નથી કુરુક્ષેત્રના મેદાનમાં કહેવાયું હતું તેના પડઘાઓ હજી સંભળાયા કરે છે.
0 comments