રાધે રાધે કાંતાબા 18-8-15
03:07
જય રાધે મા ......કહેતાને કાંતાબાએ લાલચટક
સાડીમાં ઓટલે જમાવ્યું. બાજુવાળા કાંતાબેન શાક લઈને રોજ સાંજે અમારે
ઓટલે બેસે... ને પછી એ ય ને આખાય મલકને શાકની સાથે સમારે. કાંતાબેન બહુ ભણેલા નથી
પણ તેમની સમજ માટે ક્યારેક માન થઈ આવે.
આખીય સોસાયટીમાં કાંતાબેન જેટલા ઝીણવટથી સમાચાર કોઈ વાંચતું કે જોતું નહીં હોય.
તેમાં હું છાપામાં લખું એટલે મારી પણ પરિક્ષા લઈ લે....
“કેમ કાંતા બા તમે ય રાધે માના ભક્ત થઈ ગયા કે શું ?” સવાલ
સાંભળી ભીડાં સમારતા કાંતાબેને મારી સામે
ઊંચુ જોયું. “લ્યો દિવ્યાબેન તમેય શું.... પણ તમે જોયું છેલ્લા
અઠવાડિયાથી બધે લાલ રંગ જ દેખાઈ રહ્યો છે. પંદરમી ઓગષ્ટે ય મને તો ત્રિરંગો લાલ
રંગનો થયાનો ભાસ થયો બોલો... આ પેલીને સુખવિન્દર કહીને તમે ન્યુઝવાળાઓ પણ નથી
બોલાવતા લ્યો.. તે મારે ય રાધે રાધે કરવું પડેને હે... ને આપણે ત્યાં તો રાધારાણી
પૂજનીય છે જ.. તે મને રાધારાણી યાદ આવ્યા. કૃષ્ણ કેટલી ય ગોપી સાથે રાસ રમ્યા. તે
આ કળયુગમાં રાધા રાસ રમે છે ફિલ્મી ગીતો પર.... પણ હે... તમે કોઈએ (કાંતાબેન મીન્સ
પત્રકારો) એવો સવાલ કેમ ન પૂછ્યો કે મા દિકરાઓને તેડે કે દિકરાઓ મા ને તેડે ?
શું આ અવતારમાં કંઈક નવીન છે ? રાધાજી કૃષ્ણને ક્યાં મૂકી આવ્યા ? આ બધા સવાલોના જવાબ મેળવવા કેટલાય દિથી હું
ચેનલો ને છાપાઓ ઊથલાવ્યે રાખું છું પણ બળ્યું તમી લોકો ઢંગના સવાલ પણ નથી પૂછતા.
આ મારા દિકરાને અને એમને ય મી કીધુ... રાધે માને કેવો બધા તેડીને લઈ જાય
છે. મને ય બધા કાંતાબા કહે છે પણ ક્યમ કોઈ તેડતું નથી. તો વાલીડાઓ.... ઊંધું
ઘાલીને હસવા માંડ્યા બોલો,” કાંતા બાની વાતોનો જવાબ અપાય જ નહી. બસ સાંભળ્યા
જ કરવાનું... વળી ગંભીર અવાજે કહે, “આ રાધા માએ પુરુષોના ગઢમાં ગાબડું પાડ્યું
કે નહી ? તારી કોલમ વાંચીને સ્ત્રીઓ પર થતા અન્યાયો વિશે
હું ય વિચારવા લાગી છું. આ કેટલાય બાપુઓ કથાઓ કરે, નાચે અને નચાવે ને પછી છેડતી કે
...પેલું શું... રેપ કરે એવું તો કંઈ આ
તમારા રાધા મા એ કર્યું નથી ને ? જી કરે છે તે છડે ચોક કરે છે. નાચે... નચાવે અને
લોકો તેને ઊઠાવે તીમાં બાપડી એ શું કરે... વજન ઓછું છે તે ઊઠાવે... પણ ધારો કે એ
મારા જેવા ભરેલા હોત....તો બિચારા ભક્તોનું શું થાત ? ને વળી
રાધારાણી કે પ્યારી રાધે એવું તો નથી જ કહેવડાવતા ને મા તો આપણે ત્યાં પૂજ્ય જ
ગણાય. ખરું ને ? તે હેં... તન ખબર છે આ રાધા મા કઈ રીતે આટલા
દુબળા રહ્યા ને કઈ રીતે જુવાન દેખાય ? બળ્યું મારી જ ઉંમરનો હશે ને... મારે ય
દિકરો પૈણેલો છે ને ઈમનો ય દિકરો પૈણેલો છે.. પણ મન જુઓ તો ..... આ પેલા દિવસે
અમારા કાકાના દિકરાના, દીકરાના વેવિશાળમાં જવાનું હતું તે મેં જુની લાલ સાડી અને
ઘરેણાં ચઢાવ્યા તો તમારા બાપુજી કે કે આખલો પાછળ પડશે... આવા ભડક રંગના કપડાં
પેરાય..તે ય આ ઉમ્મરે... ને ધરાર મને લાલ સાડી ના પહેરવા દીધી. પણ હવે તો હું ધરાર પેરું લાલ રંગ મને ગમે
હો....તે હે..... આપણે કાંતા બાના નામે આવું કંઈ ન કરાય ? હુ
બોલીશ નહી બસ ધુણીશ....માતા આવે ઈમ.... પણ નવા કપડાં , ઘરેણાં ભક્તો ચઢાવે ને આપણે
પેરવાના.... એ ય ને લીલા લેર...
બોલ છોડી તને ય ભાગીદાર કરું પચાસ ટકા.... મને
પગે લાગને ....લોકોને કહે કે કાંતા બા ને પગે લાગીને જઉં છું ત્યારે બધા કામ થઈ
જાય. બળ્યા લોકોને ય મફતમાં કામ કર્યા વિના બધું ય જોઈએ છે. પાંચમાંથી એક કામના તો થશે જ પૂરી, ને ન થાય તો ય આત્મવિશ્વા આવે કે હવે સૌ
સારાવાના થશે. બળ્યું લોકોને હવે રસોઈ
ખાવી છે પણ રાંધવું નથી.. તૈયાર જોઈએ છે બધું એમાં જ લોકો ધુતાઈ જાય. પેલી કહેવત
છે ને કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે... અમારા વખતમાં સારું હતું.
પાણિયારે દિવો કરીને અમે તો મનોમન માતાને યાદ કરીને .દિવો કરવાનું કે નાળિયેર
વધેરવાનું પણ લઈએ ને અમારા કામ થઈ જતા અથવા એમ કહો કે નચિંત થઈ જવાતું. ચિંતા ન
રહે એટલે સાફ મને બધું ચોખ્ખું દેખાય. બીજું કાંઈ નહી આટલી જ વાત હોય. આજે લોકોને
ચિંતા જ ચિતાએ ચઢાવે છે...પણ અમારા જેવાને કોણ પૂછે ? છોકરાઓ
ય નહી સાંભળતા....સંતોષ જ નથી લોકોને એટલે ચિંતા થાય. આ નાનકડો ફોન જે તમી લોકો
વાપરો છો તે આડો અવળો મૂકઈ જાય તો ય મોટું આભ તૂટી પડે. ને એવું તે શું પ્રાઈમ
મિનિસ્ટર જેટલા બીજી થઈ જ્યાં છો બધા કે બે બે મિનિટે ફોન ખોલીને જુઓ. પણ સામે હું
બેઠી છું વાત કરું છું તે કોઈને જોવું, સાંભળવું નથી. તે હેં રાધે મા જેલમાં
ત્રિશુળ લઈને જશે ? ત્યાં ય લાલ સાડી પહેરશે... ? પોલીસો તેમને તેડીને લઈ જશે ? મહિલા
પોલીસ તેડશે તો વાંધો નહીં આવે ને ? “
કાંતાબના સવાલોના જવાબ છે તમારી પાસે.. ? મારી
પાસે તો નથી.
0 comments