બંધિયારપણાની દીવાલોને તોડવાની પહેલ 17-12-15
06:10૨૦૦૫ની સાલથી જર્મનીના ચાન્સેલર અને ૨૦૦૦ની સાલથી ક્રિશ્ર્ચિયન ડેમોક્રેટિક યુનિયનનાં નેતા એન્જલા આ વરસની મોસ્ટ પાવરફુલ વિમેન અને પર્સન ઓફ ધ યર જાહેર થયાં છે. ટાઈમ મેગેઝિને તેને પર્સન ઓફ ધ યર જાહેર કરી તો ફોર્બ્સ મેગેઝિને પણ ૨૦૧૨માં અને ૨૦૧૫ની દુનિયાની બીજી મોસ્ટ પાવરફુલ પર્સન ઓફ ધ યર જાહેર કરી છે. જ્યારે નવમી વાર મોસ્ટ પાવરફુલ વિમેનનું સન્માન પણ ફોર્બ્સે એન્જલાને આપ્યું છે. એ તેના નામે રેકોર્ડ છે. સતત કોઈ સ્ત્રીને આવું સન્માન મળ્યું હોય તેવું પ્રથમ વાર બની રહ્યું છે, કારણ કે એન્જલાએ એ કરી બતાવ્યું જે ભલભલા પાવરફુલ પુરુષો વિચાર કરતા રહી જાય.
આઈએસ દ્વારા આતંકી યુદ્ધ શરૂ થતાં સિરિયામાંથી બેઘર બનેલા અને સ્થળાંતર કરતાં રેફ્યુજીઓ માટે યુરોપનાં દ્વાર ખોલી આપ્યાં. અંદાજે ૧૦ લાખ રેફ્યુજીઓને જર્મનીમાં આવકાર્યા, એટલું જ નહીં તેમણે અપીલ કરી કે યુરોપીય દેશોએ શક્ય તેટલા રેફ્યુજીને સમાવવા જોઈએ. એક તરફ આતંકવાદનો ડર હોઈ અન્ય દેશો હજી વિચારતાં હોય કે રેફ્યુજીઓને સ્વીકારવા કે નહીં ત્યારે માનવતાને નાતે પડોશીધર્મ બજાવવાનું કામ જર્મનીએ કયુર્ં તેમાં એન્જલા મર્કેલનો આત્મવિશ્ર્વાસ અને નિર્ણય લેવાની શક્તિ જ છે. એન્જલા યુરોપિયન યુનિયનનાં નેતા તરીકે પણ ફરજ બજાવે છે. એન્જલાએ જીવનની બંધિયારતા બાળપણમાં જોઈ હતી. જર્મનીમાં જ્યારે ભાગલા હતા તે સમયે પૂર્વ જર્મનીમાં એન્જલાનો જન્મ અને ઉછેર બર્લિનના ટેમ્પલિન શહેરમાં થયો. યુવાનીમાં તેઓે ફ્રી જર્મન યુથમાં જોડાયા હતા. બસ ત્યારથી શરૂ થયો એન્જલાનો મક્કમ પ્રવાસ. રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે તેમનું ભણતર પૂરું થયા બાદ રાજકારણમાં તેઓ મક્કમ પગલે આગળ વધ્યાં.૧૯૮૯માં જ્યારે પૂર્વ બર્લિનની દીવાલ તૂટી અને જર્મનીની વિભાજિતતા નષ્ટ થઈ કે એન્જલાએ પૂર્વ બર્લિનની બંધિયાર દીવાલોમાં રહેવા માટે જરૂરી ગુણોે ભેગા કરીને નવો ઈતિહાસ લખવાની શરૂઆત કરી. પોતાના માટે પણ અને જર્મની માટે એ નવજીવનની શરૂઆત હતી. એન્જલાને પાવરફુલ પર્સન ઓફ ધ યર તરીકે દુનિયાના લીડરો સ્વીકારવા તૈયાર થયા તેનાં મુખ્ય બે કારણો છે. બે કટોકટી ભરી પરિસ્થિતિમાંથી તેણે યુરોપિયન યુનિયનની શાંતિને ભંગ થતી બચાવી. એક તો આર્થિક કટોકટી યુરો કરન્સીને લીધે સર્જાઈ હતી. ગ્રીસનું ભાંગી રહેલું અર્થશાસ્ત્ર આખાય યુરોપને લઈ ડૂબત તેમાંથી મર્કેલે માર્ગ કાઢી આપ્યો. અને બીજું માનવતાનું કામ કર્યું શરણાર્થીઓને સ્વીકારીને. સ્ત્રી તરીકે પરફેક્ટ મેનેજમેન્ટ તેણે માનવોનું અને પૈસાનું કરી બતાવ્યું તે ગર્વની વાત છે. મુશ્કેલ અને સૌથી અઘરા નિર્ણયો લેવાની હિંમત એન્જલાએ કરી બતાવી છે. તેમાં યુદ્ધ કરતાં શાંતિની, સુલેહની વાત હતી. તે છતાં તેણે અમેરિકાના ઈરાકી હુમલાને મોરલ સપોર્ટ આપ્યો હતો. એન્જલાને ક્યારેય યુરોપિયન ક્રાઈસિસમાં યોગ્ય નિર્ણય લેવાની જવાબદારી ઉઠાવતાં ડર નથી લાગ્યો. પોતાની વાતને તેઓ યોગ્ય રીતે બીજાઓને સમજાવવામાં મોટેભાગે સફળ રહ્યાં છે. આંતરરાષ્ટ્રિય સ્તરે રાજકીય ભૂમિકા ભજવવામાં પણ તેમનો મોટો ફાળો રહ્યો છે. તેમણે જર્મનીની દીવાલને તૂટતી જોઈ છે એટલે જ યુરોપિયન યુનિયન દ્વારા યુરોપના ૨૮ દેશોમાં સ્વતંત્રતાને રૂંધતી દીવાલોને તોડવાના કે તેમાં બાકોરાં પાડવાના પ્રયત્નો કર્યા છે. એન્જલા હકારાત્મક અભિગમમાં માને છે. તેમને કલ્પનાઓમાં નહીં પણ વાસ્તવિકતામાં રસ છે. ર૦૧૫નું વરસ સ્ત્રીઓનું વરસ રહ્યું તેમ કહી શકાય. એન્જલા મર્કેલના સમાચાર સાથે સાઉદી અરેબિયામાં પણ ઈતિહાસ રચાયો પ્રથમ વાર સ્ત્રીઓને વોટિંગ કરવા મળ્યું એટલું જ નહીં ત્યાં પ્રથમ વાર સ્ત્રી કાઉન્સેલર પણ ચૂંટાઈને આવી. આ બધા સમાચાર સાથે ૨૦૧૫ની સાલને ગર્વભેર વિદાયની સલામી આપી શકાય.
0 comments