મુક્તિનો મંદ પવન આનંદ આપી શકે (mumbai samachar)

03:39








 સ્ત્રી-પુરુષ સમાનતા વચ્ચે અનેક અંતરાયો છે પણ બન્ને પક્ષે એ અંતર ઘટાડવાના પ્રયાસો થઈ રહ્યા છે.


ગયા અઠવાડિયે બે સમાચારોએ ધ્યાન ખેંચ્યું. એક તો સાઉદી અરેબિયામાં પહેલીવાર ફૂટબોલની મેચ જોવા માટે સ્ત્રીઓને પ્રવેશ આપ્યો તો શ્રીલંકામાં મહિલાઓ પર આલ્કોહોલ ખરીદવા પર લાગેલો બેન હટાવી લીધો. જો કે શ્રીલંકામાં તો એક જ દિવસમાં પાછો એ બેન લાગુ થઈ ગયો. કારણ તો કહે મહિલાઓ દારૂની એડિક્ટ બની જાય તો સમાજનું શું થાય. પુરુષોને માટે ક્યારેય કોઈ બંધન કે બંધી હોતી નથી. વિચારવાની વાત છે કે આ બંધનો સ્ત્રીઓ પર કોણ લગાવે છે? શા માટે? સ્ત્રી-પુરુષ વચ્ચે ભેદ છે પણ તે ફક્ત શારીરિક છે. આજે નકારાત્મક વાત નથી કરવી. જાતીય સમાનતા તરફ એક એક પગલું ભરાઈ રહ્યું છે તેનો આનંદ વ્યક્ત કરવો છે. મુસ્લિમ રાષ્ટ્રોમાં સ્ત્રીઓ માટે ઘણી પાબંદીઓ અમલમાં છે. તેમાં સાઉદી અરેબિયાએ સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની શરૂઆત કરી છે. પહેલાં તો તેમને મત આપવાનો અધિકાર આપ્યો. સ્ત્રીઓ ચૂંટણીમાં પણ ઊભી રહેવા લાગી. સ્ત્રીઓને ડ્રાઈવિંગનો પણ અધિકાર આપ્યો. અને હવે તેમણે સ્ત્રીઓને સ્પોર્ટસ માણવાનો પણ અધિકાર આપ્યો છે.

કેટલાક મુસ્લિમ રાષ્ટ્રોમાં હજી સ્ત્રીઓને બહાર એકલા ફરવાની કે જીવનને પોતાની રીતે માણવાની સ્વતંત્રતા નથી હોતી. રમતગમત પણ ફક્ત પુરુષોનો અધિકાર માનવામાં આવે છે. પુરુષો રમતા હોય તે રમતો પણ સ્ત્રીઓ સ્ટેડિયમમાં જઈને જોઈ શકે નહીં. તેમના રાષ્ટ્રની ટીમ આંતરરાષ્ટ્રિય રમતમાં ભાગ લે અને મેચ ચાલતી હોય તો સ્ત્રીઓ રાષ્ટ્રના આનંદમાં સહભાગી ન થઈ શકે. તે છતાં પોતાની સ્વતંત્રતા માટે કેટલીક સ્ત્રીઓ કાયદાની સામે બાથ ભીડે છે. આ પણ સ્વતંત્રતાની લડાઈ જ છે.

ધર્મ કે દેશ કોઇપણ હોય હજી આજે પણ સ્ત્રીઓને દાબમાં રાખવાના પ્રયત્નો યેનકેન પ્રકારે થતાં જ હોય છે. ગ્લોબલ વિલેજ બની ગયેલા આજના યુગમાં પણ અનેક રીતે આજની નારીને ગુલામીનો અહેસાસ થતો હોય છે. તેમાંથી કોઇક વિરલ નારી હોય છે જે ચીલો ચાતરવાનો પ્રયત્ન કરે છે. ઈરાનમાં તો મહિલાઓને હજી પણ કોઈ છૂટ નથી. ૨૦૧૪ની સાલમાં એક ઇરાની ભાઈએ પોતાની બહેનને બચાવવાની વૈશ્ર્વિક અપીલમાં સાઈન કરી હતી.તે સમયે ૨૬ વરસની બ્રિટિશ- ઇરાનીઅન ગોનચેહ ગાવામી નામની મહિલાને જેલની સજા થઈ હતી અને હાલ તે મુક્ત હોવા છતાં ઈરાનની બહાર પ્રવાસ ન કરી શકે. તેના પર અનેક પાબંદીઓ સરકાર દ્વારા લગાવવામાં આવી છે. તેનો ગુનો એટલો જ હતો કે તેણે વોલીબોલની મેચ જોવા સ્ટેડિયમમાં જવાનો પ્રયત્ન કર્યો હતો. તેને એક વરસની જેલની સજા થઈ હતી પણ વૈશ્ર્વિકસ્તરે ઇરાનીઅન સરકારને સાત લાખ લોકોએ ગાવામીને છોડી દેવાની અપીલ કરતા સરકારે તેને ૨૦ હજાર ડૉલરનો દંડ કરી પાંચ મહિના જેલમાં રાખ્યા બાદ મુક્ત કરી હતી. ઇરાનમાં છોકરીઓને પુરુષોની મેચ સ્ટેડિયમમાં જોવા જવા પર પાબંદી છે. જો છોકરી કોઇપણ રમત સ્ટેડિયમમાં જોવા જાય તો તે ગુનેગાર ગણાય છે. તે સમયે ઈરાન અને ઈટલી વચ્ચે ફાઈનલ વોલીબોલની મેચ રમાઈ રહી હતી. ગાવામી સહિત બીજી પણ કેટલીક મહિલાઓએ તેમના પ્રવેશનો વિરોધ કરતાં પોસ્ટર લઈને સ્ટેડિયમની બહાર દેખાવો કર્યા હતા. સઉદી અરેબિયામાં સ્ત્રીઓને સ્ટેડિયમમાં ફૂટબોલ જોવાની છૂટ આપવાના સમાચાર વાંચતા જ થોડાં વરસો પહેલાં જોયેલી ઇરાની ફિલ્મ યાદ આવી ગઈ.

ઓફ્ફ સાઈડ નામની આ ફિલ્મ ૨૦૦૬ની સાલમાં ઇરાનના પ્રસિદ્ધ દિગ્દર્શક જાફર પન્હાઈએ બનાવી છે. આંતરરાષ્ટ્રિય ફિલ્મ ફેસ્ટિવલમાં તે ખૂબ વખણાઈ હતી. અને ટેલિવિઝનમાં વિશ્ર્વની ફિલ્મો બતાવતી ચેનલમાં પણ પ્રસિદ્ધ થઈ હતી. જો કે એ ફિલ્મ ઈરાનમાં જ દર્શાવી શકાઈ નહોતી. આ ફિલ્મ અનાયાસે જ ટીવીમાં જોવા મળી ગઈ હતી. ફિલ્મ કોમેડી છે. પણ કહે છે ને દરેક હાસ્ય પાછળ એક દર્દ છુપાયેલું હોય છે. તેમ આ ફિલ્મ જોનાર દરેકને તેનો અનુભવ થાય છે. ૨૦૦૬ની સાલમાં ઇરાને બહેરિનને ફૂટબોલમાં હરાવીને જર્મનીમાં થનાર વર્લ્ડ કપમાં પ્રવેશ મેળવ્યો હતો. કલ્પના કરો કે હજી ભારતે ક્યારેય ફૂટબોલની ક્વોલિફાઈંગ મેચમાં જીત મેળવી નથી. તો ઇરાનમાં તે અંગે કેટલી ઉત્તેજના હશે. ફિલ્મમાં આ ખરી મેચ અને તેની ઉત્તેજના પુરુષ જેટલી જ અનુભવતી પાંચ છોકરીઓની વાત કરવામાં આવી છે. પાંચ ઇરાની છોકરીઓ નક્કી કરે છે કે પુરુષ વેશ પહેરીને સ્ટેડિયમમાં જઈને મેચની લાઈવ મજા માણવી. પાંચે છોકરીઓ ફૂટબોલની ડાઈહાર્ડ ફેન છે. છોકરીઓના સ્ટેડિયમ સુધીનો પ્રવાસ, પોલીસના હાથે ન પકડાવાના પેતરાં, પકડાઈ ગયા બાદ છૂટવાના પેંતરા વગેરેને દિગ્દર્શકે ખૂબ જ રમૂજી રીતે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. ફિલ્મ તમને છેલ્લે સુધી જકડી રાખે છે. પણ તેના અંતે તો છોકરીઓ પકડાઈ જ જાય છે. છોકરીઓને પકડાઈ જવાનો અફસોસ નથી હોતો પણ મેચ ન જોઈ શક્યાનો અફસોસ હોય છે. પોલીસવાનમાં બેઠા છતાં જીતના માહોલમાં ડૂબેલા ઇરાન સાથે તેઓ ઐક્ય અનુભવે છે. આ ફિલ્મ કોઇપણ જાતની ચળવળની વાત નથી કરતી. તેમાં ફક્તને ફક્ત સ્પોર્ટસ માટેનો પ્રેમ જ કેન્દ્ર સ્થાને છે. એ ભાવને સ્ત્રી પુરુષનો જાતિય ભેદભાવ નડતો નથી એ જોઇ શકાય છે. આ ફિલ્મ શક્ય હોય તો દરેકે જોવી જોઇએ.

આજે પણ આ ફિલ્મમાં દર્શાવેલી સ્થિતિમાં કોઇ ફરક નથી આવ્યો. ઇરાનમાં છોકરી પોતાનો દેશ જે રમતમાં ભાગ લેતો હોય તે રમત જોવા જવાના ગુનામાં જેલ ભોગવે છે. આ ફિલ્મ બનાવવાની પ્રેરણા દિગ્દર્શકને પોતાની દીકરી પાસેથી મળી હતી. તેને કોઈપણ ભોગે સ્ટેડિયમમાં મેચ જોવા જવું હતું. જો કે એ દિગ્દર્શક પન્હાઈ તેની પત્ની અને પુત્રી સહિત ઈરાનમાં નજરકેદ છે. ત્યાં પણ કેટલાક શિક્ષિતપુરુષો સ્ત્રીને સમાન અધિકાર આપવાની તરફેણમાં છે પણ કેટલાક કટ્ટર ધાર્મિક કાયદાઓના રખેવાળ સરકાર સ્ત્રીને સમાન અધિકાર આપતા ડરી રહી છે. કેટલાક મુઠ્ઠીભર માણસો આખીય દુનિયાના કાયદાઓ ઘડે છે. તેને તોડવાની પહેલ પણ મુઠ્ઠીભર માણસો કરે છે, બાકીના સમાજમાં ગાડરિયા પ્રવાહની જેમ બંધનો અને ખોટી માન્યતાઓમાં જીવી જાય છે.

ભારતની અલીગઢ યુનિવર્સિટીમાં છોકરીઓને કોલેજની ચૂંટણીમાં મત આપી શકાય પણ પ્રચારમાં ભાગ લેવામાં પણ પાબંદી હોઇ શકે. અને લાઈબ્રેરીમાં મેમ્બરશીપ પણ ન મેળવી શકે. સ્ત્રી તરીકે જન્મવું આજના યુગમાં હજી ગુનો છે. વિકસિત શહેરોમાં અને ઉપલા વર્ગમાં આવેલા બદલાવથી આખી દુનિયા બદલાઈ ગયેલી માનવું ભૂલ ભરેલું છે. હજી આજે પણ કેટલાંય ઘરોમાં જમવામાં શું શાક બનાવવું તે નિર્ણય પણ પુરુષો જ લેતાં જ હોય છે. એવામાં જો કોઇ સ્ત્રી રસોઇ જ ન બનાવવાનો નિર્ણય કરે તો પણ તે ચીલો ચાતરવાનું જોખમ ઉઠાવતી હોય છે.કંઈક તુફાની કરવાની હિંમત આજની મહિલાઓ કેળવી રહી છે ખરી, પરંતુ સમાજને બદલાતા હજી સમય લાગશે. આનંદ એ જ વાતનો લેવાનો કે એ બદલાવની શરૂઆત દુનિયાના ખૂણે ખૂણેથી થઈ રહી છે.


You Might Also Like

0 comments