પિતા-પુત્ર વચ્ચે અતૂટ સેતુ (saanj samachar)
07:24
પુત્ર અને પિતા વચ્ચે સંવેદનની નાડ
જોડાયેલી હોય છે.
ગયા
અઠવાડિયે એક બંગાળી ફિલ્મ જોઈ મયુરાક્ષી. ફિલ્મનું નામ જરા વિચિત્ર લાગ્યું.
બંગાળી કથા અને ફિલ્મો માટે રવીન્દ્રનાથ ટાગોર અને શરદચંદ્રને લીધે જોડવાનું
બન્યું. કેટલીક અંગ્રેજી ફિલ્મો જોઈને મૂક બની જવાય અને પછી તેના વિશે ક્યારેકને
ક્યારેક લખવાનું મન થાય. બંગાળી ફિલ્મોનું પણ એવું જ બન્યું છે. બંગાળી ફિલ્મોને
અંગ્રેજી સબટાઈટલ સાથે જોઈએ કે તે વિના પણ જોઈએ તો ય ખબર નહીં કેમ પણ સંવેદનાના તાર
ઝણઝણી ઊઠે છે. મયુરાક્ષી ફિલ્મ હાલમાં જ રિલિઝ થઈ છે. ગુજરાતમાં તે જોવા ન મળે તે
સ્વાભાવિક છે એટલે આજે તમને શબ્દો દ્વારા એ ફિલ્મ દર્શાવવી છે.
મયુરાક્ષી
ફિલ્મ એ સાહિત્યકૃતિ વાંચવા જેવું હતું. એવી સાહિત્યકૃતિ જે દૃશ્યોના માધ્યમથી
બોલે છે. તમારે બિટવીન ધ લાઈન સમજી લેવાનું. ફિલ્મના મુખ્ય પાત્રો બંગાળના ધુરંધર
અભિનેતાઓ છે. સૌમિત્ર ચેટર્જી અને પ્રોસનજીત ચેટર્જી. વાર્તા છે ૮૪ વરસના સુશોવન જે
એક જમાનામાં ઈતિહાસના વિદ્વાન હતા અને લગભગ પિસ્તાળીસ, પચાસના પુત્ર આર્યનીલની જે શિકાગોમાં
રહે છે. પિતા-પુત્રના સંબંધો વાર્તાઓમાં આવે ત્યારે સંઘર્ષ દર્શાવવામાં આવે છે. યા
તો પિતા-પુત્ર જે બે પુરુષ છે તે બે અંતિમે ઊભા હોય એવું મોટાભાગે બનતું હોય છે. આ
ફિલ્મમાં પિતા-પુત્ર જ્યારે મળે છે ત્યારે સમયના ફલકો સંવેદનામાં વિલીન થઈ જાય છે.
સૌમિત્ર ચેટર્જીએ સત્યજીત રાય જેવા ફિલ્મે મેકર સાથે કામ કર્યું છે. તેઓ પોતે પણ
હાલ ૮૩ વરસના છે. ફિલ્મમાં પોતાની જ ઉંમર જીવતાં સૌમિત્ર ચેટર્જીને ઉંમરને પરિણામે
ડિમેન્સિયાની અસર શરૂ થઈ હોય છે. તેઓ વર્તમાન સાથે તાળો મેળવી નથી શકતા પણ વરસો
પહેલાંના સમયને તાદૃશ્ય જીવી શકે છે.
અચાનક
પિતાને ડિમેન્સિયાની અસર જણાતા શિકાગોથી આર્યનીલ ઈમરજન્સી રજા લઈને પાછો આવે છે.
આર્યનીલે બે વાર લગ્ન કર્યા, પણ બન્ને વખત તે ફેઈલ ગયા. પહેલાં લગ્નથી દીકરો છે જે
દૂન સ્કુલમાં ભણે છે. પિતા કોલકોત્તામાં એકલા રહે છે અને તેમની દેખભાળ માટે
કેરટેકર, હાઉસકિપર રાખી હોય છે. બીજા છૂટાછેડા બાદ પત્નીને મોટી રકમનું ભથ્થું
આપવું પડે છે. એકલતામાં જીવતાં પિતા-પુત્રની વચ્ચે એક સેતુ છે તે વીતી ગયેલા
સમયનું સંભારણું. આમે ય તે પિતા બુદ્ધિશાળી અને સમજદાર છે. તેમની દુનિયા એકના
એક પુત્રની સાથે વીતાવેલાં ભૂતકાળ સિવાય
કશુંય નથી. સંવેદનશીલ પુત્ર આ સમજે છે, પણ તે પરિસ્થિતિઓની સામે લાચાર છે. પાંચ
દિવસમાં ય પિતા-પુત્ર વચ્ચે સંવાદનો સેતુ ફરીથી બંધાય છે. આખીય ફિલ્મની વાર્તામાં
ક્યાંય પરિસ્થિતિઓ વિશે ફરિયાદ નથી કે ન તો તેની સામે સંઘર્ષ છે. કદાચ એટલે જ વિષમ
પરિસ્થિતિમાં સંબંધોની ગરિમા અને સંવાદિતા જળવાઈ રહે છે. મયુરાક્ષી એક ભૂતકાળનું
પાત્ર છે કે જે પિતાની પ્રિય શિષ્યા હતી. જેની સાથે તે પોતાના દીકરાને પરણાવવા
માગતા હતા, અને એ શિષ્યા પણ પ્રોફેસર પિતાના પુત્રને ચાહતી હતી એવું જાણવા મળે છે.
પુત્રને મયુરાક્ષીને પરણવામાં રસ નહોતો અને તે શિકાગો જતો રહ્યો હતો. હવે પિતા
માનસિક બીમારીને કારણે ભૂતકાળમાં જીવે છે અને મયુરાક્ષી ફક્ત શબ્દ દેહે ફરીથી પિતા
પુત્ર વચ્ચે આવે છે. ફરીથી પુત્ર તે પ્રેમને પાંગરવા નથી દેતો પણ મયુરાક્ષીને પિતાના
માનસિક પ્રદેશમાં મારી નાખે છે. સાહિત્યકૃતિ
જેવી આ ફિલ્મ એકવાર જોવા જેવી છે. હવે તો ટેકનોલોજીના જમાનામાં કશુંય જ અશક્ય નથી.
તમને જો એમ હોય કે બંગાળી નથી આવડતું તો નો પ્રોબલેમ અંગ્રેજી સબટાઈટલ છે. બાકી
ભાવને સમજવા માટે શબ્દોની જરૂરત નથી હોતી.
ફિલ્મ જોયા બાદ
પિતા-પુત્રના સંબંધો વિશે સતત વિચાર પીછો કરતા રહ્યા. થયું તેને કાગળ પર
ઉતારીએ. જુનીને જાણીતી કહેવત છે કે વડ
તેવા ટેટાં ને બાપ તેવા બેટા. પુરુષ જ વાય ક્રોમોઝોમ ધ્વારા પુરુષ જાતિને સ્ત્રી
ગર્ભમાં રોપી શકે છે. છતાં બન્ને વચ્ચેના સંબંધો હંમેશા ઇટ્સ કોમ્પલિકેટેડના
દાયરામાં જ રહ્યા છે. છેલ્લા 200 વરસનો પિતાઓનો ઇતિહાસ જોઇએ તો તેમનો રોલ બદલાતો
રહ્યો છે. પહેલાંના પિતા ઘરના દરેક એટલે કે નાનામાં નાનામાં નાના નિર્ણયો પણ
પોતાના હાથમાં જ રહેતા. સમય બદલાયો ગામમાંથી શહેર અને પરદેશ જઇને પિતા વસતા હોય
અને અહીં બાળકો ઉછરતાં હોય માતા અને કાકા, મામાઓના છોકરાઓ સાથે...રોલ મોડેલ પણ
મોટેભાગે પછી તેઓ જ હોય. વળી સમયના બદલાવ સાથે વિભક્ત કુટુંબ વ્યવસ્થા સાથે પિતા
ઘરમાં કમાઈને લાવે અને માતા ઘર અને બાળકો સંભાળે. પિતા ડરામણું પ્રાણી બનીને રહી
જાય. પપ્પા આવશે તો ખબર પડશે તને કે પપ્પાને
કહે કે તે શું કર્યું જેવા મમ્મીના શબ્દો પુત્રને પિતાની વચ્ચે ગેરસમજનું અંતર
ઊભું કરે. ક્યારેક એ અંતર વધી ય જાય તો વળી થોડા દશકા વીતતાં પુત્ર પુરુષ બને
ત્યારે પિતા મિત્ર પણ બની શકે છે. સમય જતાં વિભક્ત કુટુંબમાં બાળકોની સંખ્યા
ઘટે છે. એક બાળક હોય તેમાં ય દીકરો હોય તો તેના ઉછેરથી લઈને શિક્ષણ અને
કારર્કિદીની દરેક ચિંતા પિતા કરશે. પણ તેમાંય સરળતા નથી જ રહેતી. પોતાના અધૂરા
રહેલા સપનાઓ કે પોતે જે ન કરી શક્યા તે અપેક્ષાઓ પિતા, પુત્રમાં જોવા ઇચ્છશે.
અઘરું હોય છે પુત્રને ફ્રિડમ આપવી તેની રીતની જીંદગી જીવવા માટે.ભાગ્યે જ કોઈ પિતા
કહી શકે કે જા દીકરા જીવી લે તારી જીંદગી અને ઠોકર ખાય તો મારી પાસે આવતાં ગભરાતો
નહીં. પિતા એવી ફ્રિડમ આપતાં ડરે છે કારણ કે પોતે જે દુનિયાથી માત ખાધી હોય છે કે
જે ફેઇલ્યોરિટી જોઈ હોય છે તે દીકરાએ ન જોવી પડે તેની ચિંતા હોય છે. પુત્ર સતત સફળ
થાય તો પોતે પિતા તરીકે સફળ થાય એવી અપેક્ષાઓનો બોજો પિતા અને પુત્રના સંબંધને
કોમ્પલિકેશનમાં મૂકે છે. સફળતાએ દરેક વ્યક્તિએ જુદી હોય છે. એવું પિતા જ્યારે
પુત્ર હોય છે ત્યારે માનતા હોય છે પણ એ પુરુષ જ્યારે પિતા બને છે તે સમયે તેની
વિચારધારા બદલાઈ જાય છે.
2010ની
સાલમાં ધ વે નામની અંગ્રેજી ફિલ્મ આવી હતી. આ ફિલ્મ પિતા,પુત્રના સંબંધની જ
હતી. અને તેમાં રિયલ લાઈફના પિતા,પુત્ર કામ કરે છે. એમિલીઓ એસ્ટેવિઝ આ ફિલ્મનો
નિર્માતા,દિગ્દર્શક અને લેખક છે. તેના પિતા જાણીતા અભિનેતા માર્ટિન શીન
ફિલ્મમાં પણ તેના પિતાનો રોલ કરે છે. કથા કંઇક આવી છે. ડોકટર થોમસ પોતાના
દીકરા ડેનિયલના કામકાજ છોડીને દુનિયા ફરવાના નિર્ણય સામે નારાજ છે. પત્નિ વરસો
પહેલાં ગુજરી ગયા બાદ થોમસે જ ડેનિયલને ઉછેર્યો છે. ડેનિયલ પિતાની નારાજગી છતાં
પ્રવાસે જતો રહે છે. સ્પેનમાં સેન્ટ જેમ્સની ધાર્મિક યાત્રા કરતાં ડેનિયલ એક
દુર્ઘટનામાં મૃત્યુ પામે છે. થોમસ ભાંગી પડે છે, દીકરાના અંતિમ સંસ્કાર માટે સ્પેન
જાય છે. ત્યાં પહોંચીને નક્કી કરે છે કે દીકરાની યાત્રા તે પૂરી કરશે. 70 વરસનો
બાપ દીકરાની રાખ લઈને પહાડોમાં બીજા યાત્રિકો સાથે પ્રવાસ કરે છે જે પ્રવાસ દરમિયાન
તેનો પુત્ર મૃત્યુ પામ્યો છે. પદયાત્રા થોમસને દીકરાની સમજ નજીક પહોંચાડે છે.
યાત્રા તેને પુત્રને સમજવાનો અને તેની નજીક જવાનો મોકો આપે છે. પુત્ર ખોઈ બેઠેલા
નિરાશ પિતાના જીવનને નવો આયામ આપે છે.
0 comments