આમીર ખાનને ચમકાવતી ગુલામ, રાજનીતી, અપહરણ જેવી અનેક ફિલ્મોના સ્ક્રિપ્ટ લેખક અંજુમ રજબઅલી ચિત્રલેખા સાથે વાત કરતા કહે છે. મૂળ સૌરાષ્ટ્રના તળાજાના અંજુમ આજે પણ તળાજામાં ખેતીવાડીનું ધ્યાન રાખવા દર બે મહિને ગામ જાય છે. દાયકાઓ પહેલાં ગામમાં દુકાળ પડતાં એમના પરદાદા મુંબઈ આવ્યા એટલે મુંબઈ સાથે પણ નાતો જોડાઈ ગયો.
અંજુમ રજબઅલીનો જન્મ મુંબઈમાં થયો પણ તેઓ વરસેકના થયા કે પિતા ખેતીવાડી સંભાળવા માટે પાછા તળાજા જઈને સ્થાયી થયા, એટલે તેમનું બાળપણ ત્યાં વીત્યું. પિતાને લાગ્યું કે નાનકડા ગામમાં બાળકોનું ભણતર અધુરું રહેશે એટલે તેમને બેલગામની મિલિટરી શાળામાં અભ્યાસ કરવા બોર્ડિંગમાં મૂક્યા. ત્યારબાદ સાયકોએનાલિસ્ટ બનવા માગતા અંજુમભાઈએ પિતાજીની તબિયત નાદુરસ્ત રહેતા તળાજા અને મુંબઈ વચ્ચે આવજા કરવું પડ્યું. સાયકોએનાલિસ્ટ તો ન બની શક્યા એટલે એક સમાજિક સંસ્થામાં નોકરી કરી પણ ત્યાં પૈસા ઓછા હતા એટલે સાત વરસ પછી ‘બિઝનેસ ઈન્ડિયા’ મેગેઝિનમાં નોકરીમાં જોડાયા. ત્યાં ડેટા બેઝ બનાવવાનું કામ કર્યું.
સ્ક્રિપ્ટ રાઈટર બનવાનું ક્યારેય વિચાર્યું નહોતું. તેઓ લેખક પણ નહોતા. અનાયાસ જ એમનો ભેટો સિનેમેટોગ્રાફર બાબા આઝમી સાથે થયો. તેમની સાથે ફિલ્મોની વાતો થતી એટલે એક દિવસ બાબા આઝમીએ તેમને સ્ક્રિપ્ટ લખવા કહ્યું ‘ટ્રાય તો કર.’ તેમણે લખી જોયું અને લાગ્યું કે લખવાની મજા આવે છે. ધીમે ધીમે નોકરી સાથે સ્ક્રિપ્ટ રાઈટિંગનો કસબ જાત મહેનતે હસ્તગત કર્યો. ખાસ વિદેશથી એને લગતાં પુસ્તકો મંગાવ્યાં. દેશી વિદેશી ફિલ્મો જોઈ...
અંજુમભાઈ કહે છે કે, “ તે સમયે સ્ક્રિપ્ટ રાઈટિંગ શીખવાડે એવી કોઈ ઈન્સ્ટિટ્યુટ નહોતી. નહોતું. નોકરી કરવા સાથે સવારે ચારથી છ વાગ્યા સુધી મેં મારી આરંભની ચારેક ફિલ્મોની સ્ક્રિપ્ટ લખી. એમાં દ્રોહકાલ, ચાઈનાગેટ. ગુલામ, કચ્ચે ધાગે હતી. ત્યારબાદ હું સ્ક્રિપ્ટ રાઈટર તરીકે પ્રસ્થાપિત થતાં નોકરી છોડી.”
આજે અંજુમભાઈ વ્હિસલિંગવુડ્સમાં સ્ક્રિપ્ટ રાઈટિંગ વિભાગના વડા છે. ફિલ્મસ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયામાં પણ સ્ક્રિપ્ટ રાઈટિંગ વિભાગના ઓનરરી વડા તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ સ્ક્રીન રાઈટર્સ એસોસિસિયેશન સાથે પણ સક્રિય કામ કરી રહ્યા છે. ને એના નેજા હેઠળ સ્ક્રિપ્ટ રાઈટિંગની વર્કશોપ પણ ચલાવે છે. આ બધાં વચ્ચે એમનું લેખન પણ ચાલુ જ હોય.
નવા લેખકો માટે તેઓ કહે છે કે, “વાર્તા કહેતાં આવડવા માત્રથી ફિલ્મ રાઈટર ન બની શકાય આજે સ્ક્રિપ્ટ રાઈટિંગ ક્રાફ્ટ જરૂરી છે, સારા સ્ક્રિપ્ટ રાઈટરો માટે હવે ઘણી તકો ઊભી થઈ રહી છે. ગુજરાતી ભાષામાં પણ હવે ફિલ્મ અને વેબ સિરિઝમાં ઘણું કામ થઈ રહ્યું છે.”
- 23:55
- 0 Comments