કિતાબ કથા બેઠક ૧૩ / ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪
02:26
કિતાબ કથાની ૧૩ મી બેઠક એટલે કે કિતાબ કથાનું બીજું વરસ શરૂ થયું સ્પેનિસ સાહિત્ય વાંચવાથી. સ્પેનિસ સાહિત્ય વાંચવા માટે દરેકે ગુગલ મહારાજ પર ખણખોદ કરી. માર્કેઝ પહેલાં વાંચ્યા હતા એટલે સ્પેનિસ સાહિત્યને અંગ્રેજીમાં પોતાને ગમે એ વાંચન શોધવું બધાને થોડું અઘરું લાગ્યું. વોટ્સ એપ્પ ગ્રુપ ઉપર, અને અંગત મળવાનું બન્યું ત્યારે બળાપો ય વ્યક્ત થયો. એ છતાં બધાંએ મહેનત કરી પોતાને વાંચવું ગમે એવું પુસ્તક શોધ્યું. એટલું જ નહીં મિટિંગમાં બધા બોલવા માટે તલપાપડ હતા. જેમ દરેકને ભોજનમાં કંઈક વધુ ભાવે ન ભાવે હોય એમ વાંચવામાં દરેકની પોતાની પસંદગી હોય. એ સ્પષ્ટ સમજાયું છેલ્લા વરસમાં. જો વાંચવામાં પોતાને મજા આવી હોય તો તે એ પુસ્તકની વાત પણ રસપૂર્વક કરે.
એટલું જ નહીં હાજર બધાને મસ્ટ રીડ…વાંચોજ એવો આગ્રહ પણ કરે ત્યારે કિતાબ કથાના દરેક હાજર સભ્યને આનંદ આનંદ થઈ જાય. આ વખતે હાજર આઠ મિત્રોએ પોતે વાંચેલું પુસ્તક વાંચવા જેવું છે એવો આગ્રહ કર્યો.
વાતની શરૂઆદત હેતલ દેસાઈએ કરી હતી. ‘એ હાર્ટ સો વ્હાઈટ’ હેવીયર મારિયાસે લખેલું પુસ્તક વાચ્યું હતું. હેવીયરે ૧૪માં વરસથી લખવાની શરૂઆત કરી હતી. એમાં નાયક તેની પત્ની, તેના પિતા અને પિતાના ત્રણેક લગ્નો એમ અનેક સ્તરે વાત ચાલે છે. આ રહસ્યકથા પણ કહી શકાય પણ તેમાં ફિલોસોફી પણ છે. આ ફિલોસોફી હેતલને સ્પર્શી ગઈ છે. એ કહે છે કે મુખ્ય વાત એ છે કે જીવનમાં બધું બદલાતું રહે છે એટલે કોઈ એક વાતને વધુ મહત્ત્વ આપવાની જરૂર છે. દરેક ઘટના ભૂતકાળ બની જવાની છે.
પિન્કી દલાલે ફ્રેડરિકો ગાર્સિયા લોરકા લિખિત ‘ધ હાઉસ ઓફ બર્નાડા આલ્બા’ વાંચી હતી. એના પરથી નાટક અને ફિલ્મ પણ બની છે. પુસ્તકમાં સત્તા અને તેની જોહુકમી, સંબંધો, સેક્સ, ઓપ્રેશન વગેરે વગેરે બધું જ છે.
જ્હાનવી પાલે હેવીયર મોરો લિખિત ‘પેશન ઈન્ડિયા’ વાંચી હતી. આ નવલકથા કપુરથલાની રાણી અનિતા ડેલગાડોની ડાયરી પર આધારિત છે. છતાં આ ફિકશન છે. કાલ્પનિક છે એવું પુસ્તક પર લખાયેલું છે. કપુરથલાના રાજા સ્પેનિસ યુવતીના પ્રેમમાં પડે છે અને તેને પરણીને કપુરથલા લાવે છે. કપુરથલામાં રાજાના મહેલમાં રહેતી અન્ય રાણીઓની વાત. અંગ્રેજોની વાત, મહેલમાં રચાતા સંબંધોના સમીકરણો કે જેમાં લવ, લસ્ટ, હેટરેડ અને પોલિટિક્સ પણ હોય જ.
નેહલ વૈદ્યે ચેગુઆરાની ‘બાઈસિકલ ડાયરીઝ’ વાંચી હતી. ચેગુઆરાએ ડોકટરીનો અભ્યાસ પૂર્ણ કરતા પહેલાં લેટિન અમેરિકામાં ઘણું રખડ્યો હતો. આમ પણ એ સાહસિક હતો જ. એવા જ એક પ્રવાસની આ વાત છે. એ પ્રવાસ બાદ ચેગુઆરા રિવોલ્યુનિસ્ટ બન્યો એવું કહી શકાય. એના પરથી ફિલ્મ પણ બની જ છે અને વખણાઈ પણ છે.
પ્રીતી જરીવાલાએ મારિઓ એસ્કોબારની ‘રિમેમ્બર મી’ વાંચી હતી. સત્ય ઘટના પર આધારિત આ પુસ્તક ખરેખર રડાવી દે એવું છે. ૪૬૦ સ્પેનિસ બાળકોને ૧૯૩૭ની સિવિલ વોર દરમિયાન માતાપિતા દ્વારા યુદ્ધની તકલીફોથી બચાવવા માટે મેક્સિકો મોકલવામાં આવ્યા હતા. એવા જ એક કુટુંબની વાત છે જેમાં ૧૨ વરસના દીકરા સાથે બે નાની દીકરીઓને મેક્સિકો મોકલવામાં આવે છે. મેક્સિકોમાં આ બાળકોના શું હાલ થાય છે અને પાછા આવે છે ત્યારે માતાપિતાને જેલમાં મળવાનું બને છે. પ્રીતી વાત કરતી હતી ત્યારે રશિયા-યુક્રેન અને ઈઝરાયલ-ગાઝા વચ્ચેના યુદ્ધ નજર સામે આવ્યા.
ખેવના દેસાઈએ સિલ્વિયા મૉલી લિખિત પુસ્તક ડિસલોકેશન વાંચ્યું હતું. બે મૈત્રીણીઓની વાત છે. એમાં એક મિત્રને ડિમેન્સિયા થઈ જાય છે અને ધીમે ધીમે તે બધું જ ભૂલી રહી છે. ડાયરી ફોર્મમાં આ પુસ્તક લખાયું છે. લખનાર મિત્ર રોજ ડિમેન્સિયા થયું હોય છે એ મિત્રને મળે છે ત્યારે એને શું લાગે છે એ વિશે લખે છે. વિષય વસ્તુ જુદો છે, આમ આ નાનકડી નવલકથામાં કશું જ નથી બનતું અને છતાં એ ન બનતી ઘટનાઓ પણ આપણને કેવી અસર કરે છે એને સરસ રીતે લખાયું છે.
નંદિની ત્રિવેદીએ ગ્રેબિઅલ ગાર્સિયા માર્કેઝની ટૂંકી વાર્તાઓનું પુસ્તક સ્ટ્રેન્જ પિલગ્રિમ્સમાંથી બે વાર્તાઓ વાંચી હતી. જુદી જ જાતની વાર્તાઓ હતી.
મેં પોતે બે પુસ્તક વાંચ્યાં હતાં. એક જુલિયન અલ્વેરિઝનું ‘હાઉ ધ ગાર્સિયા ગર્લ્સ લોસ્ટ ધેઈર એસેન્ટ’. એમાં એક પરિવારની વાત છે જે ડોમનિક રિપબ્લિક છોડીને અમેરિકા આશ્રય લેવા મજબૂર બને છે એની વાત છે. અમેરિકા જતાં પહેલાં અને પછી શું બને છે એ પરિવારના સભ્યો સાથે એની વાત છે. કુટુંબમાં માતાપિતા અને ચાર છોકરીઓ છે. વાત સારી છે પણ મને ભાષાને લીધે કહો કે ગમે તે પણ મને સંતોષ ન થયો. જો કે થીમ સારો હતો. બીજું પુસ્તક અદ્ભૂત હતું. એ હજી પણ પુરું વાંચવાનું બાકી છે કારણ કે તેમાં આવતા બીજા લેખકોના સંદર્ભો વાંચવા માટે એ બીજા લેખકની વાર્તાઓ પણ વાંચવી પડી. તોમસ એલો માર્ટિનેઝ લિખિત ‘ધ ટેન્ગો સિંગર’ (અનુવાદ એન્ન મેકલેન) માં બોર્હેસ, ઈસબન, કાફકા વગેરે અનેક લેખકોના સંદર્ભો તો છે જ પણ બુએના એરિઝ શહેરને પણ એક વ્યક્તિની જેમ વર્ણવવામાં આવ્યું છે. બ્રુનો કેડોગન નામનો અમેરિકન યુવાન ટેન્ગો સિંગર પર પીએચડી કરતો હોય છે. એમાં એક સિંગર જુલિઓ માર્ટેલને સાંભળવા માટે તે આર્જિન્ટિનાના બુએના એરિઝ શહેરમાં આવે છે. એ જે ગલીમાં રહે છે ત્યાં જ બોર્હેસ પણ રહ્યા હોય છે. અને બોર્હેસે લખેલી ‘ધ આલેફ’ વાર્તામાં વર્ણવવામાં આવેલા મકાનમાં જ એ રહે છે. ( નવલકથા બાજુ પર મૂકીને મારે બોર્હેસ લિખિત આલેફ વાર્તા વાંચવી પડી. ટાઈમ અને કમ્પાસ પણ વાંચવી પડી. ટૂંકમાં બોર્હેસ વાંચવા પડ્યા એ ત્રીજા લેખક) વાચકોને હું બોર્હેસ વાંચવાની ભલામણ કરીશ. ટેન્ગો સિંગર એ પછી વાંચવી જોઈએ. સરળ ભાષાંતર થયું છે. મેજિક રિયલિઝમ આમાં આબાદ પકડાય છે.
0 comments